કેટેગરી મારું ગુજરાત

  • રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    *રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય*

    *ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
    *********
    Ø *રાજ્યભરમાં આગામી ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે*
    Ø *ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂા.૬૬૦૦, ચણાની પ્રતિ ક્વિ.રૂા.૫૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂા.૫૪૫૦ના ટેકાના ભાવે ખરીદી કરાશે*
    Ø *યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે*
    Ø *રાજ્યમાં તુવેર પાક માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ તેમજ રાયડાની ૧૦૩ ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી થશે*
    Ø *ઇ-ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતો વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે*
    ********
    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ*
    ******
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.૦૧ ફેબ્રુઆરી- ૨૦૨૩થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું.

    કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

    કૃષિમંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના ૧૩૫ ખરીદ કેન્દ્રો, ચણાના ૧૮૭ ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના ૧૦૩ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.૧૦ માર્ચ-૨૦૨૩ થી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

    મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૬,૬૦૦, એટલે કે પ્રતિ મણ રૂા.૧,૩૨૦, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.૫,૩૩૫ એટલે કે પ્રતિ મણ રૂા.૧,૦૬૭ તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૫,૪૫૦ એટલે કે પ્રતિ મણ રૂા. ૧,૦૯૦નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

    ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું.

  • ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

    ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ

    નીરવ જોશી, ઈડર (M-7838880134)

    રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૨-૨૩ સ્પર્ધા યોજાઇ

         સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.

         આ સ્પર્ધામાં ૧૭૧ ભાઈઓ અને ૧૦૮ બહેનોનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગત વર્ષ ૨૦૨૧-૨૨ના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતા. ગત વર્ષે ભાઈઓમાં ૮.૨૬ મીનીટનો રેકોર્ડ બ્રેક કરી  બનાસકાંઠા દાંતાના ભરથરી કૌશિક ભીમાજીએ ૮.૨૩  મીનીટનો નવો રેકોર્ડ સર્જ્યો હતો. બહેનોમાં ૧૦.૪૬ મીનીટનો  જૂનો રેકોર્ડ બ્રેક કરી સાબર સ્ટેડીયમ હિંમતનગરની  ગોહિલ સંધ્યા રામસિંહે  ૯.૧૦ મીનીટનો નવો રેકોર્ડ  બનાવ્યો હતો.

        આ સ્પર્ધાના અંતે ૧ થી ૧૦ ક્રમના વિજેતા ભાઈઓ બહેનોને રોકડ પુરસ્કાર સર્ટિફિકેટ તેમજ એક થી ત્રણ નંબર વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.

    આ પ્રસંગે મામલતદાર શ્રી ઇડર, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ઇડર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી તેમજ રાજ્યના વિવિધ જિલ્લાના ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.  

    —

  • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    નીરવ જોશી ,ગાંધીનગર

    • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
    • નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
    • સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
    • ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.

    મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્ર ના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.

    સૌરાષ્ટ્ર ના ૧૧ જિલ્લા..અને બોટાદ …

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રવિ સીઝન માટે સૌરાષ્ટ્રના જળાશયો સૌની યોજના હેઠળ ભરવા માન. મુખ્મંત્રીશ્રી સમક્ષ માંગણી કરેલ હતી. જે સંદર્ભે માન. મુખ્મંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી એ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે.આ નિર્ણયથી ૧,૫૨,૪૦૦ લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજય સરકારના ખેડૂત હિત લક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.

    તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરૈન્દ્રભાઈ મોદી એ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું હતું તે આજે પરિપૂર્ણ થયું છે જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

    તેમણે ઉમેર્યું કે,આ નિર્ણય થી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી,રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

    રાજય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણય બદલ કૃષિ મંત્રીશ્રી રાધવજી ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,રાજયકક્ષાના જળસંપતિ મંત્રીશ્રી મૂકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.

  • જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

    નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134)

    ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની ભાવના અને પરિણામે 2022 માં 100 વર્ષ પૂર્ણ થવા આવતા ગોધમજી ના જગ પ્રસિદ્ધ સંત શ્રી જેસિંગ બાવજી કે જેસંગ ગુરુજી  તરીકે ઓળખાતા આત્મજ્ઞાનની સત્પુરુષની આજરોજ જ્ઞાનપાલખી સમગ્ર ગામમાં ફેરવીને જન્મ શતાબ્દી વરસની ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે આજના દિવસે જ માગશરના સાતમે જેસિંગ બાવજી ને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી અને તે જગ્યાએ એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

    ગોધમજીના જેસીંગ બાવજી આત્મ સાક્ષાત્કારી બ્રહ્મપુરૂષ હતા. એમના જીવનનો બોધપાઠ ગામડાના અભણ અને સાવ દેશી ખેડૂતોને પણ એકદમ હૃદયમાં ઉતરી જતો હતો.

    તેઓ સાક્ષાત જ્ઞાની પુરુષ તરીકે પોતાના સંસારી જીવનમાં જ ખૂબ જ પ્રભાવશાળી રીતે ગોધમજીમાં સ્થાયી થયા અને ખેડૂત તરીકે જીવન જીવ્યા હતા… એટલું જ નહીં એમના જીવનમાં સાક્ષાત્કાર બાદ જ્ઞાની પુરુષ તરીકે તેમણે શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય જ્ઞાન અમૃત એમના શ્રી મુખેથી ગામડાના ખાસ કરીને ઇડર તાલુકાના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

    એમની પહેલા થયેલા રામજીબાપા લક્ષ્મીપુરા અને વસઈના નાથુ બાપા આ ત્રણેય આત્મજ્ઞાનની સંતોએ સમગ્ર ઈડર તાલુકામાં જ્ઞાનનો તેમજ આત્મજ્ઞાનની સત્સંગની ધૂણી ધખાવી હતી અને હજારો ખેડૂતોના દિલમાં આત્મજ્ઞાનનો દીવો પ્રજવલિત કર્યો હતો.

    આજે એના પરિણામે સમગ્ર પંથક ખાસ કરીને ઇડર સ્ટેટ નું રાજ્ય ખૂબ જ લાભાનવિત થયું હતું. જેસીંગ બાવજી ને અબોલ જીવો પ્રત્યે ખૂબ જ અનુકંપા અને કરુણા હતી. પક્ષીઓની ચણ અને વગડામાં ચરતી ગાયો અન્ય ઢોરો માટે હવાડા બનાવવાનો આદેશ એમણે એમના ભક્તોને આપ્યો છે અને એમના નામે ચાલતી સંસ્થા ગોધમજીમાં એક ખૂબ મોટી હોસ્પિટલ પણ ચલાવે છે તેમ જ સમાધિ મંદિર પણ ખૂબ જ સુંદર રીતે વિકાસ કર્યો છે. આત્મજ્ઞાનની ખોજમાં આવનારા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા પણ છેલ્લા 9 -10 વર્ષમાં એક ધર્મશાળા રૂપે બનાવવામાં આવી છે. જેમ નડિયાદના પૂજ્ય મોટા હતા એવા જ આત્મજ્ઞાની સંત શ્રી જેસિંગ બાવજી સમગ્ર ઈડર પંથકમાં અને સાબરકાંઠા પંથકમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી આદર પામ્યા છે.

    આવા જ્ઞાની પુરુષ – સદગુરુ જેસીંગ બાવજીની જન્મ શતાબ્દી ની ઉજવણી નો 15 ડિસેમ્બર આખરી દિવસ છે. એમને માગશર મહિનાના સાતમના રોજ જ્ઞાન – આત્મસાક્ષાત્કાર થયો હતો અને આ વર્ષે તેમનું શતાબ્દી વરસ છે . આમ સોનામાં સુગંધ ભળી છે ! હજારો ભક્તોએ ગોધમજી આવીને દિવ્ય જ્ઞાન સત્સંગ સુધાનો અને જ્ઞાનગંગા નો લાભ લીધો છે. દર ગુરુવારે જેસીંગ બાવજી ના ઘરે સત્સંગનો લાભ લેવા ભક્તો ગુજરાત તેમજ દુનિયામાંથી પણ આવે છે તેમજ ગુજરાતના સંત તરીકે કે આત્મજ્ઞાન ધારણ કરનારા પુરુષ તરીકે તેમનો પરિચય ખુદ  અનુભવે છે! એક ભક્ત ના જાત અનુભવ પ્રમાણે જેસીંગ બાવજી અમને ભક્તોને કહેતા કે જેણે ભગવાનને પામ્યા છે તે ક્યારે દેહમાં હોતા જ નથી! દેહ હોય કે ન હોય તે તેમના ભક્તો માટે હંમેશા હાજર જ હોય છે. જેસીંગ ગુરુજી ના હાજરીના આવા અનેક કિસ્સાઓ હજારો ભક્તોને આજે પણ અનુભવવા મળે છે!

    ત્રણ દિવસ ચાલેલા જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં બાવજીની સત્સંગ વાણી નું સ્ટોલ તેમજ ચિત્ર પ્રદર્શન ખૂબ આકર્ષક હતું .બાવજીના જીવનનો પરિચય કરાવતું સચિત્ર પ્રદર્શન ખૂબ જ અનોખું હતું ! એ જમાનામાં કઈ રીતે સત્પુરુષ ગામડાના લોકોને સત્સંગ કરાવતા એનો પણ અનુભવ દર્શકોને થતો હતો …સાથે સાથે હજારો ભક્તોને પ્રસાદીનો લાભ પણ આ છેલ્લા ત્રણ દિવસના મહોત્સવમાં સ્વયંસેવકોની સેવાના પરિણામે મળ્યો હતો અને આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ ત્રણ દિવસ સુધી લીધો હતો.

    રામ રામ… જય શ્રી રામ!

  • ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    ભુપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રીના શપથવિધિ લીધા

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તાસ્થાને રહેલી ભાજપ 156 સીટો લઈને ફરીથી સત્તામાં આવી છે. આ વખતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે ફરીથી શપથવિધિ લીધી છે. સાથે સાથે નવા મંત્રીમંડળનું લોકો એ ઉત્સુકતાથી જે રાહ જોઈ હતી તે હવે પૂરી થઈ.

     

    16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેઓએ આજે પદ અને ગોપનીયતાના શપથવિધિ લીધા હતા. શપથ વિધિ કાર્યક્રમના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ અનેેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભારત સરકારનું કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ પ્રધાનો – સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ તેમજ અન્ય કેબિનેટ પ્રધાનો ભાજપ શાસિત રાજ્યોના- હરિયાણા, મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ,આસામના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા

    શું છે નવા મંત્રીમંડળની લાક્ષણિકતા?-2024 ની લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે મંત્રીમંડળ

    અલગ અલગ જાતિઓનું સમીકરણ તેમજ એમનું સમતોલન નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યું છે. ભાજપની યુવા બ્રિગેડ હાર્દિક પટેલ , અલ્પેશ ઠાકોર અને રિવાબા જાડેજા ને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

    યુવા અને અનુભવી એમ બંને પ્રકારના મંત્રીઓને નવા મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જ વડાપ્રધાન મોદી ગાંધીનગર આવી ગયા હતા અને ગુજરાત રાજ્યની ભાજપ સાથે ચર્ચા વિચારણા કરીને આ નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. 2024 માં લોકસભા ચૂંટણીની સફળતા માટે તૈયારીના ભાગરૂપે નવો મંત્રીમંડળ બધું સમજી વિચારીને તૈયાર કરવામાં આવી છે.

     8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રીના શપથ લીધા

    • ઋષિકેશ ગણેશભાઈ પટેલ-Patidar
    • રાઘવજી પટેલ-Patidar,
    • બળવંતસિંહ ચંદનસિંહ રાજપુત
    • કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા-Koli 
    • ડો. કુબેરભાઈ ડીંડોર,
    • શ્રીમતી ભાનુબેન બાબરીયા,
    • મુળુભાઈ બહેરા
    • કનુભાઈ દેસાઈ

    રાજ્યકક્ષાના મંત્રીઓ- બે સ્વતંત્ર હવાલો અને છ રાજ્યમંત્રી

    • હર્ષ રમેશકુમાર સંઘવી-Jain Samaj
    • જગદીશ વિશ્વકર્મા- OBC
    • પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી-Koli
    • બચુભાઈ મગનભાઈ ખાબડ
    • મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
    • પ્રફુલ પાનસેરીયા
    • ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
    • કુવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ

    આમ નવા મંત્રીમંડળમાં ગુજરાત સરકારમાં 16 મંત્રીઓ જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યમંત્રીઓનો સામેલ છે. તેમને ખાતાની ફાળવણી હવે પછી જાહેર થશે. કુલ મળીને 25 જેટલી સંખ્યાના આસપાસ મંત્રીઓની મંત્રીમંડળ રચવામાં આવશે એવી સંભાવના રહેલી છે.

  • CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    CM ભુપેન્દ્ર પટેલએ નરેન્દ્ર મોદીની સફળતાને પણ વટાવી દીધી ખરી?

    નીરવ જોશી ,ગાંધીનગર (M-7838880134)

    ગુરુવારે જાહેર થયેલા ગુજરાતી વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે.

    ખાસ કરીને ભાજપને 156 સીટ મળવી, આપ પાર્ટીને પાંચ સીટ અને કોંગ્રેસની 17 સીટ તેમજ અપક્ષ ઉમેદવારો ચાર સીટ મળે એ જોઈને – આ બધી ગણતરીઓ જોઈને હજુ પણ લોકો માથું ખંજવાડી રહ્યા છે!

    જે રીતે શરૂઆતથી જ ભાજપ સવારના સમય મત ગણતરીના થોડાક કલાકોમાં દરેક જિલ્લાઓમાં મત ગણતરીમાં તેના ઉમેદવારો આગળ ચાલવા લાગ્યા એનાથી ઘણી વખત તો એવું લાગતું હતું કે બે ત્રણ કલાક બાદ કોંગ્રેસના ઉમેદવારો પણ આ આગળ વધી રહેલા મત ની સરસાઇ ને સરભર કરી દેશે અને કોંગ્રેસ 50 -60 સીટ સુધી જરૂર દેખાશે!

    પરંતુ આ બધી આશા બપોરના એક – બે વાગ્યા પછી ઠગારી નીકળી હતી!

    જો ખરેખર કોંગ્રેસની હારનું પોસ્ટમોર્ટમ કરવા જઈએ તો એક વસ્તુ ખૂબ જ ઉડી વળગે છે અને એ છે કે નવા પક્ષ આપ પાર્ટીને સફળ થવા દેવા માટે કોંગ્રેસી નેતાઓએ ગુનાહિત બેદરકારી દાખવી … તે માટે તેમને માથા ને મુંડન કરાવી નાખવા જોઈએ. આ પાર્ટી એની ભૂલોમાંથી ખરેખર છેલ્લા ચાર વિધાનસભા ચૂંટણી ઓમા હાર થાય બાદ કંઈક બોધપાઠ લે છે કે નહીં એ પ્રશ્નો પણ હવે ગુજરાતના મતદારોમાં થઈ રહ્યા છે!

    સામે પક્ષે ભાજપમાં આજે તેને ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે મુલાકાત લેવાથી એ ચોક્કસ દેખાઈ રહ્યું હતું કે કાર્યકર્તાઓમાં પહેલીથી જ પાર્ટીને જીતાડવાનું ઉત્સાહ સમાયો હતો ! પરંતુ આટલી મોટી જીત મળશે એવી તો કલ્પના ભાજપના કાર્યકર્તાઓને કે સ્થાનિક નેતાઓને પણ નહોતી!

    ખેર, જ્યારે હું મારા હિંમતનગર થી ગાંધીનગર આવવા ગુરુવારે નીકળ્યો ત્યારે મને રસ્તામાં બસમાં મુસાફર જોડે એ જાણવા મળ્યું કે આટલી મોટી જીત ભાજપને મળે એ માનવામાં નથી આવતું. મોટાભાગના મુસાફર એમ કહેતા હતા કે આ કદાચ મશીનની પણ ગડબડ હોઈ શકે! 

    ટૂંકમાં જનતાને તો હજુ એવું લાગતું જ નથી ખરેખર ભાજપની જીત એ ખરેખર સાચી છે!

      છતાં હવે પાંચ વર્ષ નવી ભાજપની અને ભુપેન્દ્રભાઈ ની સરકાર શું ગુજરાતની દિશા અને દશા ગુજરાતીઓની કરશે તે તો સમય જ કહી બતાવશે.

    Source: Twitter 

    Performance of @BJP4India in Gujarat Assembly Election.

    1985 – 11

    1990 – 67

    1995 – 121

    1998 – 117

    2002- 127

    2007 – 117

    2012 – 115

    2017 – 99

    2023 – 150 +

    Hats off to PM @narendramodi Ji and dedicated karyakartas of @BJP4Gujarat.

    #GujaratElectionResult https://t.co/QIYet5886U

  • સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ગણતરી સંપન્ન

    હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપ વિજેતા, ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ વિજેતા

    વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લામાં ગુરૂવારના રોજ હિંમતનગરની પોલિટેકનિક કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકની મતગણતરી યોજાઇ હતી આ મતગણના  શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થઇ હતી. સાબરકાંઠા જેમાં સાબરકાંઠા જિલ્‍લાના ૧૩૨૩ મતદાન મથકો પર કુલ ૧૧,૧૦,૦૩૧મતદારો પૈકી ૭,૯૨,૮૫૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૭૧.૪૩ ટકા મતદાન નોધાવ્યું હતું

    સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ હિંમતનગર, ઇડર,  ખેડબ્રહ્મા અને પ્રાંતિજ બેઠકની મતગણતરી સવારે ૮ કલાકે પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલ મતગણતરીમાં હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજેતા થઇ હતી જયારે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો હતો. જેમાં હિંમતનગર બેઠક પર ૨૪૫૬, ઇડરમાં ૩૫૬૮ ખેડબ્રહ્મામાં ૭૩૩૧ અને પ્રાંતિજમાં ૩૧૧૪ મતદારોએ નોટા (NOTA)માં મતદાન કર્યુ હતું.

    ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ કમલેશભાઇ જ્યંતિભાઇ પટેલ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૮૯૯૩૨  
    ૨ પરમાર અનિલકુમાર રમણલાલ બહુજન સમાજ પાર્ટી ૧૧૮૧  
    ૩ વિરેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી ૯૮૭૯૨ વિજેતા
    ૪ નિર્મળસિંહ અજબસિંહ પરમાર આમ આદમી પાર્ટી ૧૦૦૧૧  
    ૫ પઠાણ ઉસ્માનગની મહમદખાન અપક્ષ ૩૧૬  
    ૬ સંઘાણી સલમાનખાન મુસ્તાકભાઇ અપક્ષ ૩૨૭  
    ૭ સંઘાણી સિકંદરભાઇ મુસ્તાકભાઇ અપક્ષ ૭૩૬  
    ૮ સોલંકી મગનભાઇ લખાભાઇ અપક્ષ ૫૭૯  
    ૯ નોટા   ૨૪૫૬  
                     ૨૮-ઇડર (અ.જા) વિધાનસભા મતવિસ્તારના ઉમેદવારોના નામ

     

    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ રમણલાલ ઇશ્વરલાલ વોરા ભારતીય જનતા પાર્ટી ૧૧૩૯૨૧ વિજેતા
    ૨ રામાભાઇ વિરચંદભાઇ સોલંકી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૭૪૪૮૧  
    ૩ જ્યંતીભાઇ પ્રણામી આમ આદમી પાર્ટી ૧૪૫૬૮  
    ૪ નોટા ૩૫૬૮  

     

    ૨૯- ખેડબ્રહ્મા(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ અશ્વિન કોટવાલ ભારતીય જનતા પાર્ટી ૬૫૬૮૫  
    ૨ ડો. તુષાર અમરસિંહ ચૌધરી ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૬૭૩૪૯ વિજેતા
    ૩ ગામેતી બીપીનચંદ્ર રુપસીભાઇ આમ આદમી પાર્ટી ૫૫૫૯૦  
    ૪ ડાભી સવજીભાઇ લખમાભાઇ ભારતીય જન પરીષદ ૨૧૮૮  
    ૫ પાંડોર રવજીભાઇ વેલજીભાઇ ભારતીય ટ્રાયબલ પાર્ટી ૧૫૩૯  
    ૬ રોબિન્સનભાઇ સીમોનભાઇ ચૌહાણ લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી ૬૯૩  
    ૭ પરમાર રાકેશકુમાર બાબુભાઇ અપક્ષ ૧૩૨૧  
    ૮ રમેશકુમાર રામજીભાઇ મોડિયા અપક્ષ ૧૮૮૬  
    ૯ શાંતિલાલ અસારી અપક્ષ ૨૫૯૨  
      નોટા ૭૩૩૧  

     

    33-પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારનું પરીણામ
    ક્રમ ઉમેદવારનું નામ પક્ષ જોડાણ મેળવેલ મત  
    ૧ ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર ભારતીય જનતા પાર્ટી ૧૦૫૩૨૪ વિજેતા
    ૨ બહેચરસિંહ હરીસિંહ રાઠોડ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ ૪૦૭૦૨  
    ૩ અલ્પેશકુમાર નરેશભાઇ પટેલ આમ આદમી પાર્ટી ૩૨૧૩૯  
    ૪ જ્યોતિબેન અશોકભાઇ રાઠોડ રાઇટ ટુ રીકોલ પાર્ટી ૬૨૧  
    ૫ ચૌહાણ વિજયસિંહ કરણસિંહ અપક્ષ ૧૦૧૮  
    ૬ નાડિયા ચંદુભાઇ મોતીભાઇ અપક્ષ ૧૧૧૦  
    ૭ નોટા ૩૧૧૪  

     

     

  • હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

    હિંમતનગર સીટ પરથી ભાજપના વી ડી ઝાલા ચૂંટાયા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની 8,860 જેટલા મતોથી જીત, કોંગ્રેસના કમલેશ પટેલની હાર

     હિંમતનગર વિધાનસભા બેઠક 1995થી ભાજપનો ગઢ રહ્યો છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના કમલેશ પટેલની હાર થઈ છે.

    આજે હિંમતનગરની બેઠક પર વિધાનસભાની ચૂંટણીનો મત ગણતરી શરૂ થઈ ત્યારથી ભારે રસાકસીનો માહોલ રહ્યો હતો ખાસ કરીને શરૂઆતના તબક્કામાં કમલેશ પટેલ આઠ નવ હજારની લીડ થી આગળ ચાલી રહ્યા હતા પરંતુ પાછળથી એટલે કે બપોરે 12:30 પછી વીડી ઝાલાની લીડ આગળ વધવા લાગી એટલું જ નહીં ભાજપના વીડી ઝાલાએ કોંગ્રેસના કમલેશ પટેલને હરાવી દીધા હતા

    ગુજરાતની હિંમતનગર બેઠકનું પરિણામ 2022  

    હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપના વી.ડી. ઝાલાની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે વિનેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા (વીડી ઝાલા) ને ટિકિટ આપી હિંમતનગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 6660255 ની જંગમ મિલકત છે. વીડી ઝાલાએ બી.એસ.સી. એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે કમલેશ જ્યંતિભાઈ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 25141091 ની જંગમ મિલકત છે. કમલેશભાઈ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમણે ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે નિર્મલસિંહ અજબસિંહ પરમારને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 993410 ની જંગમ મિલકત છે. નિર્મલસિંહ પરમારે બીએ સુધી અભ્યાસ કર્યો 

  • પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    પડદા પાછળનું સત્ય: ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    Source : Truth Seekers , 6 Dec.

    ઓપિનિયન પોલ તમને કઈ રીતે મૂર્ખ બનાવે છે?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઓપિનિયન પોલની વણઝાર શરૂ થઈ ગઈ છે. દરેક ચેનલ 7 કરોડ ગુજરાતીમાંથી ગણતરીના જ શહેરોના માત્ર 20-25 હજાર લોકોને પુછીને કોને કેટલી સીટ આવશે તેની ભવિષ્યવાણી કરી દે છે(કોઈ ખાસ પક્ષ માટે માહોલ બનાવવાનું કામ કરે છે). ગઈકાલે જ ABP-CVoterનો સર્વે આવ્યો એમાં ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો પર જીતતી દેખાડવામાં આવી છે.

    હવે એક નજર નીચેના આંકડાઓ પર નાંખો

    2002માં ભાજપને 127 બેઠકો મળી હતી.
    2007માં ભાજપને 117 બેઠકો મળી હતી.
    2012માં ભાજપને 115 બેઠકો મળી હતી.
    2017માં ભાજપને 99 બેઠકો મળી હતી.

    આમ, 2002થી લઈને આજ સુધી ભાજપની બેઠકમાં સતત ઘટાડો જ થયો છે. ભલે પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય. (નોંધ 2017ની ચૂંટણીમાં પણ ડબલ એન્જિન સરકાર હતી હો).

    અત્યારે ચેનલવાળા ભાજપની 140 બેઠક દેખાડે છે તો છેલ્લા 5 વર્ષમાં એવું તે શું કર્યું છે આ સરકારે જે નરેન્દ્ર મોદી, આનંદીબેન કે વિજયભાઈ કરતા પણ વધારે બેઠક આવી જશે.

    તો આવો તમને 5 વર્ષમાં ભાજપના કામો(કાંડો)ની ગણતરી કરાવી દઉ.. આ વાયબ્રંટ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી શું થાય છે..

     

    ↘️કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં ગોડાઉન સળગે છે

    ↘️મંત્રીનો દિકરો લેડી કોન્સ્ટેબલ સાથે દાદાગીરી કરે છે
    ↘️માથાભારે તત્વો મેહુલ બોઘરાનું માથુ ફોડે છે

    ↘️20થી વધુ ભૂલકાઓ તંત્રના પાપે તક્ષશીલામાં ભડથુ થઈ જાય છે.

    ↘️દિકરો 27 કાપલી સાથે ચોરી કરતા પકડાય અને બાપને શિક્ષણ ખાતુ અપાય છે.

    ↘️નેતાઓ સરકારી દવાખાને સારવાર લેતા ડરે છે
    રેમડિસિવિર ઇન્જેક્શનનો વેપાર થયો.

    ↘️કોરોના કાળમાં તંત્રના પાપે લાશોનો ઢગલો થયો.

    ↘️સરકારી પૂલ 7 દિવસમાં ધ્વસ્ત થઈ જાય છે.

    ↘️નહેરો ઉંદરડાઓ તોડી જાય છે.

    ↘️ગૌચર ઉદ્યોગતિઓ ખાય જાય છે.

    ↘️ગૌમાતા ને રાષ્ટ્રીય દરજ્જો આપવા 603 દિવસ દિલ્લી ધરણાં કરતા ગુજરાત ના યુવાન ને અને એના સાથીયો ને 31 દિવસ જેલમાં નખાઈ છે.

    ↘️કરોડોનું ડ્રગ્સ વેચાય છે

    ↘️ઝેરી શરાબનો વેપલો થાય છે

    ↘️પાકવીમાથી માત્ર કંપનીઓને ફાયદો થાય છે

    ↘️જમીન સર્વેના નામથી ભાઈ ભાઈને લડાવાય છે

    ↘️ટ્રાફિક નિયમના નામે રીતસર ઊઘરાણા થાય છે

    ↘️શિક્ષણનો બિઝનેસ થાય છે

    ↘️સારવાર માટે લાખો પડાવાય છે

    ↘️FIR માત્ર ખેંસ પહેરનારની જ લેવાય છે

    ↘️20 લાખમાં તૈયાર થતા બંધારા માટે 200 કરોડ ફળવાય છે

    ↘️વિરોધ કરનારને ધમકાવાય કે ખરીદાય છે

    ↘️દિવસ રાત મહેનત કરતા વિદ્યાર્થીઓના નસીબરૂપી પેપર ફૂટી જાય છે (22 ફૂટ્યા પણ હજુ માસ્ટમાઇન્ડ ઝડપાયો નથી)

    ↘️સરકારી નોકરીઓના ભાવ બોલાય છે

    ↘️”ખેડૂતો પોતાના પાપે દુખી થાય છે” એવું કહેવાય છે

    ↘️અન્યાય સામે બોલનારા સામે IT સેલ ખુલ્લુ છોડી દેવાય છે

    ↘️રસ્તાઓ પર ચાલતા કમરના મણકા તૂટી જાય છે

    ↘️135 લાશો પડી હોય તો પણ રંગરોગાન અને ઉત્સવો થાય છે

    ↘️ચિતાને આગ આપ્યા પહેલા સભાઓ ગજવાય છે

    ↘️ગમે એવા કાંડ કરે તો પણ મળતિયા છૂટી જાય છે

    ↘️અપરાધીઓ ખેંસ પહેરે તો નિર્દોષ બની જાય છે

    ↘️ભાજપના પૂર્વ ધારાસભ્યોની સીડીઓ આવે છે અને ખૂની ખેલ ખેલાય છે

    ↘️શિક્ષણ અને આરોગ્યની સુવિધાની ઘોળ ખોદાઈ ગઈ

    ↘️ચોમાસામાં રસ્તાઓ પર દોઢ દોઢ ફૂટના ખાડા પડી ગયા
    સરકારી એજન્સીમાં કૌભાંડ જેવા કે જીએસપીસી કૌભાંડ, ફિશીંગ કૌભાંડ
    વેન્ટિલેટર ખરીદીમાં કૌભાંડ
    રોડ પર સેંકડો ભૂવા પડ્યા
    લોકોએ આધાર, મા કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો કઢાવવા માટે લાંબી લાઈન અને ધક્કા ખાવા પડે.

    ↘️માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ ન મળે

    ↘️પેટ્રોલ, ડિઝલ અને ગેસનો ભાવ આસમાને
    મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી નાખી

    ↘️ભાજપના ગુંડાઓની દાદાગીરી

    ↘️ભાજપના બધા સ્થાનિક નેતાઓ કરોડપતિ બની ગયા અને કાર્યકરો ગાભા મારતા રહી ગયા.

    ↘️મોટાભાગના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવીને મેવા ખાતા થઈ ગયા અને મૂળ ભાજપીઓ બધાની ચરણચંપી કરતા થઈ ગયા.

    ↘️ભાઉ 107ની દાદાગીરી વધી ગઈ ભાજપની અંદર આંતરિક અસંતોષ વધી ગયો.

     

    આટલુ થયું છતા ગઈ વખત કરતા વધારે સીટ આવતી દેખાડવામાં આવે છે. કારણ કે, માનસિક દબાણ ઉભુ કરવાનો પ્રયાસ છે. ખોટા ભરમાતા નહી આ વખતે ભાજપ જાય છે કારણ કે,

    પોલિસકર્મીઓ ભાજપથી નારાજ છે
    તમામ સરકારી કર્મચારીઓ નારાજ છે
    આંગણવાડી બહેનો નારાજ છે
    ખેડૂતોમાં ખુબ રોષ છે
    આશા વર્કર બહનો અને શિક્ષકો નારાજ છે
    VCE ઓપરેટર્સ નારાજ છે
    સરકારી નોકરીની તૈયારી કરતા 40 લાખ યુવાનો નારાજ છે
    નાના વેપારીઓ ખુબ નારાજ છે
    સાચા ગૌભકતો નારાજ છે
    આરોગ્યકર્મીઓ નારાજ છે
    પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવર્સ નારાજ છે
    મોંઘવારીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ નારાજ છે
    ખુશ માત્ર અમીર લોકો છે જેને કશો ફર્ક નથી પડતો

    એટલે મીડિયાના ભ્રમિત પ્રચારમાં ન આવતા. મીડિયાનું કામ જ ભાજપને જીતાડવાનું છે. એના જ એને પૈસા મળે છે. અને હા આ લખનાર પણ લાંબો સમય મીડિયામાં કામ કરી ચુક્યો છે એટલે અંદરની વાત જાણે છે.

  • સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

    સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

    નીરવ જોશી , હિંમતનગર(M-7838880134)

    • સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
    • સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન
    • જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભામાં સૌથી વધુ ૬૯.૫૪ ટકા મતદાન
    • પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા મતદાન સાથે પુરૂષ મતદારો અગ્રેસર જયારે ખેડબ્રહ્મામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ.
    • સાબરકાંઠા જિલ્લામાં લોકશાહિના અવસરે વિધાનસભા સામાન્ય ચૂંટણીનું સોમવારના રોજ યોજાયેલ બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૬૫.૮૪ ટકા મતદાન થયું હતું. જેમાં કુલ મતદારો ૧૧,૧૦,૦૩૧ પૈકી ૭,૩૦,૮૧૪ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૫,૬૮,૦૦૭ પુરૂષ મતદારો પૈકી ૩,૮૩,૯૨૨ મતદારોએ મતદાન કર્યુ હતું જયારે ૫,૪૧,૯૯૧ સ્ત્રી મતદારોમાંથી ૩,૪૬,૮૭૯ મહિલાઓએ મતદાન કર્યુ હતું આ ઉપરાંત થર્ડ જેન્ડરના ૩૩ મતદારો પૈકી ૧૩થર્ડ જેન્ડરે મતદાન કર્યુ હતું. ચાર વિધાનસભા મતદાર વિભાગમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં ૬૯.૫૪ ટકા મતદાન નોંધાયું હતું  જયારે સૌથી ઓછુ હિમતનગર વિધાનસભામાં ૬૨.૩૦ ટકા મતદાન થયુ હતું.

      

       ટકાવારીની દષ્ટીએ જોઇએ તો પ્રાંતિજ વિધાનસભામાં ૭૨.૫૩ ટકા પુરૂષોએ સૌથ વધુ મતદાન કર્યુ હતું જયારે ખેડબ્રહમા વિધાનસભામાં ૬૮.૬૧ ટકા મતદાન કરી સ્ત્રી મતદારો અગ્રેસર રહિ હતી.

       

     

    સાબરકાંઠા વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ (૧૭.૦૦ કલાક)
    વિધાનસભા મતવિભાગનો નંબર અને નામ  મતદારો થયેલ મતદાન ટકાવારી
    પુરૂષ સ્ત્રી અન્ય કુલ પુરૂષ સ્ત્રી અન્ય કુલ પુરૂષ સ્ત્રી અન્ય કુલ  
    ૨૭ -હિંમતનગર ૧૪૩૪૦૧ ૧૩૭૮૨૩ ૧૯ ૨૮૧૨૪૩ ૯૨૧૨૩ ૮૩૦૯૫ ૬ ૧૭૫૨૨૪ ૬૪.૨૪ ૬૦.૨૯ ૩૧.૫૮ ૬૨.૩૦  
    ૨૮ -ઇડર ૧૪૬૧૭૯ ૧૪૦૬૫૯ ૫ ૨૮૬૮૪૩ ૯૨૯૧૬ ૮૮૫૦૫ ૧ ૧૮૧૪૨૨ ૬૩.૫૬ ૬૨.૯૨ ૨૦.૦૦ ૬૩.૨૫  
    ૨૯-ખેડબ્રહ્મા ૧૪૪૭૮૧ ૧૩૮૨૮૭ ૫ ૨૮૩૦૭૩ ૧૦૧૯૫૦ ૯૪૮૮૩ ૩ ૧૯૬૮૩૬ ૭૦.૪૨ ૬૮.૬૧ ૬૦.૦૦ ૬૯.૫૪  
    ૩૩- પ્રાંતિજ ૧૩૩૬૪૬ ૧૨૫૨૨૨ ૪ ૨૫૮૮૭૨ ૯૬૯૩૩ ૮૦૩૯૬ ૩ ૧૭૭૩૩૨ ૭૨.૫૩ ૬૪.૨૦ ૭૫.૦૦ ૬૮.૫૦  
    કુલ ૫૬૮૦૦૭ ૫૪૧૯૯૧ ૩૩ ૧૧૧૦૦૩૧ ૩૮૩૯૨૨ ૩૪૬૮૭૯ ૧૩ ૭૩૦૮૧૪ ૬૭.૫૯ ૬૪.૦૦ ૩૯.૩૯ ૬૫.૮૪  

    • આ પહેલા દિવસમાં એક વાગ્યા સુધી સાબરકાંઠામાં ચૂંટણીનો માહોલ ઘણો જામ્યો હતો એટલું જ નહીં પરંતુ સાબરકાંઠાના કલેકટરે એક નવતર પ્રયોગના રૂપે સખી મતદાર મંડળ કે સખી મતદાન મથકનો પણ પ્રયોગ સફળતાપૂર્વક કર્યો હતો.
    • સાબરકાંઠા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ બપોરે ૧ વાગ્યા સુધી ૩૯.૭૨ ટકા મતદાન
    • સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે સખી મતદાન મથક નંબર ૭૪માં મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો
    • સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદારો મતદાન મથકે વોટીંગ કરવા પહોંચ્યા : મતદાન મથકોએ લાંબી કતારો જોવા મળી ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ મતદાન કર્યું.
    • ચૂંટણી કર્મીઓ, પોલીસકર્મીઓ, આર્મી જવાનો ફરજ પર તૈનાત આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, પી.ડબ્લ્યુ.ડી મતદાન મથક, યુવા મતદાન બુથ ઉભા કરાયા
    •         ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ ના બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે તારીખ ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાયું છે. મતદાન સવારે૮ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદાન ચાલશે.

             ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા સમાવિષ્ટ ૨૭- હિંમતનગર, ૨૮- ઇડર (અ.જા),૨૯ ખેડબ્રહ્મા(અ.જ.જા) ૩૩-પ્રાંતિજ મળી કુલ ૧૩૨૩ મતદાન મથકો નિયત કરવામાં આવેલા છે. જેમાં ૯૬૦ મતદાન મથક સ્થળની સંખ્યા આવેલી છે. અત્રેના જિલ્લામાં તારીખ ૧૦/૧૦/૨૦૨૨ની સ્થિતિએ ૫,૬૭,૩૫૩ પુરુષ મતદારો, ૫,૪૧,૩૩૭ સ્ત્રી મતદારો અને ૩૨ અન્ય મતદારો મળી કુલ ૧૧૦૮૭૨૨ જેટલા મતદારો જિલ્લામાં નોંધાયેલા છે.

             આજે યોજાયેલા મતદાનમાં ૨૩૬૨ બેલેટ યુનિટ  ૧૫૬૧ કંટ્રોલ યુનિટ અને ૧૭૫૮ વી.વી.પેટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી સંદર્ભે જિલ્લામાં ૧૩૫ સેક્ટર રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને રિઝર્વ સહિત કુલ ૧૫૦ સેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે. કુલ મતદાન મથકો ૧૩૨૩ પૈકી ૫૦ ટકા મતદાન મથકો ઉપર ૬૨૨ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. તે માટે હિંમતનગર કલેકટર કચેરી પોળો હોલ ખાતે વેબકાસ્ટીંગ  સુવિધા ઉપલબ્ધ કરીને સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

             ચાર વિધાનસભા મતવિસ્તારમાં સવારે ૮ કલાકથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારથી જ લોકોમાં મતદાન કરવા પ્રત્યેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી રહી છે અને લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી રહ્યા છે.

     વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આજે યોજાયેલા મતદાન દિવસે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હિતેષ કોયા(આઇ.એ.એસ) દ્વારા હિંમતનગર ત્રિવેણી વિધ્યાલય ખાતે આવેલા સખી મતદાન મથક નંબર ૭૪ માં સવારે ૧૧:૩૫ મિનિટે મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બપોરે ૧ વાગ્યા સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૩૯.૭૨ ટકા મતદાન નોંધાયુ હતુ. બપોર બાદ મતદાન મથકોમાં મતદાન કરવાનો ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો.

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વરરાજાએ લગ્નગ્રંથીમાં જોડાતા પહેલા હિંમત હાઇસ્કુલ મતદાન મથક ખાતે પોતાના મુલ્યવાન મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી તેમજ વિધ્યાનગરી હાઇસ્કુલ હિંમતનગર ખાતે ટ્રાન્સજેન્ડર સોનલમાસીએ મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.