કેટેગરી શિક્ષણ

  • હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન

    હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9662412621(WhatsApp)

    હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન

    હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું.

    *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના બાદ છેલ્લા દસ દિવસ દરમિયાન દરરોજ સવાર-સાંજ બાળકો, ટ્રસ્ટીગણ અને કર્મચારીઓ દ્વારા મહાઆરતી, ધૂન અને ભજન-કીર્તન કરવામાં આવતું હતું, જેથી સમગ્ર સંસ્થાનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

    આ દસ દિવસ દરમિયાન ટ્રસ્ટીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા દરરોજ પ્રસાદી લાવવામાં આવી હતી

    આજરોજ અનંત ચતુર્દશીના શુભ દિને સંસ્થામાં જ ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને “ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે ફરી આવો” ના નાદ સાથે ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું. સંસ્થાના સંચાલક શ્રી નાનુભાઈ પટેલ ડોક્ટર વી એ ગોપલાણી જશવંતલાલ શાહ ડોક્ટર મહેન્દ્રભાઈ સોની ડોક્ટર નટુભાઈ પટેલ વગેરે ગણપતિ બાપા ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી…


    હિંમતનગર માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડાઈ હતી…

    હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વ ની ભારે ભક્તિભાવ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી..

    દિવ્યાંગ બાળકોએ મડકી ફોડ કાર્યક્રમથી કૃષ્ણમય બની ગયું હતું અને દિવ્યાંગ બાળકોએ નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી મહા આરતી સાથે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરાઈ હતી સંચાલક જીતુભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફ જન્માષ્ટમી ઉજવણીમાં સહભાગી થયા હતા.

    Contact- Jitubhai Patel (M-9998828975)

  • ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

    ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

    ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ

    આજનો દિવસ – પ્રકરણ ૧૧
    ૧૩/૦૯/૨૦૨૬
    વાંચન સમય = પાંચ મિનિટ
    ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત શીખી ના શક્યા પણ તેમની આંઠ વર્ષની દીકરી આ સંગીત શિક્ષક પાસે સંગીતના પાઠ શીખવા લાગી.
    આ દીકરી એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે. આજે તેમની ૯૫ મી જન્મજયંતિ છે. (જન્મ તારીખ = ૧૩/૦૯/૧૯૩૨). તેમણે B.Sc, LLB અને પછી શાસ્ત્રીય સંગીતમાં ‘સરગમ’ના ઉપયોગ પર Phd કર્યું. વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, સંગીત, અભિનય, ગાયકી, લેખન, દસ્તાવેજીકરણ અને સંશોધન એમ નવ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ ભારત સરકારે તેમને ત્રણેય પદ્મ એવોર્ડ – પદ્મશ્રી (૧૯૯૦), પદ્મભૂષણ (૨૦૦૨) અને પદ્મવિભૂષણ (૨૦૨૨) થી સન્માનિત કરી તેમની પ્રતિભાને ઓળખ આપી. ઘણા રાજ્યોએ તેમના સંગીત ક્ષેત્રના સર્વોચ્ચ એવોર્ડ પ્રભાજીને આપ્યા.

    મૂળ કિરાના ઘરાનાની ગાયકી કરી પણ પોતે સંશોધન કરી સંગીત જગતને ૧૭ જેટલા નવા રાગો આપ્યા. કિરાના ગાયકીને આધુનિક આયામ આપ્યો. ૧૯૫૦ થી ૧૯૬૦ દરમ્યાન મરાઠી સંગીત નાટકોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો. તેઓએ પોતાની ૨૦ થી ૮૦ વર્ષ સુધીની ઉંમર દરમ્યાન ૬૦ વર્ષની સંગીત સાધના સાથે ઓલ ઇન્ડિયા રેડિઓમાં, મુબઈની SNDT કોલેજમાં સંગીત વિષયના હેડ તરીકે, મરાઠી નાટકોમાં સંગીત ગાયકી સાથે અભિનય, ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શાસ્ત્રીય સંગીતમાં પ્રખ્યાત સંગીતકારોને તાલીમ આપવી, ઘણી વિદેશી યુનિવર્સીટીમાં લેકચરર તરીકે તેમજ ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી.

    સંગીત વિશ્વમાં ભારતીય શાસ્ત્રીય સંગીત એક સંગીત તરીકે જાણીતું હતું. પ્રભાજીએ સાસ્ત્રીય સંગીત સાથે ગઝલ, ભજન અને નાટ્યસંગીતને ગાયકી સાથે જોડી સંગીત દુનિયાને એક નવો અનુભવ કરાવ્યો. વન ટુ વન તાલીમ આપી ૨૦ જેટલા વિધાર્થીઓને શાસ્ત્રીય સંગીત શીખવ્યું જેઓએ પણ આગળ જતા દેશ-વિદેશમાં પ્રદાન કર્યું. SNDT કોલેજમાં ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ તેમના હાથ નીચે સંગીત શિક્ષણ લીધું.

    તેમણે કહ્યું, ‘સંગીતમાં અમુક રાગો અમુક સમયે જ ગવાય તે વાત ખોટી છે. રાગ ભૈરવ સવારે જ ગવાય અને રાગ યમન રાત્રે જ ગવાય તે માન્યતા ખોટી છે. જો કોઈ કલાકાર સવારના રાગોને સુંદરતા અને સાચા ભાવોથી રાતના સમયે ગાય તો શ્રોતાઓને સવારનો અહેસાસ થશે. સંગીત લાગણીનો વિષય છે. ઘડિયાળના કાંટાઓનો નથી.’ જો કે તેમની આ વાતનો સંગીતના ઘણા ધુરંધરોએ વિરોધ કર્યો હતો.

    ૮૦ માં વર્ષે (૨૦૧૨ માં) લંડનના કવિન એલીથાબેઝ હોલમાં દરબાર ફેસ્ટીવલ વખતે પોતે રચેલ ‘રાગ શ્યામ કલ્યાણ’ રજુ કર્યો તેનાથી દુનિયાભરના સંગીતકારો પ્રભાવિત થયા. ૮૪ માં વર્ષે (૨૦૧૬ માં) દિલ્હી ખાતે એક જ દિવસમાં એક જ મંચ પરથી એક સાથે સંગીતના વિષય પર અંગ્રેજી અને હિન્દીમાં ૧૧ પુસ્તકો લોન્ચ કરી વિશ્વરેકોર્ડ રચ્યો. આ ૧૧ પુસ્તકમાં ‘Enlightening the Listener’ પુસ્તકની ઓડીઓ આવૃત્તિ રજુ કરી. જે સામાન્ય શ્રોતાને શાસ્ત્રીય સંગીતની સમજ આપે છે. આ પુસ્તકને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. શાસ્ત્રીય સંગીતનું તે બાયબલ ગણાય છે.

    ૧૨ જાન્યુઆરી ૨૦૨૪. મોડી રાતનો સમય. સ્થળ પુના. ૯૧ વર્ષની ઉંમરે પ્ર્ભાજી પોતાના શિષ્યો સાથે બેઠા હતા. બીજા દિવસે એટલે ૧૩ જાન્યુઆરી અને ૧૬ જાન્યુઆરીના દિવસે મુબઈ ખાતે તેમના લાઈવ પ્રોગ્રામ હતા. ક્યા ક્યા રાગ રજુ કરવા તેની ચર્ચા મોડી રાત સુધી ચાલતી રહી. ૧૩/૦૧/૨૦૨૪ ની સવારે ૫.૩૦ વાગ્યે ઊંઘમાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા.

    છેલ્લો બોલ :
    ૧૬ – ૧૭ એપ્રિલ ૨૦૨૬. દિલ્હીનું ‘ઇન્ડિયા હેબિટેટ સેન્ટર’. અહીં તેમના ખાસ શિષ્યોએ તેમના જીવનકાળ દરમ્યાન તેમણે રચેલા અને આધુનિક આયામ આપેલ ૧૭ દુર્લભ રાગો અને સ્વરોને ‘નવરાગ પ્રભા’ નામના સંગીત કાર્યક્રમ દ્વારા એક જ મંચ પર એક સાથે રજુ કરી ગુરુજીને શ્રદ્ધાંજલિ આપી સંગીત દુનિયાને જણાવ્યું કે ડો. પ્રભાજીનો સંગીત વારસો જીવંત છે.


    ડો.આશિષ ચોક્સી

    (drashishchokshi.com)

  • પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી

    પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના જન્મદિવસની યાદગાર ઉજવણી

    સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621)

    પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ હરિયાળી વૃક્ષોની છટામા તેમજ વૃક્ષોના રોપણ અને સંવર્ધનમાં યાદગાર રીતે મનાવવામાં આવ્યો હતો..

    પણ શું છે એમના જન્મદિવસની કેટલીક ઝલક… એમના ચાહકોના શબ્દોમાં…

    🌳 ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જન્મદિવસની અનોખી ઉજવણી – વૃક્ષારોપણ, માનવસેવા અને સામાજિક સમરસતાનો સંદેશ 🌳

    ગુજરાતના જાણીતા પર્યાવરણપ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતીના જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા કે શુભેચ્છાઓ પૂરતી સીમિત ન રહી, પરંતુ વૃક્ષારોપણ, માનવસેવા, સામાજિક સમરસતા અને પ્રકૃતિપ્રેમનો અનોખો સંદેશ આપતી પ્રેરણાદાયી રીતે ઉજવવામાં આવી.

    🌱 તિરૂપતી ઋષિવન અને તિરૂપતી નેચરલ પાર્કમાં વૃક્ષારોપણ

    જીતુભાઈના જન્મદિવસના પાવન પ્રસંગે તિરૂપતી ઋષિવન, દેરોલના સમગ્ર સ્ટાફ તથા તિરૂપતી નેચરલ પાર્કના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

    વૃક્ષો વાવીને માત્ર પર્યાવરણને હરિયાળું બનાવવાનો પ્રયાસ જ નહીં, પરંતુ વાવેલા વૃક્ષોની નિયમિત કાળજી અને જતન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો.

    વૃક્ષારોપણ બાદ પાર્કના તમામ કર્મચારીઓને અલ્પાહાર કરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું અને સૌ સાથે મળીને જન્મદિવસની ખુશી વહેંચવામાં આવી.

    🌳 “જન્મદિવસે એક વૃક્ષ વાવો અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપો.”

    🤝 નાત-જાત અને છૂત-અછૂતની ભાવનાથી બહાર આવવાનો અનોખો સંદેશ

    આ જન્મદિવસની ઉજવણીનો સૌથી મહત્વપૂર્ણ અને હૃદયસ્પર્શી સંદેશ સામાજિક સમરસતાનો રહ્યો.

    સમાજમાં હજુ પણ ક્યાંક જોવા મળતી નાત-જાત, ઊંચ-નીચ અને છૂત-અછૂતની માનસિકતાથી બહાર આવીને દરેક વ્યક્તિને સમાન સન્માન આપવું જોઈએ, તેવો સંદેશ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પોતાના કાર્ય દ્વારા આપ્યો.

    પોતાના જન્મદિવસના પ્રસંગે તેમણે પાર્કના સફાઈ કામદારના બાળકોના પગ ધોઈને તેમનું સન્માન કર્યું અને સમાજ સમક્ષ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું.

    આ માત્ર એક પ્રતીકાત્મક કાર્ય નથી, પરંતુ શ્રમનું સન્માન, માનવતાનું સન્માન અને દરેક વ્યક્તિ પ્રત્યે સમાન ભાવના રાખવાનો સંદેશ છે.

    સમાજમાં કોઈ વ્યક્તિ તેના કામના આધારે નાની કે મોટી નથી. દરેક વ્યક્તિનું પોતાનું મહત્વ છે અને સમાજના નિર્માણમાં દરેકનો ફાળો છે. સફાઈ કામદાર હોય કે કોઈ અન્ય કર્મચારી—તેમની મહેનત અને સેવાથી આપણું જીવન સરળ બને છે.

    જન્મદિવસ જેવા પોતાના આનંદના પ્રસંગે સમાજના એવા લોકોનું સન્માન કરીને “માનવતા સૌથી મોટી ઓળખ છે” એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો.

    🌿 તિરૂપતી ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્ય

    આ પાવન પ્રસંગે તિરૂપતી ફાઉન્ડેશન દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે પવિત્ર શ્રાવણ માસને અનુરૂપ બહેનોને ફરાળનો નાસ્તો પણ કરાવવામાં આવ્યો.

    જન્મદિવસની ખુશીને જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીને માનવસેવા કરવાનો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણાદાયી બન્યો.

    🌳 ગુજરાતભરના ગ્રીન કમાન્ડો દ્વારા વૃક્ષારોપણ

    ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ગ્રીન કમાન્ડો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

    ગ્રીન કમાન્ડોએ જીતુભાઈના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના સાથે વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણની સેવા તથા વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો.

    આ માત્ર વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી, પરંતુ જીતુભાઈના પર્યાવરણ સંરક્ષણના વિચારને આગળ વધારવાનો સંકલ્પ છે.

    💚 જન્મદિવસની સાચી ઉજવણી

    જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે કહેવાય, જ્યારે આપણા આનંદમાં પ્રકૃતિ, સમાજ અને જરૂરિયાતમંદ લોકોનો પણ હિસ્સો હોય.

    એક તરફ વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિની સેવા, બીજી તરફ જરૂરિયાતમંદ બહેનોને રાશન કીટ દ્વારા માનવસેવા અને બીજી તરફ સફાઈ કામદારના બાળકોનું સન્માન કરીને સામાજિક સમરસતાનો સંદેશ—આ ત્રણેય સેવાકાર્યોને એકસાથે જોડીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

    🌱 દરેક સમાજે નાત-જાત, ઊંચ-નીચ અને છૂત-અછૂતની માનસિકતાથી બહાર આવીને માનવતાને પ્રથમ સ્થાન આપવું જોઈએ.

    🌳 એક વૃક્ષ – અનેક શ્વાસ
    🤝 માનવતા – સૌથી મોટી ઓળખ
    🌱 વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો, પર્યાવરણ બચાવો
    💚 શ્રમનું સન્માન કરો, દરેક વ્યક્તિને સમાન માન આપો
    🙏 જન્મદિવસની ઉજવણી પ્રકૃતિ અને માનવતાને સમર્પિત કરીએ.

    ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરૂપતીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. વૃક્ષનારાયણ દેવને પ્રાર્થના કે તેમને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સમાજસેવા તથા પર્યાવરણ સેવાની સતત શક્તિ આપે.

    સંપર્ક: રાધે ગુપ્તા, ઋષિવન (M-88490 12812)

    🙏 જય વૃક્ષનારાયણ દેવ 🌳🙏

  • KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક

    KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક

    નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621)

    *મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક :

    * KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક

    ગાંધીનગર, તા. 21/07/2026

    મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC) અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2026 છે.

    આ બે સેમિસ્ટરના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા, સમાચાર લેખન, રિપોર્ટિંગ, સંપાદન, એન્કરિંગ, જનસંપર્ક, ફોટો જર્નાલિઝમ અને મીડિયા મેનેજમેન્ટ જેવા વિષયોમાં થિયરી સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. મીડિયા ક્ષેત્રના અનુભવી અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક મીડિયા ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવાની તક મળશે.

    કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર છે. ખાસ વાત એ છે કે વર્ગો સાંજના સમયે યોજાતા હોવાથી નોકરી કરતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસક્રમ અનુકૂળ રહેશે.

    મીડિયા ક્ષેત્રમાં રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ રાઇટર, ડિજિટલ મીડિયા એક્ઝિક્યુટિવ, સોશિયલ મીડિયા મેનેજર, પીઆર પ્રોફેશનલ અને ફોટો જર્નાલિસ્ટ જેવી વિવિધ કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

    પ્રવેશ અને અભ્યાસક્રમ અંગે વધુ માહિતી માટે મો. 8401863229 પર સંપર્ક કરી શકાય છે અથવા પત્રકારત્વ વિભાગ,

    એલ.ડી.આર.પી. કેમ્પસ, સેક્ટર-15, ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકાય છે.

    સંપર્ક :
    પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેક્ટર-15, ગાંધીનગર
    મો. : 8401863229

  • ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા

    ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા

    હેમંત ઉપાધ્યાય , અમદાવાદ, 

    સંકલન – નીરવ જોશી(M-9106814540)

    ગુજરાતથી કેલિફોર્નિયા સુધી : વેદાંત હેમંત ઉપાધ્યાયની ગૌરવગાથા
    University of California, Santa Cruzમાંથી Master of Science in Computer Science & Engineeringની પદવી, ગુજરાતમાંથી પ્રવેશ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી અને અભ્યાસ દરમિયાન જ H-1B વિઝા પ્રાપ્ત કરવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ.

    અમારા માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કે વેદાંત હેમંત ઉપાધ્યાયને અમેરિકાની વિશ્વવિખ્યાત અને પ્રતિષ્ઠિત University of California, Santa Cruz માંથી Master of Science in Computer Science & Engineering ની પદવી એનાયત કરવામાં આવી છે.

    University of California, Santa Cruz (UCSC) અમેરિકાની પ્રખ્યાત University of California System ની એક અગ્રણી સંસ્થા છે. 1965માં સ્થાપિત આ યુનિવર્સિટી વિશ્વસ્તરીય સંશોધન, નવીનતા અને ઉચ્ચ શિક્ષણ માટે જાણીતી છે. કમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં UCSCનું વિશિષ્ટ સ્થાન છે. વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવે છે, જે આ સંસ્થાની વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે.

    આવી પ્રતિષ્ઠિત સંસ્થામાંથી કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવી એ માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી, પરંતુ વર્ષોની મહેનત, નિષ્ઠા અને ઉત્તમતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વેદાંતે પોતાની પ્રતિભા, સંકલ્પ અને અથાગ પરિશ્રમથી આ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

    આ સિદ્ધિ માત્ર તેમના વ્યક્તિગત જીવનની સફળતા નથી, પરંતુ સમગ્ર પરિવાર, સમાજ અને વતન માટે ગર્વની વાત છે. માતા-પિતા, પરિવારજનો, શિક્ષકો અને શુભેચ્છકો માટે આ ક્ષણ અવિસ્મરણીય બની છે.

    આજના ટેક્નોલોજી યુગમાં, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને વેદાંતે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. તેમની આ સફળતા અનેક યુવાનોને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વૈશ્વિક કારકિર્દી માટે પ્રેરણા આપશે.

    “સફળતા એ સંજોગોનું પરિણામ નથી, પરંતુ સંકલ્પ, પરિશ્રમ અને ધીરજની કમાણી છે.”

    વેદાંત હેમંત ઉપાધ્યાયને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન. તેમના ઉજ્જવળ, સફળ અને યશસ્વી ભવિષ્ય માટે અનંત શુભેચ્છાઓ.

    ગૌરવની વાત એ છે કે ગુજરાત રાજ્યમાંથી University of California, Santa Cruz ખાતે પ્રવેશ માટે પસંદગી પામનાર વેદાંત હેમંત ઉપાધ્યાય એકમાત્ર વિદ્યાર્થી હતા. વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણો ધરાવતી આ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવું જ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે, અને તેમાં પણ ગુજરાતનું એકમાત્ર પ્રતિનિધિત્વ કરવાનો સન્માન વેદાંતે પ્રાપ્ત કર્યો છે. આ ઉપલબ્ધિ તેમની બુદ્ધિમત્તા, મહેનત અને સમર્પણની સાક્ષી છે.

    વધુ ગૌરવની વાત એ છે કે અભ્યાસ દરમિયાન જ વેદાંતને અમેરિકામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકો માટે આપવામાં આવતો H-1B Work Visa પ્રાપ્ત થયો છે. સામાન્ય રીતે વિશ્વભરના હજારો ઉમેદવારો વચ્ચે અત્યંત સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા આ વિઝા પ્રાપ્ત થાય છે. અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં જ આ સિદ્ધિ પ્રાપ્ત કરવી તેમની અસાધારણ પ્રતિભા, ટેક્નિકલ કુશળતા અને ઉજ્જવળ કારકિર્દીનું પ્રતિબિંબ છે.

  • ઇલોલમાં આંબેડકર જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

    ઇલોલમાં આંબેડકર જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    જય ભીમ યુવા સંગઠન ઇલોલ અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઇલોલ દ્વારા સંવિધાન નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકર જીના જન્મ જયંતિ નિમિતે ભીમ જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સમગ્ર અનુસૂચિત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ અને અગ્રણીઓ દ્વારા હર્ષોલ્લાસ થી બાબા સાહેબ ની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવામાં આવેલ હતી.

    ત્યાર બાદ ઇલોલ રામદેવ પીર મંદિર થી નીચવા બજાર, તળાવ બસ સ્ટેન્ડ વિસ્તાર, પાણીની ટાંકી વિસ્તાર માં બાબા સાહેબની શોભા યાત્રા ડી. જે. સાથે ભીમ ક્રાંતિ ગીતો થી ઇલોલ ગ્રામજનો તથા ગામના આગેવાનો દ્વારા સમગ્ર નગર માં જન્મોત્સવની ઉજવણી શાંતી પૂર્વક ઉજવણી પરિપૂર્ણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતે ઇલોલ ગામના યુવાનો અને વડીલો સૌ કોઈએ આંબેડકરને ખૂબ પ્રેમથી યાદ કર્યા, યુવાનો જય ભીમના નારા સાથે મરાઠી ભાષામાં લોકપ્રિય થયેલા ગીતોના સથવારે ડીજે ની તાલે ઉત્સાહથી નાચ્યા હતા ! જેનો વિડીયો નીરવ જોશીની youtube ચેનલ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે!

  • જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    જીપીએસસીમાં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે – જીગ્નેશ મેવાણી

    સંકલન: નિરવ જોશી (ગાંધીનગર, M-9106814540)

    *જિજ્ઞેશ મેવાણીની આજે ગૃહમાં રજુઆત* 

    મહાડના સત્યાગ્રહને સો વર્ષ થયા છતાં ગુજરાતમાંથી અશ્પૃશ્યતાનું કલંક દૂર થતું નથી

    લોકોનું માનસ બદલવા ફૂલે, પેરિયાર, આંબેડકર ભણવો

    જીપીએસસી માં બેઠેલા દ્રોણાચાર્યો, દલિત, આદિવાસી, ઓબીસી એકલવ્યોને નિશાનો બનાવે છે

    માનનીય અધ્યક્ષશ્રી, અનુસુચિત જાતિના બજેટમાં, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં હું મારા વિચારો રજૂ કરું છું.

    સૌ પ્રથમ તો ગુજરાતના ૧૩ લાખ જેટલા દિવ્યાંગોને રાજસ્થાન દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જે ભારતીય જનતા પાર્ટી શાસિત રાજયો છે એ પ્રમાણે ગુજરાતમાં પણ એમનું પેન્શન શરૂ થાય એવી એમની લાગણી છે. બે દિવસ પહેલાં ગાંધીનગરના એક ધરણામાં ગયા હતા તેમની લાગણી અહીં મૂકું છું કે સરકાર એને કન્સીડર કરે અને મહિને પાંચેક હજાર સુધીનું એમને પેન્શન શરૂ કરવામાં આવે. ઉનાના દસ વર્ષ આ વર્ષે થશે અને અસ્પૃશ્યતા નાબૂદીના ઐતિહાસિક મહારના સત્યાગ્રહને સો વર્ષ થશે.

    મહારના ઐતિહાસિક સત્યાગ્રહને સો વર્ષ થવા આવ્યા પણ આજે પણ ગુજરાતના હજારો ગામમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર નથી થયું. આ સન્માનનીય વખત રજૂઆત કરી છે કે મારું ચીંધેલું નહીં, રાજય સરકાર પોતાની ચોઇ પોતાની પસંદગીનું કોઇપણ એક ગામ અસ્પૃશ્યતામુકત કરી બતાવે અને પછી આગળ જતા ગુજરાતના તમામ ગામ આપણે આભડછેટ મુકત કરીશું એવી કમિટમેન્ટ બતાવે પણ રાજય સરકાર તરફથી આટલા વર્ષોમાં કદી કમિટમેન્ટ જોવા મળી નથી અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાતના કોઇપણ જિલ્લાના કોઇપણ તાલુકામાં અસ્પૃશ્યતા નાબૂદીની કોઇ જ કેમ્પેઇન કે ડ્રાઇવ ચાલતી નથી. ઉનાકાંડને દસ વર્ષ થશે. માનનીય તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેને મુખ્યમંત્રીની કેપેસીટીમાં ઉનાઈ અને ઉનાના પીડિતોને વચન આપ્યા હતા એ વચનો ગુજરાત સરકારના પાક્ષિકમાં પ્રકાશિત થયા કેસ ચાલશે પણ આજે દસ કૈ તમને ખેતીની જમીન અને સરકારી નોકરી આપીશું. ફાસ્ટ્રેક કોર્ટમાં યો ઉના કાંડના પીડિતોને ન્યાય મળ્યો નથી, ટ્રાયલ પૂરી નથી થઇ.

    જમીનોમાં ના માપણી થાય છે, ના કબજા સોંપાય છે, ના એ અસામાજિક તત્વોની સામે ગુના દાખલ કરવામાં આવે છે. કોઇપણ વ્યકિતની પ્રોપર્ટીમાં અન્ય ઇસમ ઘુસી જાય તો બી.એન.એસ. મુજબ પણ ઓફેન્સ બને છે, આદિવાસી કે દલિતની જમીનમાં ધુસે તો એટ્રોસીટી એકટ મુજબ પણ ઓફેન્સ બને છે અને હવે તો લેન્ડ ગ્રેબીંગનો કાયદો આવ્યો પણ બી.એન.એસ. એટ્રોસીટી એકટ અને લેન્ડ ગ્રેબીંગ જયારે ભોગ બનનાર એ પીડિત દલિત હોય ત્યારે જમીનના પ્રકરણમાં મદદરૂપ બનતા નથી. સતત આ ગૃહમાં મેં રજૂઆત કરી છે કે આજે પણ ૫૦૦-૭૦૦ જેવી નજીવી રકમ ખાતર વાલ્મિકી સમાજના સફાઇ કામદારનું ગટરમાં ઉતરીને મોત થાય છે. વિજ્ઞાન એટલું બધું એડવાન્સ થયું છે, એટલી બધી ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે, આપણા દેશમાં રોબોટસ મશીનો, આધુનિક સામગ્રી ઉપલબ્ધ થઇ ચૂકી છે કે કોઇપણ સફાઇ કામદારે ગટરમાં ઊતરવું ના પડે એ છતાં વારંવારની દરેક સત્રની રજૂઆત છતાં રાજયની સરકાર સફાઇ કામદારે ગટરમાં ઉત રવા રોબોટસ કે મશીનો વસાવતી નથી. જે સફાઇ કામદારોના ગટરમાં મૃત્યુ થયા કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરની પડે એના માટેના કરણને બાદ કરતા સુપ્રિમ ઐકાદ કિસ્સાને બાદ કરતા ગુના દાખલ કરવામાં આવતા નથી અને એમની સામે ટ્રાયલ ચાલી હોય, કન્વીકશન થયું હોય એવો ગુજરાતમાં કોઇ સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં દાખલો નથી. માથે મેલુંનો પ્રશ્ન પણ અસ્પૃશ્યતાની જેવો ગુજરાતના મોટાભાગના શહેરોમાં કે જે નાના ટાઉન છે ત્યાં પણ જયાં ટોયલેટસ નથી, જે લોકો ખુલ્લામાં શૌચ કરે છે એ કોણ ઉપાડે છે? એ ગુજરાતન લેત સમાજનો વ્યકિત ઉપાડે છે તો માથે મેલાની નાબૂદી માટે એસ.સી., એસ.ટી. સબપ્લાનના કરોડો અન્ય કામોમાં ખર્ચાઇ ગયા.

    આ જ ગૃહમાં અમારા સાથી શ્રી નૌશાદભાઇ હતા ત્યારે તેઓ એક પ્રાઇવેટ મેમ્બર બીલ લાવ્યા હતા. એને સરકારે સપોર્ટ ન કર્યો. એસ.સી./એસ.ટી. સબપ્લાન ન બન્યો પણ એસ.સી./એસ.ટી.ના નાણા બીજા કામોમાં નહિ ખર્ચાય એ સુનિશ્ચિત કરવાના વર્ષ ૨૦૧૫ના પરિપત્રનું પણ પાલન નથી થઇ રહ્યું. આ ગૃહમાં ખાસ એક માગણી કરવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ નવી યોજના લાવે એ આવકાર્ય છે પણ એનું મૂળ કામ સમાજમાં પ્રવર્તતા ભેદભાવ ખતમ કરવાનું સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. આજે પણ ગુજરાતનો દલિત ફક્ત એટલા કારણોસર માર ખાય છે કે એને ઘોડી ચડવાનું મન થયું. લગ્નનો પ્રસંગ એનો, ઘોડો એનો, એને ચડવું છે અને છતાં અન્ય સમાજના કોઇ માણસને વાંકું પડે છે અને એ ’ વાંકું પડે છે’ એની પાછળનું જે માનસ છે એ બદલીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય. એના માટે માનનીય પ્રધુમનભાઇ પાસે એક અદભૂત તક છે. એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પણ છે અને શિક્ષણ વિભાગના પણ મંત્રી છે તે કે ફૂલે, આંબેડકર, પેરિયાર, રવિદાસ, નાનક અને કબીરના પાઠ ભણાવવા હું એમને વિનંતી કરું છું આવે, એવી ટેક્સ્ટબુક આપણા ગુજરાતમાં આવે તો ગુજરાતની જનતાનું જનમાનસ બદલાય. લાંબા સયમથી બુદ્ધિષ્ઠોની પણ માગણી છે કે ગુજરાતમાં બુદ્ધપૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે. એ પણ માઇનોરિટી છે. એના માટે પણ બજેટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જી.પી.એસ.સી.માં કેટલાક દ્રોણાચાર્ય એવા બેઠાં છે કે જે આજે પણ ઓ.બી.સી., આદિવાસી અને દલિત સમાજના એકલવ્યોને નિત્થાનો બનાવે છે. આ આપણા ગુજરાતમાં ન થાય એટલું સરકાર સુનિશ્ચિત કરે એવી માગણી કરું છું.

  • ખેડબ્રહ્મા ખાતે બે મહિલા સાંસદ ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ યોજાયું

    ખેડબ્રહ્મા ખાતે બે મહિલા સાંસદ ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ યોજાયું

    સંકલન : નીરવ જોશી, ખેડબ્રહ્મા (M-9106814540)

    કુદરતી ખેતી કે પ્રાકૃતિક ખેતી તેમજ લોકોમાં રસાયણ મુક્ત ખેતી અંગે વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી બુધવારના રોજ ખેડબ્રહ્માના કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન  બારા અને લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા એ ઉપસ્થિત રહીને લોકોન ખાસ કરીને – ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી કરવાની હાકલ કરી હતી.

    ખેડબ્રહ્મા ખાતે સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ યોજાયું

    ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આપણે ધરતી માતા અને આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર આપવો જોઈએ”- સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તેમજ જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘કૃષિ મેળો-વ-પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન’ લોકસભા સાંસદ શ્રીમતી શોભાનાબેન બારૈયાની અધ્યક્ષતા તેમજ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં યોજાયુ હતો.

    કાર્યક્રમ દરમિયાન લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જમીન અને સ્વાસ્થ્ય પર થતી નુકસાનકારક અસરો અટકાવવા પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતી અપનાવવા આહવાન કરતા ઉમેર્યું કે, રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનને જન આંદોલન બનાવી આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત આહાર અને ફળદ્રુપ જમીન આપવાની જરૂર છે.

    રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પણ ધરતી માતા અને માનવ સ્વાસ્થ્યની સેવાનું પવિત્ર કાર્ય છે. તેમણે ઉમેર્યું કે, રસાયણમુક્ત ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા જળવાશે અને ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટતા તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

    સાબરકાંઠામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્મા દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં ૬૦૦ તાલીમ વર્ગો અને ૮ કૃષિ મેળા યોજવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન ૧.૬૦ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું, જેમાંથી ૨૭,૪૪૫ ખેડૂતોએ ૧૪,૦૧૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ ઝુંબેશ હેઠળ ૧૮૯ મોડેલ ફાર્મ માટે રૂ.૨૬.૦૪ લાખ અને જીવામૃત બનાવવા માટે ૧૬ સંસ્થાઓને રૂ.૧૨.૬૦ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે. હાલમાં જિલ્લામાં ૮૦૦થી વધુ ખેડૂતો ધરાવતા ૨ FPO અને ઉત્પાદનોના વેચાણ માટે કુલ ૧૪૦ પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્રો કાર્યરત છે.

    મેળા દરમિયાન વિવિધ સ્ટોલ્સ દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને ગાય આધારિત કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતુ. તેમજ ખેડૂત મિત્રોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,નાયબ ખેતી નિયામકશ્રી,વિવિધ પદાધિકારી શ્રીઓ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

    (*Note: પ્રાકૃતિક ખેતી અંગે કોઈ સ્ટોરી કરવી હોય તો પત્રકારના ઉપર જણાવેલા નંબર પર સંપર્ક કરવો )*

  • વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    સંકલન: નિરવ જોશી , હિંમતનગર (M-9106814540) & M-7838880134 (WhatsApp)

    વિશ્વ કઠોળ દિવસ: સ્વાસ્થ્યનું સુરક્ષાચક્ર અને ગુજરાતની કૃષિ ક્રાંતિનું નવું સોપાન

    આલેખન- જીગર ખુંટ (સાબરકાંઠા માહિતી નિયામક, – M- 9429029268)

    માનવ સભ્યતાના ઇતિહાસમાં કૃષિ એ માત્ર ખોરાક પૂરો પાડવાનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ અને સ્વાસ્થ્યનો પાયો છે. આ પાયામાં કઠોળ એક એવું તત્વ છે જેણે સદીઓથી માનવજાતને પોષણ પૂરું પાડ્યું છે. દર વર્ષે ૧૦ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો ‘વિશ્વ કઠોળ દિવસ’ (World Pulses Day) એ માત્ર એક કેલેન્ડર ઇવેન્ટ નથી, પરંતુ તે આપણા આહાર, પર્યાવરણ અને આર્થિક વ્યવસ્થામાં કઠોળના અમૂલ્ય યોગદાનને સ્વીકારવાનો અવસર છે. વર્ષ ૨૦૧૬માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઉજવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષની અભૂતપૂર્વ સફળતા બાદ, આ પાકની વૈશ્વિક અગત્યતાને સમજીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૧૦ ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય સ્તરે કઠોળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૨૦૨૬ માટેની થીમ ‘વિશ્વના કઠોળ: નમ્રતાથી શ્રેષ્ઠતા તરફ’ (Pulses of the world: from modesty to excellence) રાખવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જે કઠોળ એક સમયે માત્ર ગરીબોના આહાર તરીકે જોવામાં આવતું હતું, તે આજે વૈશ્વિક સ્તરે ‘સુપરફૂડ’ તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યું છે.

    કઠોળના મહત્વને સમજવા માટે તેના બહુઆયામી ફાયદાઓ પર નજર કરવી જરૂરી છે. તે માત્ર શાકાહારી વસ્તી માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત નથી, પરંતુ તે જમીનની ફળદ્રુપતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટેનું એક કુદરતી સાધન પણ છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં વસ્તીનો મોટો ભાગ શાકાહારી છે અને પ્રોટીન કુપોષણ એ એક પડકાર છે, ત્યાં કઠોળનું ઉત્પાદન અને વપરાશ વધારવો એ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય બની જાય છે. ગુજરાત રાજ્યે આ દિશામાં છેલ્લા છ વર્ષમાં જે પ્રગતિ સાધી છે, તે સમગ્ર દેશ માટે એક મોડેલ સમાન છે. કઠોળના ઉત્પાદનમાં આવેલો ઉછાળો, ટેકાના ભાવમાં થયેલો વધારો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો અમલ એ ગુજરાતની કૃષિ નીતિની સફળતાના જીવંત પુરાવા છે.

    *વૈશ્વિક થીમ ૨૦૨૬: નમ્રતાથી શ્રેષ્ઠતા સુધીનો પ્રવાસ*
    વર્ષ ૨૦૨૬ની થીમ પાછળનો હેતુ કઠોળ પ્રત્યેના સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણને બદલવાનો છે. લાંબા સમય સુધી કઠોળને ‘નમ્ર’ (humble) અથવા પરંપરાગત ખોરાક તરીકે જોવામાં આવતું હતું, જે ઘણીવાર ગ્રામીણ રસોઈ અથવા ઓછી આવક ધરાવતા પરિવારો સાથે જોડાયેલું હતું. શહેરી વિસ્તારોમાં પશ્ચિમી આહાર અને ફાસ્ટ ફૂડના વધતા જતા પ્રભાવને કારણે કઠોળનો વપરાશ ઘટ્યો હતો. જોકે, આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે કઠોળમાં રહેલા પોષક તત્વો તેને અન્ય કોઈપણ આહાર કરતા ‘શ્રેષ્ઠ’ બનાવે છે. થીમ ‘શ્રેષ્ઠતા તરફ’ એ સૂચવે છે કે કઠોળ હવે આધુનિક રસોઈમાં મહત્વનું સ્થાન લઈ રહ્યું છે અને વિશ્વભરના શેફ્સ તેમજ પોષણશાસ્ત્રીઓ તેને પોતાની રેસીપીમાં પ્રાધાન્ય આપી રહ્યા છે.

    ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO) દ્વારા પ્રેરિત આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીના ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ (SDGs) હાંસલ કરવાનો છે, જેમાં શૂન્ય ભૂખમરો (Zero Hunger), સારું સ્વાસ્થ્ય અને આબોહવા સુરક્ષા જેવા લક્ષ્યોનો સમાવેશ થાય છે. કઠોળમાં રહેલા વિશિષ્ટ ગુણધર્મો, જેમ કે નાઈટ્રોજન ફિક્સેશન અને ઓછો પાણીનો વપરાશ, તેને ભવિષ્યની ખાદ્ય પ્રણાલીઓ માટે અનિવાર્ય બનાવે છે.

    *ગુજરાતમાં કઠોળ ઉત્પાદનનું આંકડાકીય વિશ્લેષણ*
    ગુજરાત રાજ્યની કૃષિ ક્ષેત્રની પ્રગતિ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રહી છે. રાજ્યમાં કઠોળનું ઉત્પાદન છેલ્લા છ વર્ષમાં બમણું થઈ ગયું છે, જે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાય. વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ દરમિયાનના ડેટા પર નજર નાખતા માલૂમ પડે છે કે ગુજરાત હવે દેશનું એક અગ્રણી કઠોળ ઉત્પાદક રાજ્ય બની ગયું છે. કુલ વાવેતર વિસ્તાર જે ૨૦૧૯-૨૦માં ૯.૦૦ લાખ હેક્ટર હતો, તે ૨૦૨૪-૨૫માં વધીને ૧૪.૩૯ લાખ હેક્ટર થયો છે, જે લગભગ ૧.૬ ગણી વૃદ્ધિ દર્શાવે છે. વાવેતર વિસ્તારની સાથે સાથે ઉત્પાદનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

    કુલ ઉત્પાદન ૨૦૧૯-૨૦માં ૧૦.૫૮ લાખ મેટ્રિક ટન હતું, જે ૨૦૨૪-૨૫ના અંત સુધીમાં બમણાથી પણ વધુ એટલે કે ૨૧.૫૨ લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે, જે ૨.૦૩ ગણી પ્રચંડ વૃદ્ધિ સૂચવે છે. આ સાથે જ, પ્રતિ હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદકતા પણ ૧,૧૭૩ કિગ્રાથી વધીને ૧,૪૯૫ કિગ્રા થઈ છે, જે સૂચવે છે કે ખેતીની પદ્ધતિઓમાં સુધારો થવાને કારણે ઉત્પાદકતામાં ૧.૨૭ ગણો વધારો થયો છે. ગુજરાતમાં કઠોળ ઉત્પાદન વધવા પાછળના મુખ્ય કારણોમાં સુધારેલી સિંચાઈ પદ્ધતિઓ, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણની ઉપલબ્ધતા અને સરકાર દ્વારા આપવામાં આવતા ઉંચા ટેકાના ભાવ (MSP) છે.

    *મુખ્ય કઠોળ પાકોની સ્થિતિ*
    ગુજરાતના કઠોળના ભાથામાં ચણાનું સ્થાન સૌથી અગ્રણી છે. રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો એકલા ચણાનો છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં ૬.૩૬ લાખ મેટ્રિક ટન ચણાનું ઉત્પાદન થતું હતું, જે વર્ષ ૨૦૨૪-૨૫ માં વધીને ૧૫.૬૩ લાખ મેટ્રિક ટન પર પહોંચી ગયું છે, જે ૨.૫ ગણો વધારો દર્શાવે છે. ચણા ઉપરાંત તુવેર (Pigeon Pea) ના ઉત્પાદનમાં પણ ૪૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જે ૨.૧૦ લાખ ટનથી વધીને ૩.૦૮ લાખ ટન થઈ છે. અડદ અને મગ જેવા પાકો પણ રાજ્યના વિવિધ એગ્રો-ક્લાયમેટિક ઝોનમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે.

    *કઠોળના આરોગ્યલક્ષી ફાયદા અને પોષણનું વિજ્ઞાન*
    કઠોળને ‘ન્યુટ્રિશનલ પાવરહાઉસ’ કહેવામાં આવે છે તેનું કારણ તેનું પોષક તત્વોનું સંતુલિત બંધારણ છે. તે પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને ખનિજોનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. શાકાહારી આહારમાં કઠોળ એ એમિનો એસિડ મેળવવાનો મુખ્ય સ્ત્રોત છે.

    કઠોળમાં ચરબીનું પ્રમાણ અત્યંત ઓછું હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી, જે તેને હૃદયના સ્વાસ્થ્ય માટે આદર્શ બનાવે છે. તે પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું આયર્ન એનીમિયા (લોહીની ઉણપ) જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ થાય છે, જે ભારતીય મહિલાઓ અને બાળકોમાં સામાન્ય સમસ્યા છે. વધુમાં, કઠોળમાં ફોલેટ (વિટામિન B9) પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે અને કોષોના વિભાજન માટે અત્યંત જરૂરી છે.

    *કઠોળ અને સ્થૂળતા (Obesity) ઘટાડવાનો સંબંધ*
    આધુનિક સમયમાં સ્થૂળતા એ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે, જે અનેક બિન-ચેપી રોગોનું મૂળ છે. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોતા, વધતી જતી મેદસ્વીતા સામેની લડાઈમાં કઠોળ એક અત્યંત શક્તિશાળી શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે. તબીબી સંશોધનો અને ડાયેટિશિયનના મતે, કઠોળમાં રહેલું ઉચ્ચ ફાઈબર અને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ શરીરમાં લાંબા સમય સુધી તૃપ્તિનો અહેસાસ કરાવે છે, જેના પરિણામે બિનજરૂરી ‘વધારાનું ખાવાની’ આદત પર અંકુશ આવે છે. કઠોળનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાથી તે લોહીમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે અને શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. પ્રોટીનથી ભરપૂર હોવા છતાં તેમાં કુદરતી રીતે જ ચરબીનું પ્રમાણ નહિવત હોય છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે તેને આદર્શ ખોરાક બનાવે છે. આજના જંક ફૂડના જમાનામાં જો ઘરની રસોઈમાં નિયમિતપણે કઠોળનો સમાવેશ કરવામાં આવે, તો મેદસ્વીતા અને તેને સંલગ્ન હૃદયરોગ જેવા જોખમોને મોટાભાગે ટાળી શકાય છે.

    *ગુજરાત સરકારના નીતિવિષયક પ્રોત્સાહનો અને સફળતા*
    ગુજરાતની કઠોળ ક્રાંતિ પાછળ સરકારના મજબૂત ઈરાદા અને નીતિઓ રહેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ખેડૂતોને કઠોળની ખેતી માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

    સરકારે માત્ર MSP માં વધારો જ નથી કર્યો, પરંતુ તેની અસરકારક ખરીદીનું માળખું પણ ઊભું કર્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાતમાં સોયાબીન, મગ અને મગફળીની ખરીદી માટે અંદાજે ૧૩,૮૯૦ કરોડ રૂપિયાનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે.

    ખેડૂતોને વચેટિયાઓથી બચાવવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને POS મશીનો દ્વારા પારદર્શક ખરીદી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. ‘ઈ-સમૃદ્ધિ’ અને ‘ઈ-સંયુક્ત’ જેવા પોર્ટલ દ્વારા નાણાં સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે.

    કેન્દ્ર સરકારના ‘મિશન ફોર આત્મનિર્ભરતા ઈન પલ્સિસ’ અંતર્ગત તુવેર, અડદ અને મસૂરની ૧૦૦% પેદાશની ખરીદી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગુજરાત આ મિશનમાં અગ્રેસર રહીને ૨૦૨૭ સુધીમાં દેશને કઠોળમાં સ્વનિર્ભર બનાવવાના લક્ષ્યમાં મોટું યોગદાન આપી રહ્યું છે.

    ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ ઉત્પાદન આપતી જાતો વિકસાવવામાં આવી છે. ખાસ કરીને ચણાની એવી જાતો જે રાજ્યના ગરમ વાતાવરણમાં પણ વધુ ઉત્પાદન આપી શકે છે, તેના કારણે ઉત્પાદકતા ૧,૧૭૩ કિગ્રા/હેક્ટરથી વધીને ૧,૪૯૫ કિગ્રા/હેક્ટર થઈ છે.

    *પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતા માટે કઠોળનું મહત્વ*
    કઠોળ માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પણ ધરતીની તબિયત પણ સુધારે છે. તે જમીનમાં કુદરતી રીતે નાઈટ્રોજન ફિક્સેશનનું કામ કરે છે. હવામાં રહેલા નાઈટ્રોજનને કઠોળના મૂળમાં રહેલા બેક્ટેરિયા જમીનમાં ઉતારે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને ખેડૂતોએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઓછો કરવો પડે છે. આનાથી ખેતીનો ખર્ચ ઘટે છે અને પર્યાવરણને થતું નુકસાન અટકે છે.

    કઠોળ અન્ય પાકોની સરખામણીમાં ખૂબ જ ઓછું પાણી વાપરે છે. દાખલા તરીકે, એક કિલો પ્રોટીન મેળવવા માટે માંસના ઉત્પાદનમાં જે પાણી વપરાય છે, તેના કરતા કઠોળ પકવવા માટે દસમાં ભાગનું પાણી જોઈએ છે. આ કારણે જળ સંકટનો સામનો કરી રહેલા વિસ્તારો માટે કઠોળની ખેતી એક વરદાન સમાન છે. ગુજરાતના શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારો જેવા કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મઠ અને મગની ખેતી આ જ કારણોસર વધુ લોકપ્રિય બની છે.

    *સામાજિક-આર્થિક અસર અને ભવિષ્યની દ્રષ્ટિ*
    કઠોળની ખેતી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે. તે નાના અને સીમાંત ખેડૂતો માટે આવકનો સાતત્યપૂર્ણ સ્ત્રોત છે. ગુજરાતમાં કઠોળના ઉત્પાદનમાં થયેલો બમણો વધારો એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં મોટું કદમ છે. સરકારના ‘મિશન ૨૦૪૭’ અંતર્ગત કઠોળના ઉત્પાદનને ૪૫ મિલિયન ટન સુધી લઈ જવાનું લક્ષ્ય છે, જેમાં ગુજરાતની ભૂમિકા નિર્ણાયક રહેશે.

    બજેટ ૨૦૨૫-૨૬ માં કઠોળ પ્રોસેસિંગ માટે ૧,૦૦૦ નવા યુનિટ્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી થશે અને મૂલ્યવર્ધન (Value Addition) દ્વારા ખેડૂતોને વધુ ભાવ મળશે. કઠોળના પાક અવશેષોનો ઉપયોગ પશુ આહાર તરીકે પણ થાય છે, જે પશુપાલન ક્ષેત્રે પણ મદદરૂપ બને છે.

    ‘વિશ્વ કઠોળ દિવસ ૨૦૨૬’ આપણને યાદ અપાવે છે કે નાના દેખાતા આ દાણાઓ વિશ્વની ભૂખ, કુપોષણ અને પર્યાવરણના પડકારોનો સામનો કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ગુજરાતમાં કઠોળના ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ એ સાબિત કરે છે કે જો યોગ્ય નીતિ અને ખેડૂતોનો સાથ હોય, તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. કઠોળ એ માત્ર પ્રોટીનનો સસ્તો સ્ત્રોત નથી, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય અને પૃથ્વીના ભવિષ્ય માટેનું રોકાણ છે. વજન ઘટાડવા અને જીવનશૈલીના રોગોથી બચવા માટે આહારમાં કઠોળનો વધુમાં વધુ સમાવેશ કરવો એ સમયની માંગ છે.

    ગુજરાતની આ સિદ્ધિ ‘આત્મનિર્ભર ભારત’ ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક તેજસ્વી સોપાન છે. ‘નમ્રતાથી શ્રેષ્ઠતા તરફ’ ની આ યાત્રામાં કઠોળ આવનારા સમયમાં વિશ્વના રસોડામાં અને ખેતરોમાં અનિવાર્ય સ્થાન બનાવી લેશે તે નિશ્ચિત છે. આપણે સૌએ સાથે મળીને કઠોળના સેવનને પ્રોત્સાહન આપીને તંદુરસ્ત સમાજ અને હરિયાળી પૃથ્વીના નિર્માણમાં સહભાગી થવું જોઈએ.

    ( આલેખક – જીગર ખુંટ સાહેબ સાબરકાંઠાના માહિતી નિયામક-Information Bureau Director તરીકે હિંમતનગર માહિતી ખાતા ઓફિસમાં હાલ સેવા આપે છે. આ પહેલા દિલ્હીમાં અને ગાંધીનગરમાં પણ માહિતી ખાતામાં વરિષ્ઠ ભૂમિકા નિભાવી ચૂક્યા છે)

  • કરોડો રૂપિયાનું માન એક રિપોર્ટિંગથી ઘવાયું?

    કરોડો રૂપિયાનું માન એક રિપોર્ટિંગથી ઘવાયું?

    Note: આ સમગ્ર સમાચાર ફેસબુક વોલ પરથી લેવામાં આવેલા છે ખાસ કરીને આજે ઘણા બધા સમાચારો અલગ અલગ માધ્યમોમાં આવતા હોય છે, કેટલીક વખત કેટલાક વગદાર લોકોની આલોચના કે તેમના કેટલાક કાર્યો પત્રકારોની નજરમાં પડતા હોય છે અને એના પરિણામે એના વિશે હવે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયા એટલે કે વેબસાઈટના માધ્યમથી તેમજ youtube ના માધ્યમથી ગુજરાતમાં એક નિર્ભય પત્રકારત્વ વિકસી રહ્યું છે….. ખાસ કરીને આજની યુવા પેઢી જે દિશા વિહીન છે અને બૌદ્ધિક વર્ગ જેને હિંદુત્વનો નશો લાગ્યો છે— તેમને પણ આજે પડદા પાછળ સત્ય શું છે ???તે જાણવાની તાલાવેલી હંમેશા હોય છે!!!

    આના ભાગરૂપે કેટલાક સ્વતંત્ર પત્રકારો પણ પોતાનું માધ્યમ લઈને સમાચારના શુદ્ધ સંવાહક તેમજ પ્રચારક બન્યા છે !! આ એક સમાચાર જોસના આહીરે લખેલા છે જે facebook પરથી યથાર્થ (As it is) પ્રગટ કર્યા છે, તેમજ તેની જવાબદારી જે તે લેખકની પૂરેપૂરી રહેશે. જેમના પર આરોપ મૂક્યો છે તેઓ પણ તેમનું પક્ષ website par  રજૂ કરવા સંપર્ક કરી શકે છે- Nirav Joshi (M-9106814540)

    જ્યોત્સના આહીર (Source : Facebook wall)

    કરોડો રૂપિયાનું *માન* એક રિપોર્ટિંગથી ઘવાયું!

    ગુજરાતમાં @SvamanMedia ન્યૂઝના સંપાદક અને પત્રકાર@TusharBasiya પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ દ્વારા રૂપિયા 10 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે! આટલી માતબર રકમની માનહાનિ! એવું તે કેવું માન ઘવાયું કુલપતિ સાહિબાનું!

    તો વાત એમ છે કે તુષાર બસિયાએ અમુક દસ્તાવેજોના આધારે અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની નિયુક્તિમાં અને કુલપતિની ખુરશી સુધી પહોંચવામાં થયેલ ગેરરીતિ પર સવાલો ઉઠાવતા વિડિયો બનાવીને શૈક્ષિણક ભ્રષ્ટાચાર સામે સવાલો ઊભા કર્યા હતા.

    વાત જાણે એમ છે કે મેડમ શ્રી અમી ઉપાધ્યાય જે પ્રોફેસર પસંદગી માટે ડિસ્કવૉલિફાય થયા હતા એ સિલેક્શન કમિટી સામે કેવી રીતે પહોંચ્યા અને એમનું સિલેકશન કયા આધારે થયું? ત્યારબાદ ડેપ્યુટી રજીસ્ટ્રાર અને કુલપતિની સીટ સુધી કોની મહેરબાની અને આશીર્વાદથી પહોંચ્યા?

    આ સવાલો જેના જવાબ તેઓ જાણવા માંગતા હતા, અને એવું પણ નથી કે આખું રિપોર્ટિંગ વ્યક્તિગત દ્વેષ રાખીને પુરાવા વગર હવામાં કર્યું હોય, એમણે “માનનીય” કુલપતિ સાહિબા અમી ઉપાધ્યાયનો પક્ષ જાણવા માટે એમના સાથે ટેલિફોનીક વાતચીત કરી અને મળવા માટે સમય પણ માંગ્યો પણ મેડમ બહાના બનાવી છટકી ગયા એમને કદાચ એક પત્રકારનો સામનો કરવામાં ડર લાગતો હશે કે જે કઈ કારણ હોય!

    પણ તુષાર બસિયાએ પોતાની ફરજના ભાગરૂપે પ્રોફેસર પસંદગી સમિતિના રાજ્યપાલ નિયુક્ત પ્રતિનિધિ ડો.જયદીપ ડોડીયા સાથે ટેલિફોનીક ઇન્ટરવ્યુ કર્યો જેમાં જયદીપ ડોડીયા ખુદ સ્વીકારે છે કે પસંદગી સમિતિના ઇન્ટરવ્યુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના હેડ પ્રોફેસર ડો.કમલ મેહતા હાજર હતા! અને તુષાર બસિયા પણ એજ કહી રહ્યા છે કે ત્યાં કમલ મેહતા હાજર હતા, કમલેશ મેહતા નહીં તો એમનું નામ શા માટે પસંદગી સમિતિના ઇન્ટરવ્યુઅરમાં શામેલ છે? કોણે આ ઘાલમેલ કરી?

    બીજી મહત્વની વાત કે જો “માનનીય” કુલપતિ સાહિબા અમી ઉપાધ્યાયને એવું લાગતું હોય કે એમના “માનને” *હાનિ* પોહચી છે તો શા માટે વ્યક્તિગત રીતે કેસ ફાઇલ નથી કરતા!?

    આંબેડકર યુનિવર્સિટી શું કામ આમ વચ્ચે પડીને પત્રકાર સામે દાવો માંડી સમય અને સંસાધન વેડફે?

    અને જો “માનનીય” કુલપતિ અમી ઉપાધ્યાય નિર્દોષ હોય તો તેઓ કુલસચિવ અજયસિંહ જાડેજા સાથે પ્રેસ કોન્ફરન્સ કેમ નથી કરતા?

    શા માટે પોતાનો પક્ષ કે પુરાવા રજૂ નથી કરતા?

    પત્રકારો પર કરોડો રૂપિયાના માનહાનિના દાવા કરી એમને ચુપ કરાવવા એ જાણે ગુજરાતમાં ફેશન બની ગઈ છે!

    આની પેહલા પરિમલ નથવાણીએ પોતાની વગ અને રૂપિયાનો ઉપયોગ કરી ધ ગુજરાત રિપોર્ટના પત્રકારો દિલીપ પટેલ, મયુર જાની અને સનાતન સત્ય સમાચારના ફાઉન્ડર સંજય છેતરીયા પર માનહાનિનો દાવો કરી પોતાના પર ઉઠાવાયેલા સવાલોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે જ મેં કહ્યું હતું કે શું હવે કોઈપણ માણસ પોતાના પદ, પૈસા અને પ્રતિષ્ઠાના જોરે પત્રકારો પર માનહાનિના નામ પર કરોડોના દાવા કરી સત્યનું ગળું દબાવશે?

    હૈ ગુજરાતના પૈસાદાર, પ્રતિષ્ઠિત અને ઉચ્ચ પદે બિરાજમાન “માનનીયો” જો તમને તમારું *માન* એટલું વ્હાલું છે તો સામે આવીને સવાલોના જવાબ આપો, આરોપો વિરુદ્ધ પુરાવા આપો અને તમારો પક્ષ રજૂ કરો, બાકી પૈસાના જોરે મોઢું બંધ કરવાની તમારી તરકીબ જ બતાવે છે કે તમે કેટલાં પાણીમાં છો!

    ગુજરાતના જાગૃત નાગરિકો, સ્વતંત્ર પત્રકારો કે સામાજિક કાર્યકરો અને કર્મશીલ ચિંતકો આપ સૌ જો આજે ચુપ રહ્યા તો સમજજો કે આગલો વારો તમારો છે.

    (C) @JyotsnaAhir
    January 18, 2026

    #I_Support_Tushar_Bashiya
    #WeAreWithYou