ટૅગ Agriculture Minister

  • રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

    કૃષિ અને ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરનાર પ્રેરણાણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે: કૃષિ મંત્રીશ્રી

    કૃષિ ભવન-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે હરિત ક્રાંતિના પ્રણેતા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભારતે એક અણમોલ રતન ખોયું છે તેમ કહેતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ અને દેશના ખેડૂતો માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એવા પ્રેરણાદાયી વ્યક્તિત્વની ચીર વિદાય દેશને હરહંમેશ વર્તાશે.

    મંત્રી શ્રી રાઘવજી પટેલે આ શંતિસભા દરમિયાન ડૉ. એમ.એસ.સ્વામિનાથન જીવન-કવન વિશે અને તેમણે ભારતીય કૃષિ ક્ષેત્રે આપેલા મહામૂલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૬૦માં જ્યારે સમગ્ર દેશમાં અનાજની અછત ઉભી થઈ હતી અને અનેક રાજ્યોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ડૉ. સ્વામિનાથને સાથી વૈજ્ઞાનિકો સાથે મળીને ભારતના વાતાવરણને માફક આવે એવી વધુ ઉત્પાદન આપતા ઘઉંના બીજનું સંશોધન કર્યુ હતું. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. તેમના પરિણામે જ હરિત ક્રાંતિની સાથે ખેતીનો વિસ્તાર વધ્યો, ખેડૂતો એક ઋતુમાં એક કરતા વધુ પાકો લેતા થયા, વધુ ઉત્પાદન આપતી જાતોનાં બીજ અપનાવ્યા, પિયત વ્યવસ્થામાં સુધારો થયો, ખેતીમાં યાંત્રિકીકરણ વધ્યું અને પાક સંરક્ષણ અંગે જાગૃતિ આવી.

    મંત્રીશ્રીએ ઉમેર્યું કે, લઘુત્તમ ટેકાના ભાવની ગણતરી માટે તેમણે આપેલ ફાર્મુલા આજે પણ સર્વસ્વીકૃત છે. પાક સુધારણા વિષય ઉપર તેઓએ એકલા હાથે ૪૬ રિસર્ચ પેપર લખ્યાં જેના થકી તેઓ ભારતના પાક સુધારણાના પિતા તરીકે ઓળખાયા. ડૉ. સ્વામીનાથનને તેમના વિશિષ્ટ યોગદાન બદલ અનેકવિધ સન્માન અને એવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. જેની પણ વિગતો મંત્રીશ્રીએ સભામાં ઉપસ્થિત સૌને આપી હતી.

    કૃષિ ક્ષેત્રે સુધારણામાં યોગદાન, તેમના દ્વારા સ્થાપિત સંસ્થા અને તેના કર્યો વગેરેની પણ સવિસ્તૃત માહિતી મંત્રીશ્રીએ આપી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં પણ ડૉ. સ્વામીનાથનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    આ પ્રસંગે કૃષિ અને પશુપાલન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. શ્રી શાહ, ખેતી નિયામકશ્રી, બાગાયત નિયામકશ્રી સહિતના અધિકારીઓ, ખેડૂત પ્રતિનિધિઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. સ્વામીનાથનને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


    કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના તારીખ 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરના પ્રવાસો અને એના સમાચારો નીચે મુજબ છે.

     

    કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી: ખાદીની ખરીદી કરી અન્યોને ખાદી ખરીદવા કરી અપીલ

    રાજકોટ તા.૦૨ ઓક્ટોબર, રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ગાંધી જયંતી નિમિત્તે આજે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી.

    જયાં મંત્રીશ્રીએ “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન”ના મંત્રને ચરિતાર્થ કરવા અને ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી.
    આ તકે, મંત્રીશ્રીને ખાદી ભંડારના કર્મીઓ દ્રારા સુતરની આંટી થકી અભિવાદિત કરવામાં આવ્યા હતા.મંત્રીશ્રીએ ખાદી ભંડારની અન્ય વસ્તુઓને પણ નિહાળી હતી.ખાદી એ સ્વદેશી અભિયાનનું પ્રતીક છે,જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લોકો સમક્ષ સ્વદેશી કાપડ થકી ગ્રામજનોને સ્વરોજગાર માટે દર્શાવ્યું હતું. ત્યારે આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ખાદી ફોર નેશનના અભિયાનમાં કૃષિ મંત્રીશ્રીએ આજના યુવાનો પણ જોડાય તે માટે રાજકોટ ખાતે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાસ અપીલ કરી હતી.


    ———-

    *ધ્રોલ તાલુકાના લતીપર ગામે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો*

    *દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી થવા મંત્રીશ્રીનું આહવાન*

    *જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું*

    જામનગર તા.01, ધ્રોલ તાલુકાના લતીપર ગામે માધ્યમિક શાળા પાસે”એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કૃષિમંત્રીશ્રીએ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

    મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પહેલી ઓક્ટોબર 2023 ના દિવસે દેશના તમામ વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ “એક તારીખ એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.

    ‘Garbage free India’ની થીમ સાથે ગામો કચરા મુક્ત બને તે માટે એક તારીખ, એક કલાક અન્વયે મહાશ્રમદાન કરી સમગ્ર જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, પ્રવાસન સ્થળો, ગૌ-શાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો તેમજ ગામના જાહેર સ્થળો કે જ્યાં કચરો નાખવામાં આવતો હોય તેવી જગ્યાઓને સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધવામાં આવેલ છે.

    મહાશ્રમદાન થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટને પ્રોત્સાહન મળે તે પ્રકારનો મુખ્ય અભિગમ રહેલ છે.ત્યારે આ અભિયાનમા સ્વૈચ્છિક રીતે જોડાઈ શ્રમદાન કરી આપણું ગામ, તાલુકો અને જિલ્લો તેમજ આપણા દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.

    આ મહાશ્રમદાન કાર્યક્રમમાં મંત્રીશ્રી સાથે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ચૌધરી, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી સાકરીયા તેમજ બહોળી સંખ્યામાં લતીપરના ગ્રામજનો વગેરે જોડાયા હતા.

     

    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કસ્તૂરબાધામ, ત્રંબા ખાતે સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો*
    ૦૦૦૦૦
    *પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટે બાપુના સ્વચ્છ અને આત્મનિર્ભર ગામના મંત્રને સંકલ્પ માની કાર્ય હાથ ધર્યું છે – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    રાજકોટ તા. ૦૨ ઓકટોબર,

    રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

    આ તકે, મંત્રીશ્રીએ પૂજય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન કરી કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નના ભારતના નિર્માણ માટેની નેમ હાથ ધરીને તેના દરેક મંત્રને ઝીલી લીધો છે. સ્વચ્છતા, ખાદી,ગ્રામ સ્વરાજ અને ગામડાને આત્મનિર્ભર બનાવવાના ગાંધીજીના દરેક મંત્રને પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ બનાવી કાર્ય હાથ ધર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ બાપુની જન્મજયંતીએ સ્વચ્છાંજલિ સાથે સમગ્ર દેશને સ્વચ્છતા તરફ પ્રેર્યો છે.

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પૂજય બાપુના પડછાયા સમા બની તેમના સુખ-દુઃખમાં સર્વે કાર્યોમાં સહકાર આપનાર નારી રત્ન પૂજ્ય બાને આ ધામ ખાતે સત્યાગ્રહના દિવસોમાં કારાવાસમાં ૨૨ દિવસ નજર કેદ રાખવામાં આવ્યા હતા. એવી આ પાવન ભૂમિ કે જેની સાથે સત્યાગ્રહ અને ભારતની આઝાદીની લડત જોડાયેલી છે તે કસ્તુરબા ધામને સમગ્ર વિશ્વમાં તેમનું અમરત્વ ઉજાગર થાય તે રીતે સરકાર વિકસાવશે તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

    આ પ્રસંગે કસ્તુરબાધામ ખાતે મંત્રીશ્રીનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ અને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કસ્તુરબા નિવાસની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને માતા કસ્તૂરબાને સુતરની આંટી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તથા કનુભાઈ નારણદાસ ગાંધી તથા તેમના પત્ની આભાબેન કનુભાઈ ગાંધીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    સ્વચ્છાંજલિ સમારોહ ખાતે સરપંચ શ્રી દર્શનાબેન પીઠવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નિશિત ખૂંટ, પૂર્વ સરપંચશ્રી નિતીનભાઈ રૈયાણી, ટ્રસ્ટીશ્રીઓ મુકેશભાઈ મકવાણા, અલ્પેશભાઈ ચાવડા, ચેતનભાઈ રામાણી, સામાજિક આગેવાન શ્રી મૂળજીભાઈ ખૂંટ તથા અન્ય આગેવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

  • વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

    વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    • કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ
    • વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ.

    સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં સૌની યોજનાના માધ્યમથી પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાને વિશેષરૂપે કરેલ ભલામણનો સ્વીકાર કરી શ્રી કુંવરજીભાઇ બાવાળીયાએ જામનગર જિલ્લાના વિવિધ ડેમો તથા ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં જળ પુરવઠો ઠાલાવવાની મંજૂરી આપતાં જિલ્લાના જળાશયોને મહત્તમ જળ રાશી પ્રાપ્ત થઈ રહી છે.

    જેના કારણે સૌની યોજનાની લિંક-૧ મારફત મચ્છુ-૨ ડેમથી પંપીંગ કરી આજી-૩ પંપીંગ સ્ટેશન, ઉંડ-૧ ડેમ ખાતેના પંપીંગ સ્ટેશન તથા પીપરટોડા પંપીંગ સ્ટેશન મારફત જામનગર જિલ્લાના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સસોઈ ડેમમાં પાણી ઠાલવીને સસોઈ ડેમને ૧૦૦% પૂર્ણ સપાટીએ ભરવામાં આવેલ છે તથા સમગ્ર જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-૧, પેકેજ-૩ મારફત જોડાયેલા વિવિધ ગામોના ચેકડેમો જેવા કે લૈયારા, સણોસરા, ગઢડા, જાબીડા, હડમતીયા, સુમરા, પીપરટોડાના ૧૭ જેટલા ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૪ મારફત ચંદ્રગઢ, ઢાંઢા, મકવાણા, લાવડીયાના કુલ ૧૫ ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૫ મારફત આરીખાણા, હરીપર, પીપળી તથા રંગમતી ડેમની ઉપરવાસના કુલ ૧૧ ચેકડેમોને નર્મદાનાં નીરથી છલકાવવામાં આવેલ છે. સૌની યોજનાની લિંક-૩ મારફત કાલાવડ તાલુકાના ઉંડ-૪ અને ઉંડ-૩ ડેમ ભરવાની શરૂઆત કરેલ છે તથા વિવિધ ગામો જેવા કે સરવાણીયા, જાલણસર, અરલા, છતર, આણંદપર, ચારણ પીપળીયા, પીપર, કોઠા-ભાડુકીયાના કુલ ૨૯ ચેકડેમો અને તળાવો ભરવામાં આવેલ છે. આગામી સમયમાં લિંક-૧ મારફત પંપીંગ કરી ઉંડ-૨ ડેમ, પન્ના ડેમ, રંગમતી ડેમ તથા સૌની યોજના મારફત જોડાયેલ તથા હાલમાં વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન હાથ ધરાયેલ છે.


    *રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય*

    *ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*

    *ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક*

    *ગુજરાતમાં આગામી તા. ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી*

    *ખેડૂતો તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે*

    ગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીશ્રી જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.

    ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.

  • ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

    ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય

    નીરવ જોશી, ગાંધીનગર (M-9106814540)

    ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધું એક મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના જિલ્લાઓની સાથે પાટણ અને વડોદરા જિલ્લાના લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતોને પણ રૂ. ૩૩૦ કરોડના પેકેજનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રી પટેલનો ત્વરિત નિર્ણય : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    આ સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે

    કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, હરહંમેશ ખેડૂતના કલ્યાણને વરેલી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડૂતોના હિત માટે વધુ એક ક્રાંતિકારી નિર્ણય લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ.૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજ બાબતે પાટણ જિલ્લાના ખેડૂતો માટે ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે તેમજ વડોદરા જિલ્લા માટે દંડક શ્રી બાલકૃષ્ણભાઇ શુકલ દ્વારા આ બંને જિલ્લાના બટાટાનું વાવેતર કરતા ખેડૂતોને પણ આ પેકેજનો લાભ આપવા કરેલી રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પાટણ અને વડોદરા જિલ્લાના ખેડૂતોના હિતમાં બટાટા માટેની સહાય પેકેજ યોજનામાં આ બે જિલ્લાનો સમાવેશ કરવાનો ત્વરિત નિર્ણય કર્યો છે.

    મંત્રીશ્રી પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ એ.પી.એમ.સી.માં લાલ ડુંગળી વેચનાર ખેડૂતોને ૧ કટ્ટા દિઠ ૧૦૦ રૂપિયા એટલે કે, ૧ કિલોએ રૂ. ૨ અને લાભાર્થી દિઠ વધારેમાં વધારે ૫૦૦ કટ્ટા (૨૫૦ ક્વિન્ટલ) અથવા ૫૦,૦૦૦ રૂપિયાની મર્યાદામાં આર્થિક સહાય આપવાનો નિર્ણય કરતા અંદાજિત રૂ. ૭૦.૦૦ કરોડ સહાય આપવામાં આવશે. લાલ ડુંગળીની નિકાસમાં સહાય આપવા મળેલ રજૂઆત અન્વયે અગાઉ અપાયેલ બટાટાની વાહતુક સહાયના ધોરણે લાલ ડુંગળી માટે વાહતુક સહાય યોજના માટે રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડૂતો /વેપારીઓને લાલ ડુંગળી અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક સહાય જાહેર કરવામાં આવી છે. તે મુજબ પ્રથમ તબક્કે અંદાજિત ૨.૦૦ લાખ મેટ્રિક ટન લાલ ડુંગળીના નિકાસ માટે રૂ.૨૦.૦૦ કરોડની સહાય જાહેર કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    બટાટાના વધુ ઉત્પાદનના પરિણામે તેના બજાર ભાવ ઓછા હોવાથી રાજ્ય સરકારને આ બાબતે મદદ કરવા અનેક રજૂઆતો મળી હતી. જે સંદર્ભે રાજ્યના બટાટા ઉત્પાદક ખેડૂતોને સહાય કરવા રાજ્યની ખેડૂતહિતલક્ષી સંવેદનશીલ સરકારે ત્વરિત નિર્ણય લઇ કુલ રૂ.૨૪૦ કરોડની સહાય જાહેર કરી છે. જેમાં ખેડૂતોની અલગ-અલગ પ્રકારે સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બટાટાને અ‌ન્ય રાજ્યોમાં કે દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય અંતર્ગત ખેડૂતો/વેપારીઓને બટાટા અ‌ન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે વાહતુક ખર્ચમાં સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

    મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના બટાટા ઉત્પાદન કરતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરે તો પ્રતિ કિલો રૂ. ૧/- લેખે ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ અને વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવામાં આવે તો સહાય આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦૦.૦૦ કરોડ રકમની સહાય કરવામાં આવશે. રાજ્યના એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. ૫૦ એટલે કે એક કિલોગ્રામ એ રૂ. ૧/- અને લાભાર્થી દીઠ વધારેમાં વધારે ૬૦૦ કટ્ટા (૩૦૦ કિવન્ટલ)ની મર્યાદામાં આર્થિક સહાય તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૩ થી તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીના સમયગાળા માટે આપવામાં આવશે. આ સહાય માટે પ્રાથમિક અંદાજિત રૂ.૨૦.૦૦ કરોડ રકમની સહાય આપવામાં આવશે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર દ્વારા પારદર્શકતા અને ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ સીધી જમા થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. જેથી ખેડૂત ઘરે બેઠા જ પોતાના મોબાઈલથી અથવા ગ્રામ પંચાયત ખાતેથી VC મારફત ઓનલાઈન અરજી કરી શકશે અને સહાય યોજનામાં લાભ મેળવી શકશે.

    આ સહાય યોજના બદલ મુખ્યમંત્રીશ્રી અને નાણા મંત્રીશ્રીનો ખેડૂતો વતી કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે આભાર માન્યો હતો.

  • PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    PM મોદી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી સૌજન્ય મુલાકાત

    નીરવ જોશી , Delhi ( M-7838880134)

    ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજરોજ દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત એક સૌજન્ય મુલાકાત હતી તેમજ આ મુલાકાતથી તેમણે વડાપ્રધાન મોદીની પાસે પોતાના કાર્યો અંગે એમની પાસેથી સલાહ સુચન પણ સાંભળ્યા હતા. ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા પ્રગતિ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવજી પટેલ બીજી વખત કેબિનેટ કૃષિ પ્રધાન બન્યા છે. કેન્દ્ર સાથે અતૂટ વિશ્વાસનો નાતો રાઘવજી એ પોતાના કાર્યો અને મંત્રાલયની કામગીરી વડે બનાવ્યો છે!  આ પહેલા તેઓ ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્યા છે.

    મોદી સાથેની મુલાકાત બાદ રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું

    “જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

    તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.”


    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કૃષિને લગતા અનેક નિર્ણાયક મુદ્દાઓ એક પછી એક કૃષિ મંત્રાલય ઉકેલવાના દિશામાં નિર્ણય લઈ રહ્યુ છેલ્લા 15 દિવસમાં મોરબી અને કચ્છ ખાતે અનુક્રમે 20 મી જાન્યુઆરી અને 28 જાન્યુઆરીએ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે હાજરી આપીને અનેક કાર્યક્રમો શરૂ કરાવ્યા હતા. ખાસ કરીને રખડતા પશુઓના- સાંઢના ખસીકરણ અને બીજા પશુઓના ખસીકરણ અંગે ઉત્તમ કામગીરી કૃષિ મંત્રાલય કરી રહ્યું છે.

    *રાજયના નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી મુકત કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

    ¤ *રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓના વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ અભિયાન દરમિયાન ત્રણ જિલ્લાઓમાં ૨૫૬ પશુઓનું ખસીકરણ*

    ¤ *રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરાશે: રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે*.

    ¤ *કચ્છ જિલ્લામાં નખત્રાણા ખાતે તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી*

    પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને રખડતા પશુઓના ત્રાસથી મુકતિ અપાવવા માટે રાજય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે.આ માટે રાજય સરકાર દ્વારા વ્યુહાત્મક રીતે નર પશુઓ-આખલાઓનું વૈજ્ઞાનિક ઢબે ખસીકરણ કરવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે જે અતર્ગત મોરબી,જૂનાગઢ અને કચ્છ મળી કુલ ત્રણ જિલ્લાઓમાં ખસીકરણ ઝુંબેશનો આરંભ કરવામાં આવેલ છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ અભિયાન તબક્કાવાર હાથ ધરવામાં આવશે જે રખડતા પશુઓની સમસ્યા નિવારવા અને પશુ ઓલાદની સુધારણા માટે પાયારૂપ બની રહેશે.

    તેમણે ઉમેર્યુ કે,ખસીકરણની સઘન ઝુંબેશ રાજ્યમાં રખડતા પશુઓ ખાસ કરીને આખલાઓ દ્વારા જાહેર જનતાને થતી અગવડો જેમાં અકસ્માતથી ઇજા અને મૃત્યુના બનાવો અને ખેતરોમાં થતા ભેલાણથી થતા નુકસાન સામે બચાવ માટે મદદરૂપ બનશે.

    કૃષિ,પશુપાલન ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રીની પ્રેરણાથી મોરબી જિલ્લાથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રખડતા આખલાઓ તથા ગૌ શાળાઓ અને પાંજરાપોળ ખાતે નિભાવવામાં આવતા ગાય વર્ગના નર પશુઓની સર્જરી કરી ખસીકરણ કરવામાં આવે છે.આ માટે પશુપાલન ખાતાના નિષ્ણાત અને અનુભવી પશુચિકિત્સકોની ટીમ દ્વારા આવી સંસ્થાઓ ખાતે ખસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. ઓપરેશન બાદ ખસી થયેલ પશુઓની જરુરી સારસંભાળ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.ખસીકરણ થયેલ પશુઓની આક્ર્મતા ઘટે છે અને સ્વભાવે શાંત બને છે,જેના કારણે રખડતા પશુઓથી થતા અકસ્માતમાં ઘટાડો થશે અને ગૌ શાળાઓ અને પાંજરાપોળ આવા પશુઓને સરળતાથી સાચવી શકે છે.

    મંત્રીશ્રી દ્રારા પ્રેરિત આ અભિયાન અંતર્ગત મોરબી ખાતેના કેમ્પમાં કુલ ૫૦ પશુઓનું ખસીકરણ કરવામાં આવેલ જ્યારે જૂનાગઢ ખાતે આયોજીત કેમ્પમાં ૬૮ પશુઓમાં અને નખત્રાણા ખાતેના કેમ્પમાં કુલ ૧૩૮ પશુઓમાં ખસીકરણ કરવામાં આવેલ છે.

    મંત્રી શ્રી રાધવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતેથી કચ્છ જિલ્લામાં તાલુકા પશુપાલન શિબીર તથા ખસીકરણ ઝુંબેશનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો

    આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ સાથે સંકળાયેલ જીવદયા પ્રેમી દાતાઓ ને જરૂરી સાથ સહકાર આપવા માટે આહવાન કર્યું હતું નાગરિકોને રખડતા ઢોરના ત્રાસથી સુરક્ષિત કરવાના આ મહત્વના કાર્યક્રમ માટે રાજય સરકારની સાથે સાથે સ્થાનિક દાતાઓ અને સંસ્થાઓનો સહકાર ખુબ જ મહત્વનો પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું

    મંત્રીશ્રીએ પશુઓની સેવાની કામગીરીને જીવનનો ભાગ બનાવી સંસ્થાના સંચાલક તથા દાતાઓનો આભાર વ્યકત કરીને આ કાર્યક્રમમાંથી પ્રેરણા લેવા રાજયની તમામ સંસ્થાઓને આહવાન કર્યું હતું.

    તેમણે પશુપાલકોને પશુપાલન ખાતાની ખાણદાણ સહાયની યોજના જેવી વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

    તેમણે ઉમેર્યું કે,પશુ ઓલાદ સુધારણા માટે કૃત્રિમ બીજદાન, સેક્સ્ડ સીમેન ટેકનોલોજી, એમ્બ્રીયો ટ્રાન્સફર ટેક્નોલોજી જેવી અધ્યતન પધ્ધતિઓ અપનાવવાથી પશુઓનું ઉત્પાદન તો વધશેજ સાથે સાથે રખડતા આખલાઓ ની સંખ્યા પણ ઘટવાથી બેવડો લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

    પશુપાલન નિયામકશ્રી ડો. ફાલ્ગુનીબેન ઠાકર દ્વારા પ્રસ્તુત તાલુકા પશુપાલન શિબીર અને ખસીકરણ કાર્યક્રમ અંગેની અગત્યતા જણાવી હતી તેમજ લમ્પી રોગચાળા સમયે જીલ્લા વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકાર દ્વારા લોક ભાગીદારી થી થયેલ કામગીરીનો ઉલ્લેખ રાજ્યમાં સંપુર્ણપણે રોગચાળા પર નિયંત્રણ મેળવાયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમમાં મંત્રીશ્રી દ્વારા ગૌ-પુજન કરી સંસ્થામાં ચાલતા વિવિધ સેવાકિય કાર્યોની ખસીકરણ ઓપરેશનની તથા માનવસેવાની કામગીરી રૂબરૂ મુલાકાત લઈ કામગીરી બિરદાવી અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

    મંત્રીશ્રીના હસ્તે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના કુલ ૫ લાભાર્થી સંસ્થાઓને રૂ. ૫૯ લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજના લાભાર્થીઓને રૂ. ૧.૫ લાખની સહાયના ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

    મત્રીશ્રી દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્રના મંત્રીશ્રી લાલજીભાઇ રામાણી તથા સમસ્ત ગૌસેવા કેન્દ્રની ટીમ તથા અન્ય સેવાકિય પ્રવૃતિ કરતા તમામ લોકોનું સન્માન કરી તેઓની પ્રવૃતિ બિરદાવવામાં આવી હતી.

    પશુપાલન શાખાના પશુચિકિત્સા અધિકારીશ્રી ઓની કુલ ૧૦ ટીમો દ્વારા શ્રી નખત્રાણા ગૌસેવા કેન્દ્ર,નખત્રાણા ખાતે કુલ ૧૩૮ પશુઓની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખસીકરણ ઓપરેશન અને અન્ય જરૂરી સારવાર આપવામાં આવી હતી.

    આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,જીલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી પારુલબેન કારા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    *********

    મોરબી ખાતે 28 જાન્યુઆરીએ નીચે મુજબનો કાર્યક્રમ થયો હતો.

    રાજ્યવ્યાપી ખસીકરણ ઝુંબેશનો મોરબીથી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

    “૧૨૭ નવા ફરતા પશુ દવાખાના થકી
    ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બનશે”
    – રાઘવજીભાઈ પટેલ

    ખસીકરણ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી
    મોરબીને મોડલ બનાવવા મંત્રીશ્રીએ અપીલ કરી

    સૌજન્ય :માહિતી બ્યુરો, મોરબી

    કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝુંબેશનો મોરબી યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

    રાજ્ય સરકાર દ્વારા જન હિતમાં અન્ય એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી કેબિનેટ મંત્રીશ્રીએ શુભારંભ કરાવ્યો હતો.
    આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.

    ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે. પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. રાજયમાં હાલ ૪૬૫ ફરતા પશુ દવાખાના છે. જેમાં નવા ૧૨૭ ફરતા પશુ દવાખાના વધારો કરવામાં આવનાર છે. જેથી ગામે-ગામે પશુઓની સારવાર સુલભ બની રહેશે.
    આ તકે મોરબી-માળીયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝુંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો વધુ સફળતા મળશે. મોરબીથી પ્રારંભ થતી આ ઝુંબેશમાં મોરબીને મોડેલ બનાવવું છે તેવુ તેમણે વધુમાં જણાવ્યું હતું.

    આ તકે મંત્રીશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં યદુનંદન ગૌશાળા ખાતે ૫૦ જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના વરદ હસ્તે ગાયો માટે ઉદાર દિલે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌ-પૂજન પણ કર્યું હતું. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર ગૌશાળાની મુલાકાત પણ કરી હતી.

    આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતીભાઈ પડસુંબિયા, નાયબ પશુપાલન નિયામકશ્રી એન.જે. ફળદુ, રિજિયોનલ ડાયરેક્ટરશ્રી ડો. ગોહિલ, અગ્રણી સર્વશ્રી લાખાભાઈ જારીયા, કુંવરજીભાઈ કાલરીયા, યદુનંદન ગૌશાળાના કાંતિભાઇ તેમજ ડોકટર્સની ટીમ સહિત વિવિધ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    આમ જાન્યુઆરીના છેલ્લા દસ દિવસમાં જ ગુજરાત સરકારના કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખૂબ જ અગત્યનો એવો રખડતા ઢોરના મુદ્દા અંગે ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમોની શરૂઆત કરાવી છે. આ પહેલા માછીમારોના મુદ્દે અંગે પણ જાન્યુઆરીમાં રાઘવજી પટેલે અગત્યના નિર્ણયો કર્યા હતા…એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરના મુદ્દે માલધારી સમુદાય અને ભાજપ સરકાર સામસામે  બાયો ચડાવી હતી. આવા સમયે રાઘવજી પટેલનું કૃષિ પ્રધાન તરીકેનું કાર્ય અગત્યનું બની રહે છે. આગળ જતા ગુજરાતના પશુધન માટે વધારે સારી વ્યવસ્થા ઊભી થાય એવું જનતા ની તીવ્ર લાગણી અને માગણી છે.

  • જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

    જુનાગઢ: પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે આ મંત્રીના હસ્તે ઉજવણી કરાઈ

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

    ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રાજ્ય અગ્રેસર: ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકારનો પુરુષાર્થ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

    કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી શ્રી રાઘવજીભાઈ પટેલની
    ઉપસ્થિતિમાં જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની વંથલી ખાતે ઉજવણી કરાઈ

    જિલ્લામાં દેશભક્તિના માહોલમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી: મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન

    પોલીસનો અશ્વ શો, માર્ચ પાસ્ટ, અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો


    જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્ર ભક્તિ રાષ્ટ્રપ્રેમના માહોલમાં ૭૪ મા પ્રજાસત્તાક દિનની જિલ્લા ની ઉજવણી વંથલીના સીડ ફાર્મ ગ્રાઉન્ડમાં જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
    કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી જિલ્લાના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે રાજ્ય સરકાર પુરુષાર્થ કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે .મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસ સાથે રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈએ છે. શાંતિ સલામતી અને સુરક્ષા ગુજરાતના વિકાસના પાયામાં છે.


    મંત્રી શ્રીએ કૃષિ વિકાસની વાત કરતા કહ્યું કે કૃષિ ક્ષેત્રે ગુજરાતે સિદ્ધિઓ મેળવી છે. ખેડૂતો માટેની અનેક કલ્યાણકારી યોજના અમલમાં છે અને તેના લાભો થકી ખેડૂતો ડિજિટલ અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને ખેતીમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. મંત્રી શ્રી એ ખેડૂતોની આવક વધારવા સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહક યોજના સહિત ખેડૂતોની સમૃદ્ધિ માટે ખેડૂતોના હિતકારી નિર્ણયો ની વિગતો આપી હતી.


    મંત્રી શ્રી એ પરેડ નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખુલી જીપમાં પરેડ નિરીક્ષણ વેળાએ કલેકટર શ્રી રચિત રાજ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે રહ્યાં હતા.
    રાષ્ટ્ર પર્વની ઉજવણી નિમિત્તે વંથલી અને આજુબાજુના વિસ્તારની શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સહિત રંગારંગ કાર્યક્રમની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે રેવન્યુ પોલીસ અને વિવિધ વિભાગના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ કોટેચા, અધિક કલેકટર શ્રી એમ.બી બાભણીયા, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    રાજ્ય સરકારનું વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કરતા કૃષિ મંત્રી

    *રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય*

    *ખેડૂતો પાસેથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવા આગામી તા.૦૧ ફેબ્રુઆરીથી એક માસ માટે રાજ્યભરમાં નોંધણી કરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
    *********
    Ø *રાજ્યભરમાં આગામી ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે*
    Ø *ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂા.૬૬૦૦, ચણાની પ્રતિ ક્વિ.રૂા.૫૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂા.૫૪૫૦ના ટેકાના ભાવે ખરીદી કરાશે*
    Ø *યોજના હેઠળ ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે*
    Ø *રાજ્યમાં તુવેર પાક માટે ૧૩૫, ચણા માટે ૧૮૭ તેમજ રાયડાની ૧૦૩ ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદી થશે*
    Ø *ઇ-ગ્રામ કેન્દ્રો ઉપર ખેડૂતો વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે*
    ********
    *કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીના સુચારૂ આયોજન માટે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ*
    ******
    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તા.૦૧ ફેબ્રુઆરી- ૨૦૨૩થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું.

    કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

    કૃષિમંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના ૧૩૫ ખરીદ કેન્દ્રો, ચણાના ૧૮૭ ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના ૧૦૩ ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી તા.૧૦ માર્ચ-૨૦૨૩ થી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

    મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.૦૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી- ૨૦૨૩ સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

    મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૬,૬૦૦, એટલે કે પ્રતિ મણ રૂા.૧,૩૨૦, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.૫,૩૩૫ એટલે કે પ્રતિ મણ રૂા.૧,૦૬૭ તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.૫,૪૫૦ એટલે કે પ્રતિ મણ રૂા. ૧,૦૯૦નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

    ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર,ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે કહ્યું.

  • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય

    નીરવ જોશી ,ગાંધીનગર

    • સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મહત્વનો નિર્ણય
    • નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલ
    • સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે
    • ખેડૂતોના હિતલક્ષી નિર્ણય માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતાં કૃષિ મંત્રીશ્રી

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે.જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર  થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાક માટે પૂરતુ પાણી મળી રહેશે.

    મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે,રાજય સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટ્ર ના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે.

    સૌરાષ્ટ્ર ના ૧૧ જિલ્લા..અને બોટાદ …

    કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રવિ સીઝન માટે સૌરાષ્ટ્રના જળાશયો સૌની યોજના હેઠળ ભરવા માન. મુખ્મંત્રીશ્રી સમક્ષ માંગણી કરેલ હતી. જે સંદર્ભે માન. મુખ્મંત્રીશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોની જરૂરીયાતનું આંકલન કરીને નર્મદા નદીનું પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવે તે માટેનું આયોજન હાથ ધરાયું છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટ્રના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટ્રના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી એ આ મહત્વનો નિર્ણય કર્યો છે.

    તેમણે કહ્યું કે સૌની યોજના લીંક-૧, ૨, ૩ અને ૪ મારફત પથરેખામાં આવતાં તળાવ,ચેકડેમ,જળાશય ભરવા માટે મંજુરી આપવામાં આવી છે.આ નિર્ણયથી ૧,૫૨,૪૦૦ લાખ ઘનફુટ પાણીનો જથ્થો સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરવામાં આવશે, જેનાથી અંદાજીત અઢી લાખ એકર વિસ્તારને સિંચાઇનો ફાયદો થશે. રાજય સરકારના ખેડૂત હિત લક્ષી આ નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા પ્રાપ્ત થઇ શકશે.

    તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરૈન્દ્રભાઈ મોદી એ સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાને નર્મદાના નીર આપવાનું સપનું સેવ્યું હતું તે આજે પરિપૂર્ણ થયું છે જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થયા છે.

    તેમણે ઉમેર્યું કે,આ નિર્ણય થી સૌરાષ્ટ્રના ૧૦ જીલ્લા મોરબી,રાજકોટ, જામનગર,સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જીલ્લાના જળાશયોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્રના આ જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

    રાજય સરકારના ખેડૂત હિતલક્ષી આ નિર્ણય બદલ કૃષિ મંત્રીશ્રી રાધવજી ભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા,રાજયકક્ષાના જળસંપતિ મંત્રીશ્રી મૂકેશભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો છે.