કેટેગરી મહત્વના સમાચાર

  • ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

    ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

    સંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551

    ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક..

    ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024

    પ્રાપ્તિસ્થાન:
    – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277);
    – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ;
    – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ વેરા ભવનની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદવાદ,મો.9898762263

    ગાંધીજીએ આજીવન સેવેલી અહિંસા દુનિયા માટે રોજેરોજ વધુ ને વધુને અનિવાર્ય બનતી જાય છે. આવા માહોલમાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાવૃત્તિ કેળવાય તે હેતુથી ‘અ’અહિંસાનો ‘અ’, નામનું એક વિશિષ્ટ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેનું સંપાદન કુશળ સંપાદક અને પુસ્તક-નિર્માણના યુવા કીમિયાગર કેતન રૂપેરા(જુઓ : ફોટોગ્રાફ) એ કર્યું છે.

    ‘જીવનશિક્ષણની આનંદપોથી’ પેટાશીર્ષક ધરાવતાં આ પુસ્તકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટેની ચોવીસ સામુહિક રમતો છે. તે વર્ગમાં જૂથ પાડીને શિક્ષક અને સંયોજક રમાડી શકે.
    રમતો માટેની સામગ્રી કાગળ, પેન,ચિત્રકામ માટેની વસ્તુઓ, છાપાં, ચૉક, બ્લૅકબોર્ડ ઇત્યાદિ છે.આ રમતોનો હેતુ બાળકોમાં અહિંસા અને પ્રેમ,પરસ્પર સમજ અને સદભાવ, પર્યાવરણજતન અને પૂર્વગ્રહમુક્તિ જેવી વૃત્તિઓ કેળવવાનો છે.

    સંપાદક નોંધે છે : ‘માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓમાં રમતાં રમતાં કેટલાક ગુણોની કેળવણી થાય, અને અહિંસા તરફનો એમનો સહજ ઝુકાવ થાય તેવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે.’

    આ પ્રવૃત્તિપોથી સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટ એજ્યુકેશન સંસ્થાઓએ તૈયાર કરાવી છે. તેમણે 2019માં ‘ગાંધી-કસ્તુરબા 150’ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતની પંદર સંસ્થાઓની સાથે હાથ ધરેલા ‘અહિંસાની કેળવણી/Learning Non-Violence’ પ્રકલ્પનું આ પાયાનું પુસ્તક હતું, જે માર્ચ 2021 માં પહેલી વાર પ્રસિદ્ધ થયું.
    પ્રકલ્પના ભાગ રૂપે આ ‘આનંદપોથી’ની પ્રવૃત્તિઓ સંસ્થાઓમાં કરાવવામાં આવી ચૂકી છે અને આ ‘જીનશિક્ષણ’ ચાલતું રહે છે.
    અત્યાર સુધી એકસો દસ શાળાઓના સાડા ત્રણસો જેટલાં વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિનો ભાગ બન્યા છે.

    જુદા જુદા વિસ્તારની એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ અને તેમના સહાયકો આ પ્રવૃત્તિઓ કરાવતા રહ્યા છે.તેમના નિરીક્ષણો, અનુભવો અને સૂચનોને આમેજ કરીને પુસ્તકની પ્રસ્તુત બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
    રમતોમાં ભાગ લેનારાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ,લેખન,નાટ્યવાચન ઉપરાંત વિકલ્પ પસંદગી,ડમ્બ શરાડ,અખબારી કતરણકામ,જૂથ વહેંચણી, પ્રશ્નોત્તરી,ચર્ચા જેવી અનેક બાબતો કરવાની થાય છે.
    રમતોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે.પહેલા વિભાગ ‘જાત વિશે’ માં મારી કલ્પનાનું વિશ્વ વિષય પર ચિત્ર,માન્યતા ને મૂલ્ય હકીકત ને મંતવ્ય, સ્વાર્થ અને નિંસ્વાર્થ,ચહેરો અને મુખવટો જેવી બાબતોના ભેદની પરખ અને હિંસાની ઓળખ – આ બાબતોનો સમાવેશ થાય છે.

    બીજો ભાગ છે ‘પર્યાવરણ વિશે’ જેમાં વિવિધતામાં એકતા,સંસાધનોની વહેંચણી, બેદરકારી, સહાનુભૂતિ,નવસર્જન જેવી બાબતોને લગતી પ્રવૃત્તિઓ છે. ‘જાતને યોગ્ય દિશામાં દોરવા વિશે’ નામના ત્રીજ વિભાગમાંની યાદીમાં સમાવિષ્ટ છે: સત્યશોધન, ઝગડાના મૂળની શોધ અને તેનો ઉકેલ, સમયસૂચકતા,લક્ષ્ય અને જવાબદારી.

    રમતોનું નિર્માણ ગાંધીવિચારના ઊંડા અભ્યાસી કેતન રૂપેરાની સર્જક પ્રતિભાથી થયું છે. તેમાં ગાંધીવિચારની તેમની સમજ અને ઇનૉવેશન ક્ષમતાનો ઉત્તમ મેળાપ દેખાય છે.તેની પ્રતીતિ પુસ્તકના દરેક પાને થાય છે.

    પુસ્તકને અંતે ‘પ્રવૃત્તિમાં વધુ પ્રાણ પૂરવા માટે ઉપયોગી કેટલાંક સંદર્ભ પુસ્તકો’ મથાળાં હેઠળ બાર નામ છે.વળી,પુસ્તકની પેજ ડિઝાઈન માવજત માગી લેનારી અને નિર્માણ સૌમ્ય રીતે આકર્ષક છે.
    ‘અહિંસાની કેળવણી’ પ્રકલ્પ માટેનું પ્રાથમિક સંશોધન રાહુલ ગોરાણા, દીપ શાહ અને અતુલ દાસપટનાયકે કર્યું છે.અયુબ શેરસિયા અને હસમુખ પટેલ પ્રકલ્પ-સહાયકો રહ્યા છે.
    આ પુસ્તક વિશે ઉર્વીશ કોઠારીએ કેતનભાઈની ‘નવજીવન ન્યૂઝ’ પોર્ટલ માટે પચીસ મિનિટની મુલાકાત લીધી હતી.

    તેની લિન્ક : https://www.youtube.com/watch?v=RENJEzgZ_H8
    આપણા સમયમાં વિશેષ અગત્યનું આ પુસ્તક બહુ ઓછું જાણીતું છે.પ્રકાશક સંસ્થાઓએ તેનો બહોળો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આવા મૂલ્યવાન સમાજોપયોગી પુસ્તકની કિંમત ઓછી હોવી જોઈએ.

    ખરેખર તો એમ કહેવાનું થાય કે લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણી ચલાવતાં એવી મિશનરી પ્રસાર-યોજનાથી આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા સહુની પાસે પહોંચવું જોઈએ.
    કેમ કે, આ પ્રવૃત્તિપોથીમાં એવું સત્વ છે કે બધી શિક્ષણ સંસ્થાઓ નિયમિત ધોરણે આ ઉપયોગ કરે તો કેટલાક સમયે એના રૂડાં ફળ મળી શકે. કેતન રૂપેરાને અનેક ધન્યવાદ.
    —————————
    પ્રાપ્તિસ્થાન:
    – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277);
    – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ;
    – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ વેરા ભવનની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદવાદ,મો.9898762263

    ફોટોગ્રાફ સૌજન્ય : ડૉ.અશ્વિનકુમાર, નવજીવન લિન્ક સૌજન્ય : ચંદુભાઈ મહેરિયા,
    કોલાજ સૌજન્ય :પરીક્ષિત મેઘના મુકેશ
    Ahimsa book, Ketan Rupera

  • બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન!

    બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન!

    રમેશ સવાણી  (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police)

    બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન!

    ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર કરે છે. ગરીબો પ્રત્યે નફરત કરતા થઈ જાય છે. સામંતી કલ્ચરમાં રંગાઈ જાય છે. ભ્રષ્ટાચાર કરવા અવનવા પેંતરા/ યુક્તિઓ કરે છે.

    એક ચોંકાવનારો કિસ્સો જોઈએ. આણંદ જિલ્લામાં અધિક કલેક્ટર હતા
    કેતકી વ્યાસ. તેઓ નવેમ્બર 2021થી ઓગસ્ટ 2023 સુધી આ હોદ્દા પર હતા. તેમણે ભ્રષ્ટાચાર માટે ગજબની યુક્તિ શોધી કાઢી. 2023માં તેમણે નાયબ મામલતદાર/ ચિટનીસ જયેશ પટેલ અને વકીલ હરેશ ચાવડા સાથે કાવતરું કરી તત્કાલીન આણંદ કલેક્ટર ડી.એસ. ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવી દીધા. એક મહિલા મુલાકાતી સાથેના ખાનગી ક્ષણો રેકોર્ડ કરી લીધી અને વીડિયો બનાવીને ગઢવીને બ્લેકમેલ કરી અમુક જમીન સંબંધી ફાઇલો ક્લિયર કરાવવા ધમકી આપી!

    આ યુક્તિ પકડાઈ ગઈ. કેતકી વ્યાસ સામે ગુનો નોંધાયો અને ઓગસ્ટ 2023માં તેમની ધરપકડ થઈ. 48 કલાકથી વધુ કસ્ટડીમાં રહેવાથી રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા. તેમની સામે ખાતાકીય તપાસ થઈ. કલેક્ટર ગઢવીને પણ ગેરવર્તણૂક અને મોરલ ટર્પીટ્યુડ સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા.

    Screenshot

    જૂન 2026માં ACB (એન્ટી કરપ્શન બ્યુરો)એ કેતકી વ્યાસ સામે Disproportionate Assets-અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો. તેમની કાયદેસરની આવક કરતા રુપિયા 3,56,03,910ની (₹ 3.56 કરોડ) સંપત્તિ વધુ મળી આવી. જે 68.84 % હતી. આ સંપત્તિ મોટાભાગે તેમના અને પરિવાર (ખાસ કરીને માતા-પિતા, જે વિરમગામમાં કર્મકાંડ અને બુકસ્ટોલ ચલાવે છે)ના નામે મળી. તેમાં બોડકદેવ અને સાયન્સ સિટી રોડ પર ફ્લેટ્સ, ત્રાગડમાં બંગલો, વિરમગામમાં દુકાન, વાહનો અને 24 બેંક એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. 6 બેંક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા હતા.

    ACBએ Prevention of Corruption Act હેઠળ કેસ નોંધ્યા બાદ કેતકી વ્યાસે સેશન્સ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે ગયા પણ તેમની અરજીઓ નામંજૂર થઈ. જેથી ACBએ ઓગસ્ટ 2026માં તેમની ધરપકડ કરી અને સાબરમતી જેલમાં મોકલી દીધા.

    દરમિયાન સામાન્ય વહીવટ વિભાગે 31 જુલાઈ 2026ના રોજ, ખાતાકીય તપાસના અંતે, ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ/ પ્રામાણિકતાનો અભાવ/ સરકારી કર્મચારીને ન છાજે તેવી ગેરવર્તણૂક ધ્યાને લઈ કેતકી વ્યાસને તાત્કાલિક અસરથી, ‘ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહીં તે રીતે નોકરીમાંથી રુખસદ-Removal from service which shall not be a disqualification for future employment under Government’ની શિક્ષા કરવામાં આવી છે.

    થોડા મુદ્દાઓ:
    [1] પોતાના ઉપરી અધિકારીની ચેમ્બરમાં છૂપા કેમેરા ગોઠવી/ મહિલા મોકલી/ તેનો વીડિયો બનાવી/ કલેક્ટરને વિવાદી જમીનની ફાઈલો ક્લીનર કરવાની ધમકી આપવી તે ક્લાસ-1 અધિકારીને છાજે તેવું વર્તન છે? વિવાદી જમીનની ફાઈલો ક્લીનર કરવાનો હેતુ તો ભ્રષ્ટાચાર કરવાનો હતોને? તો શું કેતકી વ્યાસને ‘ભવિષ્યમાં સરકારી નોકરી માટે તે ગેરલાયક ઠરે નહીં’ તે રીતે નોકરીમાંથી રુખસદ આપવાનો હેતુ શો? શું કેતકી વ્યાસને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે ડિસમિસ કરવામાં શો વાંધો હતો?

    [2] સરકાર પોતે લેખિતમાં સ્વીકારે છે કે કેતકી વ્યાસમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છે/ પ્રામાણિકતાનો અભાવ છે/ સરકારી કર્મચારીને ન છાજે તેવી ગેરવર્તણૂક છે તો કેતકી વ્યાસને ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે તે રીતે ડિસમિસ કેમ કર્યા નહી?

    [3] ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે Gujarat Civil Services (Conduct) Rules, 1971 વર્તણૂકના નિયમો નક્કી કરે છે, જ્યારે સજા (penalties) અને તેના પરિણામો માટે Gujarat Civil Services (Discipline and Appeal) Rules, 1971 લાગુ પડે છે. આ નિયમો બંધારણના આર્ટિકલ 309 હેઠળ બનાવવામાં આવ્યા છે. Dismissal અથવા Removal બંનેમાં પાછલી સેવા forfeit થાય છે અને સામાન્ય રીતે પેન્શન તથા ગ્રેચ્યુટી મળતા નથી. લીવ એન્કેશમેન્ટ અને અન્ય રિટાયરમેન્ટ લાભો સામાન્ય રીતે ન મળે. સવાલ એ છે કે તો કેતકી વ્યાસને ડિસમિસ કરવાની જગ્યાએ રીમૂવલ કેમ કર્યા? શું કેતકી વ્યાસ ફરી સરકારી નોકરીમાં જોડાઈ શકે એવી સત્તાપક્ષના નેતાની કે સિનિયર અધિકારીની કોઈ યોજના હશે?

    [4] કદાચ સરકાર માનતી હશે કે “અધિક કલેક્ટર કેતકી વ્યાસ પાસેથી તેમની કાયદેસરની આવક કરતા માત્ર રુપિયા 3.56 કરોડની જ સંપત્તિ વધુ મળી છે. આ તો સાવ નાનો ભ્રષ્ટાચાર છે. કીડીને કોશનો ડામ ન દેવાય! એટલે ડિસમિસલની જગ્યાએ રિમૂવલ શબ્દ વાપર્યો છે અને ભવિષ્યમાં સરકારી નોકરી માટે પાત્ર ઠરે તેવી જોગવાઈ પાછળ મહિલા સશક્તિકરણનો ઉમદા હેતુ છે!”

    [5] બળાત્કારીઓના સન્માન કર્યા/ તડીપારના સન્માન કર્યા/ હવે ભ્રષ્ટાચારીઓના સન્માન થઈ રહ્યા છે! ગજબ કહેવાય! rs [13 ઓગસ્ટ 2026]

  • ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ

    ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન

    રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ

    *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના: સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા*

    સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલસામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે: સાંસદ શ્રીમતી રમીલાબેન બારા

    ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તાર અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રીના અધ્યક્ષસ્થાને મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેમણે વર્ચુઅલ માધ્યમથી ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર નવી ટ્રેન સેવાનું ઈ-પ્રસ્થાન કરાવી ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ કરાવ્યો હતો.

    આ ઐતિહાસિક અવસર નિમિત્તે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કક્ષાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા લોકસભાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા-હિંમતનગર-અમદાવાદ (અસારવા) વચ્ચેની નવી ટ્રેન સેવાને આવકારવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. આ નવી રેલવે સેવા શરૂ થવાથી ખેડબ્રહ્મા અને આસપાસના અંતરિયાળ વિસ્તારોના હજારો મુસાફરોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે.

    કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલું આ લોકાર્પણ માત્ર રેલવે ટ્રેકનું નિર્માણ નથી, પરંતુ આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલનારી ઘટના છે. બ્રોડગેજ લાઇન કાર્યરત થવાથી હવે અમદાવાદ સુધીની મુસાફરી અત્યંત સુખદ, સુરક્ષિત અને ઝડપી બનશે. આ સુવિધાનો સીધો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને યાત્રાધામ અંબાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓને મળશે.

    આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા-હિંમતનગર લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતરણ આદિજાતિ વિસ્તારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. નવી ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક ખેડૂતો પોતાની પેદાશો અને વેપારીઓ પોતાનો માલસામાન અમદાવાદ જેવા મોટા બજારો સુધી સરળતાથી પહોંચાડી શકશે, જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને નવી મજબૂતી મળશે. ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ પણ આ પ્રોજેક્ટને ખેડબ્રહ્મા વિસ્તારની પ્રગતિની જીવાદોરી ગણાવી હતી.

    ખેડબ્રહ્મા અને હિંમતનગર વચ્ચેની રેલ લાઇન શરુ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

    ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા. આ ગરિમામય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, રેલવે એડીઆઈ શ્રી મંજુ મીના, પૂર્વ સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


    ખેડબ્રહ્માથી અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન લોકાર્પણનો અનેરો ઉત્સાહ: ટ્રેનના આગમન વધામણે સાંસદશ્રી શોભનાબેન બારૈયા કલાકારો સાથે ગરબે ઘૂમ્યા

    ખેડબ્રહ્મા રેલ્વે સ્ટેશન ખાતે નવી ટ્રેન સેવાના પ્રારંભના ઐતિહાસિક અને આનંદદાયક અવસરે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો અને સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી રહી હતી, ત્યારે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પોતાને રોકી શક્યા નહોતા અને તેઓ પણ આ આનંદમાં સહભાગી થયા હતા. સાંસદશ્રીએ કલાકારો સાથે ગરબે ઘૂમીને લોકોનો ઉત્સાહ બમણો કર્યો હતો. વિકાસના આ અવસરને વધાવવા માટે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ લોક-કલાકારો સાથે ગરબે ઘૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે દર્શાવતું હતું કે આ ટ્રેન સેવા માત્ર પરિવહનનું સાધન નહીં પણ આ વિસ્તારના લોકોની આકાંક્ષાઓની ઉડાન છે.

    ખેડબ્રહ્માના ડિજિટલ youtube પર અને કન્ટેન્ટ ક્રિએટર ધાર્મિક મોદીએ પણ સરસ વિડીયો બનાવ્યો છે!


  • મોદીનાના સત્તામાં 8931 દિવસો અંગે એક વાંચવાલાયક, વિચાર પ્રેરક પોસ્ટ

    મોદીનાના સત્તામાં 8931 દિવસો અંગે એક વાંચવાલાયક, વિચાર પ્રેરક પોસ્ટ

    સંકલન: નીરવ જોશી (M-9106814540)

    આજે સવારથી જ ઇલેક્ટ્રોનિક મીડિયા ની ન્યુઝ ચેનલો દેશના વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી અને અત્યાર સુધી સત્તામાં 8931 દિવસો શિખર પર સત્તામાં રહ્યા છે !! એવી જાહેરાત વાળી સમાચારો પણ કરી રહ્યા હતા !આ પહેલા સિક્કિમ રાજ્યના  CM પવન ચામલીંગ નામના રાજકારણી 8930 દિવસ સુધી સતત રાજ્યના સીએમ તરીકે સત્તામાં રહ્યા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ અને દેશના પીએમ તરીકે સત્તામાં આવે કુલ 8931 દિવસ પુરા કરીને સત્તામાં રહીને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે ! સત્તામાં રહેનારા સૌથી વધુ લાંબો સમય સત્તાધીન દેશના આગેવાન કે વડાપ્રધાન તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે!!! ત્યારે PM મોદીની છબીને મહિમા મંડળ કરનારા કેવા કેવા પરિબળો છે-  તે અંગે સ્વતંત્ર લેખક વિચારક   રમેશ સવાણીની કલમએ વાંચીએ….

    ધનવાન લોકો મોદીને ભગવાન કેમ માને છે?

    સુરતના લેબગ્રોન ડાયમંડ કિંગ મુકેશ પટેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે “PM મોદી મારા ભગવાન, હું તેમનો ભગત!”

    આવું માત્ર મુકેશ પટેલ જ માનતા નથી, જમણેરી વિચારધારા (Right-wing ideology) વાળા મોટાભાગના લોકો અને WhatsApp Universityથી પ્રભાવિત મોટાભાગના લોકો માને છે.

    ભારતમાં કેટલાક ધનિક વર્ગ; ખાસ કરીને કેટલાક બિઝનેસમેન, કોર્પોરેટ લીડર્સ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં મોદી પ્રત્યે ખૂબ જ મોટી ભક્તિ અને ‘અવતાર’ જેવું આકર્ષણ જોવા મળે છે. તેના કારણો છે-
    [1] આર્થિક લાભ મળ્યોો છે અને સરકારી પોલિસીઓથી ફાયદો મળ્યો છે. મોદી સરકારની પોલિસીઓએ કોર્પોરેટ અને મોટા બિઝનેસને ઘણો ફાયદો કર્યો છે. ટેક્સમાં ઘટાડો થયો છે. કોર્પોરેટ ટેક્સ 30%થી 22% અને નવી કંપનીઓ માટે 15% કર્યો છે! લેબર લો અને લેન્ડ એક્વિઝિશનમાં રાહત મળી છે. મજૂરોના શોષણ અંગે સરકારી તંત્ર ચૂપ રહે છે. પ્રાઇવેટાઇઝેશન વધ્યું છે. એરપોર્ટ, પોર્ટ, રેલ્વે, બેંક, એરલાઇન્સ વગેરે. GST અને ડિજિટલ ઇકોનોમીએ મોટા બિઝનેસને સરળતા આપી છે. આ કારણે અમીરોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં બિલિયનેર્સની સંખ્યા અને તેમની સંપત્તિમાં ખૂબ વધારો થયો છે. World Inequality Lab અનુસાર ટોપ 10% પાસે 77% સંપત્તિ છે! આ લોકો મોદીને ‘આર્થિક રિવાઇવલના દેવદૂત’ માને છે, જેમણે ગરીબોના ભોગે ‘બિઝનેસ-ફ્રેન્ડલી’ વાતાવરણ બનાવ્યું છે!

    Screenshot

    [2] સ્ટેબિલિટી અને સ્ટ્રોંગ લીડરશિપનું આકર્ષણ હોય છે. મોદીની આવી છબી પ્રચાર/ પ્રોપેગેન્ડાથી ઊભી કરવામાં આવી છે. ધનવાન વર્ગને ‘મજબૂત નેતા’ ગમે છે જે ‘અરાજકતા’ ન થવા દે. મોદીની ઇમેજ ‘ડિસિઝન મેકર’, ‘કોઈ લાંબી ચર્ચા વગર ઝડપી નિર્ણય લેનાર’ તરીકે છે. ઘણા બિઝનેસમેન કહે છે કે ‘પહેલાંની સરકારોમાં ફાઇલો પડતર રહેતી, હવે ઝડપથી કામ થાય છે’. આને કારણે તેઓ મોદીને ‘ભારતનું એકમાત્ર ભવિષ્ય‘ માને છે.

    [3] હિન્દુ રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ગર્વમાં માનતા લોકો મોદીને પસંદ કરે છે. ઘણા ધનવાન હિન્દુ; ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતી બિઝનેસ કોમ્યુનિટીમાં રામ મંદિર, CAA-NRC, Article 370 જેવા મુદ્દાઓએ ‘હિન્દુ અભિમાન’ પ્રગટાવ્યું છે. આ લોકો મોદીને ‘હિન્દુ હ્રદય સમ્રાટ’/ ‘હિન્દુ ધર્મના રક્ષક’ અથવા ‘ભગવાન રામને લાવનાર’ તરી જૂએ છે. અયોધ્યા મંદિર ઉદ્ઘાટન વખતે મોદીની ઇમેજ ભગવાન રામ સાથે જોવા મળી, જેનાથી ભક્તિ વધી.

    [4] વ્યક્તિપૂજાનો પ્રભાવ-પર્સનાલિટી કલ્ટ. મીડિયા, સોશિયલ મીડિયા અને BJP/ RSSના પ્રચારથી મોદીની ઇમેજ ‘અમર’, ‘નોન બાયોલોજિકલ અવતાર’ તરીકે બની છે. એટલે મોદી પોતે પણ કહે છે કે ‘ભગવાને મને મોકલ્યો છે’, ‘મા ગંગાએ બોલાવ્યો છે’ આ બાબતો ભક્તોના મગજમાં ગુંજ્યા કરે છે. ધનવાનોને/ ઉપલા મધ્યમ વર્ગને/ કોર્પોરેટ કથાકારોને/ ધર્મગુરુઓને/ પ્રગટ બ્રહ્મસ્વરુપોને/ ડાયરા કલાકારોને/ ફિલ્મ કલાકારોને/ ક્રિકેટરોને/ દરબારી લેખકો-પત્રકારોને આ ‘અવતારી’ ઇમેજ ગમે છે, કારણ કે તેમને લાગે છે કે ‘મોદી વિના ભારત ‘પાછળ રહી જશે!’ જો કે બધા ધનવાન લોકો મોદીને ‘ભગવાન’ માનતા નથી, પરંતુ સામા પ્રવાહે તરવાને બદલે પ્રેક્ટિકલ લાભ માટે સપોર્ટ કરે છે.

    [5] WhatsApp યુનિવર્સિટીના કારણે મોદીની છબી કઈ રીતે ઊભી થાય છે? તેનાથી ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? WhatsApp University વ્યંગાત્મક શબ્દ છે, આ શબ્દ પ્રથમ વખત રવીશ કુમારે વાપર્યો હતો. જે વોટ્સએપ પર વાયરલ થતા ‘ફેક ન્યૂઝ, એડિટેડ વીડિયો, ફોર્વર્ડ મેસેજ અને પ્રોપગેન્ડા’ને વ્યક્ત કરે છે. જે દ્વારા મોદીની ‘સુપરહીરો’ છબી ઊભી કરવામાં આવે છે. દેશભરમાં 50 લાખથી વધુ ગ્રુપ્સ, હજારો વોલન્ટિયર્સ છે. કન્ટેન્ટ નેશનલ લેવલથી બનાવીને રીજનલ લોકલ ગ્રુપ્સમાં 12 મિનિટમાં પહોંચાડવામાં આવે છે. 80% કન્ટેન્ટ પહેલેથી જ તૈયાર હોય છે. જેના તત્વો હોય છે: (1) ગર્વની ભાવના ભરવી. હિન્દુ સંસ્કૃતિ-ઇતિહાસની અતિશયોક્તિ, જેમ કે ‘પ્રાચીન ભારતમાં એરોપ્લેન હતા/ પ્લાસ્ટિક સર્જરી હતી! (2) હિન્દુઓને પીડિત તરીકે રજૂ કરવા. સદીઓથી હિંદુઓને દબાવવામાં આવ્યા છે! ઔરંગઝેબ મુગલ શાસનની વાતો રીપીટ કરવી. (3) ભય-ખતરો બતાવો. મુસ્લિમ, ક્રિશ્ચિયન, કોંગ્રેસ પક્ષ, સોરોસ વગેરેને ‘દુશ્મન’/ ‘દેશદ્રોહી’ દેખાડો. એડિટેડ ક્લિપ્સથી ભય ઊભો કરવો. (4) મોદી કલ્ટ! ‘છેવટે મોદીજી જ બચાવી શકે છે’ તે ધારણા ઊભી કરવી, તે માટે તેમને અવતાર, વિશ્વગુરુ, હિન્દુ ધર્મના રક્ષક તરીકે દર્શાવવા. RSS પણ હિન્દુ શાસ્ત્રોના આધારે મોદીને ‘હિન્દુ ધર્મના મહાન ઉદ્ધારક’ તરીકે ચિત્રિત કરે છે. રાહુલ ગાંધીને રાવણ અને મોદીને રામ તરીકે રજૂ કરે છે. 140 કરોડ ભારતીયોને ‘મોદીના પરિવાર’ તરીકે બતાવે છે. 2024માં, રામ મંદિર ઉદ્ઘાટન સમયે 36% ફોર્વર્ડ મેસેજમાં મોદીને રામ સાથે જોડીને ‘હિન્દુ રાષ્ટ્રના નિર્માતા’તરીકે બતાવવામાં આવ્યા હતા.

    [6] ભક્તો કઈ રીતે અંજાઈ જાય છે? વોટ્સએપ ગ્રુપ્સ ‘એકો ચેમ્બર’ બની જાય છે. ફેમિલી, પ્રોફેશન, જ્ઞાતિ આધારિત ગ્રુપ્સમાં ફક્ત એક જ પ્રકારના મેસેજ આવે છે. રિપીટેશન (વારંવાર ફોર્વર્ડ)થી મગજ માની લે છે કે ‘આ સાચું જ હશે!’ મનમાં ‘મોદી કંઈ ખોટું કરી જ ન શકે’નું બોક્સ બની જાય છે. કોઈ પણ નિષ્ફળતા- નોટબંધી/ કોરોના કાળમાં 47 લાખથી વધુ મોત/ ઈલેક્ટોરલ બોન્ડ/ કાળાનાણાથી ધારાસભ્યો ખરીદીને વિપક્ષની રાજ્ય સરકારો તોડવી વગેરેને ‘તેમણે પ્રયત્ન કર્યો’ તરીકે ફિટ કરી દેવામાં આવે છે. કામ કરે તેની ભૂલ થાય તેવો બચાવ કરે છે. વિરોધી તથ્યોને અવગણીને માત્ર વોટ્સએપ મેસેજ પર આધાર રાખે છે. નિયમ છે કે જેટલી ઓછી જાણકારી, તેટલી વધુ તીવ્ર માન્યતા! ઇમોશનલ રોલરકોસ્ટર! પહેલા ડર (ખતરો), પછી આશા (મોદી જ બચાવશે), આનાથી તર્ક અને તથ્યો અસરરહિત બની જાય છે. કોઈ પણ ફેક્ટ-ચેકને ‘વિરોધીઓનું ષડયંત્ર’ કહીને નકારી કાઢે છે. WhatsApp University એ BJPનું સૌથી અસરકારક ટૂલ છે જે ‘ભય + ગર્વ + ધાર્મિક અપીલ’ના મિશ્રણથી મોદીને ‘ભગવાન’ બનાવી દે છે. તેનાથી ભક્તો અંજાઈ જાય છે કારણ કે તેમનું મન વારંવારના ફોર્વર્ડ્સ અને બંધ ગ્રુપ્સમાં ફસાઈ જાય છે. તર્કની જગ્યાએ લાગણી અને લોયલ્ટી કામ કરે છે. આ એક સામાન્ય પ્રોપગેન્ડા ટેકનિક છે. કોઈપણ મોદી ભક્તની એક મુખ્ય ખાસિયત એ હોય છે કે તે ઊંડેઊંડે મુસ્લિમોનો વિરોધી હોય છે, એટલું જ નહીં પોતાનાથી ઉપલી જ્ઞાતિઓનો ગુલામ અને પોતાનાથી નીચલી જ્ઞાતિઓ પ્રત્યે સૂગ રાખનાર હોય છે, એટલે કે સામંતી માનસિકતા ધરાવતો હોય છે. તે પેન્ટ, કોટ, ટાઈ ભલે પહેરે પણ પરંપરાગત મૂલ્યોનો સમર્થક હોય છે, રુઢિચુસ્ત હોય છે. તેમને ગાંધી/ સરદાર કરતાં મોદી મહાન લાગે છે. તમે આજુબાજુ નિરીક્ષણ કરજો, આ સત્ય સમજાઈ જશે!

    rs [22 માર્ચ 2026]

  • જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    સંકલન: નિરવ જોશી (ગાંધીનગર, M-9106814540)

    *જિજ્ઞેશ મેવાણીની આજે ગૃહમાં રજુઆત* 

    મહાડના સત્યાગ્રહને સો વર્ષ થયા છતાં ગુજરાતમાંથી અશ્પૃશ્યતાનું કલંક દૂર થતું નથી

    લોકોનું માનસ બદલવા ફૂલે, પેરિયાર, આંબેડકર ભણવો

    જીપીએસસી માં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે

    માનનીય અધ્યક્ષશ્રી, અનુસુચિત જાતિના બજેટમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં હું મારા વિચારો રજૂ કરું છું.

    સૌ પ્રથમ તો ગુજરાતના ૧૩ લાખ જેટલા દિવ્યાંગોને રાજસ્થાન દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજયો છે એ પ્રમાણે ગુજરાતમાં પણ એમનું પેન્શન શરૂ થાય એવી એમની લાગણી છે. બે દિવસ પહેલાં ગાંધીનગરના એક ધરણામાં ગયા હતા તેમની લાગણી અહીં મૂકું છું કે સરકાર એને કન્સીડર કરે અને મહિને પાંચેક હજાર સુધીનું એમને પેન્શન શરૂ કરવામાં આવે. ઉનાના દસ વર્ષ આ વર્ષે થશે અને અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક મહારના સત્યાગ્રહને સો વર્ષ થશે.

    મહારના ઐતિહાસિક સત્યાગ્રહને સો વર્ષ થવા આવ્યા પણ આજે પણ ગુજરાતના હજારો ગામમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર નથી થયું. આ સન્માનનીય વખત રજૂઆત કરી છે કે મારું ચીંધેલું નહીં, રાજય સરકાર પોતાની ચોઇ પોતાની પસંદગીનું કોઇપણ એક ગામ અસ્પૃશ્યતામુકત કરી બતાવે અને પછી આગળ જતા ગુજરાતના તમામ ગામ આપણે આભડછેટ મુકત કરીશું એવી કમિટમેન્ટ બતાવે પણ રાજય સરકાર તરફથી આટલા વર્ષોમાં કદી કમિટમેન્ટ જોવા મળી નથી અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાતના કોઇપણ જિલ્લાના કોઇપણ તાલુકામાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઇ જ કેમ્પેઇન કે ડ્રાઇવ ચાલતી નથી. ઉનાકાંડને દસ વર્ષ થશે. માનનીય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેને મુખ્યમંત્રીની કેપેસીટીમાં ઉનાઈ અને ઉનાના પીડિતોને વચન આપ્યા હતા એ વચનો ગુજરાત સરકારના પાક્ષિકમાં પ્રકાશિત થયા કેસ ચાલશે પણ આજે દસ કૈ તમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. ફાસ્ટ્રેક કોર્ટમાં યો ઉના કાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી, ટ્રાયલ પૂરી નથી થઇ.

    જમીનોમાં ના માપણી થાય છે, ના કબજા સોંપાય છે, ના એ અસામાજિક તત્વોની સામે ગુના દાખલ કરવામાં આવે છે. કોઇપણ વ્યકિતની પ્રોપર્ટીમાં અન્ય ઇસમ ઘુસી જાય તો બી.એન.એસ. મુજબ પણ ઓફેન્સ બને છે, આદિવાસી કે દલિતની જમીનમાં ધુસે તો એટ્રોસીટી એકટ મુજબ પણ ઓફેન્સ બને છે અને હવે તો લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવ્યો પણ બી.એન.એસ. એટ્રોસીટી એકટ અને લેન્ડ ગ્રેબીંગ જયારે ભોગ બનનાર એ પીડિત દલિત હોય ત્યારે જમીનના પ્રકરણમાં મદદરૂપ બનતા નથી. સતત આ ગૃહમાં મેં રજૂઆત કરી છે કે આજે પણ ૫૦૦-૭૦૦ જેવી નજીવી રકમ ખાતર વાલ્મિકી સમાજના સફાઇ કામદારનું ગટરમાં ઉતરીને મોત થાય છે. વિજ્ઞાન એટલું બધું એડવાન્સ થયું છે, એટલી બધી ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, આપણા દેશમાં રોબોટસ મશીનો, આધુનિક સામગ્રી ઉપલબ્ધ થઇ ચૂકી છે કે કોઇપણ સફાઇ કામદારે ગટરમાં ઊતરવું ના પડે એ છતાં વારંવારની દરેક સત્રની રજૂઆત છતાં રાજયની સરકાર સફાઇ કામદારે ગટરમાં ઉત રવા રોબોટસ કે મશીનો વસાવતી નથી. જે સફાઇ કામદારોના ગટરમાં મૃત્યુ થયા કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની પડે એના માટેના કરણને બાદ કરતા સુપ્રિમ ઐકાદ કિસ્સાને બાદ કરતા ગુના દાખલ કરવામાં આવતા નથી અને એમની સામે ટ્રાયલ ચાલી હોય, કન્વીકશન થયું હોય એવો ગુજરાતમાં કોઇ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં દાખલો નથી. માથે મેલુંનો પ્રશ્ન પણ અસ્પૃશ્યતાની જેવો ગુજરાતના મોટાભાગના શહેરોમાં કે જે નાના ટાઉન છે ત્યાં પણ જયાં ટોયલેટસ નથી, જે લોકો ખુલ્લામાં શૌચ કરે છે એ કોણ ઉપાડે છે? એ ગુજરાતન લેત સમાજનો વ્યકિત ઉપાડે છે તો માથે મેલાની નાબૂદી માટે એસ.સી., એસ.ટી. સબપ્લાનના કરોડો અન્ય કામોમાં ખર્ચાઇ ગયા.

    આ જ ગૃહમાં અમારા સાથી શ્રી નૌશાદભાઇ હતા ત્યારે તેઓ એક પ્રાઇવેટ મેમ્બર બીલ લાવ્યા હતા. એને સરકારે સપોર્ટ ન કર્યો. એસ.સી./એસ.ટી. સબપ્લાન ન બન્યો પણ એસ.સી./એસ.ટી.ના નાણા બીજા કામોમાં નહિ ખર્ચાય એ સુનિશ્ચિત કરવાના વર્ષ ૨૦૧૫ના પરિપત્રનું પણ પાલન નથી થઇ રહ્યું. આ ગૃહમાં ખાસ એક માગણી કરવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ નવી યોજના લાવે એ આવકાર્ય છે પણ એનું મૂળ કામ સમાજમાં પ્રવર્તતા ભેદભાવ ખતમ કરવાનું સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આજે પણ ગુજરાતનો દલિત ફક્ત એટલા કારણોસર માર ખાય છે કે એને ઘોડી ચડવાનું મન થયું. લગ્નનો પ્રસંગ એનો, ઘોડો એનો, એને ચડવું છે અને છતાં અન્ય સમાજના કોઇ માણસને વાંકું પડે છે અને એ ’ વાંકું પડે છે’ એની પાછળનું જે માનસ છે એ બદલીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય. એના માટે માનનીય પ્રધુમનભાઇ પાસે એક અદભૂત તક છે. એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પણ છે અને શિક્ષણ વિભાગના પણ મંત્રી છે તે કે ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, નાનક અને કબીરના પાઠ ભણાવવા હું એમને વિનંતી કરું છું આવે, એવી ટેક્સ્ટબુક આપણા ગુજરાતમાં આવે તો ગુજરાતની જનતાનું જનમાનસ બદલાય. લાંબા સયમથી બુદ્ધિષ્ઠોની પણ માગણી છે કે ગુજરાતમાં બુદ્ધપૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. એ પણ માઇનોરિટી છે. એના માટે પણ બજેટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જી.પી.એસ.સી.માં કેટલાક દ્રોણાચાર્ય એવા બેઠાં છે કે જે આજે પણ ઓ.બી.સી., આદિવાસી અને દલિત સમાજના એકલવ્યોને નિત્થાનો બનાવે છે. આ આપણા ગુજરાતમાં ન થાય એટલું સરકાર સુનિશ્ચિત કરે એવી માગણી કરું છું.

  • હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું યાદગાર આયોજન અને હિન્દુ અસ્મિતાનો સંકલ્પ

    હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું યાદગાર આયોજન અને હિન્દુ અસ્મિતાનો સંકલ્પ

    સંકલન: નીરવ જોશી, હિંમતનગર M-9106814540

    હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા સંદર્ભે સમગ્ર ગુજરાત અને ભારતમાં અનેક રાજ્યો / વિસ્તારોમાં હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજન

    હિંમતનગરના ગોકુલનગર વિસ્તારનું હિન્દુ સંમેલન શાંતિનગર સોસાયટીના કોમન પ્લોટ માં દબદબાભેર યોજાયું. જેમાં મુખ્ય અતિથિ પદે જયંતીભાઈ જે. પટેલ (નિવૃત્ત જિલ્લા રજીસ્ટ્રારશ્રી) મુખ્ય વક્તા પદે કૈલાશભાઈ ત્રિવેદી (ગુજરાત પ્રાંત કાર્યકારિણી સદસ્ય,આર.એસ.એસ.) માતૃશક્તિ પદે શ્રીમતી ઉર્વશીબેન ત્રિવેદી (ઉપાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા જિલ્લો) તેમજ વિસ્તારના ગણ માન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમની શરૂઆત શંખનાદના મંગલ ધ્વનિ સાથે ભારત માતાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો.

    સંમેલનના સંયોજક નયનભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી સંમેલનની યથાર્થતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશ સ્તોત્ર, નાટીકા તેમજ તલવાર કૌશલ્યના સુંદર પ્રયોગો રજૂ થયા હતા.

    વક્તાઓએ હિંદુ એ સંસ્કૃતિ અને જીવન જીવવાની પદ્ધતિ છે એમ જણાવેલ સાથે મુખ્ય વક્તા દ્વારા સમાજ ને પંચ પરિવર્તન માં સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા અને નાગરિક કર્તવ્ય ની વાત પોતાના વક્તવ્ય માં જણાવી સાથે દેશભક્તિ જાગૃત કરતા પ્રવચનો રજૂ કર્યા હતા .

    કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. અરવિંદ એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું,

    આભાર વિધિ સહસંયોજક પ્રમોદભાઈ જી. પટેલે કરી હતી, કાર્યક્રમ ના અંત માં ભારત માતા ની આરતી કરવામાં આવી હતી, આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મ પ્રેમી ભાઈ બહેનોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

    આવનારા દિવસોમાં દેશ માટે નક્કર કંઈક કરી છૂટવાની કરી ભાવના સાથે સૌએ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. સંમેલનને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિ, शांतिनगर societyना युवा वर्ग अन्य कार्यकर्ता અને સૌ બીજી સોસાયટીના હિન્દુ કાર્યકર્તા મિત્રોએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો તેમજ ફરાળી ચેવડા અને ચીકીના પેકેટનું વિતરણ પણ કર્યું હતું.

    આગામી 28 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના મહેતાપૂરા ખાતે પણ ભવ્ય હિન્દુ સંમેલન આયોજિત થનાર છે.

    આ પહેલા 22 ફેબ્રુઆરીના રોજ NG એન્જિ સર્કલ પાસે બ્રહ્માણીનગર વિરાટ હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજિત થઈ ગયું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ બાળકો ,ભાઈ ,બહેનો તેમજ વડીલો હાજર રહ્યા હતા.

  • વંદે ભારત ઉદેપુર સુપરફાસ્ટ ટ્રેન:સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ

    વંદે ભારત ઉદેપુર સુપરફાસ્ટ ટ્રેન:સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    સાબરકાંઠા જિલ્લાને મળી આધુનિક રેલ સુવિધાની ભેટ

    હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

    સાબરકાંઠાના ગૌરવંતા ક્ષણે દસ વરસ સંસદસભ્ય રહેલા ભાજપના ભૂતપૂર્વક સાંસદ દિપસિંહ રાઠોડ અને અન્ય કેટલાક ભાજપના વરિષ્ઠ માજી ધારાસભ્ય આવા શુભ પ્રસંગે ગેરહાજર રહ્યા!

    સોમવારે બપોરે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ શ્રી શોભનાબેન બારૈયાના હસ્તે ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

    સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણય મુજબ, ઉદયપુર – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસને હવે હિંમતનગર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના વિસ્તારના લોકો હવે માત્ર ગણતરીના કલાકોમાં અમદાવાદ અથવા ઉદયપુર પહોંચી શકશે.

    અમદાવાદ અને રાજસ્થાન સાથે સીધી અને ઝડપી કનેક્ટિવિટી મળતા સ્થાનિક વેપાર, શિક્ષણ અને પ્રવાસન ક્ષેત્રને મોટો ફાયદો થશે. “આ સ્ટોપેજ માત્ર એક ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય નથી, પરંતુ હિંમતનગરના વિકાસ માટેનો એક નવો માઈલસ્ટોન છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓ માટે અમદાવાદ જવું હવે વધુ સુલભ અને આરામદાયક બનશે.”

    આ અવસરે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, મુખ્ય પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, રેલવે વિભાગના અધિકારીશ્રી, વિવિધ પદાધિકારીશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Doordarshan 1980 ના મહિલા સમાચાર વાચક સરલા મહેશ્વરીએ વિદાય લીધી

    Doordarshan 1980 ના મહિલા સમાચાર વાચક સરલા મહેશ્વરીએ વિદાય લીધી

    કેતન ત્રિવેદી ,( મુંબઈ)

    સરલા મહેશ્વરીના અવસાનના સમાચાર દુઃખદ છે. સોશિયલ મીડિયા પર એમને જે રીતે અંજલીઓ મળી રહી છે એ જોતાં જ એમના અવાજનો જાદુ, એમની સમાચાર વાંચનની શૈલી એ સમયે દર્શકોને કેટલી હદે મંત્રમુગ્ધ કરતી હશે એનો અંદાજ આવે છે.

    થોડા સમય પહેલા દૂરદર્શન અને આકાશવાણીમાં કામ કરી ચૂકેલા ગુજરાતી એન્કરો વિશે એક લેખ લખ્યો હતો, જે અંતર્ગત સરલાબહેનને દિલ્હીમાં મળવાનું થયેલું. એ લેખમાં સરલાબહેન વિશે જે લખ્યું હતું એના અંશો:

    સરલા મહેશ્વરી મૂળ સુરતના. પિયરમાં એમની અટક જરીવાલા. પિતાજી દિલ્હીમાં વેપારી હતા એટલે જન્મ-ઉછેર-ભણતર બધું જ દિલ્હીમાં થયું. દિલ્હી યુનિવર્સિટીમાં હિન્દી વિષય સાથે માસ્ટર્સ અને ડોક્ટરેટ કર્યું, પણ સાથે ડો. ચંદ્રકાન્ત મહેતા જેવા વિદ્વાન શિક્ષક પાસે ગુજરાતી ભણવાની ય તક મળી. ભણવાનું પૂરું કર્યા પછી પાંચેક વર્ષ દૂરદર્શનમાં એન્કર અને કોલેજમાં લેક્ચરર એમ બે જોબ સાથે કરી.

    દરમ્યાન, લંડનસ્થિત ડો. પવન મહેશ્વરી સાથે લગ્ન થયાં એટલે 1984માં લંડન ગયા. લંડનમાં બીબીસી પર એશિયન મેગેઝીન નામનો કાર્યક્રમ આવતો. એમાં એન્કર તરીકે કામ કર્યું. 1986માં પતિ સાથે લંડનથી કાયમ માટે દિલ્હી પાછા ફર્યા એટલે 1988માં ફરીથી દૂરદર્શન સાથે ન્યુઝ રિડર તરીકે જોડાયા અને છેક 2005 સુધી એ ડીડીનો એક જાણીતો ચહેરો બની રહ્યાં.

    એ સમયે એમને અઢળક પત્રો આવતા. કેટલાકમાં વખાણ હોય તો કેટલાકમાં અભદ્ર ભાષા ય હોય. એક પત્રમાં તો ગાંડાઘેલા દર્શકે એમને લખેલુઃ ‘આપકે ચહેરે કા તિલ હટવાઇયે, ઐસે લગતા હૈ જૈસે મખ્ખી બૈઠી હૈ!’ સરલાબહેન કહે છે કે, ‘આવા પત્રો વાંચીને અમે મેકઅપ રૂમમાં બેઠાં બેઠાં ખૂબ હસતાં.’

    ટૂંકમાં, આજે જે કામ ફેસબુક-ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સ કરે છે (ગાલીગલોચ અને અભદ્ર ભાષામાં ટીકા કરવાનું) એ કામ એ જમાનામાં પત્રો દ્વારા થતું!

    વળી, દૂરદર્શન તો સરકારી માધ્યમ એટલે બોલવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે. બોલવાની ક્યાં કરો છો, સરલાબહેન કહે છે કે મહિલા ન્યુઝ રિડરે તો કપડાં અને મક-અપમાં પણ ખૂબ ધ્યાન રાખવું પડતું. આજે તો ટીવી ચેનલ્સમાં ક્રાઇમને લગતા શોમાં એન્કર પોતે ખૂંખાર અપરાધી હોય એવા વેશમાં આવે છે, પણ એ સમયે ડીડીમાં મહિલા એન્કર્સ માટે સાડી જ ફરજિયાત હતી. વેસ્ટર્ન પરિધાનની ય મનાઇ. આ બધામાં સહેજ ચૂક થાય તો મેમો મળે.

    ,

    સરલાબહેન કહે છેઃ ‘અમે ભૂલો કરતાં કરતાં ઘણું શીખ્યા. કેમેરાએ ઘણું શીખવાડ્યું. શરૂઆતમાં તો ક્યાંક લાઇન વાંચવાની ભૂલાઇ જાય કે ચાલુ કેમેરાએ માથું આડુંઅવળું થઇ જાય અને ફ્રેમ બગડી જાય એવું ય બનતું, પણ કામ કરતા ગયા અને શીખતા ગયા.’

    સરલા મહેશ્વરીને ટીવીમાં જોનાર એક પિતાએ લંડનથી એમને પત્ર લખેલો કેઃ હું મારી ત્રણેય દીકરીને તમારું ઉદાહરણ આપીને સમજાવું છું કે કેવી રીતે વસ્ત્રો પહેરાય, કેવી રીતે વાતચીત કરાય વગેરે…

    સમાચાર વાચક તરીકેના 23 વર્ષમાં સરલાબહેને અનેક મહત્વના ન્યુઝ વાંચ્યા છે. રાજીવ ગાંધીની હત્યાના સૌ પ્રથમ ન્યુઝ એમણે જ વાંચેલા. 15 ઓગસ્ટ, 1982ના રોજ ડીડીનું પહેલું કલરફૂલ બુલેટીન પણ એમણે જ વાંચેલું.

    ઓમ શાંતિ શાંતિ શાંતિ

    Rest in peace, Saralabahen.

    ( લેખક જાણીતા ગુજરાતી મેગેઝીન- ચિત્રલેખા ના તંત્રી અને સંપાદક છે)

  • વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-9106814540) & M-7838880134 (WhatsApp)

    વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    આલેખન- જીગર ખુંટ (સાબરકાંઠા માહિતી નિયામક, – M- 9429029268)

    માનવ સભ્યતાના ઇતિહાસમાં કૃષિ એ માત્ર ખોરાક પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો પાયો છે. આ પાયામાં કઠોળ એક એવું તત્વ છે જેણે સદીઓથી માનવજાતને પોષણ પૂરું પાડ્યું છે. દર વર્ષે ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો ‘વિશ્વ કઠોળ દિવસ’ (World Pulses Day) એ માત્ર એક કેલેન્ડર ઇવેન્ટ નથી, પરંતુ તે આપણા આહાર, પર્યાવરણ અને આર્થિક વ્યવસ્થામાં કઠોળના અમૂલ્ય યોગદાનને સ્વીકારવાનો અવસર છે. વર્ષ ૨૦૧૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉજવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષની અભૂતપૂર્વ સફળતા બાદ, આ પાકની વૈશ્વિક અગત્યતાને સમજીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૦ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કઠોળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૨૦૨૬ માટેની થીમ ‘વિશ્વના કઠોળ: નમ્રતાથી શ્રેષ્ઠતા તરફ’ (Pulses of the world: from modesty to excellence) રાખવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જે કઠોળ એક સમયે માત્ર ગરીબોના આહાર તરીકે જોવામાં આવતું હતું, તે આજે વૈશ્વિક સ્તરે ‘સુપરફૂડ’ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે.

    કઠોળના મહત્વને સમજવા માટે તેના બહુઆયામી ફાયદાઓ પર નજર કરવી જરૂરી છે. તે માત્ર શાકાહારી વસ્તી માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત નથી, પરંતુ તે જમીનની ફળદ્રુપતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટેનું એક કુદરતી સાધન પણ છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં વસ્તીનો મોટો ભાગ શાકાહારી છે અને પ્રોટીન કુપોષણ એ એક પડકાર છે, ત્યાં કઠોળનું ઉત્પાદન અને વપરાશ વધારવો એ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની જાય છે. ગુજરાત રાજ્યે આ દિશામાં છેલ્લા છ વર્ષમાં જે પ્રગતિ સાધી છે, તે સમગ્ર દેશ માટે એક મોડેલ સમાન છે. કઠોળના ઉત્પાદનમાં આવેલો ઉછાળો, ટેકાના ભાવમાં થયેલો વધારો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો અમલ એ ગુજરાતની કૃષિ નીતિની સફળતાના જીવંત પુરાવા છે.

    *વૈશ્વિક થીમ ૨૦૨૬: નમ્રતાથી શ્રેષ્ઠતા સુધીનો પ્રવાસ*
    વર્ષ ૨૦૨૬ની થીમ પાછળનો હેતુ કઠોળ પ્રત્યેના સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણને બદલવાનો છે. લાંબા સમય સુધી કઠોળને ‘નમ્ર’ (humble) અથવા પરંપરાગત ખોરાક તરીકે જોવામાં આવતું હતું, જે ઘણીવાર ગ્રામીણ રસોઈ અથવા ઓછી આવક ધરાવતા પરિવારો સાથે જોડાયેલું હતું. શહેરી વિસ્તારોમાં પશ્ચિમી આહાર અને ફાસ્ટ ફૂડના વધતા જતા પ્રભાવને કારણે કઠોળનો વપરાશ ઘટ્યો હતો. જોકે, આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે કઠોળમાં રહેલા પોષક તત્વો તેને અન્ય કોઈપણ આહાર કરતા ‘શ્રેષ્ઠ’ બનાવે છે. થીમ ‘શ્રેષ્ઠતા તરફ’ એ સૂચવે છે કે કઠોળ હવે આધુનિક રસોઈમાં મહત્વનું સ્થાન લઈ રહ્યું છે અને વિશ્વભરના શેફ્સ તેમજ પોષણશાસ્ત્રીઓ તેને પોતાની રેસીપીમાં પ્રાધાન્ય આપી રહ્યા છે.

    ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO) દ્વારા પ્રેરિત આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીના ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ (SDGs) હાંસલ કરવાનો છે, જેમાં શૂન્ય ભૂખમરો (Zero Hunger), સારું સ્વાસ્થ્ય અને આબોહવા સુરક્ષા જેવા લક્ષ્યોનો સમાવેશ થાય છે. કઠોળમાં રહેલા વિશિષ્ટ ગુણધર્મો, જેમ કે નાઈટ્રોજન ફિક્સેશન અને ઓછો પાણીનો વપરાશ, તેને ભવિષ્યની ખાદ્ય પ્રણાલીઓ માટે અનિવાર્ય બનાવે છે.

    *ગુજરાતમાં કઠોળ ઉત્પાદનનું આંકડાકીય વિશ્લેષણ*
    ગુજરાત રાજ્યની કૃષિ ક્ષેત્રની પ્રગતિ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રહી છે. રાજ્યમાં કઠોળનું ઉત્પાદન છેલ્લા છ વર્ષમાં બમણું થઈ ગયું છે, જે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય. વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાનના ડેટા પર નજર નાખતા માલૂમ પડે છે કે ગુજરાત હવે દેશનું એક અગ્રણી કઠોળ ઉત્પાદક રાજ્ય બની ગયું છે. કુલ વાવેતર વિસ્તાર જે ૨૦૧૯-૨૦માં ૯.૦૦ લાખ હેક્ટર હતો, તે ૨૦૨૪-૨૫માં વધીને ૧૪.૩૯ લાખ હેક્ટર થયો છે, જે લગભગ ૧.૬ ગણી વૃદ્ધિ દર્શાવે છે. વાવેતર વિસ્તારની સાથે સાથે ઉત્પાદનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

    કુલ ઉત્પાદન ૨૦૧૯-૨૦માં ૧૦.૫૮ લાખ મેટ્રિક ટન હતું, જે ૨૦૨૪-૨૫ના અંત સુધીમાં બમણાથી પણ વધુ એટલે કે ૨૧.૫૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે, જે ૨.૦૩ ગણી પ્રચંડ વૃદ્ધિ સૂચવે છે. આ સાથે જ, પ્રતિ હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા પણ ૧,૧૭૩ કિગ્રાથી વધીને ૧,૪૯૫ કિગ્રા થઈ છે, જે સૂચવે છે કે ખેતીની પદ્ધતિઓમાં સુધારો થવાને કારણે ઉત્પાદકતામાં ૧.૨૭ ગણો વધારો થયો છે. ગુજરાતમાં કઠોળ ઉત્પાદન વધવા પાછળના મુખ્ય કારણોમાં સુધારેલી સિંચાઈ પદ્ધતિઓ, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની ઉપલબ્ધતા અને સરકાર દ્વારા આપવામાં આવતા ઉંચા ટેકાના ભાવ (MSP) છે.

    *મુખ્ય કઠોળ પાકોની સ્થિતિ*
    ગુજરાતના કઠોળના ભાથામાં ચણાનું સ્થાન સૌથી અગ્રણી છે. રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો એકલા ચણાનો છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૬.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનું ઉત્પાદન થતું હતું, જે વર્ષ ૨૦૨૪-૨૫ માં વધીને ૧૫.૬૩ લાખ મેટ્રિક ટન પર પહોંચી ગયું છે, જે ૨.૫ ગણો વધારો દર્શાવે છે. ચણા ઉપરાંત તુવેર (Pigeon Pea) ના ઉત્પાદનમાં પણ ૪૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જે ૨.૧૦ લાખ ટનથી વધીને ૩.૦૮ લાખ ટન થઈ છે. અડદ અને મગ જેવા પાકો પણ રાજ્યના વિવિધ એગ્રો-ક્લાયમેટિક ઝોનમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.

    *કઠોળના આરોગ્યલક્ષી ફાયદા અને પોષણનું વિજ્ઞાન*
    કઠોળને ‘ન્યુટ્રિશનલ પાવરહાઉસ’ કહેવામાં આવે છે તેનું કારણ તેનું પોષક તત્વોનું સંતુલિત બંધારણ છે. તે પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. શાકાહારી આહારમાં કઠોળ એ એમિનો એસિડ મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે.

    કઠોળમાં ચરબીનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, જે તેને હૃદયના સ્વાસ્થ્ય માટે આદર્શ બનાવે છે. તે પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું આયર્ન એનીમિયા (લોહીની ઉણપ) જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ થાય છે, જે ભારતીય મહિલાઓ અને બાળકોમાં સામાન્ય સમસ્યા છે. વધુમાં, કઠોળમાં ફોલેટ (વિટામિન B9) પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે અને કોષોના વિભાજન માટે અત્યંત જરૂરી છે.

    *કઠોળ અને સ્થૂળતા (Obesity) ઘટાડવાનો સંબંધ*
    આધુનિક સમયમાં સ્થૂળતા એ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, જે અનેક બિન-ચેપી રોગોનું મૂળ છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોતા, વધતી જતી મેદસ્વીતા સામેની લડાઈમાં કઠોળ એક અત્યંત શક્તિશાળી શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે. તબીબી સંશોધનો અને ડાયેટિશિયનના મતે, કઠોળમાં રહેલું ઉચ્ચ ફાઈબર અને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં લાંબા સમય સુધી તૃપ્તિનો અહેસાસ કરાવે છે, જેના પરિણામે બિનજરૂરી ‘વધારાનું ખાવાની’ આદત પર અંકુશ આવે છે. કઠોળનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પ્રોટીનથી ભરપૂર હોવા છતાં તેમાં કુદરતી રીતે જ ચરબીનું પ્રમાણ નહિવત હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે તેને આદર્શ ખોરાક બનાવે છે. આજના જંક ફૂડના જમાનામાં જો ઘરની રસોઈમાં નિયમિતપણે કઠોળનો સમાવેશ કરવામાં આવે, તો મેદસ્વીતા અને તેને સંલગ્ન હૃદયરોગ જેવા જોખમોને મોટાભાગે ટાળી શકાય છે.

    *ગુજરાત સરકારના નીતિવિષયક પ્રોત્સાહનો અને સફળતા*
    ગુજરાતની કઠોળ ક્રાંતિ પાછળ સરકારના મજબૂત ઈરાદા અને નીતિઓ રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ખેડૂતોને કઠોળની ખેતી માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

    સરકારે માત્ર MSP માં વધારો જ નથી કર્યો, પરંતુ તેની અસરકારક ખરીદીનું માળખું પણ ઊભું કર્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાતમાં સોયાબીન, મગ અને મગફળીની ખરીદી માટે અંદાજે ૧૩,૮૯૦ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

    ખેડૂતોને વચેટિયાઓથી બચાવવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને POS મશીનો દ્વારા પારદર્શક ખરીદી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. ‘ઈ-સમૃદ્ધિ’ અને ‘ઈ-સંયુક્ત’ જેવા પોર્ટલ દ્વારા નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે.

    કેન્દ્ર સરકારના ‘મિશન ફોર આત્મનિર્ભરતા ઈન પલ્સિસ’ અંતર્ગત તુવેર, અડદ અને મસૂરની ૧૦૦% પેદાશની ખરીદી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગુજરાત આ મિશનમાં અગ્રેસર રહીને ૨૦૨૭ સુધીમાં દેશને કઠોળમાં સ્વનિર્ભર બનાવવાના લક્ષ્યમાં મોટું યોગદાન આપી રહ્યું છે.

    ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. ખાસ કરીને ચણાની એવી જાતો જે રાજ્યના ગરમ વાતાવરણમાં પણ વધુ ઉત્પાદન આપી શકે છે, તેના કારણે ઉત્પાદકતા ૧,૧૭૩ કિગ્રા/હેક્ટરથી વધીને ૧,૪૯૫ કિગ્રા/હેક્ટર થઈ છે.

    *પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા માટે કઠોળનું મહત્વ*
    કઠોળ માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ ધરતીની તબિયત પણ સુધારે છે. તે જમીનમાં કુદરતી રીતે નાઈટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે. હવામાં રહેલા નાઈટ્રોજનને કઠોળના મૂળમાં રહેલા બેક્ટેરિયા જમીનમાં ઉતારે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો પડે છે. આનાથી ખેતીનો ખર્ચ ઘટે છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે.

    કઠોળ અન્ય પાકોની સરખામણીમાં ખૂબ જ ઓછું પાણી વાપરે છે. દાખલા તરીકે, એક કિલો પ્રોટીન મેળવવા માટે માંસના ઉત્પાદનમાં જે પાણી વપરાય છે, તેના કરતા કઠોળ પકવવા માટે દસમાં ભાગનું પાણી જોઈએ છે. આ કારણે જળ સંકટનો સામનો કરી રહેલા વિસ્તારો માટે કઠોળની ખેતી એક વરદાન સમાન છે. ગુજરાતના શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારો જેવા કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મઠ અને મગની ખેતી આ જ કારણોસર વધુ લોકપ્રિય બની છે.

    *સામાજિક-આર્થિક અસર અને ભવિષ્યની દ્રષ્ટિ*
    કઠોળની ખેતી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. તે નાના અને સીમાંત ખેડૂતો માટે આવકનો સાતત્યપૂર્ણ સ્ત્રોત છે. ગુજરાતમાં કઠોળના ઉત્પાદનમાં થયેલો બમણો વધારો એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં મોટું કદમ છે. સરકારના ‘મિશન ૨૦૪૭’ અંતર્ગત કઠોળના ઉત્પાદનને ૪૫ મિલિયન ટન સુધી લઈ જવાનું લક્ષ્ય છે, જેમાં ગુજરાતની ભૂમિકા નિર્ણાયક રહેશે.

    બજેટ ૨૦૨૫-૨૬ માં કઠોળ પ્રોસેસિંગ માટે ૧,૦૦૦ નવા યુનિટ્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થશે અને મૂલ્યવર્ધન (Value Addition) દ્વારા ખેડૂતોને વધુ ભાવ મળશે. કઠોળના પાક અવશેષોનો ઉપયોગ પશુ આહાર તરીકે પણ થાય છે, જે પશુપાલન ક્ષેત્રે પણ મદદરૂપ બને છે.

    ‘વિશ્વ કઠોળ દિવસ ૨૦૨૬’ આપણને યાદ અપાવે છે કે નાના દેખાતા આ દાણાઓ વિશ્વની ભૂખ, કુપોષણ અને પર્યાવરણના પડકારોનો સામનો કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ગુજરાતમાં કઠોળના ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ એ સાબિત કરે છે કે જો યોગ્ય નીતિ અને ખેડૂતોનો સાથ હોય, તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. કઠોળ એ માત્ર પ્રોટીનનો સસ્તો સ્ત્રોત નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય અને પૃથ્વીના ભવિષ્ય માટેનું રોકાણ છે. વજન ઘટાડવા અને જીવનશૈલીના રોગોથી બચવા માટે આહારમાં કઠોળનો વધુમાં વધુ સમાવેશ કરવો એ સમયની માંગ છે.

    ગુજરાતની આ સિદ્ધિ ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક તેજસ્વી સોપાન છે. ‘નમ્રતાથી શ્રેષ્ઠતા તરફ’ ની આ યાત્રામાં કઠોળ આવનારા સમયમાં વિશ્વના રસોડામાં અને ખેતરોમાં અનિવાર્ય સ્થાન બનાવી લેશે તે નિશ્ચિત છે. આપણે સૌએ સાથે મળીને કઠોળના સેવનને પ્રોત્સાહન આપીને તંદુરસ્ત સમાજ અને હરિયાળી પૃથ્વીના નિર્માણમાં સહભાગી થવું જોઈએ.

    ( આલેખક – જીગર ખુંટ સાહેબ સાબરકાંઠાના માહિતી નિયામક-Information Bureau Director તરીકે હિંમતનગર માહિતી ખાતા ઓફિસમાં હાલ સેવા આપે છે. આ પહેલા દિલ્હીમાં અને ગાંધીનગરમાં પણ માહિતી ખાતામાં વરિષ્ઠ ભૂમિકા નિભાવી ચૂક્યા છે)

  • એકલારા ગામમાં મહાકાળી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    એકલારા ગામમાં મહાકાળી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી,  હિંમતનગર (M-910684540

    આજરોજ મહાકાળી મંદિર એકલારા નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો બીજો દિવસ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને સમાપન થયું હતું. આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે …જેમાં સવારે 8:30 થી ચાર વાગ્યા સુધી નવ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા હવનનું સમર્પણ થશે. માં મહાકાલી નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને સર્વે ભક્તો મહાપ્રસાદ લઈને છૂટા પડશે.

    એકલારા નવયુવક મંડળ એ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને સમગ્ર એકલારા ના મહાકાળી ભક્તોએ ફાળો આપીને પોતાના ગામના મહાકાલી દેવીના મંદિરના પુનઃ નિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ ભાવભક્તિપૂર્વક સામેલ થયા હતા. થોડા વર્ષો પહેલા આ મંદિર ઘણી ખરાબ હાલતમાં હતું જેથી ભક્તોએ સમગ્ર ગામના મહાકાલી ભક્તોએ ભેગા થઈને આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નિર્ધારિત કર્યું હતું અને તેમાં તેમણે સફળતા મળી હતી..