ટૅગ farming

  • મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    મધ્યપ્રદેશના મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં SK જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું

    નિરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    હિંમતનગરના કાંકણોલમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રીશ્રી કૈલાશ વિજય વર્ગીયજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. ખેડૂત સંમેલનમાં મંત્રીની ઉપસ્થિતિમાં સૂચન પેટીમાં ખેડૂતોએ સૂચનો રજૂ કર્યા હતા.

    આગામી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનવાની જ છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સરકાર કિસાનો માટે શું કરી શકાય તે માટેના સૂચનો સૂચન પેટી દ્વારા મેળવ્યા હતા. જેમાં કિસાનોએ તેમના સૂચનો પેટીમાં રજૂ કર્યા હતા. કિસાન સંમેલનમાં સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, હિંમતનગરના ધારાસભ્યશ્રી વી. ડી .ઝાલા, પ્રાંતિજના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્ય કુંવરબા પરમાર, સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, વાઇસ ચેરમેન રાજુભાઈ પંચાલ સહિત પાર્ટીના અગ્રણીઓ હોદેદારશ્રીઓ કાર્યકર્તાઓ અને કિસાન આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના ગવર્નરે હિંમતનગરમાં શું કહ્યું?

    શું પ્રાકૃતિક માટે ગુજરાતી ખેડૂતોમાં ખાસ ઉત્સાહ છે? જાણો ગુજરાતના ગવર્નરે હિંમતનગરમાં શું કહ્યું?

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં અનેક પ્રયોગો છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, પરંતુ એક મહત્વપૂર્ણ અને નોંધનીય વાત એ છે કે છેલ્લા બે દાયકામાં ઓર્ગેનિક ખેતી અંગે વધારે ને વધારે જાગૃતિ અને આર્થિક રીતે પ્રગતિ કરનારી વાત છે એવું આજે ખેડૂત સમાજ પણ વિશ્વાસ પૂર્ણ માની રહ્યો છે…

    મને યાદ આવે છે કે સૃષ્ટિ કરીને એક સંસ્થા છેલ્લા બે દાયકાથી ઓર્ગેનિક ફૂડ ફેસ્ટિવલ તેમજ ઓર્ગેનિક અનાજ કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજ અને કદી ન સાંભળી હોય એવી વિસરાતી જતી વાનગીઓ તેમજ ધાન અંગે જાગૃતિ ફેલાવવાનું કામ અમદાવાદમાં કરી રહી છે.

    આજરોજ હિંમતનગર મુકામે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવ્રત પણ આશરે 1700થી 1800 ખેડૂતોને આ જ વાત અનેક રીતે સમજાવી રહ્યા હતા…

    એટલું જ નહીં ઉપસ્થિત ખેડૂતોને ખૂબ જ સરળ ભાષામાં તેમજ ઓર્ગેનિક ખેતીને કઈ રીતે લાભદાયી બનાવી શકાય તેના અનેક પ્રકારના કીમિયા તેમણે તેમની સરળ ભાષામાં સમજાવ્યા હતા

    • ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથે જન અભિયાન ઉપાડ્યું છે                            
    • દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી આજના સમયની માંગ–  રાજ્યપાલ શ્રી
    • જળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ

    ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલનમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજ્યપાલ શ્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના સંકલ્પ સાથે જન અભિયાન ઉપાડ્યું છે. તેમણે દેશના ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી આજના સમયની માંગ હોવાનું જણાવ્યું, જળ જમીન અને પર્યાવરણની રક્ષા તેમજ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો

    રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશભરના કિસાનોની સમૃદ્ધિ માટે અનેકવિધ પગલાં ભર્યા છે પ્રધાનમંત્રી શ્રી એ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું છે એટલું જ નહીં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા આગ્રહ કર્યો છે. તેમના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે જન અભિયાન ઉપાડ્યું છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રત્યેક જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ જન અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે.

    ઓર્ગેનિક ખેતીની મહત્વપૂર્ણ જરૂરીયાત અંગે રાજ્યપાલે ખૂબ ભાર મૂક્યો.

    આજે સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું જન અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની વિગતો આપતા રાજ્યપાલ શ્રી એ જણાવ્યું કે આજે આંધ્રપ્રદેશથી લઈને હિમાચલ પ્રદેશ હરિયાણા જેવા અનેક રાજ્યોમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. રાજ્યપાલ શ્રીએ હિમાચલ પ્રદેશમાં સફરજનના બાગમાં કરવામાં આવેલી પ્રાકૃતિક કૃષિની સફળગાથા વર્ણવી જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક કૃષિનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

    રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ગ્રસ્ત છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪% ફાળો છે, તેવુ નિષ્ણાતો માની રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો છે. જમીનની ફળદ્રુપતા સતત ઘટવાને કારણે જમીન બિન ઉપજાઉ બની ગઈ છે. રાસાયણિક કૃષિમાં ખર્ચ સતત વધી રહ્યો છે. ઉત્પાદન દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિથી દૂષિત આહાર આરોગવાના કારણે લોકો કેન્સર, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવા અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. સાથે રાસાયણિક ખાતરો પાછળ કેન્દ્ર સરકાર વર્ષે અઢી લાખ કરોડનો આર્થિક બોજ સહન કરવો પડે છે.

    રાજ્યપાલ શ્રી એ જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશની ખાદ્યાન્ન જરૂરિયાતને પૂરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવવી એ જે તે સમયની માંગ હતી. આજ રાસાયણિક કૃષિના પરિણામથી મુક્તિ મેળવવા પ્રાકૃતિક કૃષિ અપનાવી એ આજના સમયની માંગ છે. આજ ગુજરાત રાજ્યમાં અઢી લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. એ જ રીતે હિમાચલ પ્રદેશમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. તેમણે જણાવ્યું કે જંગલમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના વૃક્ષ વનસ્પતિનો પ્રાકૃતિક રીતે વિકાસ વૃદ્ધિ થાય છે. આજ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવી એ જ ખરી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે.

    રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કાંકરેજ અને ગીર જેવી દેશી ગાયના એક ગ્રામ છાણમાં 3 કરોડ જેટલા સૂક્ષ્મ જીવો હોય છે. ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. દેશી ગાયના છાણ અને ગૌમુત્ર, દાળનું બેસણ, ગોળ, માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત તૈયાર કરવામાં આવે છે.આ જ રીતે પાણીની ઓછી માત્રાથી ઘન જીવામૃત બનાવવામાં આવે છે. જીવામૃત અને ઘનજીવામૃત એક કલ્ચર તરીકે કાર્ય કરે છે. જે પ્રાકૃતિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે.

     

    આ પદ્ધતિમાં બીજના વાવેતર સમયે બીજને છાણ અને ગૌમૂત્રથી બનતા બીજામૃતથી સંસ્કારિત કરવામાં આવે છે. જેનાથી બીજની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઝડપથી અંકુરિત થાય છે. જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતર તરીકે કાર્ય કરે છે. બીજના અંકુરણ બાદ જમીનને કૃષિ અવશેષોથી ઢાંકવામાં આવે છે.જેને મલ્ચીંગ કહેવામાં આવે છે. મલ્ચીંગથી જમીનનુ ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન હવામાં ઊડી જતો અટકે છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાય છે. જેથી આ પદ્ધતિમાં પાણીની ૫૦ ટકા જેટલી બચત થાય છે. મલ્ચીંગને કારણે સુક્ષ્મજીવો અને મિત્રજીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે. મલ્ચીંગથી નિંદામણની સમસ્યા અટકે છે.

    રાજ્યપાલશ્રીએ સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્રજીવોને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. જીવામૃત-ઘનજીવાઅમૃતથી આ સુક્ષ્મજીવો અને અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે. જે જમીનના ખનીજોને શોષી શકાય તેવા સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. જેનું મૂળ દ્વારા સરળતાથી શોષણ થાય છે અને ઉત્પાદન વધે છે. અળસિયા જેવા મિત્ર જીવો જમીનને ફળદ્રુપતા બનાવે છે. જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. આ છેદથી જમીનમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. વરસાદનું પાણી આ છિદ્રો દ્વારા જમીનમાં ઉતરે છે અને કુદરતી રીતે જળ સંચય થાય છે.

    રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિમા વાપ્સા અને મિશ્રપાકના મહત્વને પણ સમજાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિથી જળ જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે. સૂક્ષ્મ જીવો અને અળસિયા જેવા મિત્રજીવોની વૃદ્ધિ થવાથી જમીન ફળદ્રુપ બને છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. નિંદામણની સમસ્યાનો હલ થાય છે. કૃષિ ખર્ચ નહિવત આવે છે અને ઉત્પાદન પણ પૂરતું મળે છે. એટલું જ નહીં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના ભાવ પણ પ્રમાણમાં વધુ મળતાં સરવાળે ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.

    રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ કૃષિ પદ્ધતિ ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ જૈવિક કૃષિ અર્થાત ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવતાં જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં વર્મિકમ્પોસ્ટના નિર્માણમાં ખર્ચ થાય છે. વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં કાર્ય કરવા પૂરતા સક્ષમ નથી. નિંદામણની સમસ્યાનુ હલ મળતું નથી એટલું જ નહીં ઓર્ગેનિક કૃષિએ શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. જેના કારણે આ પદ્ધતિ ખેડૂતો માટે ફાયદાકારક નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતું નથી. કૃષિ ખર્ચ નહિવત આવે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી જમીન ફળદ્રુપ બને છે. મલ્ચીંગને કારણે નિંદામણની સમસ્યા નથી રહેતી. જેથી પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે લાભદાયી છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ખેડૂતોની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી હતી.

    આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, જિલ્લામાં ૪૦૦ તાલીમો યોજી ૧૦ હજાર જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપવામાં આવી છે. ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. જિલ્લામાં બે એફ.પી.ઓ. કાર્યરત છે. તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતો સાથે દિલ્હીથી વાર્તાલાપ કર્યો હતો. જેમાં તેમણે સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી માર્ગદર્શન આપ્યું હતું.

    આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની સાફલ્યગાથા પુસ્તકનું વિમોચન રાજ્યપાલશ્રી અને મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના સ્ટોલ આ પ્રસંગે લગાવવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડીંડોર, અન્ન નાગરીક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદશ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, કિસાન સંગઠનના અગ્રણીઓ, ખેડૂત ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહે  આભાર દર્શન કર્યું હતું.

     

     

  • શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    શાકભાજી ખેતીમાં માંડવા પદ્ધતિથી ખેડૂતો પોતાની આગવી આવડત થી ઇન્કમ કરી રહ્યા છે ડબલ

    સંકલન & આલેખન : નીરવ જોશી, હિંમતનગર

    (M-7838880134)

    • શાકભાજીના વાવેતરમાં માંડવા પદ્ધતિ એ ઘણા ગામના ખેડૂતો માહિતીને લઈને પ્રયોગ કરતા હોય છે
    • સાબરકાંઠામાં ઘણા ગામો શાકભાજીના વાવેતર માટે પ્રખ્યાત છે
    • ખાસ કરીને વડાલી તાલુકાના ઘણા ગામોમાં થતી શાકભાજી છેક આણંદ વડોદરા અને મુંબઈ સુધી પહોંચે છે.
    • કહેવાતું પછાત સાબરકાંઠા જો શોધવા જઈએ તો અનેક ક્ષેત્રમાં ઘણું આગળ છે .
    • જેમ કે શાકભાજીના વાવેતરમાં આ જિલ્લો અનેક રીતે કીર્તિમાન સ્થાપિત કરી શકે એમ છે.
    • માંડવા પધ્ધતિથી શાકભાજીની ખેતીમાં પોગલુના ૫૫ વર્ષિય હસમુખભાઇએ કાઠુ કાઢયું
    • ડ્રીપ ઈરીગેશન અને મલ્ચીંગ પધ્ધતિથી ખેતી કરતા પાણીનો બચાવ – હસમુખભાઇ પટેલ 

         સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ઈડર , વિજયનગર, વડાલી તાલુકો એટલે શાકભાજીમાં અગ્રેસર. ગુજરાતમાં જો શાકભાજીની વાત આવે તો લોકોને સાબરકાંઠાની અચૂક યાદ આવે કારણ કે સાબરકાંઠા ના ખેડૂતો પોતાના ત્યાંની જમીનને અનુરૂપ પાકો વર્ષોથી વાવતા આવ્યા છે અને ખાસ કરીને શાકભાજીનું વાવેતર એ પ્રાંતિજ વડાલી તેમજ સાબરકાંઠાના અંતરિયાળ ગામડામાં જેમકે કંકોડાનું વાવેતર નથી થતું પરંતુ આદિવાસી વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે જે વરસાદની સિઝનમાં શહેરોમાં પણ સપ્લાય થાય છે. ગામડા લોકોને તો ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા નથી મળતા જ્યારે સાબરકાંઠામાં ઘણા ખેડૂતોએ ઓર્ગેનિક શાકભાજીનું પણ વાવેતર કરતા થઈ ગયા છે.

    પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના ૫૫ વર્ષીય હસમુખભાઈ પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી શાકભાજીની ખેતીમાં કાઠું કાઢ્યું છે. હસમુખભાઈ કેમેસ્ટ્રીના વિષય માં સ્નાતકની પદવી મેળવી છે.  તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે ખેડૂતો માટે એક નવો રાહ ચીંધ્યો છે.

          હસમુખભાઈ જણાવે છે કે, તેઓ ૨૫ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં તેમની પોતાની જમીન અને  બીજા લોકો પાસેથી ભાડા પેટે રાખીને ખેતી કરે છે. હાલમાં વેલાવાળી શાકભાજી ના માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. તેમણે માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે, જે લગભગ ૫ વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા જેવી વેલાવાળી શાકભાજી સાથે ડ્રાફ્ટીંગ રીંગણ, વટાણા, મૂળા અને ફુલાવરની ખેતી કરે છે.

         વધુમાં તેઓ જણાવે છે કે, આ વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ છે. જેના થકી ખૂબ જ સારી આવક મળે છે. આ વખતે તેમને ૬ વીઘા જમીનમાં ટામેટી, એક વીઘામાં રીંગણ, બે વીઘામાં કારેલી, એક વીઘામાં દૂધી, એક વીઘામાં કાકડી, આ સિવાય અડધો વીઘા જમીનમાં કંકોડા વાવ્યા છે. ટૂંક સમયમાં ડ્રાફ્ટિંગ રીંગણ, ચાર વિઘા જમીનમાં ફુલાવર, એક વીઘામાં વટાણા, મૂળા જેવા વિવિધ શાકભાજી કરવાના છે.

           હાલમાં તેઓ પ્રાયોગીક ધોરણે અડધો વીઘા જમીનમાં કંકોડાની માંડવા પદ્ધતિથી ખેતી કરી છે. જેમાં આંતરા દિવસે ૨૦ થી ૨૫ કિલો કંકોડા નીકળે છે. તેઓ હોલસેલ ભાવમાં  ₹100 કિલો કંકોડાનું વેચાણ કરે છે. આ સિવાય તેઓ જણાવે છે કે ત્રણ વીઘા જે ડ્રાફ્ટિંગ રીંગણ કરવાના છે તેનુ લગભગ આ વખતે તેમને ૨૬00 મણ જેટલો ઉતારો મળશે.

         ટામેટા માંથી ગયા વર્ષે દસ લાખના ટામેટા નું વેચાણ કર્યું હતું. પાછલા વર્ષે તેમણે ૧૫ વીઘા શાકભાજી કરી હતી. જેમાંથી ૧૫ લાખનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને બીજા બધા ખર્ચ કાઢતા તેમણે સાતથી આઠ લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે કારણ કે આ વર્ષે માંડવા નો ખર્ચ નહીં થાય.

    હસમુખભાઇ જણાવે છે કે, આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ના થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે તથા છોડમાં લાંબો સમય ભેજ ટકી રહે તે માટે મલ્ચિંગ ખૂબ જ સારો વિકલ્પ છે.

    વૈજ્ઞાનિક પદ્ધતિથી પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ થાય છે જે લાંબા ગાળે ખૂબ જ મહત્વનો સાબિત થાય તેમ છે. હાલમાં વડાપ્રધાન શ્રી દ્વારા  જળસંચય અને જળ સંરક્ષણ ની જે વાતો કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય લાભ ખેડૂતોને જ થવાનો છે. કારણ કે પાણીની સૌથી વધુ જરૂર ખેતીમાં પડતી હોય છે. ખેડૂત માટે પાણી સૌથી મહત્વનો મુદ્દો છે. પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવાથી જમીન બિન ઉપજાવ થવાનો સંભવ રહે છે.

            ડ્રીપ ઈરીગેશન, મલ્ચિંગ પદ્ધતિ પાણીના બચાવવા માટેનો સારો સોર્સ બની રહેશે. અંતમાં હસમુખભાઈ જણાવે છે કે, ૧૦ વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરીની જરૂર ન રહે. તેઓ આ શાકભાજીની ખેતીમાં ૧૫ થી ૨0 માણસોની રોજી પૂરી પાડી શકે છે. જે તેમના માટે ખૂબ જ સંતોષ અને ખુશીની વાત છે. આપણે પોતાના માટે તો કંઈક કરીએ છીએ પણ સાથે બીજા પણ ભલુ થાય તો ભગવાન આપણા ઉપર રાજી રહે છે એમ કહી તેઓ પોતાના આધ્યાત્મિક અભિગમ રજૂ કરે છે.

  • સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

    સાબરકાંઠાના પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોએ તાજેતરમાં કર્યું મહત્વપૂર્ણ કાર્ય

    નીરવ જોષી , હિંમતનગર (M-9106814540)

    ઓર્ગેનિક ખેતી એટલે કે કુદરતી છાણ ખાતર થી થતી ખેતી તેમજ જંતુનાશકોનો પણ કોઈપણ ઉપયોગ ન થાય તેમજ ફક્ત કુદરતી જંતુનાશક જ વપરાય એવી ખેતી વડે જે અનાજ કે ફળ ફૂલ પ્રાપ્ત થાય છે એને કુદરતી ખેતી કે ઓર્ગેનિક ખેતી કહેવાય છે. આવી ઓર્ગેનિક ખેતી કરવામાં સાબરકાંઠા જિલ્લો પણ પાછળ ન રહે તેવો સંનિષ્ઠ પ્રયાસ કેટલાક ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતો એ શરૂ કર્યો છે. આપણાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશના ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવી અને તે માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય હોઈ, છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજ્યના માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં પ્રાકૃતિક ખેતીની કામગીરી આત્મા યોજના દ્વારા કરવામાં આવી રહી છે.

    માન.વડાપ્રધાનશ્રી દ્વારા રાજયમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી થાય તે માટે રાજ્યને ૧૦૦ ફાર્મર પ્રોડ્યુસર કંપની ઊભી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવેલ.જે અંતર્ગત સાબરકાંઠા જીલ્લામાં પોશિના,ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ખેડૂતોની પી.કે.વી. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. અને તલોદ,પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના ખેડૂતોની ટી.પી.એચ. સાબરકાંઠા એસ.પી.એન.એફ. પ્રોડ્યુસર કંપની લી. નામક બે ફાર્મર પ્રોડ્યુસર કંપની હાલમાં ચાલુ કરવામાં આવેલ છે.જેના સભાસદો તેમજ જિલ્લાના અન્ય પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની બેઠક તા.૨૭/૦૫/૨૦૨૨ ને શુક્રવારના રોજ સ્વામીનારાયણ મંદિર,કાંકણોલ,હિંમતનગર ખાતે મળેલ હતી.જેમાં જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય અને જીલ્લામાં બનેલ ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે જોડાઇ પોતે પણ આર્થિક અને સામાજીક રીતે પગભર થાય તે માટે કુબેર કોર્પોરેશન કંપની તરફથી આવેલ સી.એસ. શ્રી યોગેશભાઈ સોમૈયા અને એસ.પી.એન.એફ. સંયોજક શ્રી દિક્ષિતભાઈ પટેલ તેમજ એફ.પી.ઓ.ના ડિરેક્ટરશ્રીઓ ધ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવેલ હતો.

    1

    આ પ્રસંગે શ્રી દીપસિંહ રાઠોડ,માન.સાંસદ સભ્યશ્રી,સાબરકાંઠા અને અરવલ્લી,શ્રી વિપુલભાઈ પટેલ,સાબરકાંઠા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી, શ્રી બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ તાલુકા પ્રમુખશ્રી,ભાજપા,શ્રી ડી.જે.પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, સાબરકાંઠા,શ્રી જીગરભાઈ પટેલ,મદદનીશ બાગાયત નિયામકશ્રી,સાબરકાંઠા,શ્રી ભરતભાઇ પટેલ, મેનેજરશ્રી,ગુજરાત એગ્રો,સાબરકાંઠા,શ્રી એમ.ડી.પટેલ,ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેક્ટર,આત્મા,સાબરકાંઠા,શ્રી રમેશભાઈ પટેલ, ઝોનલ સંયોજકશ્રી, પ્રાકૃતિક ખેતી,સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લા અને તાલુકાનાં સંયોજકશ્રીઓ તેમજ સહ સંયોજકશ્રીઓ અને આત્મા સ્ટાફ તેમજ જિલ્લાના એફ.પી.ઓ.ના સભાસદો તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો હાજર રહ્યા હતા.

  • સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    નીરવ જોષી, હિંમતનગર

    પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત

    શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ

    વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે કૃષિ ઉત્પાદન તો મબલખ મળે પણ સામે ખર્ચનું પ્રમાણ કેટલું મોટું ? આ રીતે ખેડૂત ખેતીમાં કઈ રીતે લાંબા ગાળા સુધી ટકી શકે.  

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સગરામપુરા કંપાના યુવાન એન્જિનીયર  પણ ખેતીમાં વિશેષ રસ ધરાવતા દીક્ષિતભાઈ પટેલ આવું જ વિચારે છે, અને એટલે જ દીક્ષિતભાઈ પોતાનો ધીકતો એન્જીનીયરીંગનો ધંધો છોડી, ગાંધીનગરની પોતાની ઓફીસને ખેડુત તાલીમ કેંદ્રમાં ફેરવી પ્રકૃતિ ખેતી તરફ ખેડૂતો વળે તે માટે સુભાષ પાલેકરજીની સાથે સાથે પોતે પણ ગુજરાતના ગામડાઓ ખુંદી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવામાં લાગી ગયા છે.

         દીક્ષિતભાઈ કહે છે કે, વ્યવસાયે મારા પિતા ખેડૂત, પરંતુ હું વ્યવસાયે એન્જિનિયર છું એન્જિનિયરિંગ માં ભણ્યા પછી હું એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વ્યવસાયે ગયો, પરંતુ ખેતી મારા બાપ-દાદા નો વ્યવસાય હોવાથી ખેતીમાં પણ મને એટલો જ રસ હતો. હું પણ રાસાયણિક ખેતી જ કરતો પરંતુ તેમાં  ખર્ચ વધુ અને નફો ઓછો મળતો હોવાથી મને એમ થયું કે આપણે બહુ ખોટા રસ્તે છિએ. શોધ કરતા કરતા રાજીવ દીક્ષિતના પ્રવચનો મારા સાંભળવામાં આવ્યા તેમાંથી મને ઘણી પ્રેરણા મળી ત્યારબાદ મને સુભાષ પાલેકરજીનો ઓનલાઈન સંપર્ક થયો. તેમનું કૃષિ સંબંધિત તમામ સાહિત્ય ઓનલાઇન વાંચ્યા પછી વર્ષ ૨૦૧૫માં ત્રણ દિવસની વર્કશોપમાં જોડાયો. ૨૦૧૬થી હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું જેના મને ખૂબ જ સુંદર પરિણામો મળ્યા છે.

           આ પરિણામો બાદ ખેતી તરફનો મારો અભિગમ બદલાયો પ્રકૃતિ ખેતીનો વ્યાપ વધારવાના કાર્યમાં હું પોતે પણ લાગી ગયો. આજે મેં મારો એન્જિનિયરીંગનો વ્યવસાય છોડી સંપૂર્ણ ખેડૂત બની ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અમે વર્કશોપ યોજીને તાલિમ આપી રહ્યા છીએ.

          અમારા ખેતરમાં કેળાની દેશી ગાંઠ રૂ ૪/- ની મળે છે તે વાવી છે.  આ ગાંઠ એક વખત  વાવ્યા પછી તે વર્ષો વર્ષ ચાલ્યા જ કરશે. જેથી એક મોટો ખર્ચ બચી જાય છે. અમે માત્ર બે ગાયના ગોબર અને ગૌ-મૂત્ર અને અન્ય પ્રાકૃતિક પદાર્થોમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવીએ છીએ. કોઈપણ જાતના અન્ય ખાતરની જરૂર રહેતી જ નથી જીવામૃત ત્રણ ત્રણ મહિનાની છાંટીએ તો પણ ઉત્તમ પરિણામ મળે છે.

        આજે મારા ખેતરમાં અંદાજે ૩૦થી ૪૦ કિલો સુધીની કેળાની લુમ છોડ પર ઝૂલી રહી છે. હાલ અઢી એકરમાં કેળાની ખેતી કરી છે અને બાકીના અઢી એકરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. કેળાના ખેતરમાં ૩૦૦૦ છોડ છે. ૧૬ કિલોની લૂમ સહેજે મળે છે એ જોતા અંદાજે ૨૦ મેટ્રિકટન કેળાનું ઉત્પાદન થાય  હોલ સેલ બજારમાં રૂ.30ના કિલોના ભાવે વેચાય છે. રિટેલમાં રૂ. ૪૦-૪૫ના ભાવે વેચાય આ ગણતરી કરતાં રૂ. અઢી એકરમાં ૧૨ થી ૧૩ લાખની કેળાની ખેતીની આવક થાય છે.  

        વધુમાં દીક્ષિત ભાઈ જણાવે છે કે બાકી અઢી એકર જમીનમાં અલગ અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરું છું અમે એક સાથે શાકભાજી વાવવાને બદલે અલગ અલગ સમયે જુદી-જુદી શાકભાજી વાવીએ છીએ. જેમાં હાલ હળદર, આદુ, મેથી, લસણ, ડુંગળી વગેરે તેમજ  ફળમાં પપૈયા, તરબૂચ સક્કરટેટી જેવા ફળો કરૂ છે. કેળા -શાકભાજીની ખેતીની વાત કરીએ તો આ ખેતરમાંથી ૧૮થી ૨૦ લાખ મને મળવા જોઈએ એવું મારું લક્ષ્યાંક છે.

             દિક્ષિતભાઇ હાલ ગાંધીનગર ખાતે રહે છે. ખેતી માટે દસેક દિવસે ગામડે આવે છે.પોતાની  જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. આ ખેતી પ્રકૃતિ, પાણી, આરોગ્ય, પર્યાવરણ તમામ સમસ્યાઓનુ સમાધાન છે.  

        દીક્ષિતભાઈએ અત્યાર સુધીમાં ગુજરાતના ૨૫ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે તેમનુ કૃષિ ઉત્પાદન જોઈ આસપાસના ખેડૂતો પણ આ ખેતી તરફ વળ્યા છે, જે આપણા માટે ખુબ જ સારી વાત છે. પ્રાકૃતિક ખેતી હાલની તમામ સમસ્યાઓનું સમાધાન કરનારી અને નીરોગી તંદુરસ્ત જીવન આપનારી ખેતી બનશે. ખેડૂતોનો ખર્ચ ઘટાડવાથી અને ઉત્પાદન વધવાથી ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થશે સાથે તમામ લોકોનું જીવન નિરોગી બનશે.  

    (આવી પ્રકારની પ્રેરણાત્મક અને અવનવી ન્યુઝ સ્ટોરી કરવા માટે સંપર્ક કરો: 9106814540 & 9662412621(WhatsApp)