કેટેગરી મારું ગુજરાત

  • જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

    સંકલન:  નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com)

    • મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ

      જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ

      અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી

    ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે ધિરાણ અને રિવોલિંગ ફંડના વિતરણનો કાર્યક્રમ અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના 100થી વધુ સ્વસહાય જૂથોના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    પોતાની આવડત અને કૌશલ્ય પ્રમાણ ગ્રામ્ય કે તાલુકા સ્તરે આર્થિક ઉપાર્જન માટે મહેનત કરતી મહિલાઓ માટે નાણાકીય ઈંધણ સમાન ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 108 જૂથોને કેશ ક્રેડિટ લોન પેટે 108 લાખ રૂપિયાની ચુકવણી કરાઈ જ્યારે રિવોલ્વિંગ ફંડ પેટે 37 જૂથોને 9.30 લાખ ચુકવવામાં આવ્યા છે.


    બેંક સખી તરીકે કાર્યરત અલ્કાબેન લકુમે પ્રતિભાવ આપતા પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. સખીમંડળના બહેનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાવવામાં મદદરૂપ થઈને તેઓ જિલ્લા-તાલુકા પંચાયત અને મહિલાઓ વચ્ચે કડી સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. અલ્કાબહેન ઉપરાંત આવી હજારો મહિલાઓ છે જે સ્વસહાય જૂથમાં ભાગીદાર બનીને સરકાર દ્વારા મળતા ધિરાણ અને સહાય થકી આજે પગભર બની છે. આ મહિલાઓએ આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માન્યો હતો.


    વિવિધ લાભોના વિતરણ માટે આયોજીત આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી દયારામભાઈ પટેલ, DRDA નિયામક શ્રી આઈ.એસ.આહીર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત, DLM શ્રી અપૂર્વ શાહ તેમજ જિલ્લાની NRLM ટીમ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

    વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ

  • બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    બાગાયત ખાતા દ્વારા દિવ્યાઞો/ મહિલાઓ માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    હિંમતનગર ખાતે  બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના  ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી.  તેમજ પાકોના વાવેતરમાં આવતા રોગ,જીવાત અને તેને સાચવવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક દિવસીય તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ.પટેલ દ્વારા શહેરી વિસ્તારની બહેનોને અર્બન હોર્ટીકલચર  ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

     

     આ કાર્યક્રમમાં આવેલ બહેનોને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે કચેરી દ્વારા કુંડા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણ વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.વી .ગઢવી, અગ્રણી ડો.ચીમનભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

    બાગાયત ખાતા દ્વારા હિંમતનગર ખાતે દિવ્યાઞો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

    તારીખ ૧૬/૦૭/૨૦૨૨ના રોજ જલારામ મંદિર હિંમતનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારના દિવ્યાઞ બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જે એમ પટેલ, મદદનીશ બાગાયત નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુડા તેમજ 10 પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી જીગર પટેલ મદદનીશ બાગાયત નિયામક,શ્રી એ.વી .ગઢવી બાગાયત અધિકારી તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારી ઉપરાંત કૃતિકા બેન પટેલ, શી & વી સંસ્થા અમદાવાદ, જઞદીશભાઈ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

  • સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

    સાબલવાડના નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો

    નિરવ જોષી, હિંમતનગર (7838880134)

    joshinirav1607@gmail.com

    • સાબલવાડના ધરતીપુત્રએ ખેતીના શોખને સેવામાં પરિવર્તિત કર્યો.
    • ૬૧ વર્ષિય નિવૃત શિક્ષકે પ્રાકૃતિક ખેતી દ્રારા ખેડૂતોને નવો રાહ ચિંધ્યો
    • કમલમની સાથે અન્ય ફળ પાકોની પ્રાકૃતિક ખેતી થકી ત્રણ વર્ષમાં બમણું ઉત્પાદન મેળવ્યું

    કહેવાય છે કે મન હોય તો માળવે જવાય! સાબરકાંઠા જિલ્લાના ઇડરના સાબલવાડના ૬૧ વર્ષિય નિવૃત શિક્ષક કાંન્તિભાઇ પટેલે પોતાની નિવૃતિને પ્રવૃતિમાં બદલવા પ્રાકૃતિક ખેતીને અપનાવી કુદરતની સેવાનો યજ્ઞ આરંભ્યો છે. પ્રાકૃતિક પધ્ધતિથી કમલમ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી અને અન્ય શાકભાજીનુ વાવેતર કરે છે. ખેડૂત સ્વાધ્યાય પરિવારમાં પણ સેવા આપે છે.

    કાંતિભાઇ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ઇડરના ગાંઠીયોલ મુકામે એક દિવસીય મુલાકાત યોજાઇ હતી.

    આ મુલાકાત પ્રસંગે ખેડૂતો દ્રારા તેમના અભિપ્રાયો આપવામાં આવી રહ્યા હતા ત્યારે એક મહિલા ખેડૂતે હદયસ્પર્શિ વાત કરી, “ તમે મંદિર જાઓ છો, હું મંદિર નથી જતી, તમે લોકોને ઝેર ખવડાવો છો, હું અન્ન ખવડાવું છું.” આ વાતથી મને ખરેખર આઘાત લાગ્યો અને નક્કિ કર્યું કે હવે કોઇ પણ પ્રકારના રસાયણીક ખાતર,દવા કે બીયારણ વાપરવા નથી. માત્રને માત્ર પ્રકૃતિની સેવા અને માનવજાતની સેવા કરવી છે. ઓછુ મળશે તો ચાલશે પણ પાપ નથી કરવું.


    વધુમાં તેઓ જણાવે છે કે, આ મુલાકાત પછી તેમણે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે તાલીમ લઇ આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે આ કમલમની ખેતી અંગે જાણવા મળ્યું કે આ ખેતીમાં પાણી ઓછુ અને ઉત્પાદન વધુ છે.

    કમલમ ખેતી અંગે તેમણે જણાવ્યું કે, જ્યારે તેમણે આ ખેતી અંગે ઘરે ચર્ચા કરી તો તેનો ખર્ચ જાણી પહેલા જ ના પાડી દીધી પરંતુ બીજા ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી પછી આ ખેતી કરવાનો નિશ્ચય મજબૂત થયો. આ ખેતી માટે સરકાર સબસીડી પણ આપે છે પરંતુ હું સરકારી કર્મચારી હતો અને આજે પેંશનર છું આ કામ મારી જરૂરીયાત નથી પરંતુ શોખ છે માટે સરકારની સબસીડી ના લઈ કોઇ જરૂરીયાતવાળાને મળે તે વિચારી સબસીડી જતી કરી મે પોતાના ખર્ચે બે એકરમાં થાંભલા લગાવ્યા. એક થાંભલા ઉપર ચાર છોડ થાય છે એવા મારા ખેતરમાં હાલ ૧૧૦૦ થાંભલા છે એટલે કે ૪૪૦૦ કમલમના છેડ છે. આ એક છોડ પરથી છ થી સાત કિલો ફળ ઉત્યાદન મેળવી શકાય છે. આ છોડ મેં અલગ અલગ સમય અંતરે વાવ્યા છે કેટલાક છોડનો હજુ વિકાસ થઈ રહ્યો છે. પ્રથમ વર્ષ ફળની શરૂઆત થઈ ત્યારે ઓછુ ઉત્પાદન મળ્યું બીજા વર્ષે ૧૦૦૦ કિલો અને આ વર્ષે લગભગ ૪ થી ૫ હજાર કિલો ઉત્પાદનની ગણતરી છે.


    આ છોડ થોર પ્રજાતિનો છે તેના ફૂલ આવ્યા પછી ૪૫ દિવસમાં એ ફળ પાકીને તૈયાર થાય છે. આ કમલમની કિંમત બજાર કિંમત રૂ.૨૫૦ પ્રતિ કિ.ગ્રા.છે. જ્યારે હું મારા ખેતરેથી ૧૫૦ રૂ. પ્રતિ કિ.ગ્રા. વેચાણ કરૂં છે. ઘરે બેઠા છુટક લોકો અને હોલસેલ વેપારી લઈ જાય છે. મુંબઇ પણ વેપારી મંગાવે ત્યારે મોકલી આપું છું. જેમાંથી મને વર્ષે દહાડે ત્રણ લાખથી વધુની આવક થાય છે.

    કમલમની ખેતીની સાથે અન્ય શાકભાજી અને ફળાઉ વૃક્ષો પણ ખેતરમાં છે. જેમાં આંબળ, આંબા, જામફળ, ખારેક, નાળિયેર, ચિકુ, અંજીર, પપૈયા,સરગવો- શાકભાજીમાં તુરીયા, હળદળ,રીંગણા વગેરે દ્રારા અન્ય ત્રણ લાખની આવક ઉભી થાય છે. એમ મળી કુલ છ થી સાત લાખ રૂપિયાની આવક મળે છે.

     


    ચાર વર્ષ પહેલા મે રાસાયણિક ખેતીમાં મકાઈ, દિવેલા, કપાસ, ઘઉં વગેરે જેવા પાકો લીધા.રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં જ્યારથી મેં પ્રાકતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી રોગ- જીવાતનું પ્રમાણ ઓછું, ખર્ચ ઓછો અને નફો વધારે, જમીન ફળદ્રુપ થઇ.

    હું દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરું છું.

    હું મારા કાર્ડિયાક પ્રાકૃતિક ફાર્મ પર પ્રાકૃતિક ખેતીનાં પાંચ આધાર સ્થંભ (જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફ્સા, જંતુનાશક અસ્ત્રો)નો ઉપયોગ કરી ખેતી કરું છું.આ ખેતી પધ્ધતિ થોડી માવજત વધુ માંગે છે પરંતુ સામે તેમાં કોઇ ખર્ચ નથી તમારો સમય જ આ ખેતીનો ખર્ચ છે. ખેડૂતો પોતાની તમામ જમીન પર નહી પરંતુ થોડી થોડી જમીન પર આ ખેત પધ્ધતિ અપનાવે તો આવનારા સમયમાં આપણી આ જમીન ફરીથી સોને કી ચીડિયા બનશે. ભૂતકાળમાં જેમ ખેતી ઉતમ ગણાતી તે સમય આવતા વાર નહી લાગે.

     

  • સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર તેમજ ડીડીઓ ખાતે સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી

    નીરવ જોશી, હિંમતનગર ( M-783888034)

    આજરોજ હિંમતનગર ખાતે સાબરકાંઠાની બેંક સખી દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના મુદ્દાઓ આ પ્રમાણે છે…

    ખાસ કરીને આ બહેનોએ જે વાસ્તવિક કોરોના કારણે બે વર્ષમાં પરિસ્થિતિ ઉદ્ભવી છે અને એના વડે જે સમસ્યાઓ વ્યવહારિક સ્તરે ઉકેલવી જોઈએ એ પ્રમાણે કાર્ય નથી થયું તે અંગે પોતાનું આક્રોશ અને મનનો ગુસ્સો ઠાલવતા મીડિયા સમક્ષ જણાવ્યું કે અમે બધી સાબરકાંઠાની બેંક સખી મંડળની મહિલાઓને જે પ્રમાણે મહેનતાણું ચુકવવું જોઈએ તે પ્રમાણે ચૂકવવામાં ગ્રામ વિકાસ એજન્સી ઠાગાઠૈયા કરી રહી છે.

    કોરોનાના કપરા સમયમાં કેટલાય સમયથી તેમને પગાર પણ સમયસર મહિનાના અંતમાં ચૂકવાતો નથી. કેટલાક સમય તો બે ત્રણ મહિનાનો પગાર ભેગો આવે છે તે પણ સાવ નજીવો!!! તેમને ફક્ત મહિનાને 12 દિવસ નો જ પગાર મળે છે જ્યારે કામમાં અનેક પ્રકારની કામગીરીઓ કરાવીને ખૂબ જ વ્યસ્ત રાખવામાં આવે છે .આવી તેમજ બીજી કેટલીક અન્ય વ્યાજબી માગણીયો લઈને આજે સાબરકાંઠા સખીમંડળની બહેનોએ કલેકટરને તેમજ ડીડીઓને આવેદનપત્ર આપીને પોતાને પડતી સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે નિવેડો આવે તેવી અરજ કરી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદાર વ્યસ્ત હોવાના કારણે મહિલાઓ બપોર સુધી તેમનો સમય માગી રહી હતી.

     

    હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગ્રામ વિકાસ એજન્સી અને તેમના નિયામક કઈ રીતે આ મહિલા મંડળની સમસ્યાઓને નિવારવા માટે એવા અસરકારક પગલાં લે છે.

  • જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    જન્મદિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મગુરૂના કર્યા વંદન! મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    નિરવ જોષી, ગાંધીનગર

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના ૬૧માં જન્મ દિવસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમને ટેલીફોન કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
    મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને વિકાસલક્ષી નેતા તરીકે ગુજરાતના વિકાસ પ્રત્યેના સેવા ભાવની વડાપ્રધાનશ્રીએ સરાહના કરી છે

    વડાપ્રધાનશ્રીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઊંચાઈઓ પાર કરે અને ગુજરાતના લોકોની સેવા તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ જીવન અને તંદુરસ્તી સાથે કરી શકે તેવી મનોકામના વ્યક્ત કરી હતી.
    મુખ્યમંત્રીશ્રીએ આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરીને ગુજરાતના વિકાસમાં તેમનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળતા રહે છે તેનો પણ આભાર માન્યો હતો.

    જન્મ દિવસ સવારે મુખ્યમંત્રીએ અધ્યાત્મ ગુરૂના કર્યા વંદન!

    મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના ૬૧માં જન્મ દિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રીમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે.તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજ્ય દાદા ભગવાન ને ભાવ વંદન તેમજ પૂજ્ય નિરૂ માં સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

  • સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો       

    નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

    સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર: જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨.૦૩ ટકા વરસાદ વરસ્યો                        

    સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસવાના કારણે કેટલાક જિલ્લામાં તારાજીના દશ્યો સામે આવ્યા છે.પરંતુ સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદથી નદી-નાળા અને જળાશયોમાં નવા નીરની આવક વધતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

           જિલ્લામાં અત્યાર સુધી ૩૨.૦૩ટકા વરસાદ વરસતા ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ પડતા હરખ જોવા મળી રહ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર દ્વાર નોંધાયેલા વરસાદમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ હિંમતનગર તાલુકામાં જયારે સૌથી ઓછો વરસાદ પ્રાંતિજમાં નોંધાયા છે તાલુકાવાર વરસાદની વાત કરીએ તો ઇડર તાલુકામાં ૨૩.૦૧ ટકા, ખેડબ્રહ્મામાં ૩૬.૩૭, તલોદમાં ૨૭.૧૯, પ્રાંતિજમાં ૧૮.૨૮, પોશીનામાં ૩૩.૬૧, વડાલીમાં ૩૪.૯૯, વિજયનગરમાં ૩૮.૪૯ અને હિંમતનગર તાલુકામાં ૪૩.૬૬ ટકા વરસાદ વરસ્યો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કચેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  • સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

    સાબરકાંઠા: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે ગ્રામીણ મહિલાઓની શસક્તિકરણની પ્રયોગશાળા

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    બુધવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણનો એક અનુભવ અમૂલ્ય અને અવિસ્મરણીય સ્વ અનુભવ મને ખુદને થયો જ્યારે આખો હોલ -હિંમતનગર નો ટાઉનહોલ સંપૂર્ણપણે મહિલાઓ કે જેઓ સાબરકાંઠાના આઠ તાલુકાઓમાંથી આવી હતી તેમનાથી ભરાઈ ગયો હતો! આ સમગ્ર કાર્યક્રમ – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એવા ગ્રામીણ મહિલાઓને અપાતી આર્થિક સહાય અંગે હતો જેના વિશે સમાજને હવે વધારે ગહન ચિંતન કરવાની જરૂર છે. કાર્યક્રમનો હેતુ એ છે મહિલાઓને વધારે ઉદ્યમશીલ બનાવી અને ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને રોજગારીની અનેક ઉપાયો અંગે માહિતગાર તેમજ તાલીમ આપી અને તેમને લોન આપવી જેથી તેઓ તેમના આત્મનિર્ભય પ્રયાસો થકી તેમની ઓળખ જીવી શકે અને ગૃહિણી તરીકે સમાજમાં સ્વમાનભેર જીવી શકે.

    રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ અબળા નહીં સબળા બની છે. તેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી આ સંવેદનશીલ સરકારને આભારી છે. આત્મનિર્ભર તરફ મહિલાઓ આગળ વધી રહી છે

    – મંત્રીશ્રી નિમિષાબેન સુથાર

     

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ડો. નલિનકાંન્ત ગાંધી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વ સહાય જૂથોને સામૂહિક લોન ધિરાણનો કાર્યક્રમ શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં યોજાયો

    સ્ટેજ પર પ્રતિકાત્મક રૂપે રૂપિયા ૨૦ લાખના ચેક મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરાયા ઓવર ઓલ જિલ્લામાં કુલ રૂપિયા ૧૨.૩૧ કરોડનું વિવિધ બેંકો દ્વારા મહિલાઓને  ધિરાણ અપાયું.

    સખી મંડળ બચત મંડળની શ્રેષ્ઠ કામગીરી કરનાર ધિરાણકર્તા, બેન્ક મેનેજર, શ્રેષ્ઠ કામગીરી કરનાર બેંક સખી તાલુકા લાઇવલીહૂડ મેનેજર કલસ્ટર કો-ઓર્ડીનેટર,  વિશેષ કામગીરી કરનારનું ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ડો. નલિનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રીમતી ડો.નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વસહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ તથા યોજનાકીય ધિરાણ-મંજુરી પત્રો અને ચેક વિતરણનો કાર્યક્રમ વહિવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠા હિંમતનગર દ્વારા યોજાયો હતો. જેમાં સ્ટેજ ઉપર રૂપિયા ૨૦ લાખના ચેક તથા જિલ્લાની ઓવર ઓલ બહેનોને વિવિધ તાલુકામાંથી આવેલી બહેનોને અંદાજે રૂપિયા ૧૨.૩૧ કરોડનુ વિવિધ બેન્કો દ્વારા ધિરાણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનારને ટ્રોફી પ્રમાણપત્ર તથા યોજનાકીય મંજૂરીપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી ડો. નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આજે મહિલાઓ પગભર થઇ છે આજે મહિલાઓ અબળા નહીં સબળા સાબિત થઈ છે જેનું શ્રેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને જાય છે. આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત તરફ મહિલાઓ આગળ વધી રહી છે અને પંડિત દીન દયાળ ઉપાધ્યાયનું સ્વપ્ન હતું છેવાડાના માનવીનુ કલ્યાણ એ  સ્વપ્ન આજે સાકાર થઇ રહ્યું છે. આજે પ્રથમ વખત સાબરકાંઠા જિલ્લામાં આવવાનું થયું અને આજે વિશાળ સંખ્યામાં માતા બહેનોના દર્શન અને આશીર્વાદ ના અવસરને ધન્યતા અનુભવું છું. મહિલાઓને એક પ્લેટફોર્મની જરૂર છે જે મિશન મંગલમ થકી પૂરું પડાયું છે. કોરોના કાળમાં પણ સખી મંડળની બહેનોએ માસ્ક બનાવીને લોકોને સુરક્ષા કવચ  પૂરું પાડ્યું છે. સાથે સાથે હાથ બનાવટની અને ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરીને આર્થિક ઉપાર્જન મેળવવા સરાહનીય કામ કર્યું છે. મહિલાઓ પાસે હુન્નર અને કળા કૌશલ્ય પડેલું છે.

     

    સુરતની વલોડની બહેનો દ્વારા લિજ્જત પાપડ બનાવીને બ્રાન્ડિંગ કરી કરોડો રૂપિયા આજે કમાય છે. ડાંગ વલસાડની બહેનો પણ નાગલી તેમજ બેકરી ઉદ્યોગ અને વલસાડની બહેનો ગાલીચાના ઉદ્યોગ ઉત્પાદન થકી સારું હુડિયામણ વિદેશમાંથી પણ મેળવે છે. બહેનોને ઘરના બાળકોને સંસ્કાર તથા પાલનની જવાબદારી  સાથે પૂરક વ્યવસાયથી આગળ વધીને ઘરનું ગુજરાત ચલાવે છે. મહિલાઓના નામે ઘરની મિલકતો આજે થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલાના નામે છે. ઉજ્વલા યોજના થકી બહેનોને આરોગ્ય કવચ મળ્યું છે. સાથે પી.એમ.જે.વાય કાર્ડથી કુટુંબમાં માંદગી વખતે મદદ મળે છે. જન ધન ખાતા ખોલીને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. આત્મનિર્ભર ભારત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે અને તેઓ સુપેરે નિભાવી રહી છે.

    આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેકને સરકારી નોકરી મળે તે શક્ય નથી પણ બહેનો સ્વસહાય જૂથો ઊભા કરીને આર્થિક પ્રવૃત્તિ કરીને રોજગારી મેળવી શકે છે અને બીજાઓને રોજગારી આપી શકે છે અને જીરો ટકાએ સરકાર વ્યાજ રહિત લોન આપે છે.મહિલા સશક્તિકરણના અનેક અવસરો પ્રદાન કરે છે. શાહુકારોના ચુંગાલમાંથી આ સ્વસહાય જૂથ કુટુંબને ઉગારે છે. તેમ જણાવ્યું હતું.

     

    આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પોતાના પરિશ્રમ થકી ઉજાગર કરે છે. મુદ્રા યોજના, બેટી પઢાઓ બેટી બચાવોનું કામ પણ મહિલાઓ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ મહિલા સશક્તિકરણનું ગુજરાતમાં ઉત્તમ કામ કર્યું છે. આ સરકારે વ્યાજખોરોના ચુંગાલમાંથી સખી મંડળના માધ્યમથી ઉગારવાનું કામ કર્યુ છે.

    આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સ્વસહાય જુથોને સામૂહિક ધિરાણ આપવાની પહેલ વર્ષ ૨૦૧૧માં લાઇવલીહુડ કંપની દ્વારા શરૂ કરવામાં આવી.જેનો સીધો ફાયદો સખીમંડળોને મળી રહ્યો છે. એક લાખથી દસ લાખ સુધીનું ધીરાણ બહેનોને પગભર થવા મળે છે. આ આર્થિક ઉપાર્જન માટે આપવામાં આવે છે. અને સાથે બેંકો અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી સુંદર પરિણામો જિલ્લામાંમળ્યા છે. ધિરાણ અંગેની આંકડાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા સૌને આવકારી આજીવિકા મિશનના ઉદ્દેશો અંગે સુંદર સમજ આપી હતી. સૌ ઉપસ્થિત મહાનુભાવો અને બહેનોનો આભાર માન્યો હતો.

    આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠન અગ્રણીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ બેંકોના મેનેજરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

  • ICAI અને GLS Universityનો MOU કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત થયો

    ICAI અને GLS Universityનો MOU કાર્યક્રમ દિલ્હીમાં આયોજિત થયો

    નિરવ જોષી, અમદાવાદ (7838880134)

    ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા અને જી.એલ.એસ. યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૨ ના રોજ એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર સમારોહ સી.એમ.એ ભવન, નવી દિલ્હી ખાતે યોજાયેલ અને તેમા ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સી.એમ.એ. પી.રાજુ ઐયર, વાઇસ પ્રેસિડન્ટ સી.એમ.એ. વિજેન્દ્ર શર્મા, અગાઉના પ્રેસિડન્ટ સી.એમ.એ. બિશ્વરૂપ બાસુ તથા અમદાવાદ ચેપ્ટરના ચેરમેન સી.એમ.એ મલ્હાર દલવાડી અને સેક્રેટરી સી.એમ.એ મીતેષ પ્રજાપતિએ હાજર રહી હસ્તાક્ષર કરેલ.

    જ્યારે જી.એલ.એસ. યુનિવર્સિટીના એક્ઝુક્યુટીવ ડાયરેક્ટર ડૉ.ચાંદની કાપડીયા, રજિસ્ટ્રાર ડૉ.ધર્મેશ શાહ તથા ડીન સી.એમ.એ ડૉ.મારઝુન જોખીએ હાજર રહી હસ્તાક્ષર કરેલ. આ એમ.ઓ.યુ.નો ઉદ્દેશ ઇન્સ્ટીટ્યુટના મેમ્બેર્સ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યવસાયિક કાર્યક્રમો વિકસાવવાનો, જીએલએસ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સની વિવિધ સેવાઓનો ઉપયોગ, વિવિધ સેવાઓ અને પ્રોફેસર્સનુ આદાન-પ્રદાન અને પ્રોફેસર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવાનો છે.

  • અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

    અંબાજી મંદિર-લક્ષ્મીપુરાનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભાવ પૂર્વક ઊજવાયો

    નીરવ જોષી હિંમતનગર(M-7838880134)

    હિંમતનગર વિજાપુર રોડ પાસે આવેલા દેત્રોટા ગામની નજીકમાં આવેલા ગામ ખેડાવાડા ના મા અંબાનો રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. શ્રી અંબાજી માતાજી મંદિર – લક્ષ્મીપુરા ખાતે બે દિવસીય માં અંબા મંદિર નો રજત જયંતિ મહોત્સવ યાદગાર રીતે ધામધૂમથી તાજેતરમાં ઉજવાઈ ગયો. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે મુખ્ય મહેમાન તરીકે ઊંઝાના શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી બાબુલાલ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો ગામના ભક્તોને આમંત્રણના કારણે તેમજ માં અંબા અને ઉમિયા માં ભક્તિપૂર્વક શ્રદ્ધા ધરાવતા હોવાને લીધે ભાવપૂર્વક હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

     

    ઉલ્લેખનીય છે કે સમગ્ર લક્ષ્મીપુરા ગામ તેમજ તેના પાસે આવેલું ખેડાવાડા – નવું અને ખેડાવાડા – જુના તેમજ તેની આસપાસના ગામોના પટેલ ભક્તો અને અન્યમાં માં જગદંબા ભક્તોએ ખુબ જ ભાવ ભક્તિપૂર્વક રજત જયંતિ મહોત્સવમાં પંચ કુંડી નવચંડી હવન નું આયોજન કર્યું હતું. જેમાં ૨૧ યજમાનોએ પાટલા લીધા અને ભક્તિભાવપૂર્વક હવન કર્યો હતો.

     

    શ્રી અંબાજી મંદિર માતાજી ની રજત જયંતી મહોત્સવના પ્રથમ દિવસે મા અંબાની જળ શોભાયાત્રા, સિંહની પૂજન , શ્રી યંત્ર પૂજન તેમજ સાય પૂજા-આરતી કરવામાં આવી હતી.

    સમગ્ર ગામમાં શોભાયાત્રા સમય પધારેલા સુપ્રસિદ્ધ ગાયક સાગર પટેલ ના ભક્તિ સંગીત દ્વારા આયોજીત યાત્રામાં ભક્તિ કરવામાં આવી હતી. ભક્તોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મા અંબાની શોભાયાત્રા – મા જગદંબાના દર્શન સમગ્ર ગામમાં કરાવ્યા હતા.

    લક્ષ્મીપુરા ખેડાવાડા ના નવયુવક મંડળના યુવાનોએ સેવા સમર્પણ પૂર્વક કરીને કાર્યક્રમને શાનદાર બનાવ્યું હતું. બે દિવસ દરમિયાન સમગ્ર ગામના ભકતોએ મા અંબાનો મંદિરે પ્રસાદ લીધો હતો. ગામ ખૂબ જ નાનું હોવા છતાં મહોત્સવ સમયે કાર્યક્રમમાં મોટા પાયે આયોજન થયું હતું જેમાં આશરે ૭૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

    આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લોકો તેમજ હિંમતનગરના લોકલાડીલા નેતા અને દીવ દમણ પ્રશાસક-પ્રફુલ પટેલ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા તેમજ પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ, ધારાસભ્ય રાજુભાઈ ચાવડા, ડોક્ટર દિનેશ પ્રજાપતિ,જેઠાભાઈ પટેલ, સરપંચ અમૃતભાઈ ભગાભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી માં અંબાના રજત જયંતિ મહોત્સવ ની શોભા વધારી હતી.

    આ સમગ્ર કાર્યક્રમમાં લક્ષ્મીપુરા ગામના માઇભક્તોએ અથાક પરિશ્રમ કરીને મા જગદંબાની રજત જયંતિ ઉજવણી કરવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. ગામ લોકોની સુખાકારી વધે અને સૌને સદબુદ્ધિ મળે તેવી ભક્તોએ મા જગદંબા અને માં ઉમિયા તે મહાકાળીને પ્રાર્થના કરી હતી.

    જય અંબે!

  • હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    નીરવ જોષી, હિંમતનગર (M-7838880134)

    ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં સૌએ યોગ કર્યા

    સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ, અગ્રણીઓ, પદાધિકારીઓ,અધિકારીઓ,શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગમય બન્યા, રાષ્ટ્રીય તેમજ રાજ્ય લેવલનું પ્રસારણ નિહાળી યોગનો પ્રેરક સંદેશો ઝીલ્યો

       આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂને સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોગ નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા અગ્રણીશ્રી જે.ડી.પટેલ, કૌશલ્યા કુંવરબા તથા જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ,  જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નગરના જાગૃત નાગરિકો, શૌષ્ઠવપ્રેમી લોક વહેલી સવારમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ કરવા અને નિદર્શન જોવા ઉમટી પડ્યા હતા. આ યોગ દિનમાં  ૩,૦૦૦થી  વધુ લોકો યોગમાં જોડાયા હતા.

    આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે પણ યોગ કર્યા હતા અને નગરજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રાચીનકાળમાં ભારતીય સંસ્કૃતિના ગ્રંથોમાં યોગનું મહત્વ અને જ્ઞાન પડેલું છે. તેના થકી પ્રાચીન ઋષિ-મુનિઓએ યોગ, પ્રાણાયામ,યોગસાધના દ્વારા શરીર શૌષ્ઠવની સાથે માનસિક આધ્યાત્મિક શક્તિ કેળવીને સ્વસ્થ અને તંદુરસ્ત નિરોગી સાથે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરતા હતા. જે યોગવિદ્યા સફળ રહી છે.જે સહજ સ્વીકૃત બની આજે ભારતીય વિરાસત બની છે. જેમાં કોઈ બે મત નથી. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪માં યુનાઇટેડ નેશનમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તેનો સહજ સ્વીકાર થઈને ૧૭૭ દેશોએ આ પ્રસ્તાવને મંજૂરી રાખીને ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકાર કર્યો. તે આપણા સૌનું ગૌરવ છે.

     ૨૧મી જૂનએ સૂર્યભ્રમણ પૃથ્વી ધરી પર ફરતો હોય છે ત્યારે ૨૧મી જૂનએ લાંબામાં લાંબો દિવસ છે.

    ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુજરાત યોગ બોર્ડના જિલ્લા કોડિનેટર અમીબેન પટેલ તેમજ તેમની સાથે પ્રશિક્ષિત યોગ શિક્ષકોએ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોગ નિદર્શન કરીને સમગ્ર કાર્યક્રમને ખુબ સુંદર રીતે સંચાલિત કર્યું હતું. બીજી કેટલીક સંસ્થાઓના યોગ શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને યોગ કર્યો હતો. આ ઉપરાંત અન્ય સંસ્થાઓના તેમજ હિંમતનગરની જાણીતી સ્કૂલના બાળકોએ મોટી સંખ્યામાં યોગ કરીને સમગ્ર વિશ્વ યોગ દિવસ ખૂબ જ યાદગાર બનાવ્યો હતો.

    ઉપસ્થિત યોગ પ્રેમીઓને સંબોધિત કરતા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી બદલાવાના કારણે ડાયાબિટીસ, હાર્ટએટેક, કીડની જેવા રોગો વધ્યાં છે.ત્યારે યોગ દ્વારા લોકોની ઈમ્યુનિટી પાવરમાં વધારો કરી રોગો સામે રક્ષણ મળે છે. યોગએ ભારતીય સંસ્કૃતિથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. જે નિશુલ્ક સ્વંયમ જાતે શીખીને તથા યોગ બોર્ડના ટ્રેનરો દ્વારા તાલીમ લઇને શીખી શકાય છે અને બીજાને શીખવી શકાય છે. તેનાથી મન પ્રફુલ્લીત અને શાંતિનો અનુભવ કરે છે. યાદશક્તિમાં વધારો થાય છે. પાચનતંત્રમાં સુધાર થાય છે. આજના યોગ દિવસે સૌને સ્વસ્થ, તંદુરસ્ત, નિરોગી રહે તેવી શુભકામના પાઠવું છું.

    આ પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો યોગ કરવા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શરીર શૌષ્ઠવપ્રેમી લોકો ઉમટી પડ્યા હતા અને એક કલાકથી વધુ સમય માટે યોગમય બન્યા હતા અને એલ.ઇ.ડી સ્ક્રીન પર અને યોગ બોર્ડ દ્વારા નિદર્શન યોગ જોઈને યોગ કર્યા હતા અને સુંદર વાતાવરણ નિર્માણ કર્યું હતું.

     

    દરેક યોગ પ્રેમીએ નિરવ શાંતિ અને યોગનો સ્વંયમ અનુભવ કર્યો હતો.

    હિંમતનગરની જાણીતી હિમ્મત હાઇસ્કુલ ,સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, માય ઓન હાઇસ્કૂલ, પઢીયાર હાઇસ્કુલ,ત્રિવેણી હાઈસ્કૂલ – મહેતાપુરા અને અન્ય હાઈસ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગ કરીને વાતાવરણને ખૂબ ઉત્સાહિત બનાવ્યું હતું.

     

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કર્ણાટકના મૈસુરથી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રિવરફ્રન્ટ અમદાવાદ ખાતેથી યોગ દિવસનો પ્રેરક સંદેશો નજરે નિહાળી ઝીલ્યો હતો. અને યોગ કરવા સંકલ્પ બધ્ધ બન્યા હતા. આરોગ્ય પ્રત્યે જાગૃતતા સંદેશ પ્રસરાવ્યો હતો. વાઈટ ડ્રેસમાં સફેદ ટી-શર્ટ અને શાંતિના પ્રતિકની જેમ સુંદર નજારોનું નિર્માણ કર્યું હતું.

     

    આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદિક ઉકાળા તથા બાળકોને દૂધની વ્યવસ્થા તથા માસ્ક  સેનેટાઈઝર અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું.

     આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં તાલુકા કક્ષાએ,ગ્રામ્ય કક્ષાએ તથા જિલ્લાના મહત્વના આઇકોનિક વિસ્તાર ઈડરિયો ગઢ, પોળો ફોરેસ્ટના શરણેશ્વર મંદિર તથા પોશીના દરબારગઢ ખાતે પણ યોગ યોજવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી સમય કાઢીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા બતાવી હતી. સાબરકાંઠા જિલ્લાની શાળા કોલેજમાં પણ યોગ કાર્યક્રમ યોજાયા હતા.

    આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિન નિમિત્તે વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર ખાતે સાંસદ શ્રીમતિ રમીલાબેન બારા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલની ઉપસ્થિતિમાં સફેદ વસ્ત્રો સાથે શાંતિમય માહોલમા યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

    આ ઉપરાંત તાલુકાકક્ષાએ પ્રાંતિજની અવર ઓન હાઇસ્કૂલ, તલોદની જે.બી. ઉપાધ્યાય હાઇસ્કૂલ, મહિયલ, ઇડર યુનિક યુ ઇન્ટરનેશનલ સ્કૂલ જવાનપુરા, વડાલી શારદા વિધ્યા મંદિર, ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ, નવીમેત્રાલ, વિજયનગર એમ.એચ.હાઇસ્કૂલ અને પોશીનાનો સ્વામિનારાયણ મંદિર એમ મળી સાત તાલુકાના ૩૫૦૦ લોકો યોગ દિવસમાં ભાગીદારી થયા હતા.

    નગરપાલિકા વિસ્તારમાં  પ્રાંતિજની શેઠ પી.એન.આર. હાઇહાઇસ્કૂલ, તલોદ પંડિત દીન દયાલ ઉપાધ્યાય ઉધ્યાય ટી.આર. ચોકડી, ઇડર સરપ્રતાપ હાઇસ્કૂલના મેદાનમા, વડાલી શેઠ શ્રી સી.જે. હાઇસ્કૂલ, ખેડબ્રહ્મા શ્રી શેઠ કે.ટી. હાઇસ્કૂલ ખાતે  ૨૫૦૦ લોકો યોગ દિવસમાં જોડાયા હતા.

      ગ્રામ્યકક્ષાએ  હિંમતનગરની ૧૦૭ ગ્રામપંચાયતો, પ્રાંતિજની ૬૬, તલોદ ૭૦, ઇડર ૧૧૦, વડાલી ૪૦, ખેડબ્રહ્મા ૪૪, વિજયનગર ૪૨ અને પોશીનાની ૩૦ ગ્રામ પંચાયતોના અંદાજીત ૧૨,૭૨૫ લોકો યોગ દિવસમાં ભાગીદાર થયા હતા.

    સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક વિરાસત ધરાવતા ઇડરીયા ગઢ, વિજયનગર પોળોના શારણેશ્વર મંદિર અને પોશીનાના દરબાર ગઢનો ખાતે યોગ દિનની ઉજવણીમાં ૨૨૫ લોકો ભાગીદાર થયા હતા.