કેટેગરી મહત્વના સમાચાર

  • ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

    ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540)

    હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત  મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ સોમવારે થઈ હતી.

    તારીખ 19 એપ્રિલ શરૂ થયેલા પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોલેશ્વર મંદિર સાથે સંકળાયેલા ભાવિક ભક્તોએ ટ્રસ્ટીગણ તેમજ સન્યાસી મહાત્માઓએ ઉત્સાહભેર રુદ્ર યજ્ઞ તેમજ અન્ય યજ્ઞ હવન કરીને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 એપ્રિલ સોમવારના દિવસે સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો હવનમાં બેઠા હતા ભગવાન મહાદેવના રુદ્ર હવનમાં આશરે 25 જેટલા કુટુંબો ત્રણ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવ આરાધના કરી હતી.

    ભોલેશ્વરના પ્રાંગણમાં નિર્માણ થઈ રહ્યો છે વાનપ્રસ્થાશ્રમ.

    થોડાક મહિનાઓ કે વર્ષ પછી ભોલેશ્વરમાં વાનપ્રસ્થાશ્રમ પણ નિર્માણ થઈ રહ્યો છે. આપણા વૈદિક ધર્મ પ્રમાણે હિન્દુ પુરુષના જીવનના 50 વર્ષ વટાવ્યા પછી ત્રીજો આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય છે! તો આ વાનપ્રસ્થાશ્રમ માટે એક મોટો હોલ ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નિર્માણ કરવામાં આવી રહ્યો છે , જેમાં વડીલો અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશનારા લોકો ત્યાં રહી શકશે તેવી રૂમો પણ નિર્માણ થઈ રહી છે.

    તમે ભોલેશ્વર જાઓ તો અચૂક એની બાજુમાં આવેલા આ હોલની મુલાકાત લેજો. નગરપાલિકાના નવ વોર્ડના કોર્પોરેટર જીગ્નેશ પટેલ જ આ હોલનું નિર્માણ કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ માહિતી આ મહોત્સવ દરમિયાન આપી હતી.😀⚘⚘⚘.*

    **** જરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણ ભારતી જી એ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિન ભોલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તોને આશીર્વાદ આપ્યા.****

    * *ભગવાનને સમર્પિત સંતોની હર કોઈ ચેષ્ટા ભગવાનના આશીર્વાદ રૂપ હોય છે!*

    ⚘🙏💐😃⚘⚘💐💐
    *આજરોજ ભર બપોરે એટલે કે સોમવારની બપોરે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ ઝરણેશ્વર મંદિરના મહંત લક્ષ્મણભારતી બાપુ સ્વયમ ભોલેશ્વર મહાદેવ મંદિર ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનાર્થે ભોલેશ્વર પધાર્યા હતા ! એમની સાથે ડ્રાઇવર અને એક બે ભક્ત હતા! પરંતુ આકસ્મિક મુલાકાત હોવાને કારણે બીજા બધા લોકો એમના આગમનથી અજાણ્યા હતા. હું ત્યાં દર્શન કરીને પાછો ફરી રહેતો હતો ત્યાં અચાનક મારી નજર બાપુ પર પડી. સૌથી પહેલા મહંત લક્ષ્મણ ભારતીજી મહારાજ એ ભોલેશ્વર મહાદેવના પૂજન અર્ચન કર્યા ! ત્યારબાદ લોકોએ જ્યારે બાપુને જોયા તો તેમને પગે લાગ્યા અને ત્યારબાદ તે કાર્યક્રમમાં મુખ્ય સન્યાસી આવ્યા હતા તેમની ચેમ્બરમાં અમે લક્ષ્મણ ભારતી જી ને લઈ ગયા હતા, એમની સાથેના ડ્રાઇવર રબારી એ કહ્યું કે તમે બાપુને સંત બીરાજે છે ત્યાં લઈ જાઓ.

    યોગાનુંયોગે હું હાજર હતો અને લક્ષ્મણભારતીજી બાપુને દોરી ને લઈ ગયો હતો. ત્યારબાદ બંને સંતોની મુલાકાત થઈ થોડીવાર ત્યાં બેઠા , ત્યારબાદ લક્ષ્મણભારતીજી નીચે આવ્યા અને ટ્રસ્ટીઓ એમના કાર્યાલયમાં લઈ ગયા જેમણે બાપુને પ્રસાદીનો ડબ્બો પણ ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો!

    આમ, કુલ 10 થી 15 મિનિટ મુલાકાતમાં મહંત શ્રી લક્ષ્મણભારતી મહારાજે ભોલેશ્વર મહાદેવ પધારી તેમની હાજરીથી વાતાવરણમાં આશીર્વાદ પ્રસર્યા હતા.

    હર હર મહાદેવ!*

  • ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

    ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

    હેમંત ઉપાધ્યાય, અમદાવાદ

    ભારતમાં ગરમીની સિઝન આવી ગઈ છે એટલે લોકોને કેરી જરૂર યાદ આવે ખાસ કરીને આમ વૃક્ષો પર નાની કેરીઓ હવે જોઈ શકાય છે ! ભારતને “કેરીઓની ભૂમિ” તરીકે ઓળખવામાં આવે છે, અને તે વિવિધ પ્રકારની કેરીઓનું ઘર છે, દરેક કેરીનો પોતાનો સ્વાદ, પોત અને સુગંધ ધરાવે છે. આ કેરીની કેટલીક જાતો તેમની મીઠાશ અને સમૃદ્ધિ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. નીચે ભારતમાં જોવા મળતી કેટલીક સૌથી લોકપ્રિય અને કિંમતી કેરીઓની યાદી છે:

    1. આલ્ફોન્સો (હાપુસ)
    મૂળ: મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક
    દેખાવ: સોનેરી-પીળી છાલ સાથે થોડો લાલ બ્લશ.
    સ્વાદ: સમૃદ્ધ, ક્રીમી અને માખણની રચના સાથે મીઠી.
    ખાસ નોંધ: ઘણીવાર “કેરીનો રાજા” તરીકે ઓળખાતી, આલ્ફોન્સો કેરીઓ તેમના અનોખા સ્વાદ માટે જાણીતી છે અને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મૂલ્યવાન છે.

    2. કેસર
    મૂળ: ગુજરાત (મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં)
    દેખાવ: નાનાથી મધ્યમ કદના, સોનેરી પીળી છાલ સાથે.
    સ્વાદ: મીઠી, સુગંધિત અને ક્રીમી રચના સાથે તીખી.
    ખાસ નોંધ: “કેરીની રાણી” તરીકે ઓળખાતી, કેસર કેરીમાં એક અલગ સુગંધ અને સ્વાદ હોય છે, જે તેને કેરી આઈસ્ક્રીમ અને મીઠાઈઓ જેવી મીઠાઈઓ બનાવવા માટે પ્રિય બનાવે છે.

    ૩. લંગડા
    મૂળ: ઉત્તર પ્રદેશ અને બિહાર
    દેખાવ: પાકેલા હોવા છતાં પણ લીલા રંગની છાલ, સહેજ પીળા રંગની.
    સ્વાદ: મીઠી અને તીખી અને અનોખી સુગંધ સાથે.
    ખાસ નોંધ: લંગડા કેરીઓ તેમના વિશિષ્ટ સ્વાદ માટે પ્રિય છે અને ઘણીવાર કાચી ખાવામાં આવે છે અથવા ચટણીમાં ઉપયોગમાં લેવાય છે.

    ૪. દશેરી
    મૂળ: ઉત્તર પ્રદેશ અને પંજાબ
    દેખાવ: લીલાશ પડતા પીળા રંગની છાલ અને થોડો લાલ રંગનો બ્લશ.
    સ્વાદ: મીઠી અને તીખી, સરળ, બિન-તંતુમય રચના સાથે.
    ખાસ નોંધ: દશેરી કેરીઓ એક લોકપ્રિય જાત છે, ખાસ કરીને ભારતના ઉત્તરીય ભાગોમાં, અને તેમના તાજગીભર્યા સ્વાદ માટે જાણીતી છે.

    ૫. સિંધરી
    મૂળ: સિંધ પ્રદેશ (પાકિસ્તાન), પરંતુ હવે ભારતમાં ઉગાડવામાં આવે છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં.
    દેખાવ: પીળી છાલ અને સરળ, અંડાકાર આકાર.
    સ્વાદ: અત્યંત મીઠી અને રસદાર, થોડી તીખીતા સાથે.
    ખાસ નોંધ: સિંધરી કેરીની ઋતુમાં આવનારી સૌથી વહેલી કેરીઓમાંની એક છે અને તે તેની મીઠાશ અને રસદારતા માટે જાણીતી છે.

    ૬. તોતાપુરી
    મૂળ: દક્ષિણ ભારત (મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં)
    દેખાવ: લાંબી, અંડાકાર આકારની અને લીલી-પીળી છાલ.
    સ્વાદ: થોડી ખાટી અને થોડી મીઠી સ્વાદવાળી.
    ખાસ નોંધ: તોતાપુરી કેરીનો ઉપયોગ સામાન્ય રીતે કેરીના અથાણા બનાવવામાં થાય છે અને તે તેમની મજબૂત રચના અને અનન્ય સ્વાદ માટે જાણીતી છે.

    ૭. ચૌસા
    મૂળ: ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારતના ભાગો
    દેખાવ: સરળ, ગોળ આકારવાળી તેજસ્વી પીળી છાલ.
    સ્વાદ: રસદાર, ફાઇબર વિનાની રચના સાથે ખૂબ જ મીઠી.
    ખાસ નોંધ: કેરીની ટોચની ઋતુ દરમિયાન ચૌસા કેરીની ખૂબ માંગ હોય છે અને તે તેમની અદ્ભુત મીઠાશ અને સરળ રચના માટે જાણીતી છે.

    ૮. નીલમ
    મૂળ: આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક
    દેખાવ: લીલા-પીળી છાલવાળી નાની થી મધ્યમ કદની કેરી.
    સ્વાદ: મીઠી અને ખાટી, તીવ્ર સુગંધ સાથે.
    ખાસ નોંધ: નીલમ કેરી તેના ખાટા-મીઠા સ્વાદ માટે લોકપ્રિય છે અને ઘણીવાર સલાડ, મીઠાઈઓ અને રસમાં ખાવામાં આવે છે.

    9. રાજાપુરી
    મૂળ: મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ભાગો
    દેખાવ: આછા પીળા રંગની છાલ અને થોડો લાલ રંગનો રંગ ધરાવતી મોટી, ગોળ કેરી.
    સ્વાદ: મીઠી, રસદાર અને થોડી તંતુમય.
    ખાસ નોંધ: રાજાપુરી કેરી તેના રસદાર પલ્પ માટે મૂલ્યવાન છે અને ઘણીવાર તેનો ઉપયોગ નાસ્તા તરીકે થાય છે અથવા ચટણી અને રસ બનાવવામાં થાય છે.

    ૧૦. બગનપલ્લી (બેનેશન)
    મૂળ: આંધ્રપ્રદેશ અને તેલંગાણા
    દેખાવ: મોટી, અંડાકાર આકારની કેરી, હળવા પીળા રંગની છાલ અને હળવા લાલ રંગની.
    સ્વાદ: મીઠી, હળવી અને ઓછી રેસાવાળી, સરળ રચના સાથે.
    ખાસ નોંધ: બગનપલ્લી કેરી ઘણીવાર પાકેલા સ્વરૂપમાં ખાવામાં આવે છે અથવા સ્મૂધી, જામ અને ફળોના સલાડમાં ઉપયોગમાં લેવાય છે.

    ૧૧. હિમસાગર
    મૂળ: પશ્ચિમ બંગાળ અને ઓડિશા
    દેખાવ: મધ્યમથી મોટી, પીળી છાલ, સરળ રચના સાથે.
    સ્વાદ: સમૃદ્ધ, સુગંધિત અને ખૂબ જ ઓછા ફાઇબર સાથે અત્યંત મીઠી.
    ખાસ નોંધ: હિમસાગર કેરીઓ તેમની સ્વાદિષ્ટ સુંવાળી અને રસદાર રચના માટે જાણીતી છે, જે તેમને બંગાળમાં સૌથી વધુ પસંદ કરાયેલી કેરીની જાતોમાંની એક બનાવે છે.

    ૧૨. આમ્રપાલી
    મૂળ: ઉત્તર પ્રદેશમાં વિકસિત હાઇબ્રિડ વિવિધતા
    દેખાવ: સોનેરી-પીળા રંગની છાલવાળી નાની, ગોળ આકારની કેરી.
    સ્વાદ: મીઠી, રસદાર અને ઓછી રેસાવાળી.
    ખાસ નોંધ: આમ્રપાલી એ દશેરી અને લંગડા કેરીનો સંકર છે અને તે તેની મીઠાશ અને સુગંધિત સ્વાદ માટે જાણીતો છે.

    ૧૩. રસપુરી
    મૂળ: કર્ણાટક
    દેખાવ: અંડાકાર આકારનો, લીલોતરી-પીળો રંગ અને થોડો લાલ રંગનો.
    સ્વાદ: મીઠી અને ખાટી, સરળ, રસદાર પોત સાથે.
    ખાસ નોંધ: રસપુરી કેરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, જે તેમના સ્વાદિષ્ટ રસદાર પલ્પ માટે જાણીતી છે.

    ૧૪. કઢણી
    મૂળ: ગુજરાત
    દેખાવ: મધ્યમ કદની અને પીળી-નારંગી છાલ.
    સ્વાદ: થોડી ખાટી સાથે મીઠી.
    ખાસ નોંધ: કઢણી કેરી તેમની સુગંધિત સુગંધ માટે પ્રખ્યાત છે અને સામાન્ય રીતે તાજી અથવા ફળોના સલાડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

    ૧૫. માલગોવા
    મૂળ: તમિલનાડુ
    દેખાવ: લીસી, પીળી છાલ સાથે અંડાકાર આકારનો.
    સ્વાદ: થોડી મીઠી અને લીસી અને થોડી તંતુમય રચના.
    ખાસ નોંધ: માલગોવા કેરીઓ તેમના તાજગીભર્યા સ્વાદ માટે જાણીતી છે અને ઘણીવાર કેરીના રસ અને મીઠાઈઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
    નિષ્કર્ષ:
    ભારતની વૈવિધ્યસભર આબોહવા અને માટીની સ્થિતિ તેને વિવિધ પ્રકારની કેરીઓ ઉગાડવા માટે એક યોગ્ય સ્થળ બનાવે છે. દેશના દરેક પ્રદેશમાં ચોક્કસ કેરીની જાતો છે જે તેમના અનન્ય સ્વાદ અને રચના માટે પ્રખ્યાત છે. ભલે તમે અલ્ફોન્સોની સમૃદ્ધિ, ચૌસાની રસદારતા, કે પછી લંગડાની ખાટી-મીઠાશ પસંદ કરો, ભારતમાં દરેક સ્વાદ માટે એક કેરી છે. કેરીની ઋતુ, જે સામાન્ય રીતે ઉનાળામાં ટોચ પર પહોંચે છે, તેની વિશ્વભરના કેરી પ્રેમીઓ આતુરતાથી રાહ જોતા હોય છે!

    પ્રસ્તુત તસવીર આલ્ફોન્સો (હાપુસ) ગૂગલ આધારિત

  • કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

    કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540

    હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ પહેલા મોની અમાવસ્યા રોજ જે રીતે પ્રયાગરાજ માં શ્રદ્ધાળુઓ ખાસ કરીને ગંગા સ્નાન માટે સંગમ ઘાટે પહોંચેલા શ્રદ્ધાળુમાં ધક્કા મૂકી થવાના પરિણામે કમનસીબે 30થી વધારે શ્રદ્ધાળુઓના મોત થવાનો મામલો સમગ્ર ભારત વર્ષમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે!  એટલું જ નહીં પરંતુ આ મોત નો આંકડો એ 30 ની પણ 300 નો હોઈ શકે છે…. એવું હજારો લાખો કુંભમેળાના પ્રેમીઓને – લોકોને લાગી રહ્યું છે. આનું કારણ શું હોઈ શકે ??? તે માટે સોશિયલ મીડિયા પર, અનેક youtuber પર અને બીજા મીડિયા ના વિડિયોઝ લોકો જોઈ રહ્યા છે…. આવો જ એક રસપ્રદ વિડિયો ગુજરાતી મીડિયામાં હમણાં મને જોવા મળ્યો!  જેનો મેં ભાગ મારી વેબસાઈટના વાચકો માટે મૂક્યો છે!

    આ વીડિયોમાં ગુજરાતની સોશિયલ મીડિયા અને youtube ચેનલ ચલાવતી દેવાંશી જોશી અને પોતાની વાત નિર્ભય પણે રજૂ કરનારા શંકરાચાર્ય અવીમુક્તેશ્વરઆનંદ વચ્ચે ખૂબ જ અટપટ સંવાદ છે જે વાચકોએ માનવો જ રહ્યો અને દર્શકોએ જોવો રહ્યો!

    સૌજન્ય :  જમાવટ મીડિયા (Jamavat youtube channel)

  • અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ-કુષ્ઠરોગ નિવારણ સેવાયોગી એટલે સુરેશભાઈ સોની

    અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ-કુષ્ઠરોગ નિવારણ સેવાયોગી એટલે સુરેશભાઈ સોની

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    આજે  રક્તપિત રોગ કે કુષ્ઠ રોગ નિવારણ દિવસ છે ! ત્યારે વાત એવા રક્તપિત ગ્રસ્ત લોકોની સેવામાં છેલ્લા ચાર દાયકા થી ધુણી ધખાવીને બેઠેલા અવધૂત- સુરેશભાઈ સોનીની જેનું તાજેતરમાં બહુમાન થયું છે !

    તાજેતરમાં એટલે કે ચાર દિવસ પહેલા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સાબરકાંઠામાં રાજેન્દ્રનગર ચોકડી એટલે કે શામળાજી જતા રસ્તા પર આવેલ સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થા  ( કુષ્ઠ રોગ નિવારણ સેવા આશ્રમ ) સ્થાપક સુરેશભાઈ સોનીને ભારતના અતિ પ્રતિષ્ઠિત જાહેર સેવાના ક્ષેત્રોમાં જાણીતા લોકો માટે અપાતા પદ્મ પુરસ્કારમાં નામ જાહેર થવાથી સમગ્ર સાબરકાંઠા વાસીઓમાં આનંદનો મોજુ ફરી વળ્યું છે !ગુજરાત કે ભારતમાં કુષ્ઠ રોગ નિવારણ માટે કાર્ય કરનારા અવધૂતની સમગ્ર દેશમાં બહુમાન થયું છે – તેવી લાગણી જિલ્લા વાસીઓ તેમજ એમને અંગત રીતે ઓળખનારા સૌ કોઈએ અનુભવી હતી !

    પ્રસ્તુત છે સુરેશભાઈ સોની અંગેના માહિતી સભર લેખનો પહેલો મણકો.

    અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ….. અન્યને સુખી કરશો, તો તમે પણ સુખી બનશો….નો જીવન મંત્ર *સેવા, સાદગી, સમર્પણનો ત્રિવેણી સંગમ એટલે સુરેશભાઈ સોની*

    *માતા-પિતાના પાંચમા સંતાન, એમ.એસ.સી. ગોલ્ડ મેડાલિસ્ટ, પ્રોફેસરની નોકરી છોડી છેલ્લા ૫૪ વર્ષથી કુષ્ઠરોગીઓની સેવાનો ભેખ ધારણ કરનાર નોખી માટીના માનવી એટલે સુરેશભાઇ સોની*

    *૩૬ વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી ૧૦૦૦ થી વધુ દર્દીઓની સેવા કરી રહ્યા છે*

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થામાં ૧૦૫૪ લોકો વસે છે. સમાજ પરિવાર દ્વારા તડછોડાયેલા કુષ્ઠ રોગી, મંદબુદ્ધિના લોકોનું આશ્રય સ્થાન એટલે સહયોગ સંસ્થા.

    અમે સેવા નહિ પ્રેમ કરીએ છીએ….. આ સહયોગ સંસ્થાના સ્થાપક એટલે સુરેશભાઇ સોની. જેમણી સેવાને સન્માનિત કરવા માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન જાહેર થયા જેમાં એક નામ સામાજિક સેવક એવા સુરેશભાઇ સોની જેમણે પધ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. જેની જાણ થતા જ સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી છવાઇ છે.

    હાલમાં સુરેશભાઇ સોનીની તબીયત નાદુરસ્ત છે ત્યારે તેમના ધર્મપત્નિ શ્રીમતિ ઇંદિરાબેન સોની જણાવે છે કે, ૧૯૬૬માં વડોદરામાં ઝુંપડપટ્ટીમાં કુષ્ટ રોગીઓની સેવા શરૂ કરી ૧૯૭૦માં શ્રમ મંદિરમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ ૧૯૮૮માં વડોદરાથી સાબરકાંઠા જિલ્લામાં આવી પોતાના સેવા કાર્યોની શરૂઆત કરી પોતાની કર્મભૂમિ બનાવી છે.

    હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર પાસે ૩૧ એકર જમીન દાન આપનાર રામુભાઇ પટેલ અને નડીયાદના સંતરામ મહરાજના સહયોગ થી શરૂ કરાયેલ સેવા યજ્ઞ એટલે સહયોગ કુષ્ઠયજ્ઞ સંસ્થા. આ સેવા યજ્ઞમાં તેમના પત્ની ઇન્દીરાબેન સોની પહેલા દિવસથી પડછાયાની જેમ જોડાયેલા છે. આજે સમાજ સેવાને ૫૪ વર્ષ જેટલો સમય થયો છે. હાલ સુરેશ સોની ૮૦ વર્ષની વય ધરાવે છે.

    સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારમાંથી ૪૦૦ જેટલા આદિવાસી બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. મંદબુદ્ધિના ૨૫૦ જેટલા ૧૮ વર્ષથી મોટી ઉમરના ભાઈઓને રાખવામાં આવે છે. તેમજ ૮ વરસથી મોટી ઉમરની ૧૮૬ દીકરીઓ અહી રહે છે. માનસિક બીમાર ભાઈઓ અને બહેનોને રાખીને દવા કરાવવામાં આવે છે સારા થાય છે ત્યારબાદ તેમને તેમના ઘરે મુકવામાં આવે છે. સુરેશભાઈએ ક્યારે પદ્મશ્રી મળે તેવી આશા રાખી નથી.

    સુરેશભાઈની તબિયત નાદુરસ્ત છે. છેલ્લા બે મહિનાથી જમવાનું બંધ છે. માત્ર લીક્વીડ પર હોવાને લઈને અશક્ત છે જેને લઈને બેડ રેસ્ટ પર છે. દવા ચાલી રહી છે. સુરેશભાઇ આ સંસ્થામાં પોતાના લોકો વચ્ચે મૃત્યુ ઇચ્છે છે માટે છેલ્લા છ માસ થી આ સંસ્થાની બહાર નિકળ્યા નથી!!!

    સુરેશભાઇ વિશે જણાવતા તેમના પત્નિ ગૌરવભેર કહે છે કે, સુરેશભાઇ માતા-પિતાના પાંચમા સંતાન છે. તેમણે એમ.એસ.સી. ગોલ્ડ મેડાલિસ્ટ થઈ પ્રોફેસરની નોકરી શરૂ કરી હતી. પરંતુ બાળપણમાં પોતાના માતા-પિતા અને ગુરુ શ્રી જોષી સાહેબ દ્રારા મળેલા સંસ્કારો અને લોકસેવાની ભાવનાએ પ્રોફેસરની નોકરી છોડી સમાજ સેવાની શરૂઆત કરી હતી. ગાંધી વિચારોને વરેલા સુરેશભાઇએ ક્યારે પાછુ વળી જોયુ નથી. સત્કાર્યો માટે ક્યારે કોઇની સામે હાથ ફેલાવો પડ્યો નથી. દાનવીરો સામેથી દાન આપે છે. આ સંસ્થા માટે દાન આપનાર આ સેવામાં કોઇ ને કોઇ રીતે મદદ કરનાર સૌ મિત્રો, પરીજનો શુભ ચિંતકોનો તેઓ આજે ખુબ ખુબ આભાર માની રહ્યા છે.
    સુરેશભાઈ સોનીને પદ્મશ્રી આપવાની જાહેરાત થયા સુરેશભાઈ અને તેમના પરીજનોએ રાષ્ટ્રપતિ અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.


    અત્યાર સુધીમાં આ સંસ્થાને અને સુરેશભાઇને તેમની સેવા બદલ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ૬૪ જેટલા એવોર્ડ મળ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ શ્રી ડો. એ.પી.જે.અબ્દુલ કલામ અને વર્તમાન વડાપ્રધાન શ્રી મોદીના વરદ હસ્તે સન્માન સ્વીકારવાનો અવસર શ્રી સુરેશભાઇને સાંપડ્યો છે.

    ઢીંચણ સુધીનો સફેદ ચડ્ડો ઉપર સફેદ શર્ટ પગમાં સ્લિપર ચહેરા પર સ્મિત, સાદગી ,સેવા, સંયમ સમર્પણની મૂર્તિ સમા સુરેશભાઇ ખરેખર નોખી માટીના માનવી છે. જેમણે પોતાની સેવા થકી અનેક લોકોના જીવનમાં ઉજાશ પાથર્યો છે. જેમણે સ્વ જનો એ ધુતકાર્યા છે. તેમની સ્વથી વધુ સેવા કરનાર એટલે સુરેશભાઇ….. વંદન છે આ સેવાના ભેખધારી નોખી માટીના માનવીને જેમણે આપણા ઉમાશંકર જોષીની કાવ્ય પંક્તિઓને સાર્થક કરી છે.

    *“વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની”*

  • કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

    કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો

    નીરવ જોશી, અમદાવાદ (M-9106814540)

    ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું.

    ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા શ્રીમતી ડોક્ટર મયુરી ભાટીયા તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ રામ કિશોર ત્રિપાઠી જી, મુખ્ય અતિથિ શ્રીમાન ધનંજય રાવલ, મુખ્ય વક્તા શ્રી નવીન અત્રી, કર્ણાવતી મહાનગર સંગઠન મંત્રી તેમજ સંસ્કૃત ભારતી કર્ણાવતી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કાર્યક્રમને સફળતાપૂર્વક ઉજવ્યો હતો.



     દિવાળીના વિદાય પછી દર વર્ષે યોજતા સંસ્કૃત સ્નેહ સંમેલન માં ગુજરાત પ્રાંતના સંસ્કૃત પ્રેમીઓની સંખ્યા વધુને વધુ વધે અને સંસ્કૃત દેશની રાષ્ટ્રભાષા બને તેવું શુભ સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

    કાર્યક્રમનું સંચાલન જયેશ પંડ્યા એ કર્યું હતું અને કાર્યક્રમની માહિતી સુકુમાર ત્રિવેદી (પ્રચાર પ્રમુખ, સંસ્કૃતભારતી, કર્ણાવતી મહાનગર)એ આપી હતી.

    સંપર્ક સૂત્ર: સંસ્કૃત ભારતી ના અગત્યના હોદ્દેદારો તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે સમર્પિત કાર્યકર્તાઓ તેમજ પદ અધિકારીઓના નંબર નીચે મુજબ છે.

    • સુકુમાર ત્રિવેદી : 9429613622
    • જયેશ પંડ્યા: 9879345229
    • નવીન અત્રી: 9015131514

    કાર્યક્રમમાં નાના બાળકોએ પણ સંસ્કૃત સંભાષણ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના નવીન અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)

    કેન્દ્રિય મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરડેરીના ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટ નું ઉદ્ઘાટન

    *સાબરડેરીના કેટલ ફીડ પ્લાન્ટ થકી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહાર વધુ માત્રામાં મળતો થશે* -: *કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ
     
    – *શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે*
    – *વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે*
    – *પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનશે*
    – *દુનિયાની સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે*

    મંગળવારના રોજ હિંમતનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સાબર ડેરીના રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૮૦૦ મેટ્રિક ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અત્યાધુનિક કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આ કેટલ ફીડ પ્લાન્ટનો પ્રારંભ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ અને પોષણયુક્ત આહારનો પુરવઠો વધુ માત્રામાં મળશે. એટલુ જ નહી, શ્રી ભુરા કાકાએ ૬૦ વર્ષ પહેલાં જે બીજ વાવ્યું હતુ એ આજે સાબર ડેરી તરીકે વટવૃક્ષ બન્યુ છે. ૧૯૭૬ની શરુઆતથી લઇને આજના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ ૨૦૦૦ મેટ્રીક ટન સાબર દાણનું ઉત્પાદન શકય બન્યું છે.

    આ પ્રસંગે શ્વેત ક્રાંતિની વાત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી એ કહ્યું કે, શ્વેત કાંતિની શરૂઆત શ્રી ત્રિભુવન કાકાએ કરી હતી. શ્વેત ક્રાંતિને કારણે ગુજરાત નહીં વિશ્વભરમાં એક સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

    દેશમાં થતા દૂધ ઉત્પાદનની વાત કરતા શ્રી અમિત શાહે કહ્યું કે, વર્ષ ૧૯૭૦માં માથાદીઠ ૪૦ ગ્રામ પ્રતિ વ્યક્તિ દુધ ઉપલબ્ધ થતું હતું, જ્યારે આજે ૨૦૨૩- ૨૦૨૪માં સમગ્ર દેશમાં માથાદીઠ ૧૬૭ ગ્રામ દૈનિક દુધ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આમ, વૈશ્વિક સરેરાશ દુધ ઉત્પાદન ૧૧૭ ગ્રામ છે, જેના કરતાં ભારતની સરેરાશ વધારે છે જે સહકારી માળખાના કારણે શક્ય બન્યું એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    શ્રી અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મુકી સમાજનું સ્વાસ્થ અને આવક વધારવા અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે પ્રાકૃતિક કૃષિની વાત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી આવનારા દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિનું કારણ બનવાની છે. આ પ્રાકૃતિક ખેતી લોકોને કેન્સર, ડાયાબિટીસ અને બીપીથી મુક્ત બનાવશે.એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે મહિલા પશુપાલકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરતા કહ્યું કે, મહિલા પશુપાલકોએ જીવામૃત નાખીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. પહેલા વર્ષે નફો થોડો ઓછો થશે પણ બીજા અને ત્રીજા વર્ષે સરભર થઈ જશે.

    શ્રી ત્રિભોવન કાકાએ શરૂઆત કરી ત્યારે કલ્પના ન હતી કે અમૂલનું ટર્ન ઓવર ૬૦ હજાર કરોડ પહોંચશે એમ પ્રાકૃતિક ખેતીનું બજાર ૧૦ લાખ કરોડના વૈશ્વિક બજારને આંબશે. એટલું જ નહીં દુનિયાથી સૌથી મોટી ખાદ્ય પદાર્થની બ્રાન્ડ કોઇ હોય તો એ અમૂલ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

    આ અવસરે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે,અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે ૧૨૫૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થતું હતું. હવે રૂ. ૨૧૦ કરોડના ખર્ચે ૩૫,૦૮૭ સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં હવે રોજનું વધુ ૮૦૦ મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થશે.

    આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સાબર ડેરીમાં દુધ ભરાવનાર વિવિધ મંડળીઓ અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

    આ અવસરે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચોધરી, કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારી અને શ્રમ, રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યકક્ષાના સહકાર, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભીખુ સિંહ પરમાર સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ, વાઇસ ચેરમેન શ્રી ઋતુરાજ પટેલ અને સાબર ડેરીના બોર્ડ ઓફ મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

  • ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

    ગોપાષ્ટમી અંગે શ્રીહરિના ભક્તો-શ્રીકૃષ્ણને આ રીતે કરે છે યાદ

    લેખક – આલેખન:  રાજેન્દ્ર જોશી

    શનિવારે એટલે કે નવ નવેમ્બરે ગોપાષ્ટમી ભવ્ય રીતે ઉજવવામાં આવી!. જાણો એનો ભવ્ય મહિમા!

    .*કારતક સુદ આઠમે પ્રથમ વાર ગાયો ચરાવવા જશોદાજીએ પોતાના પુત્રને સુંદર શણગાર સજાવી ગોકર્ણ ધરાવી, શ્રીહસ્તમાં સોરંગી લાકડી અને કામળી આપી, કમરમાં બાંસુરી ખોસી તૈયાર કર્યા છે. કેમ કે આજે કન્હૈયાને પ્રથમ વખત ગાયો ચરાવવા મોકલવાનુ મુહુરત છે જેને મહર્ષિ શાંડિલ્યજીએ કાઢી આપ્યું છે.

    *શૃંગાર કરી યશોદાજીએ બલરામજી અને સુદામા સખાને બોલાવી શિખામણ દીધી કે “ જો જો હો…!!! તમે બંને સમજદાર છો…!!! લાલો કન્હૈયો કયાંક વનમાં આડો—અવળો ન થાય…!!! ચંચલr છે તેથી તેની પુરી સંભાળ રાખજો,…!!! ગાયોને કેમ ચરાવાય તે બધું શીખવાડજો…!!! આજે એનો પહેલો દિવસ છે. એને એક ઘડી પણ એકલો મુકશો નહી અને સાથેને સાથે જ રહેજો. સાંજે વેળાસરr ઘર ભેગા થઇ જજો. મોડુ કરશો નહીં”.

    .*વનમાં આવતા ગાયો સારૂં ઘાસ જોઇને વીખરાઇ ગઇ. લાલા કન્હૈયાના વેણુનો નાદ સાંભળી ગાયો ઉંચો કાન કરીને પ્રભુ પાસે આવીને ઊભી રહી ગઇ. ગાયો હવે આસપાસમાં ચરતી હતી. આનંદ પ્રમોદ કરતા સાંજ પડવા આવી. ગાયોની પાછળ બંસી બજાવતાંr ઘેર પહોંચ્યા ત્યાં માતાજી આરતીનો થાળ લઇને ઉભા હતા. આરતી ઉતારી લાલાનું મુખ જોયું. પુછવા લાગ્યા “લાલા…!!! વનમાં શ્રમ તો પડયો નથી ને?” ત્યારે એકી સાથે બધા ગ્વાલબાલો બોલવા માંડયા “મૈયા…!!! લાલા ને ગાયો ચરાવતા આવડે છે.” કન્હૈયાએ મીઠી વાણીથી મૈયાને વનની બધી વાત કરી. માતાજી અતિ આંનદમાં આવી લાલાને ગોદમાં લઇ વ્રજ રજ ભરાયેલું શ્રીઅંગ હાથથી સાફ કરવા લાગ્યા!!!

    .*આ પ્રકારની પ્રથમ ગોચરણલીલા એટલે આજની ગોપાષ્ટમી.
    … રાજેન્દ્ર જોશી

  • શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

    શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે- અજય ઉમટ

    नीरव जोशी , हिम्मतनगर (M-7838880134 & 9106814540)

    • ૨૧મી સદીમાં જો માનવી શસ્ત્રને સમજપૂર્વક નહી સમજે તો પૃથ્વીનું અસ્તિત્વ જોખમાશે
    • વિદેશની વિવિધ કંપનીઓ તેમના વૈજ્ઞાનિકો પાસે શોધ કરાવીને પ્રજાને તેના યદી બનાવી રહી છે.
    • રોબોટ કરતા પણ વધુ ખતરનાક સાબિત થતી શોધ માનવી અને પૃથ્વીનો વિનાશ કરી શકે છે.
    • શસ્ત્ર કરતા શાસ્ત્રમાં લખાયેલી વિગતોનું અનુસરણ જ માનવ જીવનને બચાવી શકશે.
    • હિંમતનગરમાં વિવેચક અને પીઢ પત્રકારનું મનનીય પ્રવચન યોજાયું

    હિંમતનગર : નીરવ જોશી , સાબરકાંઠા 

    ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સીમા સ્તંભ ગ્રુપ કહી શકાય તેવા ભાસ્કર ગ્રુપ થી વધારે જાણીતા થયેલ ને છેલ્લા દસ વર્ષથી નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના એડિટર ,પત્રકારત્વ જગતના પ્રેરણામૂર્તિ – અજય ઉમટ ગત શનિવારે શસ્ત્ર સાથે શાસ્ત્રનું પૂજન અને તેની વિશદ સમજૂતી આપવા માટે સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે નલિકા ગાંધી ટાઉનહોલ ખાતે પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે એ ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ ચાવડાના માર્ગદર્શન અને સ્પોન્સર્સથી હેઠળ યોજાયેલા કાર્યક્રમમાંથી વાતાવરણ ઘણું ઊર્જા સભર અને સક્રિય લાગી રહ્યું હતું ! Himatnagar Former MLA- રાજુ ચાવડા હિંમતનગરમાં ક્ષત્રિય સમાજનો ઘણું મોટું નામ ધરાવતા હોવાથી શ્રોતાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી! 

    ત્યારે પ્રસ્તુત છે પ્રકાંડ પત્રકારત્વ ક્ષેત્રના પંડિત એવા અજય ઉમટની વાણીનો જ્ઞાન સારાંશ.

    ૨૧મી સદીમાં વિશ્વના અનેક લોકોને સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી ગુગલ, ઇન્સ્ટાગ્રામ, યુટયુબ વગર ચાલતુ નથી ત્યારે અમેરીકાના ભેજાબાજ વૈજ્ઞાનિકોએ માનવીનું મગજ તેની બુધ્ધિથી નહી પણ તેમણે તૈયાર કરેલ ચિપ્સની મરજીથી ચલાવવું પડશે. વિશ્વમાં અત્યારે અનેક દેશો શાસ્ત્રને મુકીને શસ્ત્ર પાછળ દોટ મુકી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માનવ સંહાર કરી રહ્યા છે. ત્યારે તે વિષય પર શનિવારે હિંમતનગરના ટાઉન હોલમાં નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના ગૃપ એડિટર, વિવેચક તથા જાણીતા પત્રકાર અજય ઉમટનું મનનીય પ્રવચન યોજાયુ હતુ. જેમાં તેમણે સતત શસ્ત્ર અને શાસ્ત્ર વિષય પર ઉપસ્થિત લોકોને વિસ્તૃત સમજ આપી હતી. આ પ્રસંગે હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય તથા વકતાપુર વસોરાના સંત ઉપસ્થિત રહ્યા હતા.

    ટાઉન હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પીઢ પત્રકાર અજય ઉમટે પોતાના અભ્યાસ અને વાંચનને આધારે જે વિગતો રજૂ કરી હતી તે સાંભળીને પ્રબુધ નાગરિકો પણ વિચારતા થઇ ગયા હતા. તેમના જણાવ્યા મુજબ અમેરીકા વૈજ્ઞાનિકોએ કરેલી શોધો મુજબ જો માનવી સત્વરે જાગશે નહી તો તેઓ પોતાના મગજથી નહી પણ કમ્પ્યુટર, મોબાઇલ સહિતના અન્ય માધ્યમો થકી ઉપયોગ કરી રહેલા કમ્પ્યુટરની ચિપ્સની મરજી મુજબ ચાલવું પડશે. તે પાછળ તેમણે કહ્યુ હતુ કે જયારે કોઇપણ મોબાઇલ ધારક, ઇન્સ્ટાગ્રામ, યુટુબ અથવા તો અન્ય સોશ્યિલ મીડીયાના માધ્યમ થકી જયારે ઉપયોગ કરશે ત્યારે તે માનવીના મગજને બદલી નાખશે.

    એટલુ જ નહી પણ મોબાઇલ ધારક સહિત અન્ય ડેટાના ઉપયોગકર્તાની માહિતી મેળવી લીધા બાદ જાણે અજાણે આ માહિતી વિશ્વના અન્ય લોકો સુધી પહોંચી જશે. ખાસ કરીને અમેરીકા પોતાની મહાસત્તાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે વૈજ્ઞાનિકોને મબલખ નાણા આપીને નવી શોધ કરીને તેનો ઉપયોગ માનવીના ઉત્કર્ષ માટે નહી પણ વિનાશ માટે આગામી સમયમાં કરી શકે છે. જોકે ઉપયોગકર્તાઓ આ બધાથી બચવા માટે શસ્ત્રને બદલે શાસ્ત્ર અંગે જાણકારી મેળવશે તો તેમાંથી બચી જવાશે. પરંતુ અત્યારે ૨૧મી સદીમાં જીવતા વિશ્વના મોટા ભાગના લોકોને મોબાઇલ, કમ્પ્યુટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ, ટ્વીટર વગર ચાલતુ નથી. ત્યારે જો પૃથ્વીને તથા માનવ જીવનનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તો શાસ્ત્રની જાણકારી વગર શકય નથી.

    કાર્યક્રમની શરૂઆતમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજુભાઇ ચાવડા તથા ઉપસ્થિત લોકોની હાજરીમાં શસ્ત્ર પૂજન કરાયું હતુ. ત્યારબાદ વર્ષોથી તેઓ બીજાને મદદરૂપ થવાની ભાવનાવાળા હોવાને કારણે ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રતિકરૂપે ગંગાસ્વરૂપ મહિલાઓનું સન્માન કરીને વિજયાદશમીની ઉજવણીની પ્રતિકરૂપે મોમેન્ટો અપાઇ હતી. આ ઉપરાંત આર્શીવચન પાઠવવા આવેલા સંત લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યુ હતુ કે તમારૂ ઘર પંચાયતમાં, પંચાયત તાલુકામાં, તાલુકો જિલ્લામાં, જિલ્લો રાજયમાં, રાજય દેશમાં જયારે દેશ વિશ્વના નકશામાં અનેક દેશો અંકિત થયેલા છે અને પૃથ્વીનો ગોળો પણ પાણીમાં છે. ત્યારે બધુ જોતા એમ લાગે છે કે પાણીનો આ ઘડો તમારા ઘરના રસોડામાં છે. જેથી સમજવુ જોઇએ કે દરેક પરિવારે શસ્ત્રને બદલે શાસ્ત્રનું મહત્વ સમજવું જોઇએ.

    આ પ્રસંગે સાબરડેરીના પૂર્વ ચેરમેન જેઠાભાઇ પટેલ, જાણીતા એડવોકેટ રશ્મિભાઇ પંડયા, પૂર્વ કોષાધ્યાક્ષ સી.સી. શેઠ, સાબરકાંઠા બાર એસોસીએશના પ્રમુખ રાજુભાઇ શર્મા, મહામંત્રી વિજયભાઇ પંડયા, પૂર્વ જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ, જયેશભાઇ પટેલ, કોંગ્રેસના અગ્રણી કમલેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, જિલ્લા સરકારી વકીલ હિરેનભાઇ ત્રિવેદી, ગોપાલસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

    કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું? 

    લેખક : ડૉ. રમણિક યાદવ 

    સંકલન નિરવ જોશી , હિંમતનગર

    છેલ્લા 15 દિવસથી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે પૂર્વજોની યાદ કરીને કાગવાસ નાખવામાં આવે છે ત્યારે કાગડાઓને પણ રાહ જોવામાં આવે છે પરંતુ હાય રે કિસ્મત !!! અત્યારે કાગડાઓ દેખવામાં જ નથી આવતા! કાગડાઓ વિશેની એક રસપ્રદ લેખ મારા ધ્યાનમાં આજે આવ્યો છે તો હું બધા વેબસાઈટના વાચકો સામે રજૂ કરું છું. સાથે કાગડો નામનું પક્ષી કેમ ઘટી ગયા છે ???તો કાગડાઓ કેમ દેખાતા નથી? – એના વિશે આપણે બધા જાગૃત ચિંતન કરવું જ રહે. મોટા શહેરોની વાત જવા દો નાના ગામડાઓ અને નાના શહેરોમાં પણ અત્યારે કાગડા દેખાતા નથી જે ખરેખર ખૂબ આઘાતજનક છે!


    કાગડાઓની ની સંખ્યા વધારવા શું કરવું જોઈએ એના અંગે આપણું કોઈ સૂચન હોય તો આપ જરૂરથી અમને ઇમેલ (joshinirav1607@gmail.com ) કે whatsapp – 9662412621 કરીને જણાવજો


    કાગડો : કહેવતોમાં અને કાગવાસમાં જ રહ્યોં છે કે શું?


    આવ રે કાગડા કઢી પીવા
    મારામાં કાંકરી ખૂંચે છે
    ચણ ચણ બગલી ચણાની દાળ
    હું પપૈયો તું મગની દાળ
    શેરીએ શેરીએ ઝાંખ દીવા
    આવ રે કાગડા કઢી પીવા
    મારામાં કાંકરી ખૂંચે છે.

    ગણ ગણ ગાંઠિયા તેલ તેલ પળી
    ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
    બળતી હોય તો બળવા દે
    ઠરતી હોય તો ઠરવા દે
    આવ રે કાગડા કઢી પીવા
    મારામાં કાંકરી ખૂંચે છે.

    મારા વતન ધ્રાંગધ્રામાં અમારું રહેણાંક પટેલ વાસ નામે એક મોટામાં ડેલામાં હતું જ્યાં મારો જન્મ થયો હતો અને મારુ બચપણ અને યુવાની ( ૧૯૬૬ થી ૧૯૮૯ ) ત્યાં વીતી હતી. લગભગ બે-ત્રણ એકરમાં ફેલાયેલા આ ડેલામાં વચ્ચે એક ૫૦ × ૫૦ ફૂટનો મોટો ઓટલો હતો. રોજ સાંજે ડેલાના છોકરા – છોકરી લેસન પૂરું થાય ત્યારે રમવા ભેગા થતા અને જુદી જુદી રમતોમાં એક રમત ” કાગડો ” નામની રમતાં હતા. એક નાનું કુંડાળું વાળી બધા બેસતા. જે કાગડો થયો હોય તે ઉલટી દિશાએ મો રાખી ઉભો રહે અને અમે એક પથરાની કાંકરી કોઈને આપીએ. જેની પાસે હોય તે અને બીજા પણ એક ઘૂંટણ ઉભો રાખી તેના પર બે હાથ રાખી અને ઘૂંટણ ફેરવતા જાય અને ઉપરનું જોડકણું બધા એક સાથે ગાતા જાય એટલે કાગડો આવે અને કુંડાળા ફરતા ફરીને શોધે કે કાંકરી કોની પાસે છે! જો તે સાચો પડે તો પેલાએ ઉઠી જવાનું અને કાગડો બેસી જાય. અહીં મહત્વ કાગડા જેવી બુદ્ધિનું અને નજરનું કે રમનારાઓની વર્તણુક જાણી લેવાનું મહત્વનું હતું. કોઈને કોઈ ભૂલ કરી બેસે અને કાગડાને ખબર પડી જાય કે કાંકરી કોની પાસે છે! કાગડામાં રહેલા આ ગુણને ખીલવવાનો તે પ્રયાસ હશે કદાચ. આ રમત કોણે શોધી હશે કે આવું ભળતું જોડકણું કોણે બનાવ્યું હશે તે એક પ્રશ્ન છે! આજે બાળકોમાં આ રમત વિશે કોઈ ખ્યાલ જ ન હોય તેવું બની શકે છે.


    હમણાં શ્રાવણ માસ પૂરો થશે અને ભાદરવો માસ શરૂ થશે. હવે કાગડાને યાદ કરી કોઈ કાગડાની એક બે તસ્વીરો કે કોઈ વળી વ્યંગય ચિત્રો મુકશે.

     

    મિત્રો શ્રાદ્ધપક્ષના અનુસંધાને આવું કરશે એટલે આ રમત અને વિગતો યાદ કરવાનો વારો આવશે. ચકલી, કબૂતર અને કાગડા એ શહેરી વિસ્તારના ખાસ તો ઘરોની આસપાસના પંખીઓ હતા. અમારા ડેલાની બહાર વીજળીના થાંભલે હારબંધ બેઠેલા કાગડામાંથી જો કોઈને કરંટ લાગેને મરી જાય તો અમે બધા છોકરાઓ દોડીને જોવા જતા! આજે અહીં રાજકોટમાં ખરેખર પંખી સ્વરૂપે કાગડા જોવા મળતા નથી. શ્રાદ્ધપક્ષમાં જ્યારે બાપુ મારા દાદાને શ્રાદ્ધ નાંખતા ત્યારે મોટા અવાજે ” કાઆઆગ વાઆઆસ ..” એમ બોલતા ત્યારે ખરેખર નવાઈ લાગતી પણ ખૂબ કાગડાઓ આવી જતા અને ભોગ ખાતા હતા.

    આજે શ્રાદ્ધપક્ષ તો આવે છે પણ તે મુજબ બોલવું કે નાંખવું એવું થતું જોવા મળતું નથી. નળિયાં વાળા ઘર નથી. બોલતા શરમ આવે છે. કાગડા છે નહીં એટલે આવતા નથી. ખાલી થાળી બનાવી બહાર મૂકી દઈએ એટલે શ્રાદ્ધ પૂરું એમ માની લઈએ છીએ.

     

    આમ તો એક પંખી તરીકે કાગડા વિશેની સામાન્ય માહિતી દરેક પાસે હોય જ છે. તેનો રંગ, ખોરાક, કદ, વજન, અવાજ વિગેરે પણ તેનાથી પણ વિશેષ કાગડો લોકજીવનમાં અનેક રીતે મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે તે માનવજીવનની આસપાસ વસવાટ કરતું પંખી છે. અનેક રીતે તે પ્રતીકાત્મક ઓળખ ધરાવે છે. અમારા બાળપણમાં અમે અનેક વાર્તાઓ કે બોધકથાઓમાં કાગડાનું પાત્ર નકારાત્મક રીતે જોયું છે. કાગડો આનંદી હોય કે ચતુર હોય કે પછી ફુલણજી પણ હોય! ક્યાંક લુચ્ચો હોય કે ક્યાંક સ્વાર્થી પણ હોય! ક્યાંક ટીખળી હોય તો ક્યાંક સંદેશવાહક હોય તો ક્યાંક તે શુકનિયાળ પણ હોય તો ક્યાંક તે ભવિષ્યવેતા પણ હોય છે! ક્યાંક તે કુટુંબચાહક કે મહેનતુ કે પર – સેવાનું પ્રતીક પણ છે! ક્યારેક તે મિત્રનું પાત્ર ભજવે તો ક્યારેક સફાઈ સેવકનું તો ક્યારેક પિતૃનું પણ! તે લોકકથામાં છે તો દોહામાં પણ છે તો શાયરી અને ગઝલ-ગીતોમાં પણ હોય છે. વડ અને પીપળાના વૃક્ષો ઉગાડવામાં કાગડાનું બહુમૂલ્ય યોગદાન છે. તેના ટેટા ખાધા પછી જ્યાં તે અઘાર કરે છે ત્યાં વડ કે પીપળાનું વૃક્ષ ઊગી જાય છે. આ વૃક્ષઓનાં સીધા બી વાવવાથી તે ઉગતા નથી.

    લોકજીવનમાં કાગડાને સૌથી વધુ મહત્વનું સ્થાન કહેવતો અને રૂઢિપ્રયોગો મારફતે માનવીય ખાસિયતો કે લાક્ષણિકતાઓ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. ભગવદ્દગોમંડલમાં તેની પંખી તરીકેની ઓળખ પહેલા તો તેનો શબ્દાર્થ ” અદેખા માણસ ” તરીકે કર્યો છે. જે વ્યક્તિ અદેખો કે ઇર્ષ્યાળું હોય, મલિન કે નીચ વિચારો કે ઇરાદાઓ વાળો હોય, બહુ જ બોલકો હોય કે પેટમેલો હોય તેને કાગડા સાથે સરખાવવામાં આવ્યો છે. જો કોઈ ખૂબ ચતુર હોય અથવા કોઈના દાવ-પેચમાં જલ્દીથી આવી જાય તેવો ન હોય તો તેને પણ કાગડો કહ્યો છે!

    કહેવતો અને રૂઢિપ્રયોગોમાં કાગડો કેવી રીતે સંકળાયો છે તે વિગતવાર જોઈએ તો;

     

    (૧) કાગડા ઉડવા – કોઈ સભા કે બેઠકમાં માણસોની પૂરતી હાજરી ન હોવી તેમ (૨) કાગડા કકળાવવા – સત્યાનાશ જવું તેમ શાપ આપવો (૩) કાગડાની કોટે કંકોતરી – કોઈ વાત તરત જાહેર કરી દે તેવું; ગામવાતોડિયું (૪) કાગડાની કોટે દહીંથરુ ( કે રતન કે હીરો ) – અપાત્રને દાન અથવા કોઈ ગરીબ પાસે સારી વસ્તુ હોવી (૫) કાગડાની ગુદા માંથી ગંગાજળ કાઢવું – ઘણું મુશ્કેલ કામ હોવું/કરવું (૬) કાગડાની નજરે જોવું – સતર્ક રહેવું કે ચારેકોર નજર રાખી તપાસ કરતા રહેવું (૭) કાગડાનું બેસવું ને તાડ/ડાળનું પડવું – અચાનક કૈક દૈવયોગે બનવું (૮) કાગડાનું હસવું ને દેડકા/ઉંદરનો પ્રાણ જાય – બીજાને નુકશાન અને પોતાને લાભ થાય તેમ કરવું (૯) કાગડાના મોઢે રામ ન હોય – પાપીના મોઢેથી સારો વેણ ન હોય (૧૦) કાગડાના શાપે ઢોર ન મરે – સ્વાર્થીના શાપથી કંઈ અનિચ્છનીય ન બને.
    વધુમાં; (૧૧) કાગડાને સોળે દહાડે શ્રાદ્ધ – માંગી ખાનારને કાયમ સારું ખાવાનું જ મળે (૧૨) કાગડાના હાથે કંકોતરી – રોતો જાય ને મૂઆના ખબર દેતો જાય (૧૩) કાગડાને કાળો રંગવો પડે? – નીચ માણસ નીચ જ હોય (૧૪) કાગડો કાગડીને ના ધીરે – લુચ્ચો માણસ લુચ્ચાને ઉછીનું ન આપે (૧૫) કાગડો કોયલને હસે – કોઈ પોતાનો દોષ ન જુએ અને બીજા પર હસે (૧૬) કાગડો દહીંથરુ લઈ ગયો – છેતરી જવું અથવા સારી વસ્તુ કોઈ અયોગ્યના હાથમાં હોવી (૧૭) કાશીમાં’ય કાગડા તો કાળા જ હોય – મલિન માણસ કોઈપણ સ્થળે મલિન જ હોય છે (૧૮) છત્રી કાગડો થઈ જવી – બધું વીંખાઈ / ઊલટું થઈ જવું (૧૯) કાગનો વાઘ કરવો – નાની વાતને મોટું સ્વરૂપ આપવું (૨૦) કાગરાશ ભણેલો – વધુ ભણેલા માટેનો વ્યંગ (૨૧) કાગનું પીંછ કરીને ઉડાડી દેવું – કોઈને હલકો ચિતરવો (૨૨) કાળના કાગડા ખાઈ ગયો – લાબું જીવન જીવનાર માટે બોલાતો પ્રયોગ (૨૩) નામ એનો નાશ ને કાગડા પામે વાસ – જન્મ લેનારનું મૃત્યુ છે.
    કાગડો, કાગ, કાક, કાગરાજ, કાગરવા અને કાગલો ના વિવિધ નામે ઓળખાતો આ કાગડો માણસના મૃત્યુ પછીનું પિતૃ સ્થાન પણ શોભાવે છે તેવી પણ એક માન્યતા છે. ખાસ કરીને ભાદરવા માસના વદના પંદર દિવસો અને એક અમાસ એમ ગણી સોળ દિવસોનું શ્રાદ્ધપક્ષ બને છે જેમાં રોજ તિથિ અનુસાર મૃતક વ્યક્તિનું શ્રાદ્ધ કરી કાગડાને ભોજન ભોગ આપવાની એક પ્રથા છે. શ્રાદ્ધ અર્પણ કરતી વખતે જે કાગવાસ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે તે કાગ ( કાગડો ) + વાસ ( રહેઠાણ ) એટલે કાગડા બોલાવવા એમ થાય છે તો બીજો અર્થ કાગ + વાસના ( ઈચ્છા ) એવો પણ કરવામાં આવે છે. આ વિધિ પણ હવે ધીમે ધીમે લુપ્ત થતી જતી હોય એમ લાગે છે. મોટાભાગે શહેરી વિસ્તારોમાં કાગડાઓ જોવા મળતા નથી તેથી તેને માત્ર પ્રતીકાત્મક ગણી ભાવ સમર્પિત કરી લેવાય છે. જો કે કબીરસાહેબે આવી પ્રથાની એક રચનામાં ટીકા કરી છે;

    ” જિંદા બાપ કોઈના પૂજે
    મરે બાદ પૂજવાયા
    મુઠ્ઠી ભર ચાવલ લેકે
    કૌવે કો બાપ બનાયા “

    કાગડાને ભવિષ્યવાણી કરનાર તરીકે પણ જોવામાં આવે છે. પશુપંખીની બોલીઓના અભ્યાસ કરનાર – જાણકાર માટે કાગરાશ શબ્દ પ્રયોજવામાં આવે છે. કાગડાનું ઘર આંગણે બેસવું-બોલવું-ઉડવું અને ફરી બેસવાની ક્રિયાને શુકન તરીકે પણ જોવામાં આવે છે તો મહેમાન આવવાની એંધાણી તરીકે પણ લેવામાં આવે છે. અમે નાના હતા ત્યારે ઘરઆંગણે બોલતા કાગડાને મહેમાન આવશે કે કેમ તેની જાણકારી તરીકે એક જોડકણું ગાઈને આનંદ કરતા હતા;

    ” કાગ તારે સોનાની આંખ કાગ તારે રૂપાની પાંખ
    મારે ઘેર મહેમાન આવે તો ઉડીને આઘેરો બેસ..”

    ભડલી વાક્યોમાં પણ એક એંધાણ તરીકે કાગબોલીને લેવામાં આવી છે. જે મુજબ;

    ” રાતે બોલે કાગડા દી’ના બોલે શિયાળ
    તો ભડલી એમ કહે, નિશ્ચે પડશે કાળ “

    ગીર પંથકના પ્રેમીઓ ” કુંવર અને રાણા ” વિશેના દોહાઓ છે કે જે પ્રેમિકા કુંવરને બાપે બીજે પરણાવી દેતા તે કાગડાને સંદેશ પૂછે છે અને આપે પણ છે; ( જોરાવરસિંહ જાદવના એક લેખનો સંદર્ભ છે )

    ” ક્યાંથી આવ્યો કાગ વનરાવન વીંધ કરે
    કે’ને કેડાક માર, કુંવર કયે આરે ઉતરી?
    ગર લાગી ગુડા ગળ્યા, પેટે વધ્યા પિયા
    કાગા કહેજો કુંવરને, રાણો સાને રિયાં..”

    કોઈ પ્રેમિકા-વિરહિણી પત્ની પણ કાગબોલીથી એમ કહે કે શું મારો પ્રિયતમ-પતિ આવશે?

    ” કગવા દેઉ વધાઈયા, પ્રીતમ મિલવે મુજ;
    કાઢી ક્લેજા આપના, ભોજન દઉંગી તુજ..”

    કાગડા સંબંધિત કેટલાક અન્ય શબ્દો પણ ભગવદ્દગોમંડલ દર્શાવે છે; (૧) કાગા નીંદર – કાગડા જેવી અર્ધી ઊંઘ (૨) કાગા મૂંડો – કાગડા જેવો ઢોંગ રચનાર વ્યક્તિ (૩) કાગવાસી – પશુ પંખીની ભાષા જાણનાર (૪) કાગીયો – કાગડાને ખવરાવવાનો લાડવો (૫) કાગડી/કાગણ – કાગડાની નાર (૬) કાગોલિયા – કાગડાના બચ્ચા (૭) કાગડોળ – બદશીકલ/કદરૂપુ (૮) કાગ ડોળીયું – કાગડા જેવા ડોળા વાળું (૯) કાગા રોળ – ખોટો શોરબકોર (૧૦) કાગવાણી – કાગડાની વાણી (૧૧) કાગ દ્રષ્ટિ – ઝીણી નજર (૧૨) કાગમાળ – કાગડાના માળા જેવું કામચલાઉ કે દમ વગરનું.
    કાગડાના તમામ અવગુણો છતાં કેટલાક ગુણો પણ ક્યાંક નોંધાયા છે. કાગડો જીવનભર એક જ સાથી સાથે રહે છે. કાગડો સફાઈનું કામ કરી એક સેવકની ભૂમિકા પણ બજાવે છે. કવિ કાગ બાપુ લખે છે કે પોતાના બાળકોને તો સૌ ઉછેરે પણ કાગડી એક એવી જાત છે કે જે કોયલના ઇંડાને પણ પોતાના સમજી સેવે છે;

    ” પોત સૌ પોતા તણાં ને પાળે પંખીડા
    બચડા બીજાના ( એ તો ) કો’ક જ સેવે કાગડા..”

    માણસ અને કાગડો? કવિશ્રી રમેશ પારેખની એક રચના કાગડા વિશેની ખૂબ મોટો સંદેશ આપે છે. ( પસંદગીના શે’ર છે )

    સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
    ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

    નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
    જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

    આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
    તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો

    શું કાગડાના વેશમાંથી કાગડો ઉડી ગયો?
    ગમે તે અર્થ ધરાવ, કાગડો મરી ગયો

    સદાય મૃતદેહ ચુથી કોને એમાં શોધતો?
    લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.

    કાગડા અને કાબર વિશેનું એક ગીત છે જેમાં કાગડાના વાયદાઓ વિશે ઉલ્લેખ છે;

    ઠાગા થૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું
    જાવ કાબરબાઈ કાલ હું આવું છું!

    છેલ્લે એક શે’ર;

    લાખ રાખો શાણપણના કાંકરા
    કાગડાના નસીબમાં કુંજા નથી!

    મારી એક અછાંદસ રચના;

    કાગડો કાગડો કહી મજાક સહુ કરે
    કાગડો બની બતાવ! તને ખબર તો પડે!

    કાગડો ચૂંથે નરક કહી મજાક સહુ કરે
    કાગડો બની કર સેવા! તને ખબર તો પડે!

    કાળા રંગે, કર્કશ કહી મજાક સહુ કરે
    કાગડો બની બોલ રામ! તને ખબર તો પડે!

    કાગડો ચતુર ડોળો કહી મજાક સહુ કરે
    કાગડો બની હાર બાજી! તને ખબર તો પડે!

    કાગડો કાગડો કહી મજાક સહુ કરે
    કાગડો બની જનમ ને! તને ખબર તો પડે

    © ડૉ. રમણિક યાદવ 

    ■ તા. ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ ■

    ■ મારા ગ્રંથ ” વિરાસતનો વૈભવ – લોકજીવનમાંથી વીસરાતાં જતા પ્રતીકો, પ્રસંગો અને પ્રથાઓ ” માંથી.

  • અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

    અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન, જાણો મેળાની ખાસ વિશેષતાઓ

    નિરવ જોશી , ખેડબ્રહ્મા (M-7838880134)

    આજરોજ ભાદરવી પૂનમનો અંબાજી ખાતે ભરાયેલો છ દિવસીય મેળો ખૂબ જ આનંદ સંપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો એટલું જ નહીં પરંતુ બદલાતા સમય સાથે નવા નવા ટેકનોલોજીના પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ નવા નિમાયેલા કલેકટર મિહિર પટેલના હસ્તે ઘણા સારી કામગીરી જોવામાં આવી હતી. ખાસ કરીને સફાઈ કામદારોને સન્માન તેમજ મીડિયા કર્મીઓ વડે ધ્વજારોહણ તેમજ અન્ય કાર્યક્રમો વડે ભાદરવી પૂનમનો અંબાજી મેળો ખૂબ જ યાદગાર પ્રસંગ બની રહ્યો હતો !

    પ્રસ્તુત છે ત્રણ ચાર પ્રસંગોની ઝલક… એ વાત પણ ઉલ્લેખનીય છે કે આજે આજ રોજ  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ની મુલાકાત પણ નોંધનીય રહી હતી.

    અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪ સુખરૂપ સંપન્ન

    *ભાદરવી મેળામાં સેવા આપનાર સેવા કેમ્પો અને પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો*

    *સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*

    *પત્રકારોએ માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે:- જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ*

    જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી*

    *મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી*

    અંબાજી ભાદરવી પૂનમનો મેળો ૨૦૨૪ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે. આજે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઇભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે. જિલ્લા કલેકટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

    શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોઇ ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી. આટલી મોટી સંખ્યામાં માઇ ભક્તો મેળા માં આવતા હોય ત્યારે તેમના દર્શન , વિસામો, પાર્કિંગ ,આરોગ્ય, સુરક્ષા ,અને જાન માલ ની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પુરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળા માં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો. ત્યારે વહીવટી તંત્ર અને સેવા કૅમ્પો ના આયોજકો ના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી. જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી.

    જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી. સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટીંગ અને સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી. મેળાની વ્યવસ્થાઓનું સતત મોનીટરીંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું. દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ લગ્નમંડપમાં પણ ન હોય એવા ભવ્ય સેવા કૅમ્પોના મંડપ બંધાયા હતા.

    સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે. પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે. મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠાં મેળાની અનુભૂતિની કરાવી છે. વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે. માતાજીની સેવા માની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદય પૂર્વક આભાર માનું છું.

    આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે અને જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણા, મંદિર વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, સેવા કેમ્પોના આયોજકશ્રીઓ, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક/ પ્રિન્ટ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


    *જીલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલે શક્તિપીઠ અંબાજી મંદિરે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કર્યું*
    *********
    *ભાદરવી પૂનમે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણે થી દર્શન કરવા માઈ ભક્તો અંબાજી ઉમટ્યા:-કલેક્ટરશ્રી મિહિર પટેલ*
    *********

    ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. આ શુભ પ્રસંગે જીલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.

    માં અંબાના મહા મેળાના અંતિમ દિવસ પૂનમના પવિત્ર દિવસે જીલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શકિતપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાને આભાર દર્શન પ્રગટ કરવા ધજા ચડાવવામાં આવી હતી. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને છે. માં ના આર્શિવાદ માટે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કલેકટરશ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

    અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 18 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળા ના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો.


    *આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા માતાજીને ધ્વજારોહણ કરાયું*

    *હોસ્પિટલ સ્ટાફની રાઉન્ડ ધ ક્લોક ફરજને લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ*

    ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સુપ્રિટેન્ડન્ટ શ્રી વાય.કે.મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી કર્મચારીઓએ મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

    ધ્વજા રોહણ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા મેળાના સાત દિવસ દરમિયાન યાત્રિકોને ખડે પગે અવિરત મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી હતી. મેળાના અંતિમ દિવસે પણ ૫૫૦ જેટલા યાત્રિકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. જગતજનની મા અંબાના આશીર્વાદથી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.

     


    *ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી*

    *જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

    *ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ:- ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

    ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મા અંબા ને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા.

    રાજ્યના ગૃહ પ્રધાનશ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણે થી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોઇલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવ્યો છે. આ વર્ષે લાખો માઈભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈદુતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતાં પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

    ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જય અંબે, બોલ માડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.

     


    *સ્વચ્છતાનું સન્માન:-સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના હસ્તે સન્માન*

    *જિલ્લા કલકટરશ્રી મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી મા અંબા ના દર્શન કર્યા*

    *સ્વચ્છતાની કામગીરીને બિરદાવું છું, તેમને વંદન કરું છું:-કલેકટરશ્રી મિહિર પટેલ*

    અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી ૧૨૦૦ જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.

    વહેલી સવાર થી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા.

    આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું.

    ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા સમિતિના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરીને સેવા રૂપે બજવવામાં આવી હતી. જે અંતર્ગત દિવસમાં ત્રણવાર મેળામાં વિવિધ સ્થળે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી યાત્રાળુઓને સ્વચ્છતાની અનુભૂતિ થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.

     


    *અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૪*
    *****
    *જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી*
    *****
    *મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી*

     

    અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં આજે વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી પ્રથમ વાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી.

    જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના, જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસર ને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

    જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળાની સુચારું વ્યવસ્થા માટે ૨૬ કમિટીઓ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર મેળાના પ્રસાર પ્રચારની જવાબદારી જિલ્લા માહિતી કચેરી પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખુબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળા ની પળે પળ ની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

    જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

    આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર શ્રી રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.