કેટેગરી મારું ગુજરાત

  • રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

    રાજ્યકક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો

    નીરવ જોશી ,ઈડર

    રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન એક વખત સમગ્ર રાજ્યનો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલા કોઈ એક ડાયટમાં આયોજિત થાય છે છે. સાબરકાંઠા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 2022 નો રાજ્ય કક્ષાનો સાતમો ઇનોવેશન એજ્યુકેશન પણ ઇડર ખાતે યોજાયો હતો અને આ વખતે આઠમો ડાયટ ઇનોવેશન એજ્યુકેશન ફેર પણ ઈડર ખાતે સમાપન થવા જઈ રહ્યો છે… .. તો જાણીએ કે આના ઉદઘાટન સમયે મંત્રીઓ એ અને અન્ય મહાનુભાવો એ શું કહ્યું?

     

    ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતુ ગુજરાતી ના ભોગે નહીં                                    – શિક્ષણ મંત્રી શ્રી ડિંડોર  

     

    સાબરકાંઠા જિલ્લાના ઇડર ડાયટ ખાતે રાજ્ય કક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિતિ માં યોજાયો. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૬૭ શિક્ષકોએ ભાગ લઇ શિક્ષણમાં નવીનીકરણ સાંપ્રત વિષય ને લગતુ સાહિત્ય સહ અભ્યાસ પ્રવૃત્તિઓ ને લગતુ સાહિત્ય સમાવેશી શિક્ષણ જેવા વિષયો ઉપર કરેલ સફળ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.

    આ ત્રિ દિવસીય કાર્યક્રમ પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં જે કોઈ પણ સારું પડેલું છે તેને બહાર લાવવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે શિક્ષણનો કોઈ અંત નથી જેટલું શીખો તેટલું ઓછું છે આ ઇનોવેટીવ ફેસ્ટિવલ ફેરની 2000 જેટલા શિક્ષકો મુલાકાત લેશે અહીં ૧૬૭ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી છે. જેમાં 103 કૃતિઓ પ્રાથમિક શિક્ષણ ને લગતી અને અન્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ને લગતી કૃતિ છે શિક્ષણના સ્તરને સુધારવા માટે અને નવી ઊંચાઈએ પહોંચાડવા માટે જ્ઞાન સંગમ નામનો નવો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓનો સમન્વય કરી શિક્ષણને વધુ સરળ અને વધુ ઉપયોગી બનાવવા માટે બાળકો શિક્ષણ ની આપ લે કરી શકે તે માટે 1500 પ્રાથમિક અને 500 માધ્યમિક શાળાનો જ્ઞાન સંગમ પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામી છે

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે એચ ટાટ આચાર્ય ના પ્રશ્નો ના જલ્દીથી નિરાકરણ લાવવામાં આવશે. આ વર્ષથી બાલવાટિકા એક, બે, ત્રણ નું અમલ થશે સાથે 1/6/2023 થી સી.બી.એસ.સી. પેર્ટ્ન  પ્રમાણે છ વર્ષે  થતા પહેલા ધોરણમાં પ્રવેશ મળવા જઈ રહ્યો છે.

    શિક્ષકોમાં વિવેક અને સભ્યતા ખુબ જરૂરી છે. વિવેક ન હોય તો વિદ્યા વ્યર્થ છે. જન કલ્યાણ, પરિવાર, રાષ્ટ્ર નિર્માણનું કામ એ શિક્ષકનું છે આપણી સંસ્કૃતિ રામાયણની સંસ્કૃતિ છે બીજા માટે ઘસાવું બીજા માટે પરોપકાર કરવો તે આપણા આદર્શ છે આ સંસ્કારોનું સિંચન બાળકોમાં કરવાનું છે,. વધુમાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માં માતૃભાષા અને માતૃભૂમિ આપણા ગૌરવ છે મારી ભાષા મારું ગૌરવ સ્વીકારીને આપણે ગુજરાતી ભાષાની ગૌરવાન્વિત કરવાની છે. ગુજરાતી નો અભાવ અને અંગ્રેજીનો પ્રભાવ ન હોવો જોઈએ અંગ્રેજી ભાષા શીખવી પણ જરૂરી છે પરંતુ ગુજરાતીના ભોગે નહીં અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા છે વ્યવહારૂ ભાષા છે તે ચોક્કસ શીખવી જોઈએ પરંતુ બાળકને પ્રથમ માતૃભાષા શીખવી ફરજીયાત હોવી જોઈએ તેથી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ દ્વિતીય ભાષા ગુજરાતીનો અભ્યાસક્રમ શરૂ કરાવી આપણી ભાષાને ગૌરવ આપવાનું છે માતૃભાષાનું મહત્વ અને ગૌરવ જળવાઈ તે માટે તમામ શિક્ષકો અને આપણે સહુ સહિયારો પ્રયાસ કરીએ

    આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ શિક્ષક એ નોકરી નહીં પરંતુ ધર્મ છે આગામી પેઢી માટે શું કરી શકાય તે વિચારનાર વ્યક્તિ એટલે શિક્ષક ઇનોવેશન કર્યું તે કાયમી નથી સમયઅંતરે નવું અને નવું કંઈકનું કંઈક આવતું રહેશે. બાળકોને શિક્ષણ આપવું તેમનામાં નવું સિંચન કરવું તે શિક્ષકનું કર્તવ્ય છે. બાળકને શિક્ષણ આપતા પહેલા પોતે શીખવું પડશે અને તૈયાર થવું પડશે. અહીં ઉપસ્થિત શિક્ષકોએ વિણેલા મોતી સમાન છે જેમણે બાળકો માટે કંઈક નવીન કરવાની ધગશ છે.

     

    આ પ્રસંગે જી.સી.ઈ.આર.ટી ના નિયામક શ્રી ડી એસ પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને જણાવ્યું હતું કે આઠમો ઇનોવેશનલ ફેસ્ટિવલ આપણા આંગણે છે ત્યારે આ નવીનતા માત્ર એક વર્ગખંડ પૂરતી કે શાળા પૂર્તિ ન રહેતા સમગ્ર રાજ્યને આ ઇનોવેશનનો લાભ મળવો જોઈએ.

     

    આ પ્રસંગે ઈડર ડાયટના પ્રાચાર્ય કે.ટી. પુરણીયાએ સૌની આવકારી આઠમા ઇનોવેશનલ ફેસ્ટિવલ નો હેતુ અને મહત્વ વિગતવાર સમજાવ્યું હતું.

     

         આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મીતા ગઢવી, પ્રાથમિક શિક્ષણ સંઘના ગીરીશભાઈ પટેલ, શિક્ષણ સંઘના ગિરીશભાઈ બારોટ, સંજય ત્રિવેદી, ઈકબાલ વોરા, અશ્વિનભાઈ પટેલ, ડાયટના સ્ટાફ તેમજ સમગ્ર રાજ્યના ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

  • Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

    Update: મિલેટ ફેસ્ટિવલમાં હિંમતનગરવાસીઓ ઉમટી પડ્યા, સોશિયલ મીડિયાના પ્રચારે રંગ રાખ્યો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    પરિવારના રોજ હિંમતનગર પાલિકા અને અમદાવાદ સ્થિત જાણીતી ઓર્ગેનિક ખેતીને તેમજ છાણિયે ખાતરથી પકવેલા ઓર્ગેનિક શાકભાજી અને ફળફળાદી ને પ્રમોટ કરતી સૃષ્ટિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આપણા સાબરકાંઠાના વડા મથક હિંમતનગરના ઘર આંગણે ટાવર પાસે આવેલા નવા બગીચા વિસ્તારના પ્રાંગણમાં ખુબ સરસ મિલેટ ફેસ્ટિવલ નું ઉદઘાટન થયું. કાર્યક્રમમાં હિંમતનગર પાલિકાના પદાધિકારીઓ અને મેયર યતીન બેન મોદી અન્ય કોર્પોરેટર સભ્યો તેમજ હિંમતનગરના ધારાસભ્ય ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા.

    અંગ્રેજીમાં મિલેટ એટલે કે બાજરી કહેવાય પરંતુ મિલેટમાં એ બધા જ હલકા ધાન્ય આવી જાય છે !જેને હલકા, જાડા ધાન્ય કહેવાય.. જેમ કે મોરૈયો, બંટી, કાંગ, રાજગરો, કોદરી, સામા તેમજ રાગી એવા ઘણા ધાન્ય જે આપણા શરીરને ઘણી પૌષ્ટિકતા, સ્વસ્થતા અને બળ આપે છે…. ! અને એ પણ ખુબ સસ્તા ભાવે આપણને ઘર આંગણે આપણ બાપદાદાઓનું ધાન્ય હતું! પરંતુ આજ ખેડૂતો આ ધાન્યોની ખેતી ભૂલી ગયા છે! કારણ કે આ ધાન્યની ડિમાન્ડ જ લોકોમાં હવે ઘટી ગઈ છે!

    આપણા પરંપરાગત ધાન્યોની માહિતી જ લોકોમાં નથી પછી એનાથી બનતી વાનગીઓની ક્યા લોકોને જાણ ક્યાંથી હોય ??🤔આ ધાન્યનો ઉપયોગ આપણા જીવનમાંથી માઇનસ થઈ ગયો છે એટલે કે બાદબાકી થઈ ગઈ છે! પરંતુ આ ધાન્ય આપણા બાપદાદાઓ ખાતા હતા અને ઘણા સ્વસ્થ અને રોગમુક્ત રહેતા હતા કારણ કે આરોગ્યની જાળવણી માટેની ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે આપણી રોગપ્રતિકાર શક્તિ જ ખૂબ જ સારી થઈ જતી હતી અને પરિણામે આપણે બાપદાદાઓ ખૂબ સ્વાસ્થ્ય રહેતા હતા!!! તો જે લોકો ખેતી કરે છે તે લોકો પણ આ ધન્ય ભાવે એની ખેતી ફરીથી શરૂ કરે એવો શુભ પ્રયાસ આ Millet ફેસ્ટિવલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વર્ષ માટે કરી રહ્યા છે…

    2023 – મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે!! એક નાગરિક તરીકે તેમજ ખેડૂતોએ- જિલ્લાના સાધન સંપન્ન જાગૃત ખેડૂતોએ આ માટે જાગૃત થવું ….કારણકે આજે રોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે …

    100 વીઘા માં ઓર્ગેનિક ખેતી કરતી ડ્રાઈવ ઈન એગ્રો.. પટેલ પર્માકલ્ચર ફાર્મ, લુણાસણ ઓર્ગેનિક ઝહરમુક્ત શાકભાજી મા ખેડૂત હાટ મા હાજરી આપી હતી.. હિંમતનગર વાસીઓને અનેક પ્રકારના ઓર્ગેનિક શાકભાજીઓ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવ્યા હતા. 

    એ વાત પણ નોંધનીય છે કે સાબરકાંઠામાં હિમ્મતનગર તાલુકાની આસપાસનાા ગામોમાં પ ઓર્ગેનિક શાકભાજી અને શેરડી અને ઓર્ગેનિક ઘઉં અને ધાન્યો વાવતાા ખેડૂતોની સંખ્યાા દિવસે વધી રહી છે આમ સાબરકાંઠામાં સામાન્ય નાગરિકો ઓર્ગેનિિક શાકભાજી અને ઘઉં તેમજ બીજા પદાર્થો રોજબરોજ જીવનમાં વાપરતા થયા છે!

     

    વાનગીઓ કે જે સસ્તા અનાજથી બને છે તે બધી- મલ્ટીનેશનલ કંપનીઓએ સાવ બગાડી અને આપણી ખાવાની પદ્ધતિઓને વિકૃત કરી અને આપણને રોગોના શિકાર બનાવવાનું બહુ મોટું કાવતરું કર્યું હોય તેવું હવે દેખાઈ રહ્યું છે!☹️ જેથી કરીને એમના ધંધા ચાલુ રહે તે બાબતે ગંભીરતાથી વિચારજો…..🤔🤔🤔 અને જો ખરેખર ઈચ્છા હોય તો આપણા હિંમતનગરમાં જ બીજા બે દિવસ બાકી રહ્યા છે ….આજે અને આવતીકાલે તો આવા Millet વર્ષનો ઉજવણીનું ઉત્સવ થી ભાગ લેવાનું આપણે જરૂર કરવું જોઈએ… અને હિસ્સો લેવો જોઈએ.

    સૃષ્ટિ સંસ્થાના આયોજક અને સંયોજક રમેશભાઈ પટેલ સોશિયલ મીડિયાના માધ્યમ વડે અનેક હિંમતનગર વાસીઓને જોડ્યા અને નીચે મુજબ જાહેરાતો કરી હતી. બીજા દિવસે કયા આકર્ષણ રહ્યા તે પણ આપ જાણી શકો છો અને ત્રીજા દિવસે પણ અનેક પ્રકારના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખની છે કે સોમવારનો દિવસ એ ફેસ્ટિવલ નો છેલ્લો દિવસ છે.

    2nd Day! -Millet festival ( બીજા દિવસનું આકર્ષણ)

    *જાહેર નિમંત્રણ*
    હિંમતનગર નગરપાલિકા દ્વારા આયોજિત…..
    *મિલેટ ફૂડ ફેસ્ટિવલ*
    તા: 25/26/27 ફેબ્રુઆરી
    શનિ-રવિ-સોમ
    સમય: બપોરે 4 થી રાત્રે 10 સુધી
    સ્થળ: ટાવર બગીચો, હિંમતનગર
    સહ આયોજક: સૃષ્ટિ અમદાવાદ

    *વીસરાતી વાનગીઓની યાદી*

    1) બાજરીની ઘૂઘરી: 40/-
    2) કણકીની ઘેંસ: 40/-
    3) ચીલની ભાજીના ચિલીયા: 30/-
    4) ખીચડો: ( પાંચ ધાનનો ખેંચોડો)
    – 100 Rs
    5) સોલ કરી: 20/-
    6) ઉબરા ના ફળનું શાક: 70/-
    7) અડદ ની દાળ: 70/-
    8) રીંગણનો ઓળો: 70/-
    9) મકાઈ-બાજરી-જુવારનો રોટલો 30/-
    10) સાતધાનનો ખીચડો: 50/-
    11) તુવેરના ટોઠા: 50/-
    12) દેશી છાશ: 10/-

    13) લિટલ મિલેટ/ પાલક સૂપ: 60/-
    14) લિટલ મિલેટ સલાડ: 60/-
    15) કોડો મિલેટ મંચુરિયન: 80/-
    16) મિલેટ ફાડા લાપસી: 70/-
    17) લિટલ મિલેટ વેજ મસાલા ખિચડી
    – 70/-
    18) બ્રાઉનટોપ મિલેટ લોલીપોપ: 100/-
    19) વેજ પુલાવ 70/-

    આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઓર્ગેનિક ખેડૂતો દ્વારા શેરડીનો રસ, દેશી ગોળ, 15 થી વધુ જાતની પ્રાકૃતિક શાકભાજી, મમરા પોઆ, મધ, હળદળ પાવડર વગેરે ખરીદી શકશો.
    હા, ઘરેથી થેલી લઈ ને આવજો.
    વિવિધ જાતના મિલેટ નું પણ વેચાણ થાય છે, જે તમે ઘરે રસોઈ બનાવી શકશો.

    *આજે રવિવારે સાંજે 5 વાગે સેમિનાર*:
    મિલેટ ખોરાકનું આરોગ્યમાં મહત્વ, રાગી, કોદરી, કાંગ, સામો,બંટી, મોરાઇયો વગેરે ની વાનગીઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન નિષ્ણાંત ડોકટર દ્વારા આપવામાં આવશે.

    એક વખત પરિવાર સાથે મુલાકાત લેવાનું ચૂકશો નહિ.

    **************

     

    3rd Day- Millet Festival

    *હિંમતનગર મિલેટ મહોત્સવ માં સેમિનાર*

    તારીખ: 27 ફેબ્રુઆરી
    સમય: સાંજે 6 થી 8 દરમ્યાન*
    સ્થળ: ટાવર બગીચો- શાક માર્કેટની
    બાજુ માં, હિંમતનગર
    *ચર્ચાના મુખ્ય મુદ્દાઓ*
    ● રાસાયણિક દવા – ખાતરો વગર
    ખેતી થઈ શકે ખરી ?
    ● ઓર્ગેનિક ખેતી ના મૂળભૂત સિદ્ધાંતો
    સમજીએ.
    ● ઘર પૂરતું શાકભાજી ઉગાડતા
    શીખીએ. – કિચન ગાર્ડનીગ
    અપનાવીએ.
    ● અનુભવી ખેડૂતોનો પરિચય કરીએ.

    *આયોજક*
    – હિંમતનગર નગર પાલિકા
    – સૃષ્ટિ સંસ્થા, અમદાવાદ
    – સાબરકાંઠા જિલ્લા સજીવ ખેતી મંચ

    😀☝️☝️☝️☝️☝️યાદ રાખો કે આજે આપણું વર્તમાન એ જ આપણું ભવિષ્ય બનવાનું છે અને આપણી ખાણીપીણી જો ખરાબ હશે તો આપણી સ્વસ્થ ભારત કે ગુજરાતની બળવાન યુવા પેઢી કદી નહીં બનાવી શકીએ.😀🙏🏻 જય હિન્દ! જય ભારત !જય ગુજરાત*😀🌷💐🌹🌹👍

  • વિશ્વ રેડિયો દિવસ પર મળો એક અભૂતપૂર્વ ગુજરાતના રેડિયો મેન

    વિશ્વ રેડિયો દિવસ પર મળો એક અભૂતપૂર્વ ગુજરાતના રેડિયો મેન

    (માહિતી સૌજન્ય : દિલીપ ગજ્જર, ગુજરાત માહિતી વિભાગ)

    (નીરવ જોશી, ગાંધીનગર- M-7838880134)

    ‘વિશ્વ રેડિયો દિવસ’- એક ગુજરાતી પત્રકારના રેડિયો અંગેના સંસ્મરણો!

    આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેડિયોની મારી સંસ્મરણો મારા બાલ્યકાળ એટલે કે તરુણાવસ્થાથી ચાલુ થયા છે… મને હજુ યાદ છે કે બીબીસી હિન્દી સર્વિસ આજથી ઘણા વર્ષો પહેલા હું સાંભળતો હતો એક ગુજરાતના સાબરકાંઠાના નાનકડા ગામ – ખેડબ્રહ્મામાં જ્યાં મારો જન્મ થયો ત્યાં અમારા મકાન માલિક એક ડોક્ટર હતા અને ડોક્ટર રણછોડરાય ત્રિવેદી હંમેશા સવારના bbc હિન્દી સર્વિસ સાંભળતા એમની રેડિયો સાંભળવાની આદતના કારણે મને પણ એવું વિચાર આવ્યો કે હું પણ રેડિયો સાંભળું ! અને મેં બીબીસી હિન્દી સર્વિસ નાનપણથી જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારથી સાંભળવાનું ચાલુ કર્યું !😀

    આજે હું પત્રકાર છું પરંતુ મારું જે વિશ્વ અને વિશ્વની રાજકીય ઘટનાઓ અંગેનું જ્ઞાન છે …એમાં બીબીસી હિન્દી સર્વિસ અને રેડિયોના અન્ય આકાશવાણી કે બીજા સમાચાર માધ્યમો ખાસ કરીને રેડિયો પર પ્રસારિત થતા પ્રોગ્રામોમાં ઘણો મોટો ફાળો છે.

    મોટાભાગની આજની જનરેશન રેડિયો સાંભળવાની આદત ધરાવતી નથી પરંતુ ખરેખર રેડિયો સાંભળવો એ અનેક રીતે ફાયદા કરે છે !!!હજુ રેડિયો મોબાઇલની ઘણી બધી એપ વડે સાંભળી શકાય છે ..આજે એફએમ રેડિયો ની પણ બોલબાલા છે ! રેડિયોના કાર્યક્રમોની ગુણવત્તા અને પ્રકાર બદલાયા છે પરંતુ આજે પણ આકાશવાણી નું હિન્દી સમાચાર બુલેટિન અને એને પછી આવતું અંગ્રેજી સમાચાર બુલેટિન સાંભળવાથી આપણું ઇંગ્લિશ સ્પીકિંગ સારું થાય છે – એ મારી સલાહ દરેક યુવા વર્ગને છે.

    આજે સવારે જ્યારે બીજી વેબસાઈટ પર વિશ્વ રેડિયો દિવસ નું આવ્યું ત્યારે મને થયું કે હું  મારી યાદગીરી પણ વાચકો સાથે વહેંચુ.

    અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક શ્રી સુલેમાન દલનું ઘર એટલે જાણે ‘રેડિયો મ્યુઝિયમ’

    ¤ વાલ્વ વાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ ૨૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા શ્રી સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે
    ¤ શુક્રવારી, અલંગમાંથી જુદાં-જુદાં શહેરોમાંથી રેડિયો એકઠા કર્યા સંગ્રહના તમામ રેડિયો ચાલુ હાલતમાં
    ¤ બંધ અને બિસ્માર હાલતમાં હોય તેવાં રેડિયોને પણ મૂળભુત સ્થિતિમાં લાવી અને રેડિયોને શરુ કરવાનો શોખ:’રેડિયો મેન’ ઓફ ચલાળા શ્રી સુલેમાન દલ

    ૧૩ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. સ્માર્ટ ફોનના યુગમાં આજે પણ આપણો રેડિયો એટલો જ સાંપ્રત છે અને હયાત છે. ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયો નો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે. ‘વિશ્વ રેડિયો દિવસ’ની તવારીખ ચકાસતા જાણવા મળે છે કે, યુનેસ્કો દ્વારા ૧૩ ફેબ્રુઆરી,૨૦૧૨ના રોજ પ્રથમવાર વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવ્યો હતો.

     

    આ વર્ષે તા.૧૩મી એ સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે. રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે જો કે, હવે રેડિયોનું સ્વરુપ બદલાઈ ગયું છે. એક જમાનામાં વાલ્વવાળો એન્ટેનાથી ચાલતો રેડિયો આજે લોકોના મોબાઈલથી લઈને નાઇટ લેમ્પ સુધી પહોંચી ચૂક્યો છે. આ સ્થિતિમાં ચલાળાના રેડિયો સંગ્રાહક શ્રી સુલેમાનભાઈ દલના રેડિયો સંગ્રહ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે.
    શ્રી સુલેમાનભાઈ દલના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે. ઘરના જુદાં-જુદાં ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે. આ તમામ રેડિયો આજે પણ શરુ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે. ૭૭ વર્ષીય શ્રી સુલેમાનભાઈ પાસે વિવિધ કંપનીઓનાં, વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના અને આકારના ક્યાંય જોવા ન મળે તેવાં અતિ દુર્લભ કહી શકાય તેવાં રેડિયો પણ છે. આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે. તેમને રેડિયોના એક- એક પાર્ટ વિશે જાણકારી હોય છે. બંધ હાલતમાં મળી આવેલા રેડિયોના અસલ પાર્ટ ગમે ત્યાંથી શોધી અને તેઓ જાતે જ રિપેર કરી તેને શરુ કરે છે. તેમની પાસે આ પ્રકારના અનેક રેડિયો છે.

    રેડિયોના શોખ વિશે માહિતી આપતા શ્રી દલ જણાવે છે કે, મને નાનપણથી જ રેડિયોનો શોખ હતો, ચલાળામાં ડૉ. પોટા નામે તબીબ રહેતા હતા જેમના ઘરે રેડિયો હતો. હું છ વર્ષનો હતો ત્યારે તેમના ઘરે રેડિયો સાંભળવા માટે અમે જતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૪માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયો ત્યારથી જ મને ઈલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો. મારે રેડિયોના વેચાણની દુકાન હતી એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો. જો કે, રેડિયો સંગ્રહની શરુઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ, વર્ષ ૨૦૦૦થી કરી હતી. આ રેડિયોનો સંગ્રહ કરતા કરતા આજે મારી પાસે વાલ્વવાળા વિવિધ ૭૨ રેડિયો છે જ્યારે ૧૨૨ જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો મળીને કુલ ૨૦૦ રેડિયો સંગ્રહમાં છે. આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે.

    તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ ૩૨ બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી ‘રંગભૂમિના રંગો’ નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે શ્રી સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને ‘રેડિયો મેન’ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

    રેડિયો ઉપરાંત શ્રી સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે. આ ઉપરાંત તેઓ પાસે ફૂલો અને થોરની વિવિધ પ્રજાતિઓનો પણ સંગ્રહ છે.

    રેડિયોનો ઈતિહાસ:

    આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ૧૯૨૩માં ભારતમાં ‘રેડિયો ક્લબ ઓફ બોમ્બે’ નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસારકાર્ય શરુ થયું હતું. તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ૧૯૨૩માં ‘કલકત્તા રેડિયો ક્લબ’ની સ્થાપના થઈ. સપ્ટેમ્બર ૧૯૩૫માં શ્રી એમ.બી. ગોપાલાસ્વામીએ “આકાશવાણી નામનું ખાનગી રેડિયો સ્ટેશન શરુ કર્યું હતું. જો કે તેના એક જ વર્ષ પછી ૮ જૂન ૧૯૩૬ના રોજ બધા જ સરકારી, ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઑલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી. દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ૧૯૫૬માં ‘ઑલ ઇન્ડિયા રેડિયો’નું નામ “આકાશવાણી રાખવામાં આવ્યું. ગુજરાત રાજયમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાંઓનું રાજ હતું ત્યારે સૌ પ્રથમ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ૧૯૩૯માં રેડિયો સ્ટેશન શરુ કરવામાં આવ્યું હતું, જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું. ઈ.સ.૧૯૪૯માં અમદાવાદમાં રેડિયો સ્ટેશનનો આરંભ કરવામાં આવ્યો હતો.
    ૦૦૦

  • માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    Nirav Joshi, Gandhinagar (M-7838880134)

    સમગ્ર ભારતમાં મા અંબાના ભક્તો અંબાજીએ આવીને માં અંબાના ચરણોમાં પોતાની માનતા અને ભાવના અર્પણ કરે છે એટલું જ નહીં પરંતુ માં અંબાના મંદિરને ભવ્ય બનાવવા માટે મનોરથ રાખે છે. આવા જ પ્રયાસમાં એક નવું પગલું છે… મા અંબાના મંદિરમાં શણગાર અને સેવાના રૂપે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે અને એ છે … જગત જનની માં અંબાના ચરણોમાં – સેવામાં અદભુત અને દુર્લભ કહેવાય એવી ચામરની સેવા!

    ૧૨ મી ફેબ્રુઆરીએ અંબાજી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ભવ્ય ચામરયાત્રા યોજાશે

    ¤ હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળમાંથી બનાવાઈ છે માં અંબાની પવિત્ર ચામર

    ¤ જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા જગત જનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરાશે

    જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ મી થી ૧૬ ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી ખાતે પ્રકૃતિના સાંનિધ્યમાં દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિના અવસર સમો શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ બી પટેલ અને સભ્યો દ્વારા જગતજનની માં અંબાને પવિત્રતાના પ્રતિક સમી ચામર અર્પણ કરવામાં આવશે. ૧૨ મી ફેબ્રુઆરીના રોજ શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે આ પવિત્ર ચામર માં અંબાના ચરણોમાં અર્પણ કરી તમામ ૫૧ શક્તિપીઠો પર ભવ્ય ચામરયાત્રા પણ યોજાશે.

    જય ભોલે ગ્રૃપ અમદાવાદના ફાઉન્ડરશ્રી દીપેશભાઈ અને સભ્યો દ્વારા તાજેતરમાં આદ્યશક્તિ માં અંબાને સુવર્ણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગે તેમને ચામરમાં રસ પડ્યો હતો અને માં અંબાને ચામર ચડાવવાનો મનોરથ કર્યો હતો. જે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ઉદઘાટન પ્રસંગે ૧૨ મી ફેબ્રુઆરીએ કલેક્ટરશ્રી આનંદ પટેલ અને જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માં અંબાને ભક્તિ ભાવપૂર્વક ચામર અર્પણ કરવામાં આવશે.

    શિવમહાપુરાણમાં વર્ણિત કથા મુજબ સતિ માતા પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત યજ્ઞમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીએ તેમની સાથે વિશેષ સન્માન અને ઉત્કૃષ્ટ અલૌકિક પવિત્રતાનાં પ્રતિક રૂપ ચામર અર્પણ કરી હતી. માં જગદંબાની વિશેષ કૃપા અને શ્રી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના સહયોગથી જય ભોલે ગ્રૃપ અમદાવાદ દ્વારા માતાજીની ચામર અંગે એક રીસર્ચની શરૂઆત થઈ હતી. જેમાં જાણવા મળેલ કે શાસ્ત્રોમાં જણાવ્યા અનુંસાર સફેદ ચમરી ગાયની પુંછડીના વાળમાંથી ચામર બને છે અને ચમરી ગાયનો વસવાટ અને ઉત્પતિ હિમાલય પર્વત ઉપર અરુણાચાલ પ્રદેશ અને લેહ લદાખના ચાઈના બોર્ડરના વિસ્તારમાં જોવા મળે છે.

    જેથી જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો લેહથી ૨૦૦ કિ.મી. દૂર સોમોરીરીથી આગળ એક જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા જાણવા મળેલ કે આવી ૪૫,૦૦૦ ગાયો છે. તેમાંથી ફક્ત ૮ ગાય સફેદ છે. સફેદ ગાયમાં પણ જે નર નથી અને માદા પણ નથી એવી ગાયના પૂંછડામાંથી બનાવેલી ચામર માતાજીને ચડાવાય છે અને આવી ફક્ત ૨ ગાયો જ મળવાપાત્ર છે ત્યારે દીપેશભાઈ અને તેમના મિત્રોની મુંઝવણ વધી ગઈ પરંતુ માં અંબાના આશીર્વાદ અને તેમના મક્કમ નિર્ધારથી તેમનો મનોરથ પૂર્ણ થયો હતો.

     

    હિમાલયના પહાડોમાં જોવા મળતી દુર્લભ સફેદ ગાયની પૂંછડીના વાળ પુરા માન અને સન્માન સાથે લાવ્યા હતા.

     

    ત્યારબાદ અગ્નિપુરાણમાં વર્ણવેલ છે તે મુજબ ૮, ૧૬ અને ૩૨ ગાંઠ મારીને આકર્ષક અને પવિત્રતા ધરાવતી ચામર અમદાવાદમાં બનાવવામાં આવી હતી. ૫૧ શક્તિપીઠ ખાતે પ્રથમ વખત આયોજીત થનાર આ અલૈાકિક ચામરયાત્રામાં શ્રધ્ધાળુઓને પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

    ¤ ચામર યાત્રાની વિશેષતા અને આકર્ષણ*

    જય ભોલે ગ્રૃપ અમદાવાદના દીપેશભાઈ અને તેમના સાથી મિત્રો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહેલી ચામર પ્રસંગે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા સ્થળ ખાતે ચામર યાત્રા યોજાઈ રહી છે.

    આ ભવ્ય અને યાદગાર કાર્યક્રમમાં અપંગ કન્યા સેવા સંકુલ હાજીપુર, કલોલની પ્રજ્ઞાચક્ષુ અને માનસિક શારીરિક વિકલાંગ દીકરીઓ દ્વારા માતાજીની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. દીપેશભાઈ પટેલ દ્વારા માતાજીના અંગ, શક્તિ, ભૈરવ અને સ્થળ પર રચિત અદભૂત આરતી અને સ્તુતિની પણ આ દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.

     

  • PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    નીરવ જોશી , Delhi ( M-7838880134)

    ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ બીજી વખત કેબિનેટ કૃષિ પ્રધાન બન્યા છે. કેન્દ્ર સાથે અતૂટ વિશ્વાસનો નાતો રાઘવજી એ પોતાના કાર્યો અને મંત્રાલયની કામગીરી વડે બનાવ્યો છે!  આ પહેલા તેઓ ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.

    મોદી સાથેની મુલાકાત બાદ રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું

    “જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.”


    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૃષિને લગતા અનેક નિર્ણાયક મુદ્દાઓ એક પછી એક કૃષિ મંત્રાલય ઉકેલવાના દિશામાં નિર્ણય લઈ રહ્યુ છેલ્લા 15 દિવસમાં મોરબી અને કચ્છ ખાતે અનુક્રમે 20 મી જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપીને અનેક કાર્યક્રમો શરૂ કરાવ્યા હતા. ખાસ કરીને રખડતા પશુઓના- સાંઢના ખસીકરણ અને બીજા પશુઓના ખસીકરણ અંગે ઉત્તમ કામગીરી કૃષિ મંત્રાલય કરી રહ્યું છે.

    *રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    ¤ *રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓના વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અભિયાન દરમિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું ખસીકરણ*

    ¤ *રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરાશે: રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે*.

    ¤ *કચ્છ જિલ્લામાં નખત્રાણા ખાતે તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી*

    પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે જે અતર્ગત મોરબી,જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.

    તેમણે ઉમેર્યુ કે,ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે.

    કૃષિ,પશુપાલન ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે.આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે,જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.

    મંત્રીશ્રી દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ ૫૦ પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં ૬૮ પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ ૧૩૮ પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે.

    મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો

    આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓ ને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું

    મંત્રીશ્રીએ પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું.

    તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

    તેમણે ઉમેર્યું કે,પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

    મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. ૫૯ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

    મત્રીશ્રી દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રીશ્રી લાલજીભાઇ રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી.

    પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ ૧૦ ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતે કુલ ૧૩૮ પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.

    આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    *********

    મોરબી ખાતે 28 જાન્યુઆરીએ નીચે મુજબનો કાર્યક્રમ થયો હતો.

    રાજ્યવ્યાપી ખસીકરણ ઝુંબેશનો મોરબીથી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

    “૧૨૭ નવા ફરતા પશુ દવાખાના થકી
    ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બનશે”
    – રાઘવજીભાઈ પટેલ

    ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી
    મોરબીને મોડલ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી

    સૌજન્ય :માહિતી બ્યુરો, મોરબી

    કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

    રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
    આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

    ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે. પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ ૪૬૫ ફરતા પશુ દવાખાના છે. જેમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના વધારો કરવામાં આવનાર છે. જેથી ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બની રહેશે.
    આ તકે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો વધુ સફળતા મળશે. મોરબીથી પ્રારંભ થતી આ ઝુંબેશમાં મોરબીને મોડેલ બનાવવું છે તેવુ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી એન.જે. ફળદુ, રિજિયોનલ ડાયરેક્ટરશ્રી ડો. ગોહિલ, અગ્રણી સર્વશ્રી લાખાભાઈ જારીયા, કુંવરજીભાઈ કાલરીયા, યદુનંદન ગૌશાળાના કાંતિભાઇ તેમજ ડોકટર્સની ટીમ સહિત વિવિધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આમ જાન્યુઆરીના છેલ્લા દસ દિવસમાં જ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખૂબ જ અગત્યનો એવો રખડતા ઢોરના મુદ્દા અંગે ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમોની શરૂઆત કરાવી છે. આ પહેલા માછીમારોના મુદ્દે અંગે પણ જાન્યુઆરીમાં રાઘવજી પટેલે અગત્યના નિર્ણયો કર્યા હતા…એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરના મુદ્દે માલધારી સમુદાય અને ભાજપ સરકાર સામસામે  બાયો ચડાવી હતી. આવા સમયે રાઘવજી પટેલનું કૃષિ પ્રધાન તરીકેનું કાર્ય અગત્યનું બની રહે છે. આગળ જતા ગુજરાતના પશુધન માટે વધારે સારી વ્યવસ્થા ઊભી થાય એવું જનતા ની તીવ્ર લાગણી અને માગણી છે.

  • આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે આક્રોશ !

    આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ, સોશિયલ મીડિયામાં સરકાર સામે ભારે આક્રોશ !

    નીરવ જોશી ગાંધીનગર (M-7838880134)

    ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષામાં પેપર ફૂટીયું હોવાની આશંકાને પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે કે 9 લાખ વિદ્યાર્થી યુવા ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના હતા… એટલું જ નહીં પરંતુ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પરીક્ષા માટેની તૈયારીઓ પણ ખૂબ મોટાપાએ કરવામાં આવી હતી. આશરે નવલાખ જેટલા વિદ્યાર્થીઓએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. સવારે 11 થી 12 કલાક દરમિયાન આ પરીક્ષા યોજવાની હતી.પોલીસ ને અપાયેલી માહિતીને આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરુપકડ કરી છે.

    વિધાનસભાની ચૂંટણી થયા બાદ ફરીથી સરકારનું ભોપાળું બહાર આવ્યું છે અને પેપર ફૂટવાનું ભાજપના રાજમાં હવે ચાલુ જ છે !

    સવાલ એ છે કે યુવાનોને પરીક્ષા રદ થવાથી પડનારી અનેક પ્રકારની તકલીફો અને હાલાકી અંગે રાજ્યનું તંત્ર ક્યારેય સંવેદનશીલ થશે???

    આ પરીક્ષા આપવા ગયેલા યુવા વિદ્યાર્થીઓ ને મોંઘવારીના સમયમાં કેટલી હાલાકી કે તકલીફો પડી હશે- તે તો દેશની જનતા અને ગુજરાતી જનતા એ જ વિચાર કરવો રહ્યો કારણ કે આ વખતે ગુજરાત ના લોકોએ 156 સીટો આપી છે એટલે ભાજપની સરકારને હવે વિચારવાની જરૂર નથી!

    સોશિયલ મીડિયામાં ફૂટ્યો ગુસ્સો, અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાયા!

    ગુજરાતના લગભગ બધા જિલ્લાના બસ સ્ટેન્ડ પર આવો માહોલ દેખાઈ રહ્યો છે!

    સોશિયલ મીડિયામાં ફૂટે ગુસ્સો, ફરતા થયા મેસેજ!

    કુદરતે વાદળું ફોડતા ખેડૂતો ને નુકસાન કર્યું અને સરકારે પેપર ફોડી એ ખેડૂત ના દીકરા નું નુકસાન કર્યું 🥹🥹🥹😭

     

    (2)

    *રાત્રે વાદળ લીક (માવઠુ) થતા ખેડૂતો કહે ભણ્યા હોત તો સારુ હોત.😞*
    *પરોઢિયે પેપર લીક થતા ભણેલા કહે ખેડૂત હોત તો સારુ હોત. 😒

     

     

    Forward message & videos 

    મહીસાગર : પેપર લીક નો મામલો

    જીલ્લા ના મુખ્ય મથક માં ચકાજામ

    પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થી ઓ દ્વારા હાઇવે જામ

    પેપર લીક ને લઈ રોષ માં આવેલ વિદ્યાર્થી ઓ એ ચકાજામ કર્યું

    વિધાર્થી ઓ રસ્તા પર આવી વાહનો રોકી વીરોધ કર્યો

    લુણાવાડા પોલીસ ઘટના સ્થળે

    —–####

     

  • જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

    જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રાજ્ય અગ્રેસર: ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકારનો પુરુષાર્થ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલની
    ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે ઉજવણી કરાઈ

    જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી: મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

    પોલીસનો અશ્વ શો, માર્ચ પાસ્ટ, અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો


    જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી વંથલીના સીડ ફાર્મ ગ્રાઉન્ડમાં જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
    કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે .મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈએ છે. શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના વિકાસના પાયામાં છે.


    મંત્રી શ્રીએ કૃષિ વિકાસની વાત કરતા કહ્યું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ મેળવી છે. ખેડૂતો માટેની અનેક કલ્યાણકારી યોજના અમલમાં છે અને તેના લાભો થકી ખેડૂતો ડિજિટલ અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. મંત્રી શ્રી એ ખેડૂતોની આવક વધારવા સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક યોજના સહિત ખેડૂતોની સમૃદ્ધિ માટે ખેડૂતોના હિતકારી નિર્ણયો ની વિગતો આપી હતી.


    મંત્રી શ્રી એ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ વેળાએ કલેકટર શ્રી રચિત રાજ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યાં હતા.
    રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી અને આજુબાજુના વિસ્તારની શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે રેવન્યુ પોલીસ અને વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ કોટેચા, અધિક કલેકટર શ્રી એમ.બી બાભણીયા, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

    આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

    નીરવ જોશી , ગાંધીનગર(M-7838880134)

    *રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન*

    *કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે : શ્રી આચાર્ય દેવવ્રતજી*

    *પ્રાકૃતિક કૃષિથી ધરતીની ગુણવત્તા સુધરશે, તો જ અન્ન અને ધન વધશે*

    *યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના ૬૨૯ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી એનાયત કરાઇ*

    *:: કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ::*

     વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનો ઉપયોગ કરી કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરે.

     આણંદ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

     છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે

    *આણંદ, ગુરૂવાર ::* રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીના ઉપયોગની આવશ્યકતા છે.

    આણંદ કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને અધ્યક્ષીય સંબોધન કરતાં કુલાધિપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટીના સૂત્ર – कृणवन्तो राष्ट्रं कृषिसंपन्न्म‌् ને ટાંકીને કહ્યું હતું કે, આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર-દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જલ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આપણે આ રીતે જ ખેતી કરતા રહીશું તો દુનિયાને કેવી રીતે બચાવી શકીશું? એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ સમયની માંગ છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે.

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આણંદથી જ ભારતના 8 કરોડ કિસાનોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાનું આહ્વાન કરતાં કહ્યું હતું કે, ભારતના કિસાનોની સમૃદ્ધિ અને નાગરિકોનું સ્વાસ્થ્ય પ્રાકૃતિક ખેતીથી જ સંભવ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના વિકાસ માટે પ્રયત્નશીલ છે. ગુજરાતમાં લગભગ ત્રણ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. એટલું જ નહીં, ગુજરાત સરકાર પણ આ દિશામાં સક્રિય પ્રયત્નો કરી રહી છે એમ રાજ્યપાલશ્રી એ કહ્યું હતું.

    આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીધારક છાત્રોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ આદર્શ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પહેલ કરવા અને તેના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરવા હાકલ કરી હતી અને કહ્યું હતું કે, આ દિશામાં સંશોધનો એ દેશને સૌથી મોટી દેન હશે.
    આણંદ કૃષિ યુનિવર્સિટીનના ૧૯ મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૬૨૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૩૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૯ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તેનો મને ગર્વ છે, આ યુનિવર્સિટીએ ગુજરાત અને દેશના કૃષિવિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

    તેમણે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને તાંત્રિકતાનો કૃષિ, ખેડૂતો તેમજ ખેતી ઉપર નિર્ભર ગ્રામજનોના સર્વાંગી વિકાસમાં ઉપયોગ કરી સાચા અર્થમાં કૃષિના ઋષિ બની સમાજ અને દેશ પ્રત્યે ઋણ અદા કરવા અપીલ કરી હતી.

    મંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત ખેતી ક્ષેત્રે મિશ્ર ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ જેવા અનેક આયામો સર કરી દેશમાં ખેતીનું રોલ મોડેલ બન્યું છે. કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘાપાલન, મત્સ્યપાલન અને કૃષિ સંલગ્ન ગ્રામ ઉદ્યોગોના વિકાસના કારણે ગુજરાત ઊત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે.

    મંત્રીશ્રીએ યુવાનો ડિજિટલ યુગમાં ટેકનોલોજી, ઇન્ટરનેટ તથા ડિજિટલ માધ્યમો દ્વારા વૈશ્વિક કક્ષાએ જોડાઈને કારકિર્દીની સાથે – સાથે સમાજ ઉપયોગી ફરજ અદા કરીને આવનારા સમયમાં દેશના વિકાસમાં એક નવું સોપાન ઉમેરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    આ પ્રસંગે આઇ.એ.આર.આઇ.ના ભૂતપૂર્વ નિયામકશ્રી અને યુ.એ.એસ. ધારવાડના ભૂતપૂર્વ કુલપતિશ્રી તથા કર્ણાટક કૃષિ મિશનના ભૂતપૂર્વ ચેરમેનશ્રી ડૉ. એસ. એ. પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટી એ ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પોતાના કૃષિ શિક્ષણ અને કૃષિ વિજ્ઞાનની શોધો થકી દેશના કૃષિ વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

    તેમણે પ્રાકૃતિક ખેતી અને તેના મહત્વની સાથે ભારતની કૃષિમાં ગુજરાતનું યોગદાન અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ લક્ષ્યાંકો અને યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    આ કાર્યક્રમના પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. કે. બી. કથીરિયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપ્યો હતો. તેમણે આ તકે આણંદ કૃષિ યુનિવર્સિટીની વિકાસગાથા વર્ણાવી વિવિધ વિદ્યાશાખામાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી.
    કાર્યક્રમના અંતે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. જી. આર. પટેલે આભાર વિધિ કરી હતી, તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર – પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષ અને આચાર્યશ્રીઓ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ, નિવૃત વૈજ્ઞાનિકો તેમજ પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    *****

  • કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટી ખાતેની વેટરનરી હોસ્પિટલ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

    નીરવ જોશી, હિંમતનગર(7838880134)

    કરુણા અભિયાન 2023 અંતર્ગત કામધેનુ યુનિવર્સિટીની *રાજપુર (નવા), હિંમતનગર ખાતેની વેટરનરી હોસ્પિટલ* ખાતે તારીખ 13 થી 16 જાન્યુઆરી 2023 દરમિયાન ઉતરાયણની ઉજવણી દરમ્યાન પતંગની દોરીથી ઘવાયેલ તમામ પ્રકારના અબોલ પક્ષીઓની સારવાર માટે બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

    જેની તમામ પ્રજાજનો, ગ્રામવાસીઓ, સેવાભાવી લોકો, એનજીઓ, વિદ્યાર્થીઓ વગેરે લોકોને જાણ કરવામાં આવે છે કે જેથી આવા અબોલ પક્ષીઓને સમયસર સારવાર મળી શકે…

    નોંધનીય છે કે ગઈકાલે ને આજે દાખલ થયેલા કેટલાક ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે. રાજપુર ખાતેની યુનિવર્સિટી અંતર વિસ્તારમાં હોવાથી થોડાક જ પક્ષીઓ હાલમાં દાખલ થયા છે પરંતુ આવનારા સમયમાં જો વધારે દાખલ થશે તો વધારે ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવનાર છે.

  • માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    Avspost.com, Gandhinagar (7838880134)

    રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારનો નિર્ધાર:મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

    ¤ *ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષસ્થાને રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ*

    ¤ *માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો રાજય સરકાર સંતોષકાર રીતે ઉકેલ લાવવા તત્પર

    આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના તમામ માછીમાર સંગઠનોના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં ગુજરાતની માછીમારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મુખ્ય બંદરો જેવાં કે, વેરાવળ અને જાફરાબાદ ઉપર દરીયાઇ ૧૦૮(સ્પીડ બોટ) સેવા શરૂ કરવી, ગુજરાતના મુખ્ય બંદરોમાં ગેરકાયદેસર થતી ફીશીંગ પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવું, ગુજરાતના બંદરોમાં માછલીના ન્યુનત્તમ વેચાણ ભાવ (એમ.એસ.પી) નકકી કરવા, રાજ્યના માછીમારોની બાકી રહેતી જુની સબસીડી ચૂકવવી, લેભાગુ વેપારીઓ દ્વારા ગુજરાતના બંદરો તેમજ દીવ-દમણના બંદરોમાં કૌભાંડ આચરનારાઓ ઉપર નિયંત્રણ લાવવુ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના SOPC(શેડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસ)માં ફીશરીસને લગતાં ચાર્જીસમાં ઘટાડો કરવો, દરિયાઇ તોફાન, અતિવૃષ્ટિ કે કુદરતી આફતમાં સંપર્ક થઇ શકે તે સારૂ સેટલાઇટ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ સબસીડી યોજનામાં અગાઉની પ્રથા મુજબ વેટ કાપીને ડીઝલ આપવાની શક્યતાઓ તપાસવી તેમજ રીટેલ આઉટલેટ કરતાં કન્ઝયુમર પંપોના ભાવ તફાવત અંગે ચર્ચા, OBM/IBM બોટની સબસીડી રોટેશન ડ્રો સિસ્ટમથી આપવામાં આવે છે તે બંધ કરી રાબેતા મુજબની પદ્ધતિ અમલમાં મૂકવા શક્યતા તપાસવી, વેરાવળ બંદરની મત્સ્યોદ્યોગ કચેરીના નવીનીકરણ બાબત, માછીમારોની રજુઆત મુજબ ફીસીંગ સીઝન ૧(એક) ઓગષ્ટ છે જેમાં ફેરફાર કરી, ૧(એક) સપ્ટેમ્બર કરવા શક્યતાઓ ચકાસવી તથા ઉમરગામ, કોસંબા, નાની દાંતિથી મરોલી અને ખતલવાડા(જી.વલસાડ) ખાતે આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર(એફ.એલ.સી.) ખાતે સુવિધાઓ ઉભી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    તદઉપરાંત પોરબંદર અને વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થતા વાર્ફ વોલ, બ્રેક વોટર, ડ્રેજીંગ જેવા કામોની સમીક્ષા કરવી, ગીરસોમનાથ જિલ્લાના માંગરોળ અને નવા બંદર ખાતે નવીન બંદરો બનાવવાની કામગીરીની સમીક્ષા તથા સુત્રાપાડા અને માઢવાડ ખાતે થતાં બંદરના કામોની સમીક્ષા, તાઉતે વાવાઝોડાથી સૈયદ રાજપરા, નવાબંદર અને જાફરાબાદ બંદરોને થયેલ નુકસાનના ચાલુ કામોની સમીક્ષા, જામનગર જિલ્લાના સચાણા બંદર ખાતે નવી જેટી સંદર્ભે અને સિક્કા, સચાણા અને જોડીયા બંદરો ખાતે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી માછીમારી વ્યવસાયને વેગ આપવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

    મંત્રી શ્રી રાઘવજી દ્વારા માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો સંતોષકાર રીતે ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં સંસદસભ્ય શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને શ્રી પ્રધ્યુમન વાજા, મત્સ્ય વિભાગના સચિવ શ્રી ભીમજીયાણી, મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી સાંગવાન તથા રાજ્યના દરિયાઇ જિલ્લાઓમાંથી માછીમારી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.