ટૅગ Library

  • વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન

    વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન

    નિરવ જોષી, હિંમતનગર

    • વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ 
    • સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ મંત્રીશ્રી પ્રદિપ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

    સાબરકાંઠા અરવલ્લી જિલ્લા વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વણકર સમાજ ભવનનો ભૂમિ પૂજન સમારંભ અને સાર્વજનિક પુસ્તકાલયનું ઉદઘાટન સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં હિંમતનગરના વિરપુર મુકામે યોજાયો હતો.


    આ સમારોહમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરે સમાજને સંગઠીત બનવા, શિક્ષિત બનવા અને સંઘર્ષ કરવા કહ્યુ હતું. આજના સમયમાં સમાજના લોકો શિક્ષિત બન્યા છે સમાજ બદલાઈ રહ્યો છે. સમાજમાં સુખી સંપન્ન લોકો છે પોતાની મહેનતના જોરે આગળ આવ્યા છે. વિચારધારા સારી છે સમાજનું ભવન બનતું હોય અને લોકો આ ભવનનો લાભ લઈ શકે તે સારો વિચાર છે. અંબાજીમાં 100 વર્ષ પહેલા વણકર સમાજ વાડી બની છે તે એક ગૌરવ લેવા જેવી બાબત છે. આપણે કોઈની પાસે માંગવાનું નથી પોતાની ઈચ્છા પ્રમાણે મદદ કરી આ ભવન બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે યુવાનો લાઇબ્રેરી નો વધુમાં વધુ ઉપયોગ કરી યુવાનો શિક્ષિત બની સમાજને મદદરૂપ બને અને સારી જગ્યાએ નોકરી ધંધા કરી આગળ વધે તેવી અપીલ કરી હતી.

    આ કાર્યક્રમમાં ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ વોરા, પૂર્વ આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી કરસનદાસ સોનેરી, મહામંડલેશ્વર શ્રી શંભુનાથજી બાપુ, સમાજના અગ્રણી શ્રી કે કે ચૌહાણ, શ્રી મણિલાલ વાઘેલા, શ્રી અમૃતભાઈ એસ પરમાર વણકર સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

  • ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી માંગણી

    ગુજ. બેરોજગાર ગ્રંથપાલ મંડળએ આપ પાર્ટીને પત્ર લખી કરી આવી માંગણી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    • ગુજરાત સરકારનું શિક્ષણમાં ભોપાળુ આવ્યું બહાર
    • છેલ્લા કેટલાય વર્ષોથી સ્કૂલ કોલેજ તેમજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ ની જગ્યા ખાલી
    • શિક્ષણમાં ક્રાંતિની વાત કરનારી ભાજપ સરકાર ગ્રંથપાલ ની નિમણુક અંગે આટલી ઉદાસીન કેમ ?
    • સરકારે જ પુસ્તકાલયની કફોડી હાલત કરી હોય  ત્યાં જ્ઞાનની વૃદ્ધિ ક્યાંથી થાય?
    • આ રીતે વાંચશે ગુજરાત ચળવળ આગળ વધશે
    • પુસ્તકો પ્રત્યેનો વિદ્યાર્થીઓનો સાવ ઉદાસીન અભિગમ પાછળ ભાજપ સરકાર જ જવાબદાર
    • ડબ્બા જેવા યુવાનો ગુજરાતમાં પાકશે તો જ મોદી મોદી નારા લગાવશેને?

    ગુજરાત રાજ્યમાં વિધાનસભા 2022 ને લઈને ચૂંટણીના એંધણ વર્તાઈ રહ્યા છે ત્યારે અલગ અલગ પ્રશ્નોને લઈને ગુજરાતના બેરોજગારો પણ હવે આક્રમક બન્યા છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી ગ્રંથપાલની ડિગ્રી ધરાવનારા યુવાનો ભારે હતાશાનું ભોગ બન્યા છે. એટલું જ નહીં વિકાસની મોટી મોટી વાતો કરનારી ભાજપા સરકારે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ નોંધપાત્ર ગ્રંથપાલની ભરતી કરી નથી ! આ જ ભાજપ સરકારની કદરૂપી વાસ્તવિકતાનો પરિચય દર્શાવે છે.

     

    આટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર ગ્રંથપાલ મંડળ વતીથી આશરે 85 થી પણ વધુ સમય આવેદનપત્ર આપીને સતત મંત્રીથી લઈ અને અધિકારીને અલગ અલગ સ્તરી રજૂઆત કરવામાં આવી છે પરંતુ  એમની વાતોને સાંભળીને રાજ્ય સરકારે કોઈ ગંભીરતાથી એમની વાતોને ઉકેલ લાવ્યો હોય એવું બન્યું નથી પરિણામે બેરોજગાર ગ્રંથપાલ મંડળે હવે આપ પાર્ટીની વધતી લોકપ્રિયતા જોઈને અરવિંદ કેજરીવાલને પત્ર લખીને પોતાની મનો વ્યથા અને હતાશા ઠાલવી છે અને આ પાર્ટી જો સત્તામાં આવે કે આપ પાર્ટીની સરકાર બને તો અમારા પણ પ્રશ્નો નિરાકરણ કરજો તેવી અપીલ ગ્રંથપાલ મંડળના સભ્યોએ કરી છે …

    આવો એમનો પત્ર વાંચીએ..

    પ્રતિ,

    મુખ્યમંત્રી (શ્રી અરવિંદ કેજરીવાલ )

    દિલ્લી , ભારત .

     

    વિષય :- ગ્રંથપાલ ની ભરતી માટે ગુજરાતમાં ગુજરાતના ગ્રંથપાલો ને રૂબરૂ મુલાકાત નો સમય આપવા બાબત

     

    સવિનય ઉપરોક્ત વિષય અન્વેય જણાવવાનું કે; ગુજરાત સરકાર ને ગુજરાત માં શાળા , કોલેજો અને યુનિવર્સીટી, અને જાહેર

    ગ્રંથાલયમાં છેલ્લા 24 વર્ષ થી ગ્રંથપાલ ની જગ્યા ભરી નથી માત્ર વાયદા કરે છે સરકાર , ૮૯ આવેદનપત્ર આપ્યા છતાં પેટનું પાણી નથી હલતું

     

    છેલ્લા ૨૩ વર્ષથી રાહ જોઈ રહેલા ગ્રંથપાલોની ધીરજ ખૂટી , 120 માસ અને દસ (૧૦)વર્ષ થી ગ્રંથપાલો ની રજૂઆત પરંતુ ભરતી ન કરી બીજી તરફ ગુજરાતની શૈક્ષણિક સરકારી સંસ્થાન નાં MHRD રીપોર્ટસ પ્રમાણે NIRFમાં ૧ થી ૨૦૦ માં ગુજરાતની એકપણ સરકારી કોલેજને સ્થાન મળ્યું નથી. ખાનગી શાળા , કોલેજ અને યુનિવર્સીટીમાં અતિ અધતન ગ્રંથાલયો હોય છે , જયારે ગુજરાતની સરકારી શાળા , કોલેજમાં ગ્રંથાલય અને ગ્રંથપાલોનાં કોઈ જ ઠેકાણા નથી . સરકારી શાળા , કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને ગ્રંથાલયની જરૂર ન પડે ???? માટે ગરીબ ઘરનાં વિદ્યાર્થીઓ GPSC,UPSC જેવી પરીક્ષામાં પાસ નથી થતા ,

    ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચનાં આગેવાન ડૉ.મહેશ કે. સોલંકી નાં જણાવ્યા પ્રમાણે નીચે મુજબની જગ્યાઓ ખાલી છે

    છેલ્લા બે દાયકાથી નીચે મુજબ જગ્યા ખાલી છે

    1)ગુજરાતની અનુદાનિત કોલેજ માં ગ્રંથપાલ ની ૩૫૭ માંથી ૨૬૦ જગ્યા ખાલી

    2) સરકારી કોલેજ માં ૧૧૫ માંથી ૫૭ જગ્યા ખાલી (50%)

    3) શાળા ગ્રંથાલયોમાં ૫૬૦૦ જગ્યા ખાલી

    4).૨૮ સ્ટેટ યુનિવર્સિટીમાંથી માત્ર ૨ બેજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ છે બાકી ૨૬માં આસિસ્ટન્ટ અને હંગામી ધોરણે ચલાવે

    ગુજરાત ( ૨૮- સ્ટેટ યુનિ. + ૪૭ પ્રાઇવેટ યુનિ. + ૦૧ – સેન્ટ્રલ યુનિ. + ૦૩- ડીમ યુનિ.) Ref: https://ugc.ac.in

    5) મેડિકલ કોલેજમાં ગ્રંથપાલની ૯૫% જગ્યા ખાલી

    6) એન્જીનિરિંગ કોલેજ માં ગ્રંથપાલની ૧૦૦% જગ્યા ખાલી

    7) આયુર્વેદમાં કોલેજમાં 70% જગ્યા ખાલી

    8) જાહેર ગ્રંથાલયમાં 80% જગ્યા ખાલી

    8) સેન્ટ્રલ લાયબ્રિરી માં ગ્રંથાલય નિયામકની જગ્યા ખાલી

    9) દરેક સરકારી યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ લાયબ્રેરીયન અને ડેપ્યુટી લાયબ્રેરીયન અને ટેકનીકલ જગ્યાઓ ખાલી

    વિશ્વના વિકશિત દેશોના પાયામાં શિક્ષણનું સ્થાન પ્રથમ હોય છે , શિક્ષણ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે , જ્ઞાન મેળવાવ નું માધ્યમ ગ્રંથાલય છે. અને યોગ્ય સમયે , યોગ્ય માહિતી થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને વાચક નો સમય બચાવવા ગ્રંથાલયમાં ફરજીયાત ગ્રંથપાલની આવશ્કતા રહે છે. વિશ્વની સૌથી મોટી ગ્રંથાલય “લાયબ્રેરી ઓફ કોંગ્રેસ “ અમેરિકાની છે, તેના ગ્રંથપાલની વરણી અમેરિકાના પ્રમુખ કરે છે અને સપથ લેવડાવે છે. તો આપણે સમજી શકીએ વિકસિત દેશોમાં ગ્રંથપાલનું મહત્વ કેટલું હશે. અહી ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી રાજ્યની અનુદાનિત શાળામાં ગ્રંથપાલની ભરતી થઇ નથી, શિક્ષણ મંત્રી અને મુખ્યમત્રી જયારે ખાનગી શાળા અને કોલેજોમાં ગ્રંથાલયના ઉદ્ઘાટન કરે ત્યારે ખુબ આનંદ થાય છે, પરંતુ આજ સુધી કોઈ સરકારી શાળા , કોલેજની ગ્રંથાલયનું ઉદ્ઘાટન કરતા દેખાણા નથી ત્યારે ખુબ જ દુઃખ થાય છે રાજ્યના 70% ગરીબ વિદ્યાર્થીઓ સરકારી શાળા , કોલેજમાં આભ્યાસ કરે છે, ત્યાં ગ્રંથપાલ કે ગ્રંથાલયો નથી
    તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્વાકાંક્ષી અભિયાન ‘વાંચે ગુજરાત’ જે 2010 થી શરૂ કરવામાં આવ્યુ છે એમાં પણ ગ્રંથપાલોની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી રહી છે.
    માટે 100% અભિયાન નિષ્ફળ નીવડ્યું અને માત્ર કાગળ પર જ છે રાજ્યની મોટાભાગની જાહેર ગ્રંથાલયમાં સ્ટાફ વગર ચાલે છે
    બીજી બ રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજેસ્થાન , દિલ્હી, બિહાર, યુ.પી, તમિલનાડુ,અસમ,પંજાબ , ગ્રંથપાલની જગ્યાઓ પુરા વેતનથી ભરવામાં આવી છે અને ગુજરાત રાજ્યોમાં પણ છેલ્લા અઢી દાયકાથી સમયસર ગ્રંથપાલોની ની નિમણુંક કરવામાં આવી નથી ત્યારે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનનાં સ્નાતકો, અનુસ્નાતકો અને પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવતાં વિદ્યાથીઓએ રોજગારી માટે હવે અન્ય રાજ્યો તરફ પ્રયાણ કરવાની ફરજ પડી છે. શું આ જ છે ગુજરાત મોડલ?

    અમે માત્ર રોજગારી જ નથી માંગતા પંરતુ ભારતનાં ભાવી વિદ્યાર્થીઓ નું જીવન જ્ઞાનવાન બનાવી અમારું યોગદાન આપવા ઇચ્છીએ અને શિક્ષણ નું સ્થર સુધારવામાં ગ્રંથપાલો નું પ્રતિનિધિત્વ હોય

    મુખ્યમંત્રીએ બાયેધરી આપે શાળા, કોલેજમાં ગ્રંથપાલની વર્ષો થી ખાલી પડેલ જગ્યા ટુક સમયમાં ભરાશે

     

     

    સહકારની અપેક્ષા સહ,

     

    આપનો વિશ્વાસુ,

    ગુજરાતના બેરોજગાર ગ્રંથપાલ

     

     

  • ક્ષણોના સૂત્રે જેણે પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું આનંદમય પરમાનંદ મહોત્સવ

    ક્ષણોના સૂત્રે જેણે પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું આનંદમય પરમાનંદ મહોત્સવ

    નીરવ જોષી , હિંમતનગર

    (joshinirav1607@gmail.com)

    આકરુન્દ ગામમાં સંદેશ સાહિત્ય કક્ષમાં ગત સપ્તાહે જીતપુર હાઈસ્કૂલ ના ગ્રંથપાલ પટેલ સુભાષભાઈ ‘એકાંત’ અને ઉજળેશ્વર બી.એડ્. કોલેજના અધ્યાપક શંભુભાઈ ખાંટ “અનિકેત”ના બે પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સંદેશ લાઇબ્રેરી સાહિત્ય કક્ષમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશભાઈ શુક્લ્, વિપુલભાઈ પટેલ તેમજ ડાયટ મોડાસાના એન.ડી. પટેલ, અરવિંદભાઇ કે.પટેલ ડેભારી તેમજ અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા “મૃત્યોત્સવ” અને” ભાવસ્પંદન” બંને પુસ્તકોનું વિમોચન ઉપરોક્ત મહાનુભાવોના સાનિધ્યમાં કરવામાં આવ્યું. જેમાં લેખકશ્રીની ઉત્તમ લેખનકલા અને આધ્યાત્મિકતાના શ્રેષ્ઠ ભાવ જોવા મળે છે.

    સાહિત્યસર્જકોનો પરિચય અને તેમનું બેકગ્રાઉન્ડ…

    શ્રી સુભાષભાઈ પટેલ વાચક વિચારક અને લેખક છે. તેઓ ગ્રંથપાલ હોવાથી પુસ્તકમાં સાનિધ્યમાં તેમની ઊર્મિઓ જોડાયેલી છે. ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો પરિવાર હોવાથી સંસ્કાર અને આધ્યાત્મિકતા સદેવ જોવા મળે છે. પિતાશ્રી ડાહ્યાભાઈ પોતે કવિ અને નિવૃત આચાર્ય છે. પિતાશ્રીના સાનિધ્યમાં પુત્ર સુભાષભાઈના પુસ્તકોનું વિમોચન થયું છે તેમજ ખૂબ જ ગરીબીમાં ઉછરેલા શંભુભાઈ ખાંટ સાહેબ શબ્દ પ્રીતિ અને કાવ્ય રચના માટે ઉત્તમ રચયિતા છે. તેમના પુસ્તકમાં શબ્દે શબ્દે સ્પંદન અને હૃદયના ભાવો જોવા મળે છે. આ બંને લેખકો સમાજને તેમજ વાચક વર્ગ નવી સાહિત્યિક ઉર્જા પૂર્ણ કરી રહ્યા છે. આ બંને પુસ્તકો ના લોકાર્પણમાં સંદેશ લાઇબ્રેરીના પાયાના વ્યક્તિશ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ સાહેબ આકરુન્દ પ્રાથમિક શાળાના આચાર્ય છે તેઓ એક અભ્યાસુ, વ્યવહારુ અ લેખક અને ઉત્તમ વિચારક છે. તેમના સહકારથી અને બંને લેખકોના ભગીરથ પુરુષાર્થથી આજરોજ સંદેશ લાઇબ્રેરી આકરુન્દમાં લોકાર્પણ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો.

    સુભાષભાઇ એક ઉત્તમોત્તમ સુવાસ પ્રસરાવનાર ‘ગ્રંથપાલ’ છે. તેમનો પરિચય અમારા ‘હાલો ભેરુ ગામડે’ સામયિકમાં તેમની નિયમિત પ્રકાશિત થતી કોલમ ‘સુઉદ્ગાર’થી થયો. તેમની ખરી સુવાસ તો મેં ત્યારે પ્રસરતી જોઇ જ્યારે તેમનો પ્રથમ ગ્રંથ ‘સ્વાતિબુંદ’ અરવલ્લીની ગિરીમાળાઓમાં મંત્રોચ્ચારથી વિમોચિત થયો. એક ગ્રંથપાલ લાખો લોકોને પંથ બતાવે તેવું બહુ ઓછું જોવા મળે. સંકલિત ગ્રંથમાં શૌર્ય, જ્ઞાન, નિષ્ઠા, રાષ્ટ્રપ્રેમ, યુગક્રાંતિ, કર્મયોગનું જતન થાય તેવા કેટલાય લેખો, લાખો વાચકો માટે દીવાદાંડી સમાન છે. તેમનું બીજું પુસ્તક ‘મૃત્યોત્સવ’ મૃત્યુને મંગલ બનાવી મૃત્યુ વિશેના માનવીના સંશયોને હળવા કરે છે. સંસાર જગતમાંથી માનવી રજા લઇને સ્વર્ગલોકમાં જવાની તૈયારી કરે છે. ત્યાં સુધીની યાત્રા સહજ રીતે આ પુસ્તક સમજાવી જાય છે. બે પુસ્તકની બમ્પર લોકપ્રિયતા મેળવ્યા પછી પણ માનવી કેટલો સ્થિતપ્રજ્ઞ છે તે ‘એકાંત’ પાસે જોવા મળે છે. માણસ મોટો થવાને બદલે નાનો થતો જોવા મળે છે. આજે ટેકો ખેંચવા વાળાની લાઇન છે ત્યારે કોઇને ટેકો આપીને મોટો કરવા યુવા કવિ શંભુ ખાંટ જેવા ઉત્સાહી ‘અનિકેત’ સાથે કદમ મિલાવે છે અને હેટ્રિક પુસ્તકનો જશ સરખે ભાગે વહેંચે છે.

    સુભાષભાઇ પટેલ ‘એકાંત’ અને શંભુભાઇ ખાંટ ‘અનિકેત’નો કાવ્યસંગ્રહ ‘ભાવસ્યંદન’ એ કોરોના કાળની સાહિત્યિક નીપજ છે. આ કાવ્ય સંગ્રહ વાંચી માણી મેં પ્રસન્નતાનો અનુભવ કર્યો છે. સહજ સ્વાભાવિક રચનાઓ એક અનેરા કાવ્યાનંદની પ્રતિતિ કરાવે છે. અહીં માનવજીવનની વાસ્તવિકતાને બંને કવિઓએ ખૂબ સુંદર રીતે પોતાની આગવી શૈલીમાં વર્ણવી છે. કવિતા એ તો ત્રીજા નેત્રની પ્રસાદી છે. ‘કવિતા’ એ આત્માનો અમર પ્રસાદ છે. જીવનની અદ્ભુત, અનેરી અને વિસ્મયપૂર્ણ લીલાથી ઘેલુ બનેલું માનવ હૈયું ભાવનાઓથી છલકાય છે. હિલોળે ચડે છે. ત્યારે ભીતરથી પુલકિત કાવ્ય રૂપે ‘એકાંત અને અનિકેત’ નીપજે છે.

    કવિતા વિશ્વમાં એક અનોખી અનુભૂતિ અને તેનો રસાસ્વાદ

    ‘કવિઓની કવિતાનો આસ્વાદ જ કવિને જીવંત રાખે છે.’ કવિ ‘એકાંત’ની કાવ્ય રચનાઓ જીવન તરફ જોવાનો જીવંત દ્રષ્ટિકોણ આપે છે. ‘આ જિંદગીનો શું ભરોસો’

    ‘હતું કરવાનું શું ને કરી રહ્યા શું ?’, ‘બદલાયો કર્મયોગનો નક્શો’, ‘આ જિંદગીનો શું ભરોસો’, એકદમ કડવું સત્ય કહીને માનવીને ટકોર કરી છે કે, ‘ભલે મોતી દીસે મસ્તક છતાં એ નાગ ઝેરી છે, કરી જો દુષ્ટથી મૈત્રી તો વખત પર એ જ વેરી છે. હજુ ચેતાય તો ચેત માનવી જીંદગી થોડી બાકી છે.’ જિંદગીનો કોઇ ભરોસો નથી. આ કાવ્ય દ્વારા માનવીને સમજાવી જાય છે કે જીંદગી એ ફક્ત ખાવો, પીવો અને મઝા કરો એટલા પૂરતી સીમિત નથી.

    ‘જાગો, છે હવે બાકી જે ક્ષણો તારી જશો, સત્સંગના મારગે જો ચાલશો આ જિંદગીનો શું ભરોસો ?’ એ સિવાયના દરેક કાવ્ય ‘ફરિશ્તા ઇશ્વરના’, ‘કોઇ મને ક્યો શીખવાડો’, ‘આ ક્ષણ’, ‘તો ખરા..’, ‘બહું અંધારું લાગે છે’, ‘એજ તું’, ‘એવું બની શકે ?’, ‘જીવનના અંતમાં’, ‘વિનવે આવતી કાલના બાળ’, ‘ચાંદ પ્રખર પ્રજ્ઞા’, ‘હેપ્પી બર્થડે મહાત્મા ગાંધી’, ‘કહોને કાન’, ‘હૈ ગુરુવર’, ‘જોઇ લીધા’, ‘નહિ’, ‘કેમ ?’, ‘ધન્ય ધન્ય એ ધરા’, ‘જીવન’, ‘સુધી’, ‘એ જ લઇ આવ્યા’, જેવા કાવ્યોમાં આપણને કવિના દિલમાં ભાવનાઓનો જબરો ઉછાળો જોવા મળે છે. કવિતા કલાને પામવાની એક તમન્ના છે. જીજીવિષા છે. સાહિત્ય રસિકોના સાનિધ્યથી ઉત્કૃષ્ટ કવિતા દ્વારા એ જગતને દિલથી આસ્વાદવાની હોશ છે. આ કાવ્યસંગ્રહમાં આપણા કવિ ૯ પાસે શબ્દોનો જબરો વૈભવ પણ જોવા મળે છે.

    યુવાકવિ ‘અનિકેત’ ની કાવ્ય રચનાઓ જીવનની તલાશ ન લેતી હોય તેવી લચીલી અને તોફાની પણ છે. માનવી અંદરથી જુદો અને બહારથી જુદો. એ માર્મિક ટકોર કરી છે. ‘પથ્થરો પોલા હશે કોને ખબર ?’ માનવી મેલા હશે કોને ખબર ? નક્કર દેખાતો પથ્થર કોઇ દિવસ પોલો હોય ખરો ? માનવી એક માત્ર એવો છે કે જેને ભગવાને સીધો બનાવ્યો છે અને તે આડો ચાલે ? મેલો બને ? તો – વળી કહે છે કે એ હતો પૂનમનો ચાંદ તોયે, અમાસની રાત કેમ થયો કોને ખબર ? પૂનમના ચાંદ જેવા દેખાતા માનવ, આજે અમાસની રાતમાં ધકેલાઇ ગયો છે.

    દુનિયામાં હાહાકાર મચી ગયો છે. એ જોઇ કવિહૃદય હચમચી ઉઠે છે. આ સિવાય ‘વસંત ઘેલી ધરા’, ‘મા’, ‘સરિતાની જેમ વહ્યો છું’, ‘આ જિંદગી’, ‘પ્રીત’, ‘ત્રિદેવ ભૂલોકે’, ‘પડે છે નજર’, ‘સપનું’, ‘તલાશ’, ‘આવડી ગયું છે મને હવે’, ‘અમને નહિ ફાવે’, ‘ગામડાની નઝાકત’, ‘મહેકવું છે મારે’, ‘મઝા પડી ભાઇ મઝા પડી’, ‘જીરવવું પડ્યું છે’, ‘સમજવા મથું છું’ ‘હાલો માનવીઓ મારા ગામડામાં’, ‘ફાવી જશે’, ‘પુરાવા આપવા પડે છે’ જેવી અનેક કવિતાઓમાં પ્રકૃતિ, પ્રભુ, પ્રણય અને માનવ ગરિમા અને ભાવનાઓનો રણકાર છે.

    હૃદય મંદિરના દ્વારેથી… ‘‘મોત આવે ને મરું તેવો હું નથી, પાનખર પહેલાં ખરું તેવો હું નથી.’

    માનવ મનની વાત સમજાવતાં કવિશ્રી મોતને મ્હાત આપી પાનખર સુધી જીવનમય બનીને જીવવાની વાત ઉક્ત પંક્તિઓ દ્વારા પ્રકટ કરે છે. પરંતુ ‘મૃત્યુ’ મહાસત્ય છે. ત્યાં કોઇનું કંઇ ચાલતું નથી. જગવિખ્યાત માઇકલ જેકસને ૧૫૦ વર્ષ જીવવાની પ્રતિબધ્ધતા સાથે ચૂસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. તેની સાથે તે સતત ૧૨ નિષ્ણાંત તબીબોની ટીમ રાખતો. તેનો ખોરાક દરરોજ પ્રયોગશાળામાં ચકાસણી થઇને આવતો. દૈનિક વ્યાયામ માટે ૧૫ જેટલા હેલ્થ નિષ્ણાતો એની સાથે વ્યસ્ત રહેતા. પ્રાણવાયુનું પ્રમાણ સતત જળવાઇ રહે તેવી વિશિષ્ટ પથારી સુવા માટે તૈયાર કરવામાં આવી હતી. અંગદાતા અને રકતદાતા વગેરેની એક ઇમરજન્સી ટીમ હંમેશા તૈયાર રાખવામાં આવતી… પરંતુ અફસોસ… ૨૫મી જૂન ૨૦૦૯ના રોજ પચાસ વર્ષની ઉંમરે તેના હૃદયે તેનો સાથ છોડી દીધો. આગોતરી વ્યવસ્થા ઉપયોગી ન બની શકો.

    ‘મૃત્યુ’ એ નિશ્ચિત ઘટના છે અને કોઇ રીતે રોકી શકાતું નથી છતાંય આપણે પામર માનવી એને રોકવા મથતા રહીએ છીએ. અને મરણ પાછળ આંસુ સારી શોક પાળતા રહીએ છીએ આનાથી બચવા જેવું છે. માનવ જીવન સાચી રીતે જીવવા અને મૃત્યુને મહોત્સવ બનાવવા મહાન ગાયત્રી સાધક અને ‘એકવિસમી સદી ઉજ્જવળ ભવિષ્ય ના ઉદ્ગાતા પૂ. પંડિત શ્રી રામશર્મા આચાર્યજી અને સ્નેહસલિલા મા ભગવતીના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે.

    પૂ. ગુરુદેવના સાહિત્યના અભ્યાસુ ભાઇશ્રી સુભાષ પટેલે સદર પુસ્તકમાં આ બાબતે દિશાદર્શન કરાવવાની મથામણ કરી છે. મૃત્યુના બહાને જીવન દર્શન કરાવતું આ ઉત્તમ પુસ્તક હૃદય સોંસરવું ઉતરીને માંહ્યલાને ઉજાસ અર્પિ જાય તેવું છે. આવું અણમોલ પુસ્તક આપવા બદલ સુભાષ પટેલ ‘એકાંત’ ને ધન્યવાદ આપવા જ રહ્યા…! અધ્યાત્મના અભ્યાસુઓ માટે મહામૂલા રત્ન સમાન આ પુસ્તકને આવકારતાં હર્ષ અનુભવી રહ્યા છીએ સાથે આવનાર સમયમાં આવાં ઉત્તમ ગ્રંથરત્નો ‘એકાંત’ પાસેથી મળતા રહે એવી અભ્યર્થના…

    ‘ક્ષણોના સૂત્રે જેને પરોવી લીધું જીવન, બની રહો મૃત્યુ એનું ‘મહોત્સવ’ ’’

    આમ, ‘એકાંત’ અને ‘અનિકેત’ ની બેલડી દ્વારા પ્રકાશિત ‘ભાવસ્યંદન’ જનમાનસને ઢંઢોળી કાઢશે એવો મને આત્મવિશ્વાસ છે. સમગ્રતયા આ કાવ્યસંગ્રહ પ્રસન્નતાનો દીર્ઘકાલીન અનુભવ આપે છે. એમના આ સંગ્રહથી હું મારો રાજીપો વ્યક્ત કરું છું. એક સાહિત્યકાર તરીકે આ સંગ્રહને મારું હૈયું ઉમળકાભેર આવકારે છે. સાથે સાથે ભવિષ્યમાં પણ સાહિત્યસર્જનમાં આવી જ હૃદયઉર્મિઓને અવિરત વહાવતા રહો એ જ ભોળા ‘શંભુ’ ને પ્રાર્થના અને શુભાશિષ…