કેટેગરી મારું ગુજરાત

  • સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

    સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી શરૂ થશે

    નીરવ જોશી , અમદાવાદ (M-7838880134)

    સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26મી મે થી

    સંસ્કૃત ભાષાને પુનઃ લોકભાષા બનાવવા માટે પ્રયત્ન રત સંસ્થા સંસ્કૃત ભારતી અને સ્વામિનારાયણ મંદિર મણીનગરના સંયુક્ત તત્વાવધાનમાં સ્વામિનારાયણ મંદિર કમ્પાઉન્ડ મણિનગર ખાતે પંચ દિવસીય સંસ્કૃત ભાષા બોધન વર્ગનો શુભારંભ 26 મે થી થવા જઈ રહ્યો છે.


    સંસ્કૃત ભાષા શીખવા માટે આ એક સરસ અવસર છે . કાર્યક્રમની માહિતી આપતા સંસ્કૃત ભારતીના કર્ણાવતી મહાનગરના પ્રચાર પ્રમુખ સુકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્કૃત ભાષા બોધન વર્ગનો સમય સવારે 08:45 થી સાંજે 5-30 સુધી નો નિર્ધારિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા માટે દશદિવસીય નિ:શુલ્કશિબિરો, ભાષા શુદ્ધિ માટે ભાષા બોધન વર્ગો, ભગવદ્ ગીતા કેન્દ્રો,બાલકેન્દ્રો, પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણ આદિ માધ્યમો વળે ભારતમાં અને વિશ્વમાં સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવામાં આવે છે.સંસ્કૃત ભાષા શીખવા માટે અને વર્ગમાં જોડાવા માટે આ વિદ્વજ્જનોનો સંપર્ક કરવો.. સંસ્કૃત ભારતી ના મહાનગર કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી રામ કિશોર ત્રિપાઠી
    8320 524510, ,

    કર્ણાવતી વિભાગ સંયોજક શ્રી રાજેન્દ્ર મહેતા ‌ 9638863660

    સંસ્કૃત ભારતીના વિભાગ સહસંયોજક શ્રી નિલેશ ધનાણી 9825778830

    सुकुमार त्रिवेदी
    प्रचार प्रमुख
    संस्कृतभारती कर्णावती महानगर
    दूरभाष – 9429613622

  • ૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

    ૧લી મે : ગુજરાત સ્થાપના દિન પર કેટલીક નવીન વાતો જાણવામાં આનંદ આવશે

    નીરવ જોશી, અમદાવાદ (M-7838880134 & 9106814540)

    ૧લી મે : ગુજરાત સ્થાપના દિન


    *છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’*
    *‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા*
    *ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય : દેશના GDPમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા*
    *વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર*
    *કરવામાં પણ ગુજરાત આગવી ભૂમિકા અદા કરવામાં અગ્રેસર*

     *ભારતની કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત પાસે*
     *ભારતની GST આવકમાં ગુજરાતનો ફાળો ૮ ટકા*
     *રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર*
     *ડિજિટલ ક્રાંતિ થકી ગામથી ગ્લોબલ બન્યું ગુજરાત*

    ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ તેમજ જન ભાગીદારી થકી રાજ્યમાં વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. જેના પરિણામે છેલ્લા બે દાયકાથી ગુજરાત દેશમાં વિકાસની રાજનીતિના નવા અધ્યાય થકી સતત રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે.

    સૌ ગુજરાતીઓએ ગૌરવ થાય એવા ગુજરાતના ૬૫માં સ્થાપના દિન ૧લી મેએ આપણે આ અવિરત વિકાસ યાત્રાને વધુને વધુ આગળ વધારવા સંકલ્પબદ્ધ બનવું જ રહ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ માર્ગે રાજ્યની વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત એ ભારતની વસતિના ૫ ટકા અને જમીનનો ૬ ટકા ભાગ ધરાવે છે તેમ છતાં દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત દેશના GDPમાં ૮.૨ ટકા ફાળો આપી રહ્યું છે. જ્યારે ભારતના ટોચના પાંચ અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં ગુજરાત સ્થાન ધરાવે છે.

    ગુજરાત ગૌરવશાળી ભૂતકાળ ધરાવતું રાજ્ય છે અને ભવિષ્ય માટે પહેલ કરતી અગ્રગણ્ય શક્તિ છે. અહીં મંદિર છે તો મોલ પણ છે, અહીં રણ ઉત્સવ છે તો ગિફ્ટ સિટી પણ છે. અહીં આધુનિક બાંધકામ છે તો પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખતાં ગ્રીન બિલ્ડિંગ્સ પણ છે. ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, વ્હાઈટ રેવિન્યુ જનરેટિંગ પોર્ટ્સ – આવી અનેક યોજનાઓ ગુજરાતને નેશનલ લીડરશિપ તરફ લઈ જઈ રહી છે.

    *વાત કરીએ આપણા ગુજરાતના વિકાસની…*
    ગુજરાતનો ઈતિહાસ શરૂઆતથી જ ખૂબ જ વૈભવશાળી રહ્યો છે. લોથલ અને ધોળાવીરા જેવી સિંધુ ખીણ સંસ્કૃતિની સાઇટ્સથી લઈને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર સુધી, ગુજરાતે ભારતના ઈતિહાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શ્રી કૃષ્ણના દ્વારકા ધામથી લઈને સુફી સંસ્કૃતિ સુધી, ગુજરાત એક સાંસ્કૃતિક મેળાપનું પણ ઉદાહરણ છે.

    ગુજરાતના પનોતા પુત્ર અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ ગુજરાતીઓના અથાક પરિશ્રમથી ભારતના અર્થતંત્રમાં ગુજરાત એક મહત્વપૂર્ણ અને શક્તિશાળી રાજ્ય તરીકે વિશેષ સ્થાન ધરાવે છે.

    આ ઉપરાંત ગુજરાત નિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતમાં થતી કુલ નિકાસનો આશરે ૩૦ ટકાથી વધુ હિસ્સો ગુજરાત ધરાવે છે. આમાં મુખ્યત્વે પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, સેરામિક્સ, જેમ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ અને ફાર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કુલ ૮૮.૧૬ બિલિયન યુ.એસ. ડોલરની નિકાસ સાથે દેશમાં ગુજરાતનો હિસ્સો ૨૭.૪૦ ટકા હતો.

    ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ તરીકે સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટસ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે.

    *ડિજિટલ ગુજરાત: ગામથી ગ્લોબલ સુધી*
    ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગવું સ્થાન ધરાવે છે. “ઈ ગ્રામ વિશ્વગ્રામ”, ડિજિટલ સેવા સેતુ, જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે. હવે માત્ર શહેર નહીં, ગામડાં પણ ટેક્નોલોજીથી જોડાયા છે. “ગરવી” એપ દ્વારા હવે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની મિલકતો અને જમીન સંબંધિત કામગીરી ઓનલાઇન કરી શકે છે. ગુજરાત માત્ર ભારતમાં નહિ, પરંતુ ગ્લોબલ ગુજરાતી સમુદાયને જોડે છે.

    *યુવાનો માટે અવસર: ગુજરાતનું ભવિષ્ય*
    ગુજરાત સ્ટાર્ટઅપ મિશન, આઈ-હબ, એગ્રિકલ્ચરલ પ્રોગ્રામ જેવી પહેલ યુવાનોને મંચ આપી રહી છે. રાજ્યના યુવાનો હવે ખેતીથી આઈ.ટી સુધી, ધંધાથી ડેટા એનાલિટિક્સ સુધી દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ ઉજાગર કરી રહ્યા છે. એમ્પલોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક- ૨૦૨૩ મુજબ રોજગાર વાંચ્છુકોને રોજગારી આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

    *ગુજરાતનો ગૌરવપદ વારસો*
    પ્રવાસન ક્ષેત્રના સુનિયોજીત વિકાસ માટે આતિથ્યમ ટુરિસ્ટ ફુટફોલ ડેશ બોર્ડ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગિરના એશિયાઇ સિંહો, કચ્છનો રણોત્સવ, અને અમદાવાદ શહેરના હેરિટેજ ટાઉનનો દરજ્જો, રાણકી વાવ, ધોળાવિરા, ચાંપાનેર અને સુદર્શન સેતુ જેવા અનેક સ્થળો ગુજરાતના ગૌરવપદ વારસાને સાચવીને બેઠા છે.

    *આધુનિક ગુજરાતનું ટેકનોલોજીયુક્ત ભવિષ્ય*
    ગુજરાત આજે માત્ર ઔદ્યોગિક રાજ્ય નથી. તે હવે એક ટેક-સેવી, સ્ટાર્ટઅપ-મૈત્રીપૂર્ણ અને ઇનોવેશનને પોષતું રાજ્ય બની ચૂક્યું છે. ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી સ્ટાર્ટપ ક્ષેત્રે પ્રથમ નંબરે છે. આજે ગુજરાત ગિફ્ટ સિટી ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર – IFSC હોવાના ગૌરવ સાથે જોડાયેલું છે. અહીં બ્લોકચેનથી લઈને AI, ફિનટેક સ્ટાર્ટઅપ્સ સુધીની સર્વિસ ઉપલબ્ધ છે.

    *ઔદ્યોગિક વિકાસ અને રોકાણ*
    ગુજરાતે દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટે’ સફળતાઓ હાંસલ કરી છે. વર્ષ ૨૦૨૪માં તેની ૧૦મી આવૃત્તિ યોજાઈ હતી. છેલ્લા બે વર્ષમાં ટેસલા, માઇક્રોન, ફોક્સકોન જેવી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રસ્તાવ મૂક્યા છે. આ ઉપરાંત સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે.

    *ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન*
    ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસનના ક્ષેત્રે ભારતનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં લાખો પ્રવાસીઓના દૈનિક પ્રવાહથી સ્થાનિક અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. પ્રથમ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે ધોલેરા ઝડપથી વિકાસ પામી રહ્યું છે. અહીં ઈ-વેહિકલ, રીન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર્સમાં મોટાપાયે રોકાણ થયું છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન ભવિષ્ય તરફ દોડતા ગુજરાતની સાક્ષી પુરે છે.

  • ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

    ભોલેશ્વર મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે સંપન્ન થયો

    નીરવ જોશી , હિંમતનગર (M-7838880134 &9106814540)

    હિંમતનગરમાં હાથમતી નદી કિનારે આવેલા પ્રાચીન ભોલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત સરકારનું યાત્રાધામ બોર્ડ કરાવી રહ્યું છે, આ અંતર્ગત છેલ્લા દોઢ વર્ષથી ભોલેશ્વર મંદિરનું નવનિર્માણ હાથ ધરાયું હતું. એ અંતર્ગત  મંદિરના સ્વયંભૂ શિવલિંગ ભોલેશ્વર મહાદેવ સિવાયના બીજા કેટલાક મૂર્તિઓ જેમાં ઉમા પાર્વતી ની મૂર્તિ અને નવગ્રહ ના સ્વરૂપોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિ સોમવારે થઈ હતી.

    તારીખ 19 એપ્રિલ શરૂ થયેલા પુના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભોલેશ્વર મંદિર સાથે સંકળાયેલા ભાવિક ભક્તોએ ટ્રસ્ટીગણ તેમજ સન્યાસી મહાત્માઓએ ઉત્સાહભેર રુદ્ર યજ્ઞ તેમજ અન્ય યજ્ઞ હવન કરીને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 એપ્રિલ સોમવારના દિવસે સંપન્ન કર્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો હવનમાં બેઠા હતા ભગવાન મહાદેવના રુદ્ર હવનમાં આશરે 25 જેટલા કુટુંબો ત્રણ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શિવ આરાધના કરી હતી.

    ભોલેશ્વરના પ્રાંગણમાં નિર્માણ થઈ રહ્યો છે વાનપ્રસ્થાશ્રમ.

    થોડાક મહિનાઓ કે વર્ષ પછી ભોલેશ્વરમાં વાનપ્રસ્થાશ્રમ પણ નિર્માણ થઈ રહ્યો છે. આપણા વૈદિક ધર્મ પ્રમાણે હિન્દુ પુરુષના જીવનના 50 વર્ષ વટાવ્યા પછી ત્રીજો આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ચાલુ થાય છે! તો આ વાનપ્રસ્થાશ્રમ માટે એક મોટો હોલ ભોલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં નિર્માણ કરવામાં આવી રહ્યો છે , જેમાં વડીલો અને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશનારા લોકો ત્યાં રહી શકશે તેવી રૂમો પણ નિર્માણ થઈ રહી છે.

    તમે ભોલેશ્વર જાઓ તો અચૂક એની બાજુમાં આવેલા આ હોલની મુલાકાત લેજો. નગરપાલિકાના નવ વોર્ડના કોર્પોરેટર જીગ્નેશ પટેલ જ આ હોલનું નિર્માણ કરવામાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે આ માહિતી આ મહોત્સવ દરમિયાન આપી હતી.😀⚘⚘⚘.*

    **** જરણેશ્વર મહાદેવ મંદિરના મહંત લક્ષ્મણ ભારતી જી એ પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિન ભોલેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરીને ભક્તોને આશીર્વાદ આપ્યા.****

    * *ભગવાનને સમર્પિત સંતોની હર કોઈ ચેષ્ટા ભગવાનના આશીર્વાદ રૂપ હોય છે!*

    ⚘🙏💐😃⚘⚘💐💐
    *આજરોજ ભર બપોરે એટલે કે સોમવારની બપોરે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ ઝરણેશ્વર મંદિરના મહંત લક્ષ્મણભારતી બાપુ સ્વયમ ભોલેશ્વર મહાદેવ મંદિર ના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દર્શનાર્થે ભોલેશ્વર પધાર્યા હતા ! એમની સાથે ડ્રાઇવર અને એક બે ભક્ત હતા! પરંતુ આકસ્મિક મુલાકાત હોવાને કારણે બીજા બધા લોકો એમના આગમનથી અજાણ્યા હતા. હું ત્યાં દર્શન કરીને પાછો ફરી રહેતો હતો ત્યાં અચાનક મારી નજર બાપુ પર પડી. સૌથી પહેલા મહંત લક્ષ્મણ ભારતીજી મહારાજ એ ભોલેશ્વર મહાદેવના પૂજન અર્ચન કર્યા ! ત્યારબાદ લોકોએ જ્યારે બાપુને જોયા તો તેમને પગે લાગ્યા અને ત્યારબાદ તે કાર્યક્રમમાં મુખ્ય સન્યાસી આવ્યા હતા તેમની ચેમ્બરમાં અમે લક્ષ્મણ ભારતી જી ને લઈ ગયા હતા, એમની સાથેના ડ્રાઇવર રબારી એ કહ્યું કે તમે બાપુને સંત બીરાજે છે ત્યાં લઈ જાઓ.

    યોગાનુંયોગે હું હાજર હતો અને લક્ષ્મણભારતીજી બાપુને દોરી ને લઈ ગયો હતો. ત્યારબાદ બંને સંતોની મુલાકાત થઈ થોડીવાર ત્યાં બેઠા , ત્યારબાદ લક્ષ્મણભારતીજી નીચે આવ્યા અને ટ્રસ્ટીઓ એમના કાર્યાલયમાં લઈ ગયા જેમણે બાપુને પ્રસાદીનો ડબ્બો પણ ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો!

    આમ, કુલ 10 થી 15 મિનિટ મુલાકાતમાં મહંત શ્રી લક્ષ્મણભારતી મહારાજે ભોલેશ્વર મહાદેવ પધારી તેમની હાજરીથી વાતાવરણમાં આશીર્વાદ પ્રસર્યા હતા.

    હર હર મહાદેવ!*

  • હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

    હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસ અંતર્ગત પાણી ની પરબ *ભારત‎ વિકાસ પરિષદ* અને વિનોદભાઈ‎ પટેલ‎(‎ઓરેકલ) ના સહયોગ‎ થી‎ પાણી ની‎ પરબ ની શુભ શરૂઆત આજ રોજ  તા 18/04/2025, શુક્રવારના રોજ‎ સવારે‎ ૭:૪૫ કલાકે આકાશગંગા‎ કોમ્પલેક્ષ જોડે કરી.‎

    જલ સેવા એ પ્રભુ સેવા એવા ઉદ્દેશો સાથે શરૂ કરાયેલી સેવામાં ડો મુકેશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી જે કે સોની, મંત્રી પરીન શાહ , સહ મંત્રી અતુલભાઈ સોની, સહ સંયોજિક અરુણાબેન કડિયા, પરીક્ષિત વખારિયા , પિયુષભાઈ ચૌહાણ, ધવલ પ્રજાપતિ, હિરેનભાઈ શાહ હાજર રહ્યા.

    ભરત વિકાસ પરિષદ હિંમતનગર લેવલે કયા કાર્યો કરે છે?

    ભરત વિકાસ પરિષદ ખાસ કરીને હિંમતનગર ના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે કાર્ય કરે છે તેમજ અલગ અલગ શાળાઓના બાળકોના માર્ગદર્શન માટે પણ કાર્યરત છે. હિંમતનગરમાં મુખ્યત્વે તે ત્રણ કાર્યક્રમો વાર્ષિક રૂપે કરે છે , જેમાં એક જાણો ભારત છે …જેમાં બાળકોને સમગ્ર ભારતના અંગે વિશ્વ જ્ઞાન આપવામાં આવે છે અને તેને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્ર લેવલે પરીક્ષા આપવા માટે પણ પ્રેરણા અપાય છે. આ ઉપરાંત બીજા બે કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેમાં હિંમતનગરની સરકારી અને ખાનગી સ્કૂલો ભાગ લે છે. વધારે પડતી ખાનગી સ્કૂલોને જ આ કાર્યક્રમને જાણ હોય છે.

  • કરેલું કોઈ પણ સત્કાર્ય વ્યર્થ નથી જતું!

    કરેલું કોઈ પણ સત્કાર્ય વ્યર્થ નથી જતું!

    ડોક્ટર શરદ ઠાકર ( અમદાવાદ)

    સત્ય ઘટના: કેનેડાની સૂમસામ સડક, યુવતીને માત્ર એક જ આશા!
    સત્ય ઘટના

    ગુજરાતી પુસ્તક ખરીદવા માટે 9723243407 whats app પર મેસેજ કરો..

    કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસસ્ટોપ પાસે ઊભેલી બાવીસ વર્ષની પિન્કીને ચામડીથી લઈને હાડકાં સુધી ધ્રુજાવી ગયો. એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ. ઉપરથી કડકડતો શિયાળો. હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઊડે. પિન્કી ગુજરાતથી આવેલી, સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી, પણ એ કપડાં ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવાં હતાં. કેનેડાની કાતિલ બર્ફીલી હવાને રોકવાનું એનું ગજું નહીં. પિન્કીને રડવું આવી ગયું. હજુ તો માત્ર ચાર જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને.

    પપ્પાએ કહ્યું હતું, ‘પિન્કી, બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે. કેનેડાના એક મોટા શહેરમાં આપણો નજીકનો સગો રહે છે. મેં એની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે. શરૂઆતના છ-બાર મહિ‌ના તારે એના ઘરમાં જ રહેવાનું છે. એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે. તારા માટે અલાયદો રૂમ હશે. એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મૂકતી-લેતી જશે. તને ગરમાગરમ નાસ્તો અને આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે. તું તારી રીતે પગભર ન થઈ જાય ત્યાં સુધી બધી જવાબદારી એમના માથે.’

    પિન્કીના પપ્પા કચ્છના એક જાણીતા શહેરમાં ડોક્ટર હતા. બધી રીતે સુખી હતા, પણ પિન્કીએ જ જિદ્દ પકડી હતી, ‘મારે ઇન્ડિયામાં નથી રહેવું કાં ઓસ્ટ્રેલિયા જવું છે કાં કેનેડા.’

    ‘બેટા, આ બંને દેશો માટે મારી ના છે.’ પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો, ‘ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરે છે. કેનેડામાં ઠંડી ખૂબ પડે છે.’

    પણ છેવટે પિન્કીની જિદ્દ આગળ પપ્પા ઝૂકી ગયા હતા. ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિ‌તી એમણે સાંભળી, એટલે એમણે હા પાડી દીધી. પછી તો કેનેડામાં હીરાકાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે. એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢયા. મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે, મંગળ ચોઘડિયે પિન્કીબહેન છોકરીમાંથી પંખી બની ગયાં અને પછી ઊડી ગયાં… ફરરરર… કરતાં… કેનેડાની દિશામાં…

    મનસુખભાઈની પત્ની અને દીકરીએ ચોવીસ જ કલાકમાં પોતાનો અસલી ચહેરો બતાવી આપ્યો. નજીકનું લોહીનું સગપણ હતું એની પણ શરમ ન રાખી. પિન્કી ભણેલી હતી, ખૂબસૂરત હતી, મેનર્સવાળી હતી, તેમ છતાં એ જાણે દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ, ગંદી, ગમાર, ગામડિયણ, હોય એવું વર્તન બધાં એની સાથે કરવા લાગ્યાં.

    ચોથા દિવસે તો મનસુખ અંકલની તુંડમિજાજી છોકરીએ સીધું પિન્કીને જ પરખાવી દીધું, ‘યુ રસ્ટિક ઇન્ડિયન્સ હાઉ ડેર યુ થિંક ટુ કમ એન્ડ સ્ટે વિથ અસ યુ શૂડ હેવ સમ ડિસન્સી ટુ…’

    પિન્કી ગભરાઈ ગઈ. રૂમમાં જઈને એણે ઇન્ડિયામાં પપ્પાને ફોન કર્યો, ‘પપ્પા, હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું. મનસુખ અંકલનાં વાઇફ તો ખૂબ જબરાં છે અને દીકરી તો દાનવપુત્રી હોય એવું વર્તન કરે છે. મને જોઈને ડોળા તો એવા કચકચાવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય હું શું કરું?’

    પપ્પા શું કહે? એમણે કહી દીધું, ‘બેટા, પહેલી જે ફ્લાઇટ મળતી હોય એમાં બેસીને પાછી ઇન્ડિયા આવી જા’

    ‘પણ પપ્પા…’ પિન્કીના મનમાં જે વિચારોનું ઘમસાણ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું, ‘અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનો? હું ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનું શોધી કાઢું તો?’

    બે કલાકમાં પિન્કીએ પચીસેક ફોનના ચકરડાં ઘુમાવી કાઢયા. બધા ભારતીયોના જ ફોન નંબર્સ હતા. પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાના ભાવ સાંભળીને પિન્કીના હાંજા ગગડી ગયા. હજુ કમાણીનાં તો ઠેકાણાં ન હતાં, ત્યાં આવડા મોટા ખર્ચા કેવી રીતે પોસાય? એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં

    ચોથા દિવસનો બપોર પડયો. મનસુખ અંકલે નીચું માથું રાખીને કહી દીધું. ‘આઇ એમ સોરી, બેટા તારે આજે જ આ ઘરમાંથી ચાલ્યા જવું પડશે. મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે, પણ મારું આકલન ખોટું પડયું. મારી વાત માને તો આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે. કાલે વિમાનમાં બેસીને…’ પછી ગળામાં બાઝેલો ડૂમો ખંખેરીને એ બોલી ગયા, ‘તારા પપ્પાને મળીને મારા વતી ‘સોરી’ કહી દેજે, બેટા’

    મનસુખ અંકલ તો આટલું કહીને છૂટી ગયા, પણ પિન્કીની હાલત કફોડી થઈ ગઈ. કેનેડામાં તો અંધારું વહેલું ઊતરી આવે. કહેવાય ભલે નમતો બપોર, પણ વાતાવરણ ભારતમાં રાતના દસ-અગિયાર વાગ્યા હોય એવું થઈ જાય. આવી ઠંડીમાં પિન્કી એના બેગ-બિસ્તરા સાથે રસ્તા પર આવી ગઈ. ક્યાં જવું એ નક્કી ન હતું. એ બસઅડ્ડા પાસે આવીને ઊભી રહી ગઈ. એ વિચારતી હતી, ‘કોઈ સસ્તી હોટલમાં આજની રાત પસાર કરી નાખું. પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ…’

    ત્યાં જ એના કાન પર વાહનને બ્રેક લાગવાની ચિચિયારી પડી. એણે આંખો ઉઠાવીને જોયું તો ધુમ્મસિયા રોડ પર એક કાર ઊભી હતી. સાવ એની પાસે જ.

    ગાડીમાંથી એક પીઢ વયનો આદમી નીચે ઊતર્યો, પિન્કી કોણ છે, ક્યાંની છે એવું કશું જ જાણ્યા વગર એણે બૂમ પાડી, ‘હે… ઇ… હું ઇઝ ધેર એટ ધિસ ઓડ અવર? નીડ માય હેલ્પ?’

    પિન્કી પહેલા તો ડરી ગઈ. પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં ન હતી, પણ વિદેશની ધરતી પર હતી. ભારતમાં આવી અંધારી રાતે, આવી સૂમસામ જગ્યાએ કોઈ પણ અજાણ્યા પુરુષનો વિશ્વાસ ન કરાય, પણ પરદેશમાં સાવ એવું નથી હોતું. પુરુષ નજીક આવ્યો, ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જ હોવો જોઈએ. એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે.

    એણે ફરી પાછું પૂછયું, ‘કમિંગ ફ્રોમ ઇન્ડિયા? યૂ લુક લાઇક એ ગુજરાતી ગર્લ. આરન્ટ યૂ?’

    ‘હા.’ પિન્કીનું રુદન ગળામાં આવી ગયું, ‘ભાઈ, તમે પણ ગુજરાતી છો?’

    ‘હા, બહેન હું અમદાવાદનો છું. દસ વર્ષથી અહીં છું. તું ક્યાંની છે?’

    ‘હું કચ્છની છું.’ પિન્કીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું.

    પેલાને શહેરનું નામ સાંભળીને રસ પડયો. ‘આઇ સી એ શહેર સાથે તો મારી લાઇફનું એક મીઠું સંભારણું જોડાયેલું છે. ત્યાં એક ડોક્ટરસાહેબ રહે છે. બહુ ભલા માણસ છે. ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે. એમનું નામ આજે પણ મને યાદ છે. ડો…’

    ‘અરે એ તો મારા પપ્પા છે’ પિન્કી ઊછળી પડી.

    ‘વ્હોટ? તું એમની ડોટર છે? વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ? બેટા, તું અત્યારે તકલીફમાં લાગે છે. તને મારી મદદની જરૂર છે?’

    પિન્કી રડી પડી. ગળામાં અટવાઈ રહેલું રુદન બહાર ઠલવાઈ પડયું. એણે બધી હકીકત જણાવી દીધી. પેલા પુરુષે કહ્યું, ‘બેટા, રડ નહીં. હું તને એક વાત કહું. વર્ષો પહેલાં જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે. હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ હતો. અમારું કામ જ એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું. એમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આ જ દવાઓ લખજો.

    એક વાર ભરઉનાળામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો. બપોરના અઢી વાગ્યા હતા. સવારના ચા-નાસ્તા પછી પેટમાં કંઈ પડયું ન હતું. હું તારા પપ્પાનો ‘કોલ’ પતાવવા પહોંચી ગયો. સાહેબ થોડી વાર પહેલાં જ કન્સલ્ટિંગથી પરવારીને ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા. પટાવાળાએ મને કહી દીધું. ‘પોણો કલાક બેસવું પડશે. સાહેબ જમી રહ્યા છે.’ હું લાચાર હતો. મને ભૂખથી ચક્કર આવતાં હતાં.’
    ‘પછી શું થયું?’

    ‘ત્યાં જ ઉપરથી ડોક્ટરસાહેબનો અવાજ સંભળાયો. કનુ, કોણ આવ્યું છે? દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં. એને ઉપર મોકલી આપ’ હું ઉપર ગયો. સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા. એમણે સમય જોયો, મારો ચહેરો જોયો, પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી. બેટા, મારી કરિયરમાં મેં ડોક્ટરો તો ઘણા જોયા છે, પણ આવો માણસ પહેલી વાર જોયો. તું મારામાં વિશ્વાસ મૂકી શકે છે. હજુ પણ તને શંકા હોય તો મને તારા પપ્પાનો ફોન નંબર આપ. હું તારી સામે જ વાત કરી લઉં.’
    એ પુરુષે કેનેડાની સૂમસામ સડક પરથી કચ્છની ધરતી સાથે સંવાદ કરી લીધો.

    પિન્કીના પિતાએ દીકરીને કહ્યું, ‘બેટા, તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે. એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રણકો સંભળાય છે. તું એક-બે દિવસ એના ઘરમાં રહી શકે છે, પછી અહીં આવતી રહેજે.’

    એક-બે દિવસ નહીં, પણ પિન્કી પૂરા છ મહિ‌ના સુધી પેલા ભલા માણસના ઘરમાં રહી. એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાચવી લીધી. અલાયદો રૂમ, ચા-બ્રેકફાસ્ટ, ગુજરાતી ભોજન, કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવાં ગરમ કપડાં, સારી જોબની તલાશ, આવવા-જવા માટે કારની સગવડ. આ બધું જ એ પરિવારે પ્રેમથી પૂરું પાડયું. પૂરા છ મહિ‌ના પછી પિન્કી પાસે એટલી બચત જમા થઈ, જેનાથી એ અલાયદા મકાનમાં રહેવા જઈ શકે.

    જતી વખતે પિન્કી આભાર માનવા લાગી તો પતિપત્ની બોલી ઊઠયાં, ‘બેટા, અમે તો કશું જ નથી કર્યું. તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવાનને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ હજારમા ભાગે પણ વાળી શક્યાં નથી. તને ગમે ત્યારે તકલીફ પડે, તો તું આ ઘરને તારું જ સમજીને આવી જજે. વિશ યુ ઓલ ધી બેસ્ટ’ (સત્ય ઘટના, કથાબીજ આપનાર ડો. શિરીષ નાયક)’

    #Aneri #Lekh #SatyGhatna #અનેરી #લેખ #સત્યઘટના #વાર્તા #ટૂંકીવાર્તા

  • ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

    ભારતની કેરીઓની વિવિધ જાતો વિશે જાણો

    હેમંત ઉપાધ્યાય, અમદાવાદ

    ભારતમાં ગરમીની સિઝન આવી ગઈ છે એટલે લોકોને કેરી જરૂર યાદ આવે ખાસ કરીને આમ વૃક્ષો પર નાની કેરીઓ હવે જોઈ શકાય છે ! ભારતને “કેરીઓની ભૂમિ” તરીકે ઓળખવામાં આવે છે, અને તે વિવિધ પ્રકારની કેરીઓનું ઘર છે, દરેક કેરીનો પોતાનો સ્વાદ, પોત અને સુગંધ ધરાવે છે. આ કેરીની કેટલીક જાતો તેમની મીઠાશ અને સમૃદ્ધિ માટે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત છે. નીચે ભારતમાં જોવા મળતી કેટલીક સૌથી લોકપ્રિય અને કિંમતી કેરીઓની યાદી છે:

    1. આલ્ફોન્સો (હાપુસ)
    મૂળ: મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક
    દેખાવ: સોનેરી-પીળી છાલ સાથે થોડો લાલ બ્લશ.
    સ્વાદ: સમૃદ્ધ, ક્રીમી અને માખણની રચના સાથે મીઠી.
    ખાસ નોંધ: ઘણીવાર “કેરીનો રાજા” તરીકે ઓળખાતી, આલ્ફોન્સો કેરીઓ તેમના અનોખા સ્વાદ માટે જાણીતી છે અને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મૂલ્યવાન છે.

    2. કેસર
    મૂળ: ગુજરાત (મુખ્યત્વે સૌરાષ્ટ્ર પ્રદેશમાં)
    દેખાવ: નાનાથી મધ્યમ કદના, સોનેરી પીળી છાલ સાથે.
    સ્વાદ: મીઠી, સુગંધિત અને ક્રીમી રચના સાથે તીખી.
    ખાસ નોંધ: “કેરીની રાણી” તરીકે ઓળખાતી, કેસર કેરીમાં એક અલગ સુગંધ અને સ્વાદ હોય છે, જે તેને કેરી આઈસ્ક્રીમ અને મીઠાઈઓ જેવી મીઠાઈઓ બનાવવા માટે પ્રિય બનાવે છે.

    ૩. લંગડા
    મૂળ: ઉત્તર પ્રદેશ અને બિહાર
    દેખાવ: પાકેલા હોવા છતાં પણ લીલા રંગની છાલ, સહેજ પીળા રંગની.
    સ્વાદ: મીઠી અને તીખી અને અનોખી સુગંધ સાથે.
    ખાસ નોંધ: લંગડા કેરીઓ તેમના વિશિષ્ટ સ્વાદ માટે પ્રિય છે અને ઘણીવાર કાચી ખાવામાં આવે છે અથવા ચટણીમાં ઉપયોગમાં લેવાય છે.

    ૪. દશેરી
    મૂળ: ઉત્તર પ્રદેશ અને પંજાબ
    દેખાવ: લીલાશ પડતા પીળા રંગની છાલ અને થોડો લાલ રંગનો બ્લશ.
    સ્વાદ: મીઠી અને તીખી, સરળ, બિન-તંતુમય રચના સાથે.
    ખાસ નોંધ: દશેરી કેરીઓ એક લોકપ્રિય જાત છે, ખાસ કરીને ભારતના ઉત્તરીય ભાગોમાં, અને તેમના તાજગીભર્યા સ્વાદ માટે જાણીતી છે.

    ૫. સિંધરી
    મૂળ: સિંધ પ્રદેશ (પાકિસ્તાન), પરંતુ હવે ભારતમાં ઉગાડવામાં આવે છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં.
    દેખાવ: પીળી છાલ અને સરળ, અંડાકાર આકાર.
    સ્વાદ: અત્યંત મીઠી અને રસદાર, થોડી તીખીતા સાથે.
    ખાસ નોંધ: સિંધરી કેરીની ઋતુમાં આવનારી સૌથી વહેલી કેરીઓમાંની એક છે અને તે તેની મીઠાશ અને રસદારતા માટે જાણીતી છે.

    ૬. તોતાપુરી
    મૂળ: દક્ષિણ ભારત (મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં)
    દેખાવ: લાંબી, અંડાકાર આકારની અને લીલી-પીળી છાલ.
    સ્વાદ: થોડી ખાટી અને થોડી મીઠી સ્વાદવાળી.
    ખાસ નોંધ: તોતાપુરી કેરીનો ઉપયોગ સામાન્ય રીતે કેરીના અથાણા બનાવવામાં થાય છે અને તે તેમની મજબૂત રચના અને અનન્ય સ્વાદ માટે જાણીતી છે.

    ૭. ચૌસા
    મૂળ: ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર ભારતના ભાગો
    દેખાવ: સરળ, ગોળ આકારવાળી તેજસ્વી પીળી છાલ.
    સ્વાદ: રસદાર, ફાઇબર વિનાની રચના સાથે ખૂબ જ મીઠી.
    ખાસ નોંધ: કેરીની ટોચની ઋતુ દરમિયાન ચૌસા કેરીની ખૂબ માંગ હોય છે અને તે તેમની અદ્ભુત મીઠાશ અને સરળ રચના માટે જાણીતી છે.

    ૮. નીલમ
    મૂળ: આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક
    દેખાવ: લીલા-પીળી છાલવાળી નાની થી મધ્યમ કદની કેરી.
    સ્વાદ: મીઠી અને ખાટી, તીવ્ર સુગંધ સાથે.
    ખાસ નોંધ: નીલમ કેરી તેના ખાટા-મીઠા સ્વાદ માટે લોકપ્રિય છે અને ઘણીવાર સલાડ, મીઠાઈઓ અને રસમાં ખાવામાં આવે છે.

    9. રાજાપુરી
    મૂળ: મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ભાગો
    દેખાવ: આછા પીળા રંગની છાલ અને થોડો લાલ રંગનો રંગ ધરાવતી મોટી, ગોળ કેરી.
    સ્વાદ: મીઠી, રસદાર અને થોડી તંતુમય.
    ખાસ નોંધ: રાજાપુરી કેરી તેના રસદાર પલ્પ માટે મૂલ્યવાન છે અને ઘણીવાર તેનો ઉપયોગ નાસ્તા તરીકે થાય છે અથવા ચટણી અને રસ બનાવવામાં થાય છે.

    ૧૦. બગનપલ્લી (બેનેશન)
    મૂળ: આંધ્રપ્રદેશ અને તેલંગાણા
    દેખાવ: મોટી, અંડાકાર આકારની કેરી, હળવા પીળા રંગની છાલ અને હળવા લાલ રંગની.
    સ્વાદ: મીઠી, હળવી અને ઓછી રેસાવાળી, સરળ રચના સાથે.
    ખાસ નોંધ: બગનપલ્લી કેરી ઘણીવાર પાકેલા સ્વરૂપમાં ખાવામાં આવે છે અથવા સ્મૂધી, જામ અને ફળોના સલાડમાં ઉપયોગમાં લેવાય છે.

    ૧૧. હિમસાગર
    મૂળ: પશ્ચિમ બંગાળ અને ઓડિશા
    દેખાવ: મધ્યમથી મોટી, પીળી છાલ, સરળ રચના સાથે.
    સ્વાદ: સમૃદ્ધ, સુગંધિત અને ખૂબ જ ઓછા ફાઇબર સાથે અત્યંત મીઠી.
    ખાસ નોંધ: હિમસાગર કેરીઓ તેમની સ્વાદિષ્ટ સુંવાળી અને રસદાર રચના માટે જાણીતી છે, જે તેમને બંગાળમાં સૌથી વધુ પસંદ કરાયેલી કેરીની જાતોમાંની એક બનાવે છે.

    ૧૨. આમ્રપાલી
    મૂળ: ઉત્તર પ્રદેશમાં વિકસિત હાઇબ્રિડ વિવિધતા
    દેખાવ: સોનેરી-પીળા રંગની છાલવાળી નાની, ગોળ આકારની કેરી.
    સ્વાદ: મીઠી, રસદાર અને ઓછી રેસાવાળી.
    ખાસ નોંધ: આમ્રપાલી એ દશેરી અને લંગડા કેરીનો સંકર છે અને તે તેની મીઠાશ અને સુગંધિત સ્વાદ માટે જાણીતો છે.

    ૧૩. રસપુરી
    મૂળ: કર્ણાટક
    દેખાવ: અંડાકાર આકારનો, લીલોતરી-પીળો રંગ અને થોડો લાલ રંગનો.
    સ્વાદ: મીઠી અને ખાટી, સરળ, રસદાર પોત સાથે.
    ખાસ નોંધ: રસપુરી કેરી ખાસ કરીને દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, જે તેમના સ્વાદિષ્ટ રસદાર પલ્પ માટે જાણીતી છે.

    ૧૪. કઢણી
    મૂળ: ગુજરાત
    દેખાવ: મધ્યમ કદની અને પીળી-નારંગી છાલ.
    સ્વાદ: થોડી ખાટી સાથે મીઠી.
    ખાસ નોંધ: કઢણી કેરી તેમની સુગંધિત સુગંધ માટે પ્રખ્યાત છે અને સામાન્ય રીતે તાજી અથવા ફળોના સલાડમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

    ૧૫. માલગોવા
    મૂળ: તમિલનાડુ
    દેખાવ: લીસી, પીળી છાલ સાથે અંડાકાર આકારનો.
    સ્વાદ: થોડી મીઠી અને લીસી અને થોડી તંતુમય રચના.
    ખાસ નોંધ: માલગોવા કેરીઓ તેમના તાજગીભર્યા સ્વાદ માટે જાણીતી છે અને ઘણીવાર કેરીના રસ અને મીઠાઈઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
    નિષ્કર્ષ:
    ભારતની વૈવિધ્યસભર આબોહવા અને માટીની સ્થિતિ તેને વિવિધ પ્રકારની કેરીઓ ઉગાડવા માટે એક યોગ્ય સ્થળ બનાવે છે. દેશના દરેક પ્રદેશમાં ચોક્કસ કેરીની જાતો છે જે તેમના અનન્ય સ્વાદ અને રચના માટે પ્રખ્યાત છે. ભલે તમે અલ્ફોન્સોની સમૃદ્ધિ, ચૌસાની રસદારતા, કે પછી લંગડાની ખાટી-મીઠાશ પસંદ કરો, ભારતમાં દરેક સ્વાદ માટે એક કેરી છે. કેરીની ઋતુ, જે સામાન્ય રીતે ઉનાળામાં ટોચ પર પહોંચે છે, તેની વિશ્વભરના કેરી પ્રેમીઓ આતુરતાથી રાહ જોતા હોય છે!

    પ્રસ્તુત તસવીર આલ્ફોન્સો (હાપુસ) ગૂગલ આધારિત

  • સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા

    સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા સંપન્ન

    ખેલ મહાકુંભ ત્રી દિવસીય કબ્બડી તારીખ 31/1/2025 થી 2/2/2025 દરમિયાન સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે યોજાઇ. જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓ માંથી અંડર 14,17 અને ઓપન વિભાગ ભાઈઓ બહેનો જોડાયા હતા.

    તારીખ 2/2/2025 ઓપન વિભાગ ભાઈઓ બહેનો કબડીની સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં ઓપન વિભાગ બહેનોમાં ઈડર વિજેતા બની. જ્યારે ભાઈઓમાં ઓપન વિભાગમાં તલોદ વિનર પ્રથમ નંબર પર રહી.

    ઉપસ્થિત મહેમાનો અને ખેલાડીઓએ ખૂબ જ વિવેકપૂર્વક અને ઉત્સાહથી પોતાના કૌશલ્યનો સુજબુજ થી ઉપયોગ કરી વિજેતા બનવા પ્રયત્ન કરેલ.

    આમ એકદરે સાબરકાંઠા જિલ્લા ખેલ મહાકુંભ કબ્બડીની સ્પર્ધા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. સમગ્ર આયોજન કબડ્ડી જિલ્લા કન્વીનર એફ.કે.મનસુરી અને તેમની ટીમે કર્યું

  • કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

    કુંભમેળાની ભાગદોડમાં મરેલા શ્રદ્ધાળુઓ અંગેના સત્યનો ચોકાવનારો વિડિયો

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540

    હિન્દુઓના પરમ પવિત્ર સ્થળ એવા પ્રયાગરાજ  કુંભ મેળો અને એના પવિત્ર દિવસ પર સ્નાન અંગે હજારો ચર્ચાઓ ચાલી રહી છે! પરંતુ છેલ્લા પાંચ દિવસ પહેલા મોની અમાવસ્યા રોજ જે રીતે પ્રયાગરાજ માં શ્રદ્ધાળુઓ ખાસ કરીને ગંગા સ્નાન માટે સંગમ ઘાટે પહોંચેલા શ્રદ્ધાળુમાં ધક્કા મૂકી થવાના પરિણામે કમનસીબે 30થી વધારે શ્રદ્ધાળુઓના મોત થવાનો મામલો સમગ્ર ભારત વર્ષમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે!  એટલું જ નહીં પરંતુ આ મોત નો આંકડો એ 30 ની પણ 300 નો હોઈ શકે છે…. એવું હજારો લાખો કુંભમેળાના પ્રેમીઓને – લોકોને લાગી રહ્યું છે. આનું કારણ શું હોઈ શકે ??? તે માટે સોશિયલ મીડિયા પર, અનેક youtuber પર અને બીજા મીડિયા ના વિડિયોઝ લોકો જોઈ રહ્યા છે…. આવો જ એક રસપ્રદ વિડિયો ગુજરાતી મીડિયામાં હમણાં મને જોવા મળ્યો!  જેનો મેં ભાગ મારી વેબસાઈટના વાચકો માટે મૂક્યો છે!

    આ વીડિયોમાં ગુજરાતની સોશિયલ મીડિયા અને youtube ચેનલ ચલાવતી દેવાંશી જોશી અને પોતાની વાત નિર્ભય પણે રજૂ કરનારા શંકરાચાર્ય અવીમુક્તેશ્વરઆનંદ વચ્ચે ખૂબ જ અટપટ સંવાદ છે જે વાચકોએ માનવો જ રહ્યો અને દર્શકોએ જોવો રહ્યો!

    સૌજન્ય :  જમાવટ મીડિયા (Jamavat youtube channel)

  • હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

    હિંમતનગરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવામાં આવી

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134  & 9106814540)

    આજરોજ મહેતાપુરા યુવા સંગઠન દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે ભક્તિસભર વાતાવરણ માં ઉજવાયો ! હિન્દુત્વ માટે તેમજ મહેતાપુરામાં અલગ અલગ કાર્યક્રમો આપવા માટે જાણીતા થયેલા મહેતા પુરા યુવા સંગઠન વડે મહેતાપુરાના એનજી સર્કલે અયોધ્યા સ્થિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના વાર્ષિક પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે મહેતાપુરા યુવા સંગઠનના દ્વારા રામમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને રામ મંદિર મહોત્સવ પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં બાઇકરેલી ભવ્ય રીતે કરીને રામ લક્ષ્મણ સીતા હનુમાન ની ઝાંખી અને ભવ્ય રામ આરતી કરીને ઉત્સવ યાદગાર રીતે ઉજવ્યો હતો! ખાસ જે આપણા મહેતાપુરા યુવા સંગઠનના સભ્યો વિકેશભાઇ મુથા, જીગરભાઈ – મુન્નાભાઈ, રાજેશભાઈ પ્રજાપતિ, નીતિન લોઢા, દેવાંગ, લક્ષજીત સિંહ રાઠોડ, બોબી શર્મા જેમના મહેનત અને ભક્તિભાવ પ્રયાસોથી આ ઉત્સવ સફળ બનાવ્યો હતો.

    અયોધ્યામાં બનેલા ભવ્ય રામલલાના- રામ મંદિરના ભક્ત ભાવ અને શ્રદ્ધાપૂર્વકના કાર્યક્રમમાં ઉજવણીમાં ભાગરૂપે મહાદેવ યુવક મંડળના સભ્યો જેમ કે નયનભાઈ રાવલ, જીગ્નેશ રાવલ, લક્ષજીત સિંહ રાઠોડ એ સભ્યોએ પણ ઘણી વખત મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો! મહેતા પુરાના ના માર્ગ પર રામજી મંદિર થી શરૂ કરીને અલગ અલગ જગ્યાએ ભવ્ય શોભાયાત્રા નીકાળીને હજારો યુવાનોની હાજરીમાં તેમજ નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય અને મહેતાપુરાના કોર્પોરેટર કલ્પેશભાઈ સાખલા અને રાજેશભાઈ શર્મા તેમજ ઘનશ્યામભાઈ ભાટી ની ગૌરવ ભરી ઉપસ્થિતિ માં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

    શ્રી રામ કા રોલ કિયા હૈ – જસ્મિત કોર જગદેવસિંગ સિદ્ધુ, હનુમાન નો રોલ – માનવેન્દ્ર લક્ષજીતસિંહ તેમજ જાનકી માતાનો રોલ – જાનવી લક્ષજીતસિંહ, લક્ષ્મણનો રોલ – શ્લોક રાવલે કર્યો હતો. જય શ્રી રામ!

  • ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું

    ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું

    નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસેના વાવડી ગામે હનુમાનજી મંદિર ના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આજરોજ ભવ્ય સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે તારીખ 21 નવેમ્બર ના રોજ કથાકાર મંગલપુરી મહારાજના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન વાવડી ગામ અને તેની આજુબાજુના ભક્તજનો માટે આયોજિત કરાયું હતું જેનું સંચાલન 42 ગામ ગુરૂ ગાદીના કાર્યકરો તેમજ વાવડી ગામના હરિભક્તોએ ભક્તિ ભાવપૂર્વક અલગ અલગ સેવાઓ આપી હતી. ખાસ નોંધનીય વાત એ છે કે આજના વર્તમાન યુગમાં ધાર્મિક ભાવના તેમજ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભાગવત કથા ના સમાપનના દિવસે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના અલગ અલગ મંદિરના મહંત અને સાધુઓ કુલ 200 મહાત્માઓને આમંત્રિત કરીને, આશીર્વાદ લઈને તેમનો ભવ્ય ભંડારો કરી ધન્યતા અનુભવી હતી. 45 ગામોના આશરે 5000 જેટલા ભક્તોને પ્રસાદી જમાડીને ભાગવત કથાનું યાદગાર સમાપન કરાવ્યું હતું.

    આ કાર્યક્રમમાં આયોજન અને ભંડારા કાર્યક્રમ સાથેના સમાપનમાં ગુરુગાદીના મહંત શ્રી નરેન્દ્રપુરી મહારાજ, વાવડીના યશવંતભાઈ પટેલ, દિલીપસિંહ મકવાણા, સુરજપુરાના એડવોકેટ મહેન્દ્રસિંહ આર મકવાણા, રણજીતસિંહ, નરેન્દ્રસિંહ પરમાર તથા આજુબાજુ ગામના સરપંચોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગવત કથાનું રસપાન કરીને કાર્યક્રમને ભવ્ય રીતે સંપન્ન કર્યો હતો.વાવડીની આજુબાજુના સુરજપુરા, માનપુર, ગાંભોઈ, શણગાલ, માથાસુરીયા, કેવન, માંકડી, ખાપરેટા, મહાદેવપુરા તેમજ બીજા 40 થી 45 ગામના ધર્મમય જીવન જીવતા હરિભક્તોએ હાજરી આપીને ભાગવત કથાને યાદગાર બનાવી હતી.*