ટૅગ Writer

  • ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

    ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક

    સંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551

    ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક..

    ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024

    પ્રાપ્તિસ્થાન:
    – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277);
    – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ;
    – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ વેરા ભવનની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદવાદ,મો.9898762263

    ગાંધીજીએ આજીવન સેવેલી અહિંસા દુનિયા માટે રોજેરોજ વધુ ને વધુને અનિવાર્ય બનતી જાય છે. આવા માહોલમાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાવૃત્તિ કેળવાય તે હેતુથી ‘અ’અહિંસાનો ‘અ’, નામનું એક વિશિષ્ટ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેનું સંપાદન કુશળ સંપાદક અને પુસ્તક-નિર્માણના યુવા કીમિયાગર કેતન રૂપેરા(જુઓ : ફોટોગ્રાફ) એ કર્યું છે.

    ‘જીવનશિક્ષણની આનંદપોથી’ પેટાશીર્ષક ધરાવતાં આ પુસ્તકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટેની ચોવીસ સામુહિક રમતો છે. તે વર્ગમાં જૂથ પાડીને શિક્ષક અને સંયોજક રમાડી શકે.
    રમતો માટેની સામગ્રી કાગળ, પેન,ચિત્રકામ માટેની વસ્તુઓ, છાપાં, ચૉક, બ્લૅકબોર્ડ ઇત્યાદિ છે.આ રમતોનો હેતુ બાળકોમાં અહિંસા અને પ્રેમ,પરસ્પર સમજ અને સદભાવ, પર્યાવરણજતન અને પૂર્વગ્રહમુક્તિ જેવી વૃત્તિઓ કેળવવાનો છે.

    સંપાદક નોંધે છે : ‘માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓમાં રમતાં રમતાં કેટલાક ગુણોની કેળવણી થાય, અને અહિંસા તરફનો એમનો સહજ ઝુકાવ થાય તેવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે.’

    આ પ્રવૃત્તિપોથી સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટ એજ્યુકેશન સંસ્થાઓએ તૈયાર કરાવી છે. તેમણે 2019માં ‘ગાંધી-કસ્તુરબા 150’ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતની પંદર સંસ્થાઓની સાથે હાથ ધરેલા ‘અહિંસાની કેળવણી/Learning Non-Violence’ પ્રકલ્પનું આ પાયાનું પુસ્તક હતું, જે માર્ચ 2021 માં પહેલી વાર પ્રસિદ્ધ થયું.
    પ્રકલ્પના ભાગ રૂપે આ ‘આનંદપોથી’ની પ્રવૃત્તિઓ સંસ્થાઓમાં કરાવવામાં આવી ચૂકી છે અને આ ‘જીનશિક્ષણ’ ચાલતું રહે છે.
    અત્યાર સુધી એકસો દસ શાળાઓના સાડા ત્રણસો જેટલાં વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિનો ભાગ બન્યા છે.

    જુદા જુદા વિસ્તારની એન.જી.ઓ.ના પ્રતિનિધિઓ અને તેમના સહાયકો આ પ્રવૃત્તિઓ કરાવતા રહ્યા છે.તેમના નિરીક્ષણો, અનુભવો અને સૂચનોને આમેજ કરીને પુસ્તકની પ્રસ્તુત બીજી સંવર્ધિત આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
    રમતોમાં ભાગ લેનારાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ,લેખન,નાટ્યવાચન ઉપરાંત વિકલ્પ પસંદગી,ડમ્બ શરાડ,અખબારી કતરણકામ,જૂથ વહેંચણી, પ્રશ્નોત્તરી,ચર્ચા જેવી અનેક બાબતો કરવાની થાય છે.
    રમતોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવી છે.પહેલા વિભાગ ‘જાત વિશે’ માં મારી કલ્પનાનું વિશ્વ વિષય પર ચિત્ર,માન્યતા ને મૂલ્ય હકીકત ને મંતવ્ય, સ્વાર્થ અને નિંસ્વાર્થ,ચહેરો અને મુખવટો જેવી બાબતોના ભેદની પરખ અને હિંસાની ઓળખ – આ બાબતોનો સમાવેશ થાય છે.

    બીજો ભાગ છે ‘પર્યાવરણ વિશે’ જેમાં વિવિધતામાં એકતા,સંસાધનોની વહેંચણી, બેદરકારી, સહાનુભૂતિ,નવસર્જન જેવી બાબતોને લગતી પ્રવૃત્તિઓ છે. ‘જાતને યોગ્ય દિશામાં દોરવા વિશે’ નામના ત્રીજ વિભાગમાંની યાદીમાં સમાવિષ્ટ છે: સત્યશોધન, ઝગડાના મૂળની શોધ અને તેનો ઉકેલ, સમયસૂચકતા,લક્ષ્ય અને જવાબદારી.

    રમતોનું નિર્માણ ગાંધીવિચારના ઊંડા અભ્યાસી કેતન રૂપેરાની સર્જક પ્રતિભાથી થયું છે. તેમાં ગાંધીવિચારની તેમની સમજ અને ઇનૉવેશન ક્ષમતાનો ઉત્તમ મેળાપ દેખાય છે.તેની પ્રતીતિ પુસ્તકના દરેક પાને થાય છે.

    પુસ્તકને અંતે ‘પ્રવૃત્તિમાં વધુ પ્રાણ પૂરવા માટે ઉપયોગી કેટલાંક સંદર્ભ પુસ્તકો’ મથાળાં હેઠળ બાર નામ છે.વળી,પુસ્તકની પેજ ડિઝાઈન માવજત માગી લેનારી અને નિર્માણ સૌમ્ય રીતે આકર્ષક છે.
    ‘અહિંસાની કેળવણી’ પ્રકલ્પ માટેનું પ્રાથમિક સંશોધન રાહુલ ગોરાણા, દીપ શાહ અને અતુલ દાસપટનાયકે કર્યું છે.અયુબ શેરસિયા અને હસમુખ પટેલ પ્રકલ્પ-સહાયકો રહ્યા છે.
    આ પુસ્તક વિશે ઉર્વીશ કોઠારીએ કેતનભાઈની ‘નવજીવન ન્યૂઝ’ પોર્ટલ માટે પચીસ મિનિટની મુલાકાત લીધી હતી.

    તેની લિન્ક : https://www.youtube.com/watch?v=RENJEzgZ_H8
    આપણા સમયમાં વિશેષ અગત્યનું આ પુસ્તક બહુ ઓછું જાણીતું છે.પ્રકાશક સંસ્થાઓએ તેનો બહોળો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. આવા મૂલ્યવાન સમાજોપયોગી પુસ્તકની કિંમત ઓછી હોવી જોઈએ.

    ખરેખર તો એમ કહેવાનું થાય કે લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણી ચલાવતાં એવી મિશનરી પ્રસાર-યોજનાથી આ પુસ્તક શિક્ષણ સાથે સંકળાયેલા સહુની પાસે પહોંચવું જોઈએ.
    કેમ કે, આ પ્રવૃત્તિપોથીમાં એવું સત્વ છે કે બધી શિક્ષણ સંસ્થાઓ નિયમિત ધોરણે આ ઉપયોગ કરે તો કેટલાક સમયે એના રૂડાં ફળ મળી શકે. કેતન રૂપેરાને અનેક ધન્યવાદ.
    —————————
    પ્રાપ્તિસ્થાન:
    – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277);
    – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ;
    – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ વેરા ભવનની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદવાદ,મો.9898762263

    ફોટોગ્રાફ સૌજન્ય : ડૉ.અશ્વિનકુમાર, નવજીવન લિન્ક સૌજન્ય : ચંદુભાઈ મહેરિયા,
    કોલાજ સૌજન્ય :પરીક્ષિત મેઘના મુકેશ
    Ahimsa book, Ketan Rupera

  • પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને – રાજ ગોસ્વામી

    પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને – રાજ ગોસ્વામી

    રાજ ગોસ્વામી (લેખક, ચિંતનકાર) સંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134)

    આજકાલ ઘણા બધા લોકો અને ખાસ કરીને ટીનેજર્સ પેઢીને સોશિયલ મીડિયા અને સ્ટેટસ એટલે કે whatsapp સ્ટેટસ સમાજને પોતાના વિશે માહિતી આપવાનું એક અગત્યનું સાધન લાગે છે !પરંતુ એના ઉપયોગમાં શું શું ધ્યાન રાખવું -એ પ્રખ્યાત ચિંતનકાર રાજ ગોસ્વામી સમાજને જણાવે છે.

    મોર્નિંગ મ્યુસિંગ્સ:

    ઈન્સ્ટાગ્રામ મિત્ર મેહુલ ભટ્ટને “કૌન બનેગા કરોડપતિ”નો એક એપિસોડ જોઈને પ્રશ્ન થયો કે લોકો સોશિયલ મીડિયા સહિતનાં સાર્વજનિક માધ્યમોમાં સાવ અજાણ્યા લોકો સમક્ષ પોતાની અંગત વાતો જાહેર કરવા/મૂકવા કેમ પ્રેરાતા હશે?”

    સૌથી મોટું કારણ છે વેલિડેશનનું- કોઈ આપણને જુવે અને આપણે વિશેષ છીએ તેવું સ્વીકારે તેવી ભાવના સાથે લોકો પોતાની અંગત બાબતોને સાર્વજનિક કરે છે, કારણ કે લોકો એમ માને છે કે તેમનું જે અંગત છે, એ જ તેમને બીજાથી અલગ પાડે છે, અને તેની સૌએ નોંધ લેવી જોઈએ. દરેક વ્યક્તિમાં ઊંડે ઊંડે પોતે નિરર્થક છે તેવી ભાવના હોય છે. એટલે એ અસુરક્ષામાંથી બહાર આવવા માટે તેને બીજાઓના વેલિડેશનની આવશ્યકતા મહેસૂસ થાય છે.

    લોકોમાં હંમેશાં એવી વૃત્તિ હોય છે કે તેઓ તેમની પોઝિટિવ ઇમેજને લોકો સમક્ષ મૂકે. જેવી રીતે લોકો ફોટોશોપ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરીને પોતાની “અમુક” રીતની સેલ્ફી પોસ્ટ કરે છે, તેવી જ રીતે લોકો તેમની અંગત બાબતોને જાહેર કરીને તેમના વ્યક્તિત્વ (એટલે કે જીવન)ને અમુક રીતે “આકાર” આપે છે, જેથી તેઓ શ્રેષ્ઠ નજર આવે.

    અમેરિકન પોપ આર્ટિસ્ટ, એન્ડી વારહોલે, અમેરિકામાં ટીવી નવું નવું આવ્યું, ત્યારે કહ્યું હતું કે, “in the future, everyone will be famous for 15 minutes.” સોશિયલ મીડિયાના જમાનામાં તો લોકો 5 મિનીટમાં “ફેમસ” થઇ જાય છે. એક જમાનામાં આપણા રોલ મોડેલ સમાજ સેવકો, નેતાઓ, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને કલાકારો હતા.

    આ એવા લોકો હતા, જેમની પ્રખ્યાતિ તેમની લાંબા ગાળાની નક્કર સિદ્ધિઓ અને સમાજમાં તેમની ઉપયોગિતામાંથી આવતી હતી. જ્યારે ટેલિવિઝન (અને હવે ઇન્ટરનેટ) આવ્યું, ત્યારે સેલિબ્રિટીઓનો એક એક એવો વર્ગ પેદા થયો, જે લોકોનું મનોરંજન કરીને પ્રખ્યાત થવા લાગ્યો છે.

     

    સોશિયલ મીડિયાએ અંગત અને સાર્વજનિકની સીમારેખા ભૂંસી નાખી છે. ઉત્તરોત્તર એમાં નિજી જીવનને ખુલ્લું કરવાનું ચલણ વધી ગયું છે, એટલે દંભ અને શો-ઓફમાં વધારો થયો છે. આપણને એવો ભ્રમ છે કે લોકો માટે આપણે જેટલા ખુલ્લા થતા રહીએ, તેટલું જ આપણે કશું હાંસલ કરીએ છીએ. વધુ પડતા સોશ્યલાઇઝેશનથી સંપર્કો વધે છે અને દૈનિક જીવન આસાન થાય છે તે સાચું, પરંતુ એમાં તમે જે ‘તમે’ છો, તેનો ભોગ લેવાય છે અને તમે બીજા ‘કોઈક’ બની જાવ છો.

     

    લોકો પોતાની ઇમેજ બનાવવા માટે કોઈપણ હદ સુધી જાય છે, પણ છેવટે એ ‘પોતે’ ખોવાઇ જાય છે.

     

    નિજી સ્તરે સીંચિત થતું જીવન વધુ સાર્થક અને સુખી હોય છે, અને તે નિજી રહે તો જ તેની પવિત્રતા જળવાય છે. પ્રાઈવસીની પોસ્ટ ના બને, પોએટ્રી બને.

    Email- joshinirav1607@gmail.com

  • વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

    વસ્તુઓ જે આપણને ખરેખર આપણા ભૂતકાળ સાથે જોડેલી રાખે છે

    અઝહર પટેલ, ધોળકા ( સ્વતંત્ર લેખક)

    સંકલન : નીરવ જોશી , અમદાવાદ(M-7838880134)

    (Wah… खूब सरस वस्तु याद देवडावी…

    ભૂતકાળમાં જે પણ વસ્તુ રહેલી છે એને વર્તમાન સાથે સાંકળી અને આજના વર્તમાન યુગના ખાસ કરીને ટીનેજર્સ કે યુવાનોને જૂની વસ્તુઓનું પણ મહત્વ સમજાવી એનો પ્રસંગિક ઉપયોગીતા પણ જણાવીએ તો એમને પણ આ વસ્તુ દાયકાઓ સુધી યાદ રહેશે.)

    FB group  post by Azhar Patel

    એક યુગ હતો જયારે ઘરમાં મોટર દ્વારા કે નળ વાટે પાણી આવતું નોહતું ત્યારે દૂર દૂર કુવાઓ તળાવ કે પછી નદી કે નહેર થી પાણી પીવા માટે કે જાનવરો માટે કે બીજા વપરાશ માટે લાવવું પડતું હતું, માથે બે ત્રણ બેડલા કે મટકા મુકવા પડતા હતાં, વજન વધારે હોવાના કારણે પાણી છલકાય નહીં અને ઠોસ વાસણ ના કારણે માથાનો દુખાવો પણ વધવાની શિકાયત ને નાથવા માટે તે વખત ના માણસે ઈંઢોણી નામની એક નરમ ગોળાકાર વસ્તુ બનાવી હતી.

    ઈંઢોણી ( ઊંધાણી ) સૂકા ડાભડા નામની વનસ્પતિમાંથી તૈયાર થતી, ઈંધોણીને જયારે માથા ઉપર મુકવામાં આવતી તો તે બેલેન્સ બનાવી રાખવાનું કામ કરતી હતી. સાથે સાથે માથામાં વાળ જળવાઈ રહે તેવું રક્ષણ આપતી.

    નવી વહુ જયારે સાસરે જાય તો પીયર તરફથી નવા બેડલા સાથે નવી ભરત ભરેલી સુંદર ઈંઢોણી પણ આપવામાં આવતી હતી, ઈંઢોણી નવી વહુની ઓળખાણ પણ કરાવતી.

    આજના ઝડપી સમયમાં આ ઈંઢોણી વેચાતી દેખાતી કે વપરાતી લગભગ બંધ થઈ ગઈ છે, આજે એક ભંગારના થેલામાંથી મળી આવી તો એક નાનકડી બાળકીએ કાલી ઘેલી ભાષામાં પૂછ્યું કાકા આને શું કહેવાય? હું પણ આનું નામ ભૂલી ગયો હતો થોડું વિચાર્યા પછી તરત યાદ આવ્યું કે આતો ઈંઢોણી!!! અમારા ગામની ભાષામા કહું તો ઊંધાણી!!!

    ઈંઢોણી શબ્દ ઘણાં ગુજરાતી લોકગીતમા વપરાયો છે

    જેમાં “સોનાનો ગરબો માડી રૂપલા ઈંઢોણી ”
    “સોના ઇંઢોણા રૂપા બેડલું ” વગેરે વગેરે…..

    અઝહર પટેલ ✍️

     


    આર્કીટેક પક્ષી એટલે સુગરી

    કુદરતે અબોલ પક્ષીને પોતાની કુદરત વડે ગજબની આર્કીટેક ડિગ્રી આપેલ છે

    જેમાં સુગરી, બુલબુલ, કલકલીયો અને લક્કડ ખોદ નું સારા આર્કીટેક પક્ષીમાં નામ આવે

    સુગરી પક્ષી દરેક જગ્યાએ માળો નથી બનાવતું તે અમુક ચોક્કસ જગ્યાઓ પસંદ કરે છે જે તેના માટે અનુકૂળ હોય જેવી કે પાણીના સ્ત્રોત વાળી જગ્યા અવાવરા બંધ પડેલ કુવા કે પછી એવુ વૃક્ષ કે જેની શાખ પાતળી પણ મજબૂત હોય.

    એક સંશોધન જાણીને હસવું આવશે કે માદા સુગરી માળો ક્યારેય નથી ગુંથતી પણ નર સુગરી માળો બનાવે છે, જયારે નર સુગરી અડધો માળો બનાવી નાંખે છે ત્યારે માદા સુગરી એટલેકે નરની પ્રેમિકા તેના ઘરને જોવા આવે છે અને જો તેનો માળો પસંદ આવે તો અંદર આંટો મારીને ઈશારો બતાવે છે કે તેને આ ઘર પસંદ છે.

    જો માદાને માળો પસંદ ના આવે તો નર તે માળો અધૂરો છોડી દે છે અને બીજી કોઈ જગાએ પસંદગી ઉતારી નવું કામકાજ ચાલું કરે છે, કદાચ સુગરી ને પણ મારું ગામ નહીં પણ બાજુનું ગામ માફક આવ્યું હશે એટલેજ તેમણે ત્યાં સમૂહ મા પડાવ નાખ્યો લાગે છે 😃.

    સુગરીનો આ ગુંથણ વાળો માળો બહાર થી ચંબુ આકારનો અને અંદરથી 2HK નો હોય છે. ખુબજ બારીકાઇ થી ભરેલો આ માળો વરસાદ, વાવાઝોડા અને ઠંડી કે પછી ગરમીથી રક્ષણ આપનાર હોય છે. માદા અને નર માળામાં પ્રેમથી સમય વિતાવી બચ્ચાને જન્મ આપે છે, બચ્ચા મોટા થયાં બાદ સહ પરીવાર આ માળો છોડી દે છે. અને પોતાને મળેલી ઈશ્વરીય સોગાદ દુનિયા ને જોવા માટે મૂકી દે છે અને દુનિયાને કુદરતની તાકાત બતાવે છે.

    સુગરીને સંસ્કૃતમાં સુગૃહિ એટલેકે (સુંદર ઘર બનાવનાર ) કહે છે તો ઈંગીલશમાં બયા અને વીવાર બર્ડ પણ કહે છે, સુગરી પોતાનો માળો બનાવવાનું ચોમાસાની શરૂઆતમાં કરે છે. આ રીતનો માળો બનાવવું તેનો હેતુ માત્ર શૂરક્ષા હોય છે.

    સુગરી પોતાના માળા માટે શેરડીની સુખી છાલ કે પત્તા, ખજૂરીના સુખા પત્તા કે પછી લાંબુ સુકુ ઘાસ પસંદ કરે છે. ઘણાં પ્રકૃતિ પ્રેમીઓ સુગરીના માળાને પોતાના ઘરની શોભા વધારવા લઇ આવતા હોય છે…

    આ ફોટો મને મારાં એક મુસ્તફા સોલંકી નામના મિત્રએ મોકલ્યો જ્યાં એક મસ્જીદ પાસે ઉભેલી ખજૂરી ઉપર સમૂહમાં માળા બનેલ હતાં….

    ગામ વીરડી / સાબરમતીના કાંઠે આવેલ ગામ

    તાલુકો ધોળકા
    જીલ્લો અમદાવાદ

    ✍️અઝહર પટેલ

  • જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134)

    આજની પોઝિટિવ સ્ટોરી

    નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી

    આલેખનઃ રમેશ તન્ના

    30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થવાનો છે.

    શ્રી ભાર્ગવ પરીખ ગુજરાતી પત્રકારત્વનું એક એવું નામ છે જેણે સાતત્ય સાથે લોકનિષ્ઠ પત્રકારત્વનું ખેડાણ કર્યું છે. તેમના અનુભવોનું બયાન કરવા જઈએ, સમાજ પર પડેલી તેની અસર વિશે અલપ-ઝલપ લખવા જઈએ તો પણ એક પુસ્ક પ્રકાશિત કરવું પડે. એમાં વિવિધતા પણ છે અને ગુણવત્તા પણ છે. એમાં સાંપ્રત કથાઓ પણ છે અને જેની ચિરંજીવ અસર હોય તેવા વિષયો પણ છે. એ પરિશ્રમી અને ઝુઝારું પત્રકાર છે. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    તેમના પિતાજી નિરંજન પરીખ પણ પત્રકાર હતા. તેમણે મોટાભાગે સંદેશમાં કામ કર્યું. નિરંજન પરીખનું નામ પત્રકારોને સંગઠિત કરવા માટે જાણીતું છે.

    ઈઝરાયલના એક ઈતિહાસકારે મનુભાઈ પંચોળીને કહ્યું હતું કે, સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્ય જેવું સત્ય પણ સંગઠિત થાય ત્યારે તેની જીત થતી હોય છે. સંગઠનની મોટી તાકાત છે. પત્રકારોને તેમના અધિકારો નહોતા મળતા ત્યારે નિરંજનભાઈએ ઝંડો ઊઠાવ્યો હતો. એમ કહો કે, મશાલ ઊઠાવી હતી. એ પ્રજ્જવલિત મશાલથી તેઓ દાઝ્યા પણ ખરા. અલબત્ત, અણનમ રહ્યા અને પત્રકારોને તેમના હક્કો અપાવીને જ રહ્યા.

    નિરંજનભાઈ પરીખ ખૂબ વહેલા ગયા. માત્ર 47 વર્ષની વયે તેમણે વિદાય લીધી. મૂડીવાદના અનેક હુમલાઓનો સામી છાતીએ, રમતાં રમતાં સામનો કરનાર, આ બહાદુર હૃદયરોગના હુમલા સામે ન ટકી શક્યો.

    એ વર્ષ હતું, 1983નું.

    એ વખતે ભાર્ગવભાઈની ઉંમર સાડા સત્તર વર્ષની હતી.

    ઘરમાં માતા, એક બહેન. ભાર્ગવભાઈના યુવા ખભા પર અચાનક મોટો ભાર આવી ગયો.

    અલબત્ત, ભાર્ગ‌‌વભાઈ નાનપણથી જ પરિશ્રમી હતા. કઠણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર હતા.

    તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો. જોકે, આર્થિક ઉપાર્જન માટે ઘણી ખાનગી કંપનીઓમાં તેમણે સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.

    એ વખતે નવું નવું સમભાવ દૈનિક શરુ થયું હતું. તેના સ્થાપક અને તંત્રી ભૂપતભાઈ વડોદરિયાએ ભાર્ગવભાઈને બોલાવ્યા. પૂછ્યું, શું કરે છે ?

    “સુધરેલો ફેરિયો છું.” ભાર્ગવભાઈએ જવાબ આપ્યો.

    ભૂપતભાઈએ કહ્યું કે, “કાલથી આવી જા.”

    ભાર્ગવભાઈ શાળામાં હતા ત્યારથી તેમને વાંચવાનું અને લખવાનું ખૂબ ગમતું. સારું અને સર્જનાત્મક લખી પણ શકતા. કિશોરકાળમાં લખેલી એક વાર્તા લઈને તેઓ પોતાની રીતે જ સંદેશમાં ગયા. પૂર્તિ સંપાદકને એ વાર્તા ગમી. જોકે, ત્યાં જ કામ કરતા તેમના પિતા નિરંજનભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ધરાર વાર્તા ન છાપવા દીધી. કહ્યું કે, લોકોને એવું લાગશે કે, મારા કારણે તારી વાર્તા છપાઈ છે.

    નામાંકિત વ્યક્તિઓના સંતાનોને ક્યારેક આવા ગેરફાયદા પણ થતા હોય છે.

    ભાર્ગવભાઈ “સમભાવ”માં ખૂબ ઘડાયા. બરાબર ટીપાયા. અહીં રિપોર્ટિંગ, પ્રૂફ રીડિંગ, અનુવાદ, પેજમેકિંગ એમ બધા જ વિભાગોમાં તેમણે કામ કર્યું. આળસ કે કંટાળો તેમના સ્વભાવમાં નહીં. નવું નવું શીખવાની ટેવ. આ બધું શીખેલું આગળ જતાં તેમને ખૂબ કામ આવવાનું હતું.

    પિતા મૃત્યુ પામ્યા ત્યારે બેંકમાં 86 રુપિયા મૂકીને ગયા હતા. યુવાન ભાર્ગવભાઈને ઘર ચલાવવા વધારે મહેનત કરવી પડે તેમ હતી. કરી. શરીર પાસેથી તેમણે બરાબરનું કામ લીધું. પત્રકાર તરીકેની નોકરી ઉપરાંત તેમણે જુદાં જુદાં સામયિકો માટે અનુવાદો કરી આપ્યા, લેખો લખી આપ્યા. તેમને નામ ન મળે પણ દામ મળે એ રીતે પુસ્તકોના અનુવાદો પણ કર્યા.

    મૂળ વાત એ હતી કે, બે છેડા ભેગા કરવાના હતા.

    વાંચન, લેખન અને ભાષા સજ્જતાના સહારે તેઓ આગળ વધતા ગયા અને વિકસતા પણ રહ્યા.

    ક્યારેક ભૂલો પણ કરી. ક્યારેક ચૂક પણ કરી. જોકે, જે કામ કરે તેને ભૂલ અને ચૂક કરવાનો અધિકાર હોય છે. છેવટે તો બધામાંથી શીખતા જ રહ્યા.

    1986થી 1988 સમભાવમાં ભાવપૂર્વક કામ કર્યું. અહીં તેમનો મજબૂત પાયો નખાયો. એ પછી તેઓ ગુજરાત મિત્રમાં જોડાયા. ગુજરાત મિત્ર સુરતનું છાપું. તેના અમદાવાદ-ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તેમણે ઉત્તમ કામ કર્યું.

    એ પછી 1990માં તેઓ જન્મભૂમિમાં જોડાયા. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિની અમદાવાદ આવૃત્તિ શરુ થઈ હતી. અહીં તેમના ખભા પર ઘણી વધારે જવાબદારી આવી અને તેમણે એ જવાબદારી સૂપેરે નિભાવી. બે-બે દવે તંત્રીઓના હાથ નીચે અને હૃદય સાથે કામ કર્યું. મુંબઈમાં હરીન્દ્ર દવે મુખ્ય તંત્રી અને અહીં અમદાવાદમાં જયંતીભાઈ દવે તંત્રી. ઉત્તમ કામ થયું. સમાજ સાથે રહીને કામ કરવાની ટેવ વાળા ભાર્ગ‌‌વભાઈ સતત લખતા રહ્યા. કોઈ એક વિષયને બદલે તેમણે ઘણા વિષય પર કલમ ચલાવી. રાજકારણ કે જાહેરજીવનની બીક હોય એટલે તેના વિશે તો લખવું જ પડે, પરંતુ સમાજલક્ષી પણ લખતા રહ્યા.

    તેમને પડકારો ગમે. નવી નવી સ્ટોરી કરવાનું સૂઝે. એના માટે મહેનત કરે. સ્વભાવ મિલનસાર એટલે જોતજોતામાં સંપર્કો ઊભા કરી દે. કોઈ પણ સફળ પત્રકારો માટે તે બહોળા સંપર્કો અનિવાર્ય હોય છે. ભાર્ગવભાઈનો સંપર્ક વિશ્વ અત્યંત વિશાળ છે. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો, ગુજરાતનું કોઈ પણ નગર હોય, ભાર્ગવભાઈના સંપર્કો ચોક્કસ હોય જ. પોતાને જોઈતી વિગત તેઓ મિનિટોમાં મેળવી શકે.

    ગુજરાત મિત્રમાં તેમને બાયલાઈન જોઈતી હતી. તંત્રી ભગવતીકુમાર શર્માએ પડકાર ભરેલું પ્રોત્સાહન આપ્યું. કહ્યું કે, મને એવી સ્ટોરી આપ કે મારે પહેલાં પાને તારા નામ સાથે છાપવી પડે. યુવા ભાર્ગવે આ પડકાર ઝીલી લીધો. થોડા દિવસોમાં જ, ગુજરાત મિત્રના પહેલાં પાને સ્ટોરી છપાઈઃ સુરતમાં આખા ગુજરાતના સૌથી વધુ એઈડ્સના દર્દીઓ.

    એ પછી તેમને મેગેઝિન પત્રકારત્વમાં પગરણ માંડ્યા. 1992થી તેઓ અભિયાનમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી ચિત્રલેખામાં જોડાયા. હરકિશન મહેતાની સ્કૂલમાં બરાબર ખીલ્યા. એકથી એક ચડિયાતી અનેક સ્ટોરી કરી. હરકિશનભાઈને ખુશ કરવા અઘરા, પરંતુ ભાર્ગવભાઈની કામગીરી એ કરી શકે. પાછા અભિયાને બોલાવ્યા તો 1997થી 2001 સુધી પુનઃ ત્યાં કામ કર્યું.

    છ વર્ષ દૈનિક વર્તમાનપત્રોમાં અને 10 વર્ષ મેગેઝિન જર્નાલિઝમમાં આપ્યા પછી ભાર્ગવભાઈ ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ વળ્યા.

    2001માં તેઓ ઝી ગ્રુપ સાથે જોડાયા. આલ્ફા ગુજરાતી ચેનલ અને મુખ્ય ઝી ચેનલમાં તેમણે કામ કર્યું. તેઓ નેશનલ કક્ષાના આસિસ્ટન્ટ એડિટર પણ હતા.

    17 વર્ષ તેમણે બરાબર, જાતને ઓગાળી દઈને કામ કર્યું.

    2017માં તેમણે ઝી ગ્રુપ છોડ્યું.

    2016માં તેમણે મોઢાનું કેન્સર થયું. તેમના માટે એ ખૂબ જ કપરા દિવસો હતા. અલબત્ત, અંદરની પ્રબળ શક્તિ એટલે કેન્સર સામે લડત આપીને જીત્યા પણ ખરા. દોઢ મહિનામાં તેમણે કેન્સરને હરાવ્યું.

    એ પછી તેઓ હવે બીબીસી ગુજરાતી અને જન્મભૂમિ ગ્રુપ માટે કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. હવે તેઓ કોઈ ગ્રુપ સાથે ફૂલ સમય કામ કરતા નથી.

    ભાર્ગવભાઈએ પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. એમાં દૈનિક વર્તમાનપત્ર અને મેગેઝિન બંનેમાં ફરજ બજાવી. એ પછી ઈલેક્ટ્રોનિક મીડિયામાં દીર્ઘ સમય સુધી કામ કર્યું અને 2016થી તેઓ હવે ડિજિટલ પત્રકારત્વ કરી રહ્યા છે. આમ પત્રકારત્વનાં ત્રણે સ્વરુપોમાં સાતત્ય સાથે, લાંબો સમય અને અસરકારક રીતે તેમણે કામ કર્યું છે.

    રાજકારણ, ક્રાઈમ, હ્યુમન ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી, એજ્યુકેશન અને લોકઉત્કર્ષ જેવા વિષયો તેમને વધારે ગમે છે. તેમણે કરેલી શ્રેષ્ઠ સ્ટોરીનું લિસ્ટ બનાવીએ તો એકસોથી પણ વધી જાય. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    સંશોધનાત્મક પત્રકારત્વમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમની સ્ટોરીઓના પડઘા ગુજરાત વિધાનસભામાં અને સંસદમાં પડ્યા હોય તેવું પણ બન્યું છે.

    સતત સંઘર્ષ કરતા રહ્યા છે. સતત મથતા રહ્યા છે. જોકે, ક્યારેય હાર્યા કે થાક્યા નથી. તેમનો અંદરનો પાવર ખૂબ મજબૂત છે.

    અને એનાથીયે મજબૂત છે જીવનસાથી ઈલાબહેનનો સાથ. તેમને એક શક્તિશાળી, બહાદુર અને પ્રેમાળ જીવનસાથી મળ્યાં છે. તેમણે જીવનની દરેક ક્ષણે ભાર્ગ‌‌વભાઈને સતત સાથ આપ્યો છે. સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયડો, ચડાવ હોય કે ઉતાર, આનંદ હોય કે વિષાદ… ઈલાબહેન ભાર્ગવભાઈની શક્તિ બનીને સતત તેમની સાથે હાજરાહાજૂર રહ્યાં છે.

    બીજી શક્તિ મળી, દીકરીની. તેનું નામ કવની. કવન પરથી નામ પાડ્યું કવની. કવનીનો અર્થ થાય છે, આત્માથી લખાયેલી કવિતા. કવનીએ પણ પિતાને ખૂબ સાચવ્યા. ખાસ કરીને નબળા સમયમાં. કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં નાજુક અને નબળો સમય આવતો જ હોય છે. ભાર્ગ‌‌વભાઈ આવા એક નાજુક સમયમાંથી પસાર થતા હતા ત્યારે દીકરી કવનીએ, તેમને પૂછ્યા વિના, તેમના માટે યોગ્ય તેઓ નિર્ણય કર્યો હતો. ભાર્ગવભાઈને નવાઈ પણ લાગી હતી અને સારું પણ લાગ્યું હતું.

    પિતાનું ઘર છોડતી વખતે ધોધમાર આંસુ વહેવડાવતી મોટાભાગની દીકરીઓ પિતાનાં આંસુ લૂછનારી હોય છે એ ભૂલવા જેવું નથી. હવે તો આઈટી એન્જિનિયર કવની પરણીને પતિ સાથે પૂણેમાં સ્થાયી થઈ છે.

    ભાર્ગવભાઈની આંખોમાં તમે જુઓ છો અને તમને વંચાય છે કે, મેં મારાથી થઈ શકે તેવું શ્રેષ્ઠ પત્રકારત્વ કર્યું તેનો મને સંતોષ છે. ભાર્ગવભાઈ, જે બાબત માટે તેમને સંતોષ છે તે બાબત માટે ગુજરાતને આનંદ અને ગૌરવ છે.

    વેલડન ભાર્ગવભાઈ.

    તમારા પિતાએ ગુજરાતી પત્રકારો માટે, ઘણો વ્યક્તિગત ભોગ આપીને કામ કર્યું હતું. પત્રકારોને સારાં પગારધોરણ તેમના પ્રયત્નોથી મળતાં થયાં હતાં. તમારાં માતા સતત આગ્રહ રાખતી હતી કે, ઘરમાં એક પણ અણહક્કનો પૈસો ન આવવો જોઈએ. તમે માતા અને પિતા બંનેને પરમ સંતોષ થાય તે રીતે પત્રકારત્વ કરી દેખાડ્યું છે. આ જ એક મોટો એવોર્ડ છે.

    અને હા, તમને નચિકેત એવોર્ડ મળી રહ્યો છે તેનો અમને બધાને પણ ઘણો આનંદ છે.

    સાચો પત્રકાર એ કહેવાય છે જે સતત લોકોની વચ્ચે રહે છે. તેના પગમાં જે ફોલ્લા પડે તેના વડે જગતનો ઈતિહાસ લખાય છે. તમે એવા જ પત્રકાર છો, જેના પગમાં પડેલા ફોલ્લા અને હાથમાં ઉઠેલા છાલ્લા વડે ગુજરાતના ઈતિહાસનાં ઘણાં પ્રકરણો લખાયાં છે.

    ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા સપનાં પ્રમાણે, જીવનના ઉત્તરાર્ધમાં, સાબરકાંઠાના કોઈ ગામમાં બેસીને, ગામનું ઉત્થાન કરતાં કરતાં નિરાંતવી જીવન સંધ્યા માણો.

    શ્રી ભાર્ગવ પરીખનો સંપર્ક નંબરઃ 96876 10860 છે.

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)