ટૅગ Raghavaji Patel

  • જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    જોડિયા તાલુકામાં રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ

    *સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો*

    જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

    જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.

    તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટિવ બેંકના ડાયરેક્ટરશ્રી ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

     

  • ધ્રોલ માર્કેટિંગ યાર્ડની તમામ 16 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય

    ધ્રોલ માર્કેટિંગ યાર્ડની તમામ 16 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    *કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો અથાગ પુરુષાર્થ તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની મહેનત રંગ લાવી*

    *ધ્રોલ માર્કેટિંગ યાર્ડની તમામ 16 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય*

    કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના માર્ગદર્શન તથા પરમર્શમાં ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. એ.પી.એમ.સી. ધ્રોલની તમામ 16 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ બિનહરીફ વિજય મેળવી ભવ્ય જીત હાંસલ કરી છે.કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના મહાનુભવોએ ઉમેદવારોની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

     

    કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલના વિજય થયેલ તમામ પદાધિકારીઓ આગામી સમયમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે સતત કામગીરી કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી છે.અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ વિકાસના મીઠા ફળ મળે તેમજ શહેરની જેમ ગામડાઓ પણ તમામ સુખ સુવિધાઓથી સભર બને તે પ્રકારે આયોજનો હાથ ધરવા પધાધિકારીઓ પાસે આશાવાદ વ્યક્ત કર્યો છે.સૌ વિજેતા ઉમેદવારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા સતત ખેડૂત હિતમાં કામગીરી કરતા રહે તેવી મંત્રી રાઘવજીભાઈ પટેલે અભ્યર્થના વ્યક્ત કરી છે.

  • રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

    મંત્રી શ્રી રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. તેમના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

    મંત્રીશ્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલ ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે ૪૬ રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

    કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીશ્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


    કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના તારીખ 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરના પ્રવાસો અને એના સમાચારો નીચે મુજબ છે.

     

    કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી: ખાદીની ખરીદી કરી અન્યોને ખાદી ખરીદવા કરી અપીલ

    રાજકોટ તા.૦૨ ઓક્ટોબર, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધી જયંતી નિમિત્તે આજે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી.

    જયાં મંત્રીશ્રીએ “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા અને ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી.
    આ તકે, મંત્રીશ્રીને ખાદી ભંડારના કર્મીઓ દ્રારા સુતરની આંટી થકી અભિવાદિત કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીએ ખાદી ભંડારની અન્ય વસ્તુઓને પણ નિહાળી હતી.ખાદી એ સ્વદેશી અભિયાનનું પ્રતીક છે,જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લોકો સમક્ષ સ્વદેશી કાપડ થકી ગ્રામજનોને સ્વરોજગાર માટે દર્શાવ્યું હતું. ત્યારે આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ખાદી ફોર નેશનના અભિયાનમાં કૃષિ મંત્રીશ્રીએ આજના યુવાનો પણ જોડાય તે માટે રાજકોટ ખાતે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાસ અપીલ કરી હતી.


    ———-

    *ધ્રોલ તાલુકાના લતીપર ગામે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો*

    *દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન*

    *જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું*

    જામનગર તા.01, ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે”એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

    મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.

    ‘Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.

    મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

    આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા તેમજ બહોળી સંખ્યામાં લતીપરના ગ્રામજનો વગેરે જોડાયા હતા.

     

    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કસ્તૂરબાધામ, ત્રંબા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો*
    ૦૦૦૦૦
    *પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટે બાપુના સ્વચ્છ અને આત્મનિર્ભર ગામના મંત્રને સંકલ્પ માની કાર્ય હાથ ધર્યું છે – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    રાજકોટ તા. ૦૨ ઓકટોબર,

    રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

    આ તકે, મંત્રીશ્રીએ પૂજય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને ઝીલી લીધો છે. સ્વચ્છતા, ખાદી,ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છાંજલિ સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યો છે.

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂજય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુઃખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત જોડાયેલી છે તે કસ્તુરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

    આ પ્રસંગે કસ્તુરબાધામ ખાતે મંત્રીશ્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કસ્તુરબા નિવાસની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા કનુભાઈ નારણદાસ ગાંધી તથા તેમના પત્ની આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    સ્વચ્છાંજલિ સમારોહ ખાતે સરપંચ શ્રી દર્શનાબેન પીઠવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નિશિત ખૂંટ, પૂર્વ સરપંચશ્રી નિતીનભાઈ રૈયાણી, ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ ચાવડા, ચેતનભાઈ રામાણી, સામાજિક આગેવાન શ્રી મૂળજીભાઈ ખૂંટ તથા અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • વિધાનસભામાં કેવી રહી કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી?

    વિધાનસભામાં કેવી રહી કૃષિ મંત્રી રાઘવજી પટેલની કામગીરી?

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં વિધાનસભાનું સત્ર ચાલુ થયું છે …ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ભાજપ સરકારમાં રહેલા કૃષિ મંત્રી-રાઘવજી પટેલે ખેડૂતો માટે તેમજ અન્ય સંલગ્ન વિભાગો માટે કેવા પગલાં લીધા છે… તે છેલ્લા 12 દિવસમાં નીચે મુજબની જાહેરાતોની સ્પષ્ટ થશે… એટલું જ નહીં વિધાનસભામાં સમય સમય પર ખેડૂતો માટે ઊભા થયેલા પ્રશ્નોના જવાબ પણ કૃષિ મંત્રીએ વ્યવસ્થિત જવાબ આપ્યા છે અને વિગતો સાથે સરકારી કયા પગલાં લીધા છે એને વિગતો જાહેર કરી છે. તાજેતરમાં જ બટાકા અને ડુંગળીના ભાવ ગબડતા ખેડૂતો ચિંતામાં હતા. તે અંગે પણ કૃષિ મંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી નીચે મુજબની જાહેરાતો મંત્રીશ્રીએ માર્ચ મહિનાના 12 દિવસમાં કરી છે.

    રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય:

    ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    ¤ ખેડુતો /વેપારીઓને લાલ ડુંગળી અને બટાટાની અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય નિકાસ માટે રૂ.૪૦.૦૦ કરોડની સહાય અપાશે

    ¤ વિધાનસભામાં નિયમ-૪૪ અંતર્ગત ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    કૃષિમંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

    આજે વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત નિયમ-૪૪ અંતર્ગત નિવેદન રજૂ કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૩ લાલ ડુંગળીનું અંદાજિત ૭.૦૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદનની શક્યતા છે. ફેબ્રુ.૨૩ માસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અંદાજિત લાલ ડુંગળીની ૧.૬૧ લાખ મેટ્રિક ટન આવક થઈ છે. તેમજ કુલ ૭.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના ઉત્પાદન સામે સૌરાષ્ટ્ર વિસ્તારની એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે ૩.૫૦ લાખ મેટ્રિક ટન જથ્થા માટે ગત વર્ષની જેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં ડુંગળી વેચનાર ખેડૂતોને ૧ કટ્ટા દિઠ ૧૦૦ રૂપિયા એટલે કે, ૧ કિલોએ રૂ. ૨ અને વધારેમાં વધારે ખેડૂતદિઠ ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ સહાયની જાહેરાત કરી હતી.

    મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, ડુંગળીના નિકાસમાં સહાય આપવા મળેલ રજુઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવે છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરીએ છીએ.

    મંત્રીશ્રીએ બટાટાના વધુ ઉત્પાદનના કારણે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હોવાનું જણાવ્યું હતું. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

    મંત્રીશ્રીએ બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડુતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટેની શરતો અંગે વિગતવાર માહિતી આપી હતી. રોડ ટ્રા‌ન્સપોર્ટથી કરે તો રૂ. ૭૫૦/- સહાય પ્રતિ મેટ્રીક ટન, રેલ્વે મારફત કરે તો વાહતુક ખર્ચના ૧૦૦ ટકા અથવા રૂ.૧૧૫૦/- સહાય પ્રતિ મેટ્રીક ટનની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે અને દેશ બહાર નિકાસ કરે તો કુલ વાહતુક ખર્ચના ૨૫ ટકા અને રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં, બે માંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આમ, વાહતુક સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે.

    રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતોને સહાય અંતર્ગત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે.આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે.

    રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને સહાય અંગે મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને વધારેમાં વધારે ખેડૂત દીઠ ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ) ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧/૦૨/૨૦૨૩ થી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે.

    આ પેકેજની જાહેરાત કરવા માટે મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રીશ્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રીશ્રી એ આભાર માન્યો હતો

    ######

    [01/03]

    લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર ઉપરાંત આ રોગ વધુ પ્રસરે નહિ તે માટે સઘન રસીકરણ કરાયું, જેથી આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા : પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    *રાજ્યમાં ગૌ વંશને લમ્પી રોગથી સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ કરવા સહિતની તમામ છૂટ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી દીધી હતી*

    *ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જીવાણુંજન્ય અને વિષાણુજન્ય રોગો માટે ૬,૦૯,૩૦૩ પશુઓનું રસીકરણ કરાયું*
    ……
    *રાજ્યમાં લાખો પશુઓને ઘર આંગણે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે શરૂ કર્યા પશુ આરોગ્ય મેળા : ગાંધીનગર જિલ્લામાં બે વર્ષમાં ૨૩૬ પશુ આરોગ્ય મેળા થકી ૫૩,૬૯૭ પશુઓને સારવાર અપાઇ*
    …..
    પશુઓના રસીકરણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ ગૌવંશમાં લમ્પી રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ ઉપરાંત જે પગલાં લેવા હોય તે લેવા માટેની રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે છૂટ આપી દીધી હતી. જેને પરિણામે પશુપાલન વિભાગ દ્વારા લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર આપી તેને સાજા કરવા ઉપરાંત રોગમુક્ત ગૌ વંશમાં લમ્પી પ્રસરે નહિ તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા છીએ. એટલું જ નહીં, લમ્પી ઉપરાંત અન્ય રોગોથી મુક્ત રાખવા માટે સશક્ત પશુઓમાં રસીકરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો અને પશુઓમાં સો ટકા રસીકરણ થાય તે માટે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે તેવી પ્રથમ યોજના પણ અમલમાં આવી. જેનો ગુજરાતે મહત્તમ લાભ લીધો છે તે માટે પશુપાલન વિભાગના અધિકારીઓને મંત્રી અભિનંદન પાઠવ્યા હતા.

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૬,૦૯,૩૦૩ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પશુઓના જીવાણુંજન્ય અને વિષાણુજન્ય રોગો માટે રસીકરણ કરાયું હોવાનું મંત્રીશ્રી ઉમેર્યું હતું.

    પશુ આરોગ્ય મેળા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પૂરક પ્રશ્નના ઉત્તર આપતા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાખો પશુઓને ઘર આંગણે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૨૩૬ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૫૩,૬૯૭ પશુઓને સારવાર આપવામાં આવી અને ૧૦૮ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
    ….
    [01/03]

    *આકસ્મિક સંજોગોમાં ખેડૂત ખાતેદારોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
    ……………
    *કચ્છ જિલ્લામાં બે વર્ષમાં ૧૩૬ ખેડૂત ખાતેદારોને રૂ. ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ*
    ……………
    રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂત ખાતેદારોને આકસ્મિક સંજોગોમાં આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વર્ષ ૧૯૯૬ થી ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અમલી બનાવી છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૬ ખેડૂત ખાતેદારોને રૂપિયા ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ છે.

    આજે વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા સહાય યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે.જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે.તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.

    તેમણે ઉમેર્યું કે,આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં તેમજ બે હાથ-બે પગની અપંગતા હોય તો ૧૦૦% સહાય. તેમજ એક આંખ – એક પગની અપંગતા આવે તો ૫૦% સહાય ચૂકવવામાં આવે છે.આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક,તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી,જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી અધિકારી,ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી ભરવાની હોય છે. આ માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂત ખાતેદારોએ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ બાદ ૧૫૦ દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજી કરવાની હોય છે.અરજી કર્યાથી ૬૦ દિવસમાં વીમાની ઉપલી કચેરી દ્વારા જરૂરી ચકાસણી બાદ સમય મર્યાદામાં સહાય ડી.બી.ટી.ના ધોરણો ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
    ……………
    [01/03]

    *રાજ્ય સરકારે સુરત જિલ્લામાં પાવરડ્રિવન ચાફકટર માટે ૫૫.૨૬ લાખ અને જુનાગઢ જિલ્લામાં ૧૫.૨૮ લાખની સહાય ચૂકવાઈ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*
    ———-
    *ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચાફકટર સહાય યોજના અમલમાં છે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*
    ——–
    વિધાનસભા ગૃહમાં પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ચાફકટર સહાય યોજના અંતર્ગત સુરત અને જૂનાગઢ જિલ્લામાં ચૂકવાયેલા સહાય અને તેના ઉદ્દેશો અંગે માહિતી આપી હતી. જેમાં સુરત જિલ્લાના બિનઅનામત, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના નાના ખેડૂતો માટે વર્ષ ૨૦૨૨ અંતિત પ૫.૨૬ લાખ રૂપિયા, જ્યારે જૂનાગઢ જિલ્લામાં આ તમામ કેટેગરીના ખેડૂતોને વર્ષ ૨૦૨૨ અંતિત ૧૫.૨૮ લાખ રૂપિયા ચાફકટર સહાય પેટે ચૂકવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું.

    મંત્રીશ્રીએ આર્થિક સહાય અંગેની આ યોજનાના હેતુઓ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ઘાસચારાને નાના-નાના ટુકડા કરીને પશુઓને નીરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે, સાથે સાથે પશુઓને સુપાચ્ય આહાર મળી રહે છે. જેના પરિણામે
    દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો છે, જેથી પશુપાલકોની આર્થિક સુખાકારી વધે છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.

    મંત્રીશ્રીએ યોજનાની સહાયના ધોરણો અંગે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને ૧૮ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવે છે. આ માટે યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા વ્યક્તિએ આઈ-ખેડૂત પોર્ટલ પર કે પશુ દવાખાના પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. અરજીની સાથે રેશન કાર્ડ, સરકાર માન્ય ઓળખપત્ર, બેંક પાસબુકની નકલ કે કેન્સલ કરેલ ચેક જોડવાનો રહે છે.
    ——-

  • PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    નીરવ જોશી , Delhi ( M-7838880134)

    ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ બીજી વખત કેબિનેટ કૃષિ પ્રધાન બન્યા છે. કેન્દ્ર સાથે અતૂટ વિશ્વાસનો નાતો રાઘવજી એ પોતાના કાર્યો અને મંત્રાલયની કામગીરી વડે બનાવ્યો છે!  આ પહેલા તેઓ ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.

    મોદી સાથેની મુલાકાત બાદ રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું

    “જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.”


    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૃષિને લગતા અનેક નિર્ણાયક મુદ્દાઓ એક પછી એક કૃષિ મંત્રાલય ઉકેલવાના દિશામાં નિર્ણય લઈ રહ્યુ છેલ્લા 15 દિવસમાં મોરબી અને કચ્છ ખાતે અનુક્રમે 20 મી જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપીને અનેક કાર્યક્રમો શરૂ કરાવ્યા હતા. ખાસ કરીને રખડતા પશુઓના- સાંઢના ખસીકરણ અને બીજા પશુઓના ખસીકરણ અંગે ઉત્તમ કામગીરી કૃષિ મંત્રાલય કરી રહ્યું છે.

    *રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    ¤ *રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓના વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અભિયાન દરમિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું ખસીકરણ*

    ¤ *રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરાશે: રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે*.

    ¤ *કચ્છ જિલ્લામાં નખત્રાણા ખાતે તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી*

    પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે જે અતર્ગત મોરબી,જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.

    તેમણે ઉમેર્યુ કે,ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે.

    કૃષિ,પશુપાલન ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે.આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે,જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.

    મંત્રીશ્રી દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ ૫૦ પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં ૬૮ પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ ૧૩૮ પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે.

    મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો

    આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓ ને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું

    મંત્રીશ્રીએ પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું.

    તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

    તેમણે ઉમેર્યું કે,પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

    મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. ૫૯ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

    મત્રીશ્રી દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રીશ્રી લાલજીભાઇ રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી.

    પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ ૧૦ ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતે કુલ ૧૩૮ પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.

    આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    *********

    મોરબી ખાતે 28 જાન્યુઆરીએ નીચે મુજબનો કાર્યક્રમ થયો હતો.

    રાજ્યવ્યાપી ખસીકરણ ઝુંબેશનો મોરબીથી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

    “૧૨૭ નવા ફરતા પશુ દવાખાના થકી
    ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બનશે”
    – રાઘવજીભાઈ પટેલ

    ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી
    મોરબીને મોડલ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી

    સૌજન્ય :માહિતી બ્યુરો, મોરબી

    કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

    રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
    આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

    ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે. પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ ૪૬૫ ફરતા પશુ દવાખાના છે. જેમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના વધારો કરવામાં આવનાર છે. જેથી ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બની રહેશે.
    આ તકે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો વધુ સફળતા મળશે. મોરબીથી પ્રારંભ થતી આ ઝુંબેશમાં મોરબીને મોડેલ બનાવવું છે તેવુ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી એન.જે. ફળદુ, રિજિયોનલ ડાયરેક્ટરશ્રી ડો. ગોહિલ, અગ્રણી સર્વશ્રી લાખાભાઈ જારીયા, કુંવરજીભાઈ કાલરીયા, યદુનંદન ગૌશાળાના કાંતિભાઇ તેમજ ડોકટર્સની ટીમ સહિત વિવિધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આમ જાન્યુઆરીના છેલ્લા દસ દિવસમાં જ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખૂબ જ અગત્યનો એવો રખડતા ઢોરના મુદ્દા અંગે ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમોની શરૂઆત કરાવી છે. આ પહેલા માછીમારોના મુદ્દે અંગે પણ જાન્યુઆરીમાં રાઘવજી પટેલે અગત્યના નિર્ણયો કર્યા હતા…એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરના મુદ્દે માલધારી સમુદાય અને ભાજપ સરકાર સામસામે  બાયો ચડાવી હતી. આવા સમયે રાઘવજી પટેલનું કૃષિ પ્રધાન તરીકેનું કાર્ય અગત્યનું બની રહે છે. આગળ જતા ગુજરાતના પશુધન માટે વધારે સારી વ્યવસ્થા ઊભી થાય એવું જનતા ની તીવ્ર લાગણી અને માગણી છે.

  • માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    માછીમારોની સમસ્યાઓનો જલ્દીથી ઉકેલ આવશે: રાઘવજી પટેલ

    Avspost.com, Gandhinagar (7838880134)

    રાજ્યના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારનો નિર્ધાર:મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

    ¤ *ગાંધીનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રીની અધ્યક્ષસ્થાને રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ*

    ¤ *માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો રાજય સરકાર સંતોષકાર રીતે ઉકેલ લાવવા તત્પર

    આજે મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યના માછીમાર આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના તમામ માછીમાર સંગઠનોના પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    આ બેઠકમાં ગુજરાતની માછીમારી પ્રવૃતિઓ સાથે સંકળાયેલ મુખ્ય બંદરો જેવાં કે, વેરાવળ અને જાફરાબાદ ઉપર દરીયાઇ ૧૦૮(સ્પીડ બોટ) સેવા શરૂ કરવી, ગુજરાતના મુખ્ય બંદરોમાં ગેરકાયદેસર થતી ફીશીંગ પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવું, ગુજરાતના બંદરોમાં માછલીના ન્યુનત્તમ વેચાણ ભાવ (એમ.એસ.પી) નકકી કરવા, રાજ્યના માછીમારોની બાકી રહેતી જુની સબસીડી ચૂકવવી, લેભાગુ વેપારીઓ દ્વારા ગુજરાતના બંદરો તેમજ દીવ-દમણના બંદરોમાં કૌભાંડ આચરનારાઓ ઉપર નિયંત્રણ લાવવુ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના SOPC(શેડ્યુલ ઓફ પોર્ટ ચાર્જીસ)માં ફીશરીસને લગતાં ચાર્જીસમાં ઘટાડો કરવો, દરિયાઇ તોફાન, અતિવૃષ્ટિ કે કુદરતી આફતમાં સંપર્ક થઇ શકે તે સારૂ સેટલાઇટ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવવી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ સબસીડી યોજનામાં અગાઉની પ્રથા મુજબ વેટ કાપીને ડીઝલ આપવાની શક્યતાઓ તપાસવી તેમજ રીટેલ આઉટલેટ કરતાં કન્ઝયુમર પંપોના ભાવ તફાવત અંગે ચર્ચા, OBM/IBM બોટની સબસીડી રોટેશન ડ્રો સિસ્ટમથી આપવામાં આવે છે તે બંધ કરી રાબેતા મુજબની પદ્ધતિ અમલમાં મૂકવા શક્યતા તપાસવી, વેરાવળ બંદરની મત્સ્યોદ્યોગ કચેરીના નવીનીકરણ બાબત, માછીમારોની રજુઆત મુજબ ફીસીંગ સીઝન ૧(એક) ઓગષ્ટ છે જેમાં ફેરફાર કરી, ૧(એક) સપ્ટેમ્બર કરવા શક્યતાઓ ચકાસવી તથા ઉમરગામ, કોસંબા, નાની દાંતિથી મરોલી અને ખતલવાડા(જી.વલસાડ) ખાતે આવેલ ફીશ લેન્ડીંગ સેન્ટર(એફ.એલ.સી.) ખાતે સુવિધાઓ ઉભી કરવા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    તદઉપરાંત પોરબંદર અને વેરાવળ ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા થતા વાર્ફ વોલ, બ્રેક વોટર, ડ્રેજીંગ જેવા કામોની સમીક્ષા કરવી, ગીરસોમનાથ જિલ્લાના માંગરોળ અને નવા બંદર ખાતે નવીન બંદરો બનાવવાની કામગીરીની સમીક્ષા તથા સુત્રાપાડા અને માઢવાડ ખાતે થતાં બંદરના કામોની સમીક્ષા, તાઉતે વાવાઝોડાથી સૈયદ રાજપરા, નવાબંદર અને જાફરાબાદ બંદરોને થયેલ નુકસાનના ચાલુ કામોની સમીક્ષા, જામનગર જિલ્લાના સચાણા બંદર ખાતે નવી જેટી સંદર્ભે અને સિક્કા, સચાણા અને જોડીયા બંદરો ખાતે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી માછીમારી વ્યવસાયને વેગ આપવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

    મંત્રી શ્રી રાઘવજી દ્વારા માછીમારોની રજુઆતોને ધ્યાને લઇ તમામ રજુઆતોનો સંતોષકાર રીતે ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં સંસદસભ્ય શ્રી રામભાઇ મોકરીયા, ધારાસભ્ય શ્રી રમેશ મિસ્ત્રી અને શ્રી પ્રધ્યુમન વાજા, મત્સ્ય વિભાગના સચિવ શ્રી ભીમજીયાણી, મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી સાંગવાન તથા રાજ્યના દરિયાઇ જિલ્લાઓમાંથી માછીમારી સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    નીરવ જોશી ,ગાંધીનગર

    • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
    • નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
    • સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
    • ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.

    મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્ર ના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.

    સૌરાષ્ટ્ર ના ૧૧ જિલ્લા..અને બોટાદ …

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રવિ સીઝન માટે સૌરાષ્ટ્રના જળાશયો સૌની યોજના હેઠળ ભરવા માન. મુખ્મંત્રીશ્રી સમક્ષ માંગણી કરેલ હતી. જે સંદર્ભે માન. મુખ્મંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી એ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે.આ નિર્ણયથી ૧,૫૨,૪૦૦ લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજય સરકારના ખેડૂત હિત લક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.

    તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરૈન્દ્રભાઈ મોદી એ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું હતું તે આજે પરિપૂર્ણ થયું છે જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

    તેમણે ઉમેર્યું કે,આ નિર્ણય થી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી,રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

    રાજય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણય બદલ કૃષિ મંત્રીશ્રી રાધવજી ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,રાજયકક્ષાના જળસંપતિ મંત્રીશ્રી મૂકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.