ટૅગ Ayurveda

  • ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?

    ગળોને કેમ આર્યુવેદમાં અમૃતવેલ, ગીલોય, અમૃતા જેવા નામથી ઓળખવામાં આવે છે?

    સંકલન: નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 & 9106814540)

    ( આયુર્વેદ , ઓર્ગેનિક એટલે કે પ્રાકૃતિક ખેતી તેમજ સમગ્ર સાબરકાંઠામાં અનેક પ્રાચીન અર્વાચીન વિશ્વ ને લગતી રસપ્રદ માહિતી મેળવવા કે આપવા અમારો ફોન નંબર પર સંપર્ક કરજો)

    #Tinospora cordifolia
    ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા

    આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે છે. રામાયણના યુદ્ધમાં અસુરોના હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’ નામથી પણ ઓળખવામાં આવે છે.

    ગળોની વેલ થાય છે. વાવવાથી તે ગમે ત્યાં ઊગી શકે છે. આંગણામાં વાવવાથી તે ઘરની અને બગીચાની શોભા બને છે. નાનો અમથો ટૂકડો કાપીને ગમે ત્યાં રોપી દો તો એ ઊગેજ છે. એનું એક નામ ‘અમૃતા’ છે. અમૃત જેવા ગુણો ધરાવતી હોવાથી અને દિવસો ને મહિનાઓ સુધી સૂકાતી કે મરતી ન હોવાથી આવું નામ આપ્યું હશે. એની વેલને વચ્ચેથી કાપી નાખો તો પણ મૂળ વિનાનો ઉપરનો ભાગ મહિનાઓ સુધી લીલો રહી શકે છે. એ ઝડપથી વધે છે. અને આથી એ એક પ્રાણવાન ઔષધિ છે. કાપીને ગમે ત્યાં ફેંકી દો ને જો જમીન સારી હોય કે પાણી મળવા લાગે તો એ મહિનાઓ પછી પણ ઊગી નીકળે છે. આથી જ એનું એક બીજું નામ ‘છિન્ન રુહાક’ છે. કાપવા છતાં ફરીફરીને ઊગી શકે એટલે ”છિન્ન રુહા.”

    લીમડાની ગળો ઉત્તમ ગણાય છે. આપણા દેશમાં લીમડાના અસંખ્ય ઝાડ છે. પ્રત્યેક ઝાડના થડ નજીક ગળો વાવી દેવામાં આવે અને એનો જો છૂટથી ઉપયોગ થાય તો મેલેરિયા નાબૂદીની ઝૂંબેશ ચલાવવી જ ના પડે !
    ગામડે ગામડે, જાહેર બગીચામાં, લીમડાના ઝાડ નજીક અને પ્રત્યેક ઘરના આંગણામાં ગળો જેવી ઔષધિ વાવીને આપણે આરોગ્યક્ષેત્રે ઘણી મોટી ક્રાન્તિ લાવી શકીએ એમ છીએ.
    આવતા ચોમાસામાં ઠેર ઠેર માત્ર ગળો વાવી દેવામાં આવે. લીમડાના પ્રત્યેક ઝાડ નીચે આ વેલો વાવી લીમડા પર ચડાવી દેવામાં આવે તો સરળતાથી એ ઉછરી જાય છે અને આખા પરિવાર માટે, સમાજ માટે અને નીરોગી રહેવા ઈચ્છતા દરેક લોકો માટે એ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.

    જંગલોમાં,ખેતરોના શેઢા પર,ગામડાનાં પાદરમાં ખરાબામાં અને શહેરોના બાગ-બગીચાના વૃક્ષો ઉપર ઘાંસના થુમડા સ્વરૂપે જોવા મળે છે. ગળો ઉત્તમ જડીબુટ્ટી છે.સૃષ્ટિમાં સહેલાઇથી મળી આવતી ગળો અખૂટ સંપતિ છે. વર્ષોથી વનસ્પતિઓનાં મૂળ,થડ,પાન,ફૂલ અને બીજ એ પંચાગનો જુદા જુદા રોગો પર પ્રયોગ કરાયા બાદ ઋષિઓ દ્વારા તેના સૂક્ષ્મ ગુણો શોધી કઢાયા હતા.અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે.સંસ્કૃતમાં તેનું નામ અમૃતા છે.

    તેને ગીલોય પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારની લતા/વેલ છે, તેના પાંદડા નાગરવેલના પાન જેવા હોય છે. ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે.કેટલાક ઠેકાણે એ ખડકના આધારે ચઢે છે.ગળો વર્ષાયુ છોડ છે.તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે.તેના કુમળા વેલાની છાલ કોમળ હોય છે. ગળોના વેલા એક સરખા હોતા નથી.તેને એક બાજુએ કાતરીઓ જેવી ગાંઠ હોય છે.તેના વેલાને આંતરે એક-એક પાન આવેલા હોય છે.પાનનો આકાર પીપળાના પાન જેવો તેના મૂળ જાડાં અને કંદ જેવા હોય છે.ગળોના વેલાને નવા કુમળા અંકુરો ફૂટવા લાગે ત્યારે ખેડૂતો વર્ષાના આગમનની આગાહી કરે છે.ગામડાંઓમાં આજે પણ ગળોના ટૂકડા કરી દૂઝણાં ઢોરોને ખાણ તરીકે ઉપયોગ કરે છે.

    ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. ગળો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કેમ કે તે ગામડાઓમાં સરળતાથી મળી આવે છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે.

    ગળો ખુબ ઝડપથી મોટી થતી વેલ છે. ગળોની વેલ જીવનશક્તિથી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે, તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.

    ગળોની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા(ચરબી) અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

    ઔષધીય ઉપયોગ

    ગળો એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીક ઔષધી છે. ગળોના પાનની સાથે એની ડાળીઓનો પણ વિવિધ ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

    घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढ्यां मधुना कफे च |
    वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||

    એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી.

    રાસાયણિક દ્રષ્ટિએ ગળોમાં બર્બેરિન સહિત અન્ય ક્ષારો, ગિલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, એક ઉડનશીલ તેલ તથા વસામ્લ જેવાં તત્ત્વો રહેલાં છે. આ તત્ત્વોને તેના ઔષધિય ગુણો માટે જવાબદાર ગણી શકાય.

    લીમડા,બાવળ કે આંબા પર ચઢેલી ગળો વધારે ગુણકારી માનવામાં આવે છે.તેમાંય લીમડા પરની ગળો સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. ગળોમાંથી છ રસો ઉત્પન્ન થાય છે.કડવો,તૂરો,તીખો અને મધુર રસનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તીખો,કડવો અને તૂરો રસ કફદોષને મટાડે છે તેમજ મધુર રસ વાયુનું શમન કરે છે.ગળોનો મુખ્ય ગુણ વાત,પિત્ત અને કફના દોષોને શાંત પાડવાનો છે.બીજો ખાસ ગુણ જવરઘ્ર છે.ઘી,ગોળ સાથે સેવન કરવાથી વાયુનું અને બંધકોષનું શમન થાય છે.એરંડીયાના તેલ સાથે સેવન કરવાથી વાતરક્તનું અને સૂંઠ સાથે સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે.

    ગળાનાં પાનને તેલમાં વાટીને માથા પર ચોપડવાથી શરદીથી દુખતું માથુ મટે છે.તેના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગૂમડા મટે છે.આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે તેથી એ પાંચ તત્વો પૂરા પાડનાર વનસ્પતિ ગણવામાં આવે છે.

    આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

    કોઈપણ પ્રકારના તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ષધ છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ ઉઘડશે.

    મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.

    ગળો આયુર્વેદ પ્રમાણે યોગવાહી ઔષધ છે. (એટલે કે બીજા ઔષધ સાથે મિશ્ર કરતા એના અને પોતાના એમ બંનેના ગુણોનું વહન કરે છે.) જેમ કે ઘી સાથે ગળો લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તના રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાતી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડે છે.
    ગળોના ટૂકડા કરી, છૂદીને પલાળી રાખવાથી એમાંથી ઘાટો, ઠંડો અને અમૃત જેવા ગુણવાળો રસ નીકળશે. સવાર સાંજ આ રસ પીવાથી તાવ, મેલેરિયા, તરસ, દાહ, કમળો, કોઢ, ચામડીના રોગો, લેપ્રસી-વાતરક્ત, પ્રમેહ અને કૃમિ જેવા અનેક રોગો મટી શકે છે.

    ગળોને આયુર્વેદના ઋષિઓએ ત્રિદોષ શામક કહી છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય દોષનું જે શમન કરે તે ત્રિદોષ શામક. એના આ ગુણના કારણે જ કદાચ કોઈ પણ પ્રકૃતિના માણસને એ અનુકૂળ આવે છે. પચવામાં તે હળવી અને પાચન શક્તિને સુધારનારી છે.
    રસાયન હોવાથી તે ધાતુ પરિપોષણ ક્રમને વ્યવસ્થિત કરી શરીરને તંદુરસ્ત અને યુવાન રાખવામાં મદદ કરે છે. એના નિયમિત સેવનથી વૃદ્ધાવસ્થા જલદીથી આવતી નથી. ગળો, ગોખરુ અને આમળાના સમભાગ સંયોજનથી ‘રસાયન ચૂર્ણ’ નામની એક દવા બને છે, જેના નિયમિત સેવનથી લાંબા સમય સુધી નીરોગી જીવન જીવી શકાય છે.
    ગળોના ધનમાં અતિવિષ, ઇન્દ્રજવ, લીંડીપીપર, મંડૂરભસ્મ અને સિંધાલૂણ મેળવીને સંશમની વટીનામની દવા બને છે જે બાળકો અને વૃદ્ધોના અનેક રોગોમાં ઉપયોગી છે.
    ગળોને બળ તથા વીર્યની વૃદ્ધિ કરનાર પણ કહી છે. હૃદય માટે પણ તે હિતકર છે. સંગ્રાહી હોવાથી ઝાડા, પ્રદર, પ્રમેહ, શરદી, રક્તપિત્ત અને ઊલટી જેવા રોગોમાં પણ ઉપયોગી છે. ગળોના રસમાં કે ઉકાળામાં દિવેલ મેળવીને પીવાથી વાતરક્ત એટલે કે લેપ્રસી રોગ કાબૂમાં આવી મટી શકે છે.
    ગળોના હીમને મધ સાથે આપવાથી ગમે તેવી ઊલટી હોય તો પણ તે કાબૂમાં આવી જાય છે.
    ગળોમાંથી ગળોસત્ત્વ, અમૃતારિષ્ટ, અમૃતા ગૂગળ, સંશમની વટી, રસાયન ચૂર્ણ અને ગુડુચ્યાદિ કવાથ જેવા અનેક ઔષધો બને છે.
    ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. વૈદ્યોનું તે ખૂબ જ પ્રિય ઔષધ છે. રસાયન ચૂર્ણ પિત્તના રોગોમાં અકસીર છે. આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં તથા અમ્લપિત્ત-એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઈ, ઉપર ગાયનું દૂધ પીવું. આ સરળ ઉપચારનું લાંબા સમય સુધી પાલન કરવાથી ઉત્તમ લાભ થાય છે.

    રસાયન ચૂર્ણની જેમ સંશમની વટી, અમૃતા ક્વાથ, અમૃતા ગુગળ, ગુડુચ્યાદિ વટી, ગુડુચી ઘૃત વગેરેમાં ગળો મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે. (સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે.)

    એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે.

    ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ.
    ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.

    (૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.

    (૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે.

    (૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.

    (૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.

    (૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.

    (૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.)

    (૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.

    (૮) ઠંડા પાણીમાં ગળોનો કંદ ઘસી અરીઠા સાથે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરે છે.

    (૯) ગળો અને સૂંઠનો કાઢો-ઉકાળો પીવાથી આમવાત મટે છે.

    (૧૦) ગળોના કલ્કમાં મધ નાખી ખાવાથી કફ મટે છે.

    (૧૧) ગળોના રસમાં મધ નાખી ચાટવાથી મુત્રકૃચ્છ (ટીપે ટીપે પેશાબ થવો) મટે છે.

    (૧૨) ગળો અને ગુગળને એરંડાનાં પાંદડાના રસમાં ઘસી પેટ ઉપર લેપ કરવાથી કૃમી મટે છે.

    જીર્ણ જ્વર ઉપર: (૧૩) ગળોના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાંખી પીવાથી જીર્ણ જ્વર મટે છે.

    (૧૪) ગળો, આમળાં અને નાગરમોથનો ઉકાળો પીવાથી કોઇપણ તાવ મટે છે.

    (૧૫) ગળોનો રસ જીરુ અને સાકર સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.

    (૧૬) ગળોનો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે.

    (૧૭) શક્તિ માટે ગળોનો રસ ડાંગરની ધાણી-મમરા સાથે લેવો.

    (૧૮) અરૂચી દુર કરવા દાડમ સાથે ગળોનો રસ લેવો.

    https://www.facebook.com/share/p/u5nXozQgG2cQKMdB/?mibextid=oFDknk

  • હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ લોકોએ લાભ લીધો

    હિંમતનગરમાં આર્યુવેદિક હોસ્પિટલ વડે આયોજીત આયુષ મેળામાં 400થી પણ વધુ લોકોએ લાભ લીધો

    संकलन: नीरव जोशी, हिम्मतनगर (M-7838880134)

    • દરરોજ દરેક માટે આયુર્વેદ’
    • ભારતીય આયુર્વેદ થકી નાગરીકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે હિંમતનગર ખાતે  આયુષ મેળાનું આયોજન 
    • ૪૦૦ થી વધુ લોકોએ આયુષ મેળાનો લાભ મેળવ્યો.

          આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત સાબરકાંઠા  દ્રારા આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે સાબર સોસાયટી મહાવીરનગર હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે આયુષમેળાને ખુલ્લો મુક્યો હતો.

         ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબજ મહત્વ છે વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે. આ એલોપેથીક દવાઓ લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે. આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી  યોજાયેલા આયુષ મેળા એ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.     

             આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેને આયુર્વેદની મહત્વ અને તેની ઉપયોગીતા અંગે લોકોને વાકેફ કર્યા હતા. તેમણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘આપણા વેદોમાં આયુર્વેદનું મહત્વ અને ઉપચારો દર્શાવ્યા છે. વિશ્વ આખું આજે ભારતના આયુર્વેદમાં વિશ્વાસ કરતું થયું છે ત્યારે આપણે એલોપેથિક પર જીવી રહ્યા છીએ અને આયુર્વેદને નકારી રહ્યા છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આપણા ત્યાં એવી ગ્રંથિ છે કે સસ્તુ અને સરળતાથી મળી રહે તેની કિંમત ન હોય! એટલેજ કદાચ આજે આયુર્વેદની કિંમત વિસરાઈ રહી છે. આપણા વડીલો અને પૂર્વજો જે આયુર્વેદની વાત કરતા તેને આપણે સ્વીકારી નુકસાનકારક એલોપેથીકથી છુટકારો મેળવવાનો છે.        

           

    ‘દરરોજ દરેક માટે આયુર્વેદ’ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી ,પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન ,બીપી સુગર ચેકઅપ ,વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા,વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન, યોગ પ્રદર્શન જેવા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે સુવર્ણપ્રાસનનું આયોજન કરાયુ હતું.   જેમાં કુલ ૪૦૦થી વધુ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે ૭૦૦થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો.   

        આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા આયુર્વેદીક અધિકારીશ્રી ખરાડી, જિલ્લા પંચાયતના સભ્યો, આયુર્વેદિક વિભાગના ડોકટરો તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ, નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.      


    હિંમતનગર ખાતે  પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ અંતર્ગત એક દિવસીય વર્કશોપ યોજાયો

    ****

          સાબરકાંઠા જિલ્લાના  તાલુકા હેલ્થ કચેરી હિંમતનગર ખાતે પી.સી એન્ડ પી.એન ડી ટી એક્ટ સમિતિના ચેરમેનશ્રી  કૌશલ્યા કુંવરબાના અધ્યક્ષ સ્થાને એક દિવસિય વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં હિંમતનગર તાલુકાનો સેક્સ રેશીયો તથા ગામ વાઇઝ સેક્સ રેશીયો અંગે માહિતી આપવામાં આવી હતી. વર્કશોપના અંતે હાજર રહેલ મહાનુભાવો દ્વારા  સ્ત્રી ભ્રુણ હત્યા ન થાય તે અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ વર્કશોપમાં તાલુકાના સરપંચ શ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ તથા લક્ષીત દંપતીઓ હાજર રહ્યા હતા.


    સફાઇ ઝુંબેશ અંતર્ગત ખેડબ્રહ્માના તુવેર ગામે સફાઇ કરાઈ

    સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં  ખેડબ્રહ્મા તાલુકાના તુવેર ગામે સફાઈ કરવામાં આવી હતી. સફાઈ ઝુંબેશ દરમિયાન તુવેર ગામના જાહેર રસ્તાની આજુબાજુ ઉગી નીકળેલા ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ સાથે પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ રાષ્ટ્રવ્યાપી અભિયાન બની રહ્યું છે. આ અભિયાન થકી નાગરિકો સ્વચ્છતાની પહેલ કરી સફાઈ ઝુંબેશ માં સક્રિયપણે જોડાઇ રહ્યા છે.જિલ્લાના નાગરીકો સફાઈ કરીને  સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે.

  • ડોડીની વેલ એટલે એટલે ઔષધિની અમૃતવેલ, જાણો એના બેનમૂન ફાયદા

    ડોડીની વેલ એટલે એટલે ઔષધિની અમૃતવેલ, જાણો એના બેનમૂન ફાયદા

    Avspost.com Desk, 

    લેખક. ડો. શરદ ઠાકર

    આંખે દેખતે હો, કભી નજરિયા ભી દેખ લિયા કરો……………

    નીતા નામની 14 વર્ષની કિશોરી. જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. અચાનક એની જમણી આંખમાં ‘ફુલુ’ અને ‘વેલ’ નામની ચિંતાજનક બીમારીની પગલી પડવાનું શરૂ થયું. એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપથીની વિદ્યાર્થિની હતી. એણે ઉપાયો સૂચવ્યા જે કારગત ન નિવડ્યા. ઘઉંના જ્વારા વાટીને એના રસનાં ટીપાં આંખમાં પાડ્યાં, પણ બીમારી વધતી ગઈ.

    નીતાના મનમાં તીવ્ર ડર પેસી ગયો હતો. આનું કારણ એના પપ્પાની ભૂતકાળની ઘટનામાં રહેલું હતું. નીતાના પપ્પા જ્યારે 11-12 વર્ષના હતા ત્યારે એમની આંખમાં પણ આવી જ રીતે બીમારીએ પગપેસારો કર્યો હતો. પપ્પાની ડાબી આંખમાં કોર્નિઅલ ઓપેસિટી અને જમણી આંખમાં ગ્લુકોમા નામની એ જમાનામાં અસાધ્ય ગણાતી બીમારી લાગુ પડી હતી. પરિણામે પપ્પાની જમણી આંખ પૂરેપૂરી અંધાપાગ્રસ્ત થઈ ગઈ હતી. ડાબી આંખમાં પણ ગમે ત્યારે અંધકાર છવાઈ જવાનું નક્કી હતું.

    પપ્પાની દયાજનક સ્થિતિની નીતા સાક્ષી રહી હતી. સારવારમાં સહેજ પણ કચાશ રાખી ન હતી. મુંબઈમાં લઈ જઈને પપ્પા ધનજીભાઈનું કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પણ કરાવી જોયું.

    સફળ ન રહ્યું. હૈદરાબાદ જઈને એ જ સર્જરી ફરીવાર કરાવી. આંખ પર છવાયેલો કાળો પડદો ન જ હટ્યો. પંચાવન વર્ષ પહેલાંની આ ઘટનાઓ. આજે ધનજીભાઈ અઠ્યોતેરની ઉંમરે પણ અંધારાં ઊલેચી રહ્યા છે.

    આ અનુભવના કારણે નીતા ડરી ગઈ હતી. બીજા વર્ષે એ ભણવા માટે રાજકોટમાં આવી. આંખના ડોક્ટરે કહ્યું, ‘તને પણ એક આંખમાં કોર્નિઅલ અલ્સર અને બીજીમાં ગ્લુકોમાની શરૂઆત થઈ ગઈ છે.’

    મરતા ક્યા નહીં કરતા? ક્યાંકથી જાણવા મળ્યું, ‘રાજકોટમાં એક ગ્રૂપ છે, જેના સભ્યો છોડ અને રોપાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. એ લોકો માને છે કે આપણી વનસ્પતિઓમાં અમોઘ ઔષધીય ગુણો હોય છે.’

    ડૂબતા માણસ તરણાનો સહારો ઝડપી લે એવી રીતે નીતાએ એ ગ્રૂપના સભ્યોનું સૂચન ઝીલી લીધું, ‘આ જીવંતી નામની વનસ્પતિ છે. એનું નિત્ય સેવન કરીશ તો તારી બંને આંખો હીરા જેવી તેજસ્વી બની જશે.’ એ ઘડી અને આજનો દિવસ! છેલ્લા અઢી-ત્રણ દાયકાથી નીતા (હવે નીતાબહેન) જીવંતીનું સેવન કરતાં રહ્યાં છે. ન તો એમની આંખમાં ફુલુ છે, ન વેલ, ન ઝામર. અરે, ચશ્માનાં નંબર પણ નથી આવ્યા.

    જીવંતીને ડોડી અથવા ખરખોડી પણ કહે છે. એક કડવું સત્ય જણાવું? જે દેશમાં હજારો વર્ષથી માતાઓ પોતાનાં સંતાનોની આંખોમાં શુદ્ધ ઘીના દીવાની મેશ આંજતી આવી છે એ દેશ વિશ્વભરમાં અંધાપો અને આંખની અન્ય બીમારીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. અનુભવીઓના મુખેથી મેં સાંભળ્યું છે કે માણસની મોટાભાગની શારીરિક તકલીફોનું નિવારણ ગામ કે શહેરની આસપાસ ઊગતાં વૃક્ષો અને વનસ્પતિઓ પાસેથી જ મળી રહે છે.

    નીતાબહેન દાવા સાથે કહે છે, ‘જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે?’

    અંગત અનુભવ જણાવું. મારું પૈતૃક વતન જૂના ખેડા જિલ્લાના બાલાસિનોર તાલુકાનું એક સાવ નાનકડું ગામ જેનું નામ સાલૈયા છે ત્યાં આવેલું છે. શૈશવથી લઈને યૌવનકાળ સુધી દર ઉનાળુ વેકેશનમાં મારા પરિવારની સાથે હું ત્યાં જતો હતો અને બબ્બે મહિના સુધી ખેતરો અને વગડામાં ભમતો હતો. આવી જ રજાઓના દિવસોમાં એકવાર હું ભારે શરદીનો ભોગ બની ગયો. બંને નસકોરા સાવ બંધ. શ્વાસ મોંએથી લેવો પડે. કપાળ અને માથું ભારે દુ:ખે. ગામનો એક પટેલ છોકરો મારો પાક્કો દોસ્ત. એ મને ગામની બહાર આવેલા એક ખેતર પાસે લઈ ગયો. થોરની વાડ ઉપર પથરાયેલા એક વેલા તરફ આંગળી ચીંધીને મને કહ્યું, ‘આ ડોડીનાં પાન છે. એક પાંદડું તોડીને એની દાંડલી વારાફરતી એક-એક નસકોરામાં દાખલ કર. છીંકો આવવા માંડશે. અંદર ભરાયેલું બધું પ્રવાહી બહાર નીકળી આવશે. અહીં તો અમે બધાં આવું જ કરીએ છીએ. તને વિશ્વાસ હોય તો અજમાવી જો.’

    મારી હાલત પણ ‘મરતા ક્યા નહીં કરતા?’ જેવી જ હતી. મેં દાંડલીથી મારા નાકમાં ‘હળી’ કરી. છીંકોની વણથંભી ધારાવાહિક સિરિયલ ચાલુ થઈ ગઈ. ચાર-પાંચ હાથરૂમાલ ભીનાં થઈ જાય એટલું પ્રવાહી નીકળી ગયું. માથું હળવું થઈ ગયું. એ સાંજે અમે ત્રણેક કલાક સુધી નદી, ખેતર, વગડો ભમતા રહ્યા.

    એ પછી મોટો થઈને હું મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો, ડોક્ટર બન્યો. આપણી ધરતીની ધરોહર પરથી ભરોસો ઊઠતો ગયો, એલોપેથિક મેડિસિન્સમાં અતૂટ શ્રદ્ધા બેસતી ગઈ. ડોડીનાં પાંદડાંનું સ્થાન પેરાસિટામોલ અને લીવોસેટ્રીઝને લઈ લીધું.

    આજે પચાસ વર્ષ પછી એ ભૂલાઈ ગયેલું ડોડીનું નામ નીતાબહેન પાસેથી સાંભળવા મળ્યું. ડોડી ખરેખર ભૂલાઈ ગયેલું નામ છે. આની પાછળનાં ઘણાં બધાં કારણોમાં એક કારણ બદલાયેલા પર્યાવરણનું પણ છે. ડોડીનો ફેલાવો એનાં બીજ દ્વારા થાય છે. ગામડાંમાં રહ્યાં હોય એ લોકોને ખબર હશે કે વૈશાખના મહિનામાં ગામડાંમાં ભરબપોરે ધૂળની ડમરીઓ ચડતી હોય છે. માર્ગમાં ધૂળ ગોળ-ગોળ ઘૂમરાતી, ઊભા થાંભલાની જેમ પવનના વેગથી જમીન પરથી ઉપરની દિશામાં જાય છે અને પછી વિસ્તરીને શાંત પડી જાય છે. આ વાસ્તવમાં પ્રકૃતિ દ્વારા પ્રયોજાતું એક ગુપ્ત મિશન છે. આ ધૂળની ડમરીની સાથે સાથે કંઈ કેટલીય વનસ્પતિનાં બીજો પણ ઊંચકાઈને એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતાં રહે છે.

    ડોડીનાં બીજ પણ ડમરીની સાથે ઉડીને થોરની વાડ ઉપર જઈ બેસે છે. વાડ પણ કુદરતે કાંટાળી પસંદ કરી, જ્યાં બકરી કે તોફાની બાળકો પણ જવાની હિંમત ન કરે. બીજ ત્યાં સલામતીપૂર્વક પડ્યાં રહે. પછી જૂન-જુલાઈમાં વરસાદ આવે. પાણીમાં ભીંજાઈને બીજ માટીમાં પડે, ત્યાં પાંગરે અને વેલા રૂપે વિસ્તરતા રહે.

    હવે ધૂળીયા મારગ ઉપર ડામર પથરાઈ ગયો છે. (ગામડાંમાં પણ.) થોરની વાડો જવલ્લે જ જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી. પરિણામ આપણી આંખ સામે છે. આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે.

    રાજકોટથી જેતપુર જવાના માર્ગ પર એક આશ્રમ છે. ત્યાંના સંત ડોડીનો રોપો જોઈને રડી પડ્યા, ‘લગભગ વીસ વર્ષ પછી જીવંતીના દર્શન થયા. નાના હતા ત્યારે ગામડાંમાં અમારી સવાર જીવંતીનાં પાંદડાં ચાવવાથી પડતી હતી અને રાતનું વાળુ કાયમ બાજરીના રોટલા સાથે ડોડીની ભાજી ખાવાથી થતું હતું. અમારા ગામનાં 70-75 વર્ષનાં વૃદ્ધોનાં માથાં પર ઘટાટોપ કાળાભમ્મર વાળ શોભતા હતા અને એ બધાં ચશ્મા પહેર્યા વિના છાપું વાંચી શકતા હતા. એ પ્રતાપ ડોડી ઊર્ફે જીવંતીનો હતો.’

    હા, જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાકશ્રેષ્ઠા છે. આજે માણસ હવા, પાણી, ખોરાક બધાંમાં ઝેર આરોગતો રહે છે. ડોડીનું શાક આ બધાં ઝેરનું મારણ છે. પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપ્સૂલ્સમાંથી મળતાં વિટામિન ‘એ’નો સરવાળો કરીએ એના કરતાં પણ અધિક માત્રામાં વિટામિન ‘એ’ જીવંતીમાં રહેલું છે. જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે એક ચમચી જીવંતીનો પાઉડર લેવાથી પચીસ દિવસમાં આંખના નંબર ઊતરી જાય છે.

    એક રસપ્રદ વાત એ છે કે જીવંતી કોઈ જાજરમાન સ્ત્રીની જેવી ‘માનુની’ છે. એ માન માગતી વનસ્પતિ છે. જો એને તમારા આંગણામાં રોપશો, પણ એના તરફ માનભરી નજર નહીં નાખો તો એ થોડા જ દિવસોમાં સુકાઈ જશે. જો તમે એની તરફ પ્રેમથી જોશો તો તે જોતજોતામાં ઘટાટોપ થઈ જશે.

    ભારત દેશમાં પ્રત્યેક ઘરમાં કોઈ ને કોઈ સ્વરૂપે જીવંતી હોવી જ જોઈએ, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે જીવંતીને શોધવી ક્યાં અને કેવી રીતે?

    ચિંતા કરવાની જરૂર નથી. જે વાચકમિત્રોને મન ચશ્મા કરતાં આંખોનું મૂલ્ય વધાર છે એમને હું નિ:શુલ્ક મદદ કરી શકું છું. દવાખાનાનું કે ચશ્માની દુકાનનું સરનામું આપવાને બદલે હું જીવંતીનું સરનામું ચીંધી શકું છું. આ દેશમાં આંખવાળાઓને પણ દૃષ્ટિની જરૂર છે..

    લેખક. ડો. શરદ ઠાકર

    કોઈ પણ આયુર્વેદિક દવા વેચતા હોય એ શોપ પર તમે તપાસ કરશો તો તમને યોગ્ય માહિતી મળી જશે અને જીવંતી નો તૈયાર પાવડર પણ મળી જાશે . અથવા ગામડાં મા વસ્તા તમારા મીત્રો કે સ્વજનો ને પૂછશો તો કદાચ એ પણ તમને જીવંતી ની વેલ અથવા દોડી વિશે માહીતી આપી શકે છે

  • સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

    સાબરકાંઠા:આગીયોલ ગામના સખીમંડળના પ્રણેતા શિલ્પાબેને આર્યુવેદનું નામ રોશન કર્યું

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    આગિયોલનો આયુર્વેદ મલમ છેક ઓસ્ટ્રેલિયા સુધી પંહોચ્યો

    સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક  હર્બલ પ્રોડક્ટ થકી રૂ. ૫૦,૦૦૦/- થી વધુની કમાણી કરે છે.

    કહેવાય છે આયુર્વેદ એ પાંચમો વેદ છે અને આ આયુર્વેદના ઉપયોગથી અનેક જાતના અસાધ્ય રોગોમાંથી મુક્તિ મળે છે. તો આવા આયુર્વેદનો ઉપયોગ કરીને સાબરકાંઠાના આગીયોલ ગામના શિલ્પાબેને સેવા શક્તિ મંડળ તેમજ સેવા ગૃહ ઉદ્યોગ દ્વારા લોકોને કોરોના ના અતિશય મુસીબત વાળા કપરા સમયમાં આર્થિક રીતે મદદરૂપ થઈએ તેમજ રોજગાર આપીને સમગ્ર ગુજરાતની નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. આવો જાણીએ શિલ્પાબેન ની એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકેની ગૌરવ યાત્રા.

    શહેરી અને ગ્રામિણ ગરીબ કુટુંબને એક જૂથ અને સંગઠિત બની સ્વરોજગારીની દિશામાં આગળ વધે અને આર્થિક રીતે ઉન્નત બને તે માટે મિશન મંગલમ હેઠળ સખી મંડળોની રચના કરવામાં આવે છે. આવુ જ એક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગિયોલનું સેવા સખી મંડળ જે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને એક મહિમાં ૫૦,૦૦૦/- થી  વધુની કમાણી કરે છે.

    આ મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોહિલ જણાવે છે કે અત્યારના આધુનિક યુગમાં બજારમાં મળતા હેલ્થ તેમજ સુંદરતા વધારવાના કેમિકલ પ્રોડક્ટનું વેચાણ થાય છે જે આપણા સ્વાસ્થ્યને અને શરીરને નુકસાનકારક બને છે સાથે પૈસાનું પણ નુકસાન થાય છે. પરંતુ અમારી સેવા સખી મંડળની બહેનો દ્વારા પ્રાચીન ઔષધીઓમાંથી કેમિકલ વગરની પ્રોડક્ટ ઉત્પાદિત કરી વેચાણ માટે મુકે છે. જે બિલકુલ આડઅસર કરતી નથી અને ઘરમાં નાના-મોટા સભ્યો માટે આ આયુર્વેદિક પ્રોડક્ટ ફાયદાયક સાબિત થાય છે.

    અમારા સખી મંડળમાં અમે ૨૦ બહેનો છીએ. અમારી સેવા સખી મંડળની બહેનો જાતે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ બનાવીને વેચાણ કરીએ છીએ. અમારા મંડળ દ્વારા ૧૭ જેટલી હર્બલ પ્રોડક્ટો  બનાવવામાં આવે છે. જેમાં ગીરનારી આયુર્વેદિક માલીસ તેલ, ગીરનારી દીપ આયુર્વેદિક દંતમંજન, ગીરનારી સંજીવની આયુર્વેદિક ચુર્ણ, ગીરનારી હરસ મુક્ત ચુરણ, ગીરનારી એલોવેરા જેલ, ગુલાબ જલ, ગીરનારી પગ વાઢીયા મલમ, ગીરનારી ફેસપેક પાઉડર, વેટપ્લસ ચુરણ, હર્બલ શેમ્પુ, ડાયાબિટિસ માટે નિત્યમ કંટ્રોલ ચુરણ, ,પથરી-ગો આયુર્વેદિક ચુરણ, કોલ્ડક્રિમ, હેર ઓઇલ જેવી વિવિધ પ્રોડક્ટો અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે.

    વધુમાં શિલ્પાબેન જણાવે છે કે અમે છેલ્લા ૧૨ વર્ષથી આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ. અને જેમાં અત્યાર સુધી વર્ષે રૂ. ૧૨ થી ૧૩ લાખનું ટનઓવર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે. સખી મંડળમાં દરેક બહેન દિવસના ૪૦૦ થી ૫૦૦ જેટલા રૂપિયા કમાવી લે છે.

    સેવા સખી મંડળની વિવિધ હર્બલ પ્રોડક્ટ પૈકી ગીરનારી આયુર્વેદિક માલીસા તેલનું ખુબ જ વેચાણ થાય છે. આ માલીસ તેલ છેક ઓસ્ટ્રેલીયા અને કેનેડા જેવા દેશો પણ જાય છે. આ તેલ થકી કમર-માથાનું દર્દ,સંધીવા,વા-ધૂંટળ-પીઠ –કડતર ,સ્નાયુ –પગની એડી-સાયટીકા,ગરદન-પગ મંચકોડ,સોજા,પગના તળીયા, બળતરા-ખસ, ખરજવું, ધાધર, ખંજવાળ,શરદી ,ઉધરસ ,કફ જેવા દુ:ખ દુર કરે છે. આ માલીસ તેલની અસરકારતાના કારણે કોરોના સમય દરમિયાન સેવા સખી મંડળ દ્વારા માલીસ તેલનું ૪ લાખ જેટલું વેચાણ કરવામાં આવ્યુ હતુ.

    સેવા સખી મંડળ સાથે બીજા ૫ સખી મંડળની બહેનો  દ્વારા આવા આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવે છે. આ આયુર્વેદિક પ્રોડક્ટ ફક્ત જિલ્લામાં જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્ય તથા વિદેશમાં પણ માંગ છે.સેવા સખી મંડળને વર્ષ ૨૦૨૨માં મુખ્યમંત્રી અને મહિલા આર્થિક વિકાસ દ્વારા બેસ્ટ સેલરનો એવોર્ડ આપીને સંન્માનિત કરવામાં આવ્યા છે.

  • વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

    વૈદરાજ જેમણે હજારો દર્દીઓના સ્વાદુપિંડનો સોજો-Pancreatitisનો કર્યો આર્યુવેદિક અકસીર ઉપચાર!

    નીરવ જોષી, ગાંધીનગર

    joshinirav1607@gmail.com (9106814540)

    મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ ઉતરાખંડ સ્થાયી થયેલા વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ નામના વિદ્વાન વૈદ ઋષિ ગુજરાતના ઘર આંગણે મહેમાન બન્યા છે! હાલમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા શરૂ થયેલી આયુષ મંત્રાલય દ્વારા આયોજિત ગ્લોબલ આયુર્વેદ innovation- ઇનોવેશન summit- 2022 મા તેમણે હાજરી આપી હતી.

    અસાધ્ય રોગોની વાત કરીએ તો બ્લડ કેન્સર તેમજ છેલ્લા ઘણા વર્ષોથી સ્વાદુપિંડના સોજાને જેને અંગ્રેજીમાં પેનક્રિયાસ-  Pancreatitis કહેવાય છે એના રોગીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ખૂબ વધુ પડતું દારૂનું સેવન તેમજ આનુવંશિક બીમારીને લીધે  Pancreatitis નામનો રોગ થાય છે. આ રોગના લક્ષણો માં સ્વાદુપિંડના એટલે કે પેન્ક્રિયાઝની ઉપર સોજો આવી જાય છે ..પરિણામે દર્દી પાણી પણ પી શકતું નથી! અને તે ખૂબ જ રીતે હેરાન થાય છે… એટલે સુધી કે એને પાણી પીવામાં આવે તો તરત જ ઊલટી થઈ જાય છે અને કેટલીક વખત દર્દીની અમુક ખરાબ હાલતમાં તો મોત પણ થઈ જાય છે….

    આવા અસહ્ય વિકટ સંજોગોમાં  દર્દીને સાજો કરવા માટે એલોપેથીમાં કાયમી જડમૂળથી દૂર કરવાનો કેમિકલવાળી દવાઓનો કોઈ કાયમી કે આડઅસર વાળો ઉપાય નથી ત્યારે આયુર્વેદ આવા રોગમાં પણ ખૂબ કારગર સાબિત થયું છે… તેનો જીવતો જાગતો પુરાવો છે વૈદરાજ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી નો 30થી થી વધુ વરસનો આયુર્વેદાચાર્ય નો અકસીર તેમજ સિદ્ધહસ્ત અનુભવ જે ભારતના પાંચ વેદ તરીકે ઓળખાતા આર્યુવેદમાંથી તેમણે જાણ્યું છે અને આત્મસાત કર્યો છે!

    વૈદરાજ બાલ ઇન્દુ પ્રકાશ ને ૧૯૯૯માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી તેમની આયુર્વેદના જ્ઞાનને લીધે પુરસ્ક્રૂત કર્યા હતા.
    સોશિયલ મીડિયાની સાઈટ-YouTube,Google,Twitter ઉપર પણ તેમનો પરિચય સર્ચ કરવાથી જોવા મળી શકે છે!

    પારો,ગંધક તેમજ તાંબાના મિશ્રણથી વૈધ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી એ એવી આયુર્વેદિક ઔષધી તૈયાર કરી હતી કે જેના કારણે તેમને ચૌદસો થી પણ વધારે દર્દીઓને છેલ્લા ૨૫ વર્ષમાં સાજા કર્યા હતા! અને તેમના કહેવા મુજબ તેમણે આવા ઘણા દર્દીઓના લાખો નહીં પણ કરોડો રૂપિયા બચાવ્યા છે! એક અંદાજ મુજબ તેમણે 90 કરોડથી પણ વધારે રૂપિયા    Pancreatitis દર્દીઓનાના આર્યુવેદિક ઉપચાર વડે બચાવીને તેમના જીવનને આર્યુવેદના આશીર્વાદ વળી સુરક્ષિત કર્યું છે !

    આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં Pancreatitis ના અકસીર ઇલાજ માટે તેમનું નામ ખૂબ જ પ્રસિદ્ધ થયું છે સમગ્ર વિશ્વમાં તેમના સંશોધનને આદરપૂર્વક જોવામાં આવે છે! આવા આયુર્વેદને ખુબ ગૌરવ નું સ્થાન અપાવનારા વૈદરાજ ગુજરાતના આંગણે મહેમાન બન્યા હતા અને હાલ ગુજરાતમાં જ છે! તેમણે આયુષ મંત્રાલયના આ કાર્યક્રમમાં ત્રણ દિવસ હાજરી આપી હતી અને પોતાના અમૂલ્ય સૂચનો પણ જણાવ્યા હતા. હાલમાં વૈદરાજ નું રુદ્રપુર ખાતે ક્લિનિક – મોટી હોસ્પિટલ છે જ્યાં Pancreatitis દર્દીની એક,દોઢ લાખથી બે લાખ માં પૂરેપૂરી સારવાર થાય છે!

    મને છેલ્લા ત્રણ દિવસ પહેલા મારી ઓળખાણના એક અમદાવાદી ભાઈનું મારા પર ફોન આવ્યો અને જણાવ્યું નિરવભાઈ… મારે પોતાની જ સાચી વાત કહું કે હું Pancreatitis થી ૧૬ વર્ષની ઉમ્મરથી જ બીમાર હતો! હાલ મારી ઉંમર ૩૪ વર્ષની થઈ અને એમને એટલે કે વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશજી એ મારી ઉત્તરાખંડમાં સારવાર કરી અને અસાધ્ય રોગ મટાડ્યું છે તો આપ ચોક્કસ આવા સિદ્ધહસ્ત આર્યુવેદ આચાર્યના પ્રસિદ્ધ સારવાર કાર્ય વિશે જાણો અને એમના વિશે લખો જેથી કરીને ગુજરાતના પણ હજારો દર્દીઓને પણ એક સાચા આર્યુવેદિક ઔષધિ આપનારા વૈધ ઋષિનું સાચી માહિતી મળે અને ભવિષ્યમાં જેનો ઉપયોગ કે તેઓ ઉત્તરાખંડ માં જઈને સ્વાદુપિંડના સોજા ની બીમારી ની સારવાર લઇ શકે!

    તેમની દીકરી શિખા બાલ ઇન્દુ પ્રકાશ પણ દેરાદુન માં હોસ્પિટલ ચલાવે છે બાપ – દીકરી ખૂબ જ સક્રિય  બ્લડ કેન્સરથી અને Pancreatitis સંકળાયેલા દર્દીઓની સારવાર કરે છે! તેમજ હજારો દર્દીઓને સાજા કર્યા છે. તેઓ ના આશીર્વાદ મળ્યા છે !
    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી પણ ઘણા દર્દીઓ એલોપેથી કંટાળીને

    વૈદરાજ વિદ્યા બાલ ઇન્દુ પ્રકાશ પાસે સારવાર લઇ ચૂક્યા છે અને સ્વાદુપિંડ સોજાના અસાધ્ય રોગથી થી બે-ત્રણ વર્ષમાં મુક્તિ પણ ઘણા ગુજરાતી દર્દીઓને મળી છે. આપણા ગુજરાતીઓના બ્લડ કેન્સરની સચોટ સારવાર થઇ છે! આમ આર્યુવેદ કે જેને પાંચમો વેદ આપણા હિન્દુ ધર્મમા જણાવવામાં આવ્યો છે તેનાથી અસાધ્ય કહેવાય તેવી બીમારીઓનું પણ સરળ અને ખૂબજ અકસીર ઇલાજ મેળવી આપનારા આવા વૈદરાજોને ભારત સરકારે આયુષ મંત્રાલયના કાર્યક્રમ વડે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉત્તમ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડીને તેમનો વિશાળ વૈદકીય અનુભવનો વધુમાં વધુ લાભ ભારતની જનતા લઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.

    આ હતું ત્રણ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગ્લોબલ આર્યુવેદિક એન્ટરપ્રિન્યોર, ઇનોવેશન અને ઇન્વેસ્ટર્સ સમિટનું એક સર્વોચ્ચ વિઝન કે દૂરંદેશી પગલું! જેમાં ગુજરાતની પાંચ આર્યુવેદીક કોલેજ ના હજારો વિદ્યાર્થીઓ તેમના આચાર્ય સાહેબ તેમજ અધ્યાપકો સાથે લાભ લેવા ઉમટી પડ્યા હતા.. સાથે સાથે અન્ય આર્યુવેદ સાથે સંકળાયેલા લોકોએ પણ ત્રિદિવસીય સેમિનારનો ખૂબ મોટા પાયે લાભ લીધો હતો.