કેટેગરી જીવનશૈલી

  • કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    કોણ છે પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ ?

    આજની પોઝિટિવ સ્ટોરી (આલેખનઃ રમેશ તન્ના)

    પદ્મશ્રી એવોર્ડ મેળવનારાં ડૉ. લતાબહેન દેસાઈ વિશે આપ શું જાણો છો ?

    “સેવા રૂરલ” સંસ્થાનાં સ્થાપક ડૉ. લતાબહેન દેસાઈને સને 2022નો પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત થઈ છે.

    કોણ છે આ ડૉ. લતાબહેન દેસાઈ ?

    ગુજરાતની બે સેવા સંસ્થાઓ જાણીતી. એક સંસ્થા એટલે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓ માટે ઈલાબહેન ભટ્ટે સ્થાપેલી સેવા સંસ્થા. તેનું મુખ્ય મથક અમદાવાદમાં. આ સંસ્થાએ લાખો શ્રમિક મહિલાઓના પરિવારમાં સુખનો સૂરજ ઊગાડ્યો. બીજી સંસ્થા એટલે સેવા રૂરલ. એ સંસ્થા દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ઝગડિયા (જિલ્લોઃ ભરૂચ)માં આવેલી છે. આ સંસ્થાએ લાખો આદિવાસીઓના જીવનમાં ઉજાસ પાથર્યો.

    આ સંસ્થાનાં સ્થાપકો પૈકીનાં એક એટલે ડૉ. લતાબહેન દેસાઈ. સાથી સ્થાપક હતા તેમના જીવન સાથી ડૉ. અનિલ દેસાઈ. (તેમણે 16મી એપ્રિલ, 2019ના રોજ વિદાય લીધી.)

    ડૉ. લતાબહેન દેસાઈનું જીવનનું સૂત્ર છેઃ आत्मनो मोक्षार्थम् जगत् हिताय च. એટલે કે આ જીવન આપણા વ્યક્તિગત સ્વના ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે છે.

    ડૉ. લતાબહેન દેસાઈનો જન્મ 8 ઓગસ્ટ 1941ના રોજ સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારમાં થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમણો પોતાના પિતા ગુમાવ્યા હતા. 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી તેઓ સ્નાતક થયાં. 1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના સાદથી તેમને અને તેમના પતિ ડૉ. અનિલ દેસાઈના મનમાં રાષ્ટ્ની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને ભારતીય સેનામાં જોડાયાં. તેમણે અહીં દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી હતી. ડૉ. લતા અને અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછાં ગયાં. ત્યાર પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયાં. અહીં 1971 થી 1979ની વચ્ચે રહ્યાં.

    મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત ડૉ. લતાબહેન, તેમના પતિ સ્વ ડૉ.અનિલભાઈ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિ જાગૃતિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રહ્યો છે.

    આ સંસ્થાની સ્થાપનાની કથા રસપ્રદ છે. એ જાણવા અમેરિકા જવું પડે.

    1970ના દસકાના અંતની વાત. થોડા સંવેદનશીલ મિત્રોએ યુએસએમાં પોતપોતાને જે ભણવાનું હતું તે ભણી લીધું હતું અને દરેક જણ કામગીરી પણ કરતા હતા. આ બધાના હૃદયમાં ભારતના ગરીબો માટે હતો અપાર પ્રેમ અને આંખોમાં હતું તેમના માટે કામ કરવાનું સ્વપ્ન.

    બધાના હૃદયમાં ઘણું બધું હોય છે, પણ જે જે હોય છે હૃદયમાં, તે બધું કંઈ અમલમાં લાવી શકાતું નથી.

    જોકે અહીં એવું ના થયું. જ્યાંથી પાછા આવવાનું ભાગ્યે જ કોઈ નક્કી કરે છે તે અમેરિકાની ભૂમિને છોડીને કેટલાક
    યુવા મિત્રો ભારત પરત આવ્યા. સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ પ્રબોધેલા માર્ગે આ ડૉકટર મિત્રોએ 26 ઓક્ટોબર, 1980ના રોજ સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ (SEWA-Rural)નામની સંસ્થાની સ્થાપના કરી.

    કોણ કોણ હતા તેના સ્થાપકો ?

    ડૉ. લતા દેસાઈ (MD, બાળરોગશાસ્ત્ર), ડૉ. અનિલભાઈ દેસાઈ (MS, જનરલ સર્જરી), ડૉ. પ્રતિમાબેન દેસાઈ (PhD) અને અરવિંદભાઈ દેસાઈ (MSc), ડૉ. દિલીપભાઈ દેસાઈ.. વગેરે.

    સેવા રૂરલ સંસ્થા ગુજરાતની સૌથી મહત્ત્વની સેવાકીય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે.

    સેવા-ગ્રામીણ સંસ્થાએ દક્ષિણ ગુજરાતના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય અને વિકાસ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા છે. તેનું મુખ્ય મથક ઝગડિયા ખાતે છે. સમાજ સેવા, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ.. આ ત્રણ વાનાંનો ત્રિવેણી સંગમ કરીને સંસ્થા કાર્ય કરે છે.

    આ સંસ્થાએ આશરે ત્રણ હજાર ગામોનો સર્વાંગી વિકાસ કર્યો છે. છેલ્લા ચાર દાયકા દરમિયાન, SEWA રૂરલ સંસ્થાએ વિવિધ કાર્યક્રમો માટે 110 કરોડ રૂપિયાનું કાર્ય કર્યું છે.

    સંસ્થા દ્વારા 200 પથારીની કસ્તુરબા હોસ્પિટલ ચાલે છે. જ્યાં ચોવીસ કલાક OPD (બહાર-દર્દી વિભાગ) તેમજ OBGYN (ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજી), બાળરોગ, નેત્રરોગવિજ્ઞાન અને સામાન્ય દવાના ક્ષેત્રોમાં ઇન્ડોર અને કટોકટી સેવાઓ અપાય છે. ગુજરાતનાં 3,000 ગામો ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓને પણ તેનો લાભ મળે છે. લેબોરેટરી અને બ્લડ સ્ટોરેજ, એક્સ-રે અને સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબર-રૂમ, ઇન્ટેન્સિવ-કેર-યુનિટ (ICU) અને નિયોનેટલ ICU જેવી સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. સંસ્થા દ્વારા દર વર્ષે લગભગ આંખના 150 કેમ્પનું આયોજન કરાય છે, 4,500થી વધુ મોતિયાની સર્જરી કરાય છે, ઓપીડીમાં 100,000 થી વધુ દર્દીઓ તપાસાય છે. જ્યારે દર વર્ષે હોસ્પિટલમાં 18,000 દર્દીઓ દાખલ થાય છે. હોસ્પિટલમાં લગભગ 5,000 પ્રસુતિ અને 7,000 ઓપરેશન પણ કરાય છે.

    આ સંસ્થા ઉપલબ્ધ માનવશક્તિના આધારે વિવિધ કાર્યક્રમો દ્વારા ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે.

    ડૉ. લતાબહેન દેસાઈ (M.D., D.Ped.,D.A.B.P. & F.A.A.P. (USA)નો જન્મ આઠમી ઓગસ્ટ, 1941ના રોજ થયો હતો. ભારત સરકારે તેમાન 81મા વર્ષે તેમની કદર કરી છે. જીવનસાથી અનિલભાઈની વિદાય પછી તેમને આ એવોર્ડ મળી રહ્યો છે.

    તેમના દીકરા શ્રેયભાઈ દેસાઈ પણ ડૉકટર છે અને માતા-પિતાના પગલે તેમણે પણ પોતાનું જીવન ગરીબ આદિવાસીઓને સમર્પિત કરી દીધું છે. લતાબહેનનાં પુત્રવધૂ અને શ્રેયભાઈનાં જીવનસાથી ગાયત્રીબહેન પણ ડૉકટર છે અને તેઓ પણ સેવા રૂરલ સંસ્થામાં ઓગળી ગયાં છે.

    ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ પછી આ સંસ્થાને ડૉ. ગાયત્રીબહેન અને ડૉ. શ્રેયભાઈ સ્વરૂપે યુગલ-જોડી મળી છે.

    આ સંસ્થા ડૉકટરો માતૃ મૃત્યુ દર (એમએમઆર), શિશુ મૃત્યુ દર (આઈએમઆર) અને નવજાત મૃત્યુ દર ઘટાડવા પ્રતિબદ્ધ છે તો રોજગારી દ્વારા ગરીબી ઘટાડવા અને શૈક્ષણિક અને રોજગારની તક ઊભી કરીને મહિલાઓને સશક્ત પણ બનાવે છે.

    સેવા રૂરલ સંસ્થા સરકારી અનુદાન, આંતરરાષ્ટ્રીય ભંડોળ અને દાન સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી દર વર્ષે રૂ.10 કરોડનું ભંડોળ એકત્ર કરે છે. (SEWA-Rural ને દાનમાં આવકવેરા કાયદાની કલમ 80-G હેઠળ 50% આવક-વેરામાં છૂટ છે.)

    સંસ્થાના 2000 ગામોમાંથી સીધા વાર્ષિક લાભાર્થીઓની સંખ્યા છે બે લાખ. સંસ્થા 4000 પરિવારોને ગરીબીમાંથી બહાર લાવી શકી છે.

    સેવા રૂરલ સંસ્થાને 41 વર્ષની કાર્ય સફર દરમિયાન અનેક ઍવોર્ડથી વિભૂષિત કરાઈ છે. ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈને અગાઉ ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા છે.

    *

    સેવા રૂરલ સંસ્થા અને ડૉ. લતાબહેન અને ડૉ. અનિલભાઈ એક જ સિક્કાની બે બાજુઓ.

    સેવા રૂરલ સંસ્થાનો પરિચય આપીએ એટલે આપોઆપ આપણને ડૉ. લતાબહેનનો પરિચય મળી જાય.

    ડૉ. લતાબહેનનું જીવન એટલે પ્રેમ, સંવેદના અને કરૂણાનો ત્રિવેણી સંગમ.

    ડૉ. લતાબહેન ઘસાઈને ઊજળાં થયાં.

    અમેરિકાની દામદોમ સાહ્યબી, ઝગમગાટ, વૈભવી જીવન, સાધનો-સગવડો, સુખ-જાળને
    છોડીને આવેલી એક તબીબ યુવતિએ પોતાનું જીવન આદિવાસીઓના ચરણે ધરી દીધું. આજે લોકો
    ડૉ. લતાબહેનના ચરણ સ્પર્શ કરવા પ્રેરાય છે તેનું કારણ આ જ.

    ભગવાન ડૉ. લતાબહેનને નિરામય દીર્ઘાયુ આપે તેવી પ્રાર્થના.

    (સેવા-રૂરલ સંસ્થાનો સંપર્ક, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બંકિમ શેઠ 94261 20753 દ્વારા કરી શકાશે.)

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475)

    Edited by: Nirav Joshi(7838880134)

  • કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    કોંગ્રેસનો 137 મો સ્થાપના દિવસ સાબરકાંઠામાં અનોખી રીતે ઉજવાયો

    નીરવ જોષી, હિંમતનગર

    દેશની આઝાદી માટે સ્વાતંત્ર સંગ્રામ સમયે અસ્તિત્વમાં આવેલી કોંગ્રેસ આજે એની 137 મો સ્થાપના દિવસ મનાવી રહી હતી. ઉલ્લેખનીય છે કે 28 ડિસેમ્બર એ કોંગ્રેસની સ્થાપના દિવસ દર વર્ષે સમગ્ર ભારત વર્ષમાં ઉજવાય છે. આ વખતે ગુજરાત  કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં કોંગ્રેસ સ્થાપના દિવસ અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું.

    આ મુજબ આજે સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ લાલ સિંહ પરમાર તેમજ પ્રાંતિજ ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, રામભાઇ સોલંકી, મુકેશ પરમાર,મહેન્દ્રસિંહ વકીલ, મહેશ પરમાર, જીગ્નેશ પટેલ,યુસુફભાઈ બચ્ચા, ભરતસિંહ તેમજ કમળાબેન પરમાર અને દેવ પટેલ જેવા યુવા નેતાઓ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો તથા દીકરીઓ ભોજન પીરસ્યું હતું.

    સંસ્થા માં રહેતા આશરે ૧૦૦ જેટલા બાળકો અને ૧૪ દીકરીઓને ભાવતું ભોજન કરાવ્યું હતું તેમજ તેઓની સાથે સમય વિતાવ્યો હતો આ ઉપરાંત દિવ્યાંગ બાળકોની સંસ્થાને  ડોનેશન પણ આપ્યું હતું. સાબરકાંઠા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ કોંગ્રેસ સ્થાપના દિવસ ના રોજ આ વખતે એક એવો મેસેજ આપવા માટે આયોજન કરાયું છે કોંગ્રેસ દરેક વર્ગના લોકોને તરફ સંવેદનશીલતા રાખે છે તેમજ તેઓની સુખાકારી માટે વિચારશીલ છે. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ જોડાયા હતા.

  • જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    જાણો, નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખની 36 વર્ષની પત્રકારત્વની કારકિર્દીની રસપ્રદ વાતો

    AVSPost બ્યુરો, અમદાવાદ. (M-7838880134)

    આજની પોઝિટિવ સ્ટોરી

    નચિકેત એવોર્ડ વિજેતા શ્રી ભાર્ગવ પરીખઃ ત્રણ તપ એટલે કે 36 વર્ષની ઝળહળતી પત્રકારત્વની કારકિર્દી

    આલેખનઃ રમેશ તન્ના

    30મી મે, 1964ના રોજ, મોસાળ ઈન્દોરમાં જન્મેલા અને જેમની કર્મભૂમિ અમદાવાદ રહી છે તેવા ભાર્ગવ પરીખને નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં અપાતો નચિકેત એવોર્ડ, 15મી ડિસેમ્બર, 2021, બુધવારના રોજ, સુરતમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે એનાયત થવાનો છે.

    શ્રી ભાર્ગવ પરીખ ગુજરાતી પત્રકારત્વનું એક એવું નામ છે જેણે સાતત્ય સાથે લોકનિષ્ઠ પત્રકારત્વનું ખેડાણ કર્યું છે. તેમના અનુભવોનું બયાન કરવા જઈએ, સમાજ પર પડેલી તેની અસર વિશે અલપ-ઝલપ લખવા જઈએ તો પણ એક પુસ્ક પ્રકાશિત કરવું પડે. એમાં વિવિધતા પણ છે અને ગુણવત્તા પણ છે. એમાં સાંપ્રત કથાઓ પણ છે અને જેની ચિરંજીવ અસર હોય તેવા વિષયો પણ છે. એ પરિશ્રમી અને ઝુઝારું પત્રકાર છે. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    તેમના પિતાજી નિરંજન પરીખ પણ પત્રકાર હતા. તેમણે મોટાભાગે સંદેશમાં કામ કર્યું. નિરંજન પરીખનું નામ પત્રકારોને સંગઠિત કરવા માટે જાણીતું છે.

    ઈઝરાયલના એક ઈતિહાસકારે મનુભાઈ પંચોળીને કહ્યું હતું કે, સંગઠિત સત્ય હંમેશાં જીતે છે. સત્ય જેવું સત્ય પણ સંગઠિત થાય ત્યારે તેની જીત થતી હોય છે. સંગઠનની મોટી તાકાત છે. પત્રકારોને તેમના અધિકારો નહોતા મળતા ત્યારે નિરંજનભાઈએ ઝંડો ઊઠાવ્યો હતો. એમ કહો કે, મશાલ ઊઠાવી હતી. એ પ્રજ્જવલિત મશાલથી તેઓ દાઝ્યા પણ ખરા. અલબત્ત, અણનમ રહ્યા અને પત્રકારોને તેમના હક્કો અપાવીને જ રહ્યા.

    નિરંજનભાઈ પરીખ ખૂબ વહેલા ગયા. માત્ર 47 વર્ષની વયે તેમણે વિદાય લીધી. મૂડીવાદના અનેક હુમલાઓનો સામી છાતીએ, રમતાં રમતાં સામનો કરનાર, આ બહાદુર હૃદયરોગના હુમલા સામે ન ટકી શક્યો.

    એ વર્ષ હતું, 1983નું.

    એ વખતે ભાર્ગવભાઈની ઉંમર સાડા સત્તર વર્ષની હતી.

    ઘરમાં માતા, એક બહેન. ભાર્ગવભાઈના યુવા ખભા પર અચાનક મોટો ભાર આવી ગયો.

    અલબત્ત, ભાર્ગ‌‌વભાઈ નાનપણથી જ પરિશ્રમી હતા. કઠણ સંજોગોનો સામનો કરવા તેઓ તૈયાર હતા.

    તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમનો કોર્સ કર્યો હતો. જોકે, આર્થિક ઉપાર્જન માટે ઘણી ખાનગી કંપનીઓમાં તેમણે સેલ્સમેન તરીકે કામ કર્યું હતું.

    એ વખતે નવું નવું સમભાવ દૈનિક શરુ થયું હતું. તેના સ્થાપક અને તંત્રી ભૂપતભાઈ વડોદરિયાએ ભાર્ગવભાઈને બોલાવ્યા. પૂછ્યું, શું કરે છે ?

    “સુધરેલો ફેરિયો છું.” ભાર્ગવભાઈએ જવાબ આપ્યો.

    ભૂપતભાઈએ કહ્યું કે, “કાલથી આવી જા.”

    ભાર્ગવભાઈ શાળામાં હતા ત્યારથી તેમને વાંચવાનું અને લખવાનું ખૂબ ગમતું. સારું અને સર્જનાત્મક લખી પણ શકતા. કિશોરકાળમાં લખેલી એક વાર્તા લઈને તેઓ પોતાની રીતે જ સંદેશમાં ગયા. પૂર્તિ સંપાદકને એ વાર્તા ગમી. જોકે, ત્યાં જ કામ કરતા તેમના પિતા નિરંજનભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેમણે ધરાર વાર્તા ન છાપવા દીધી. કહ્યું કે, લોકોને એવું લાગશે કે, મારા કારણે તારી વાર્તા છપાઈ છે.

    નામાંકિત વ્યક્તિઓના સંતાનોને ક્યારેક આવા ગેરફાયદા પણ થતા હોય છે.

    ભાર્ગવભાઈ “સમભાવ”માં ખૂબ ઘડાયા. બરાબર ટીપાયા. અહીં રિપોર્ટિંગ, પ્રૂફ રીડિંગ, અનુવાદ, પેજમેકિંગ એમ બધા જ વિભાગોમાં તેમણે કામ કર્યું. આળસ કે કંટાળો તેમના સ્વભાવમાં નહીં. નવું નવું શીખવાની ટેવ. આ બધું શીખેલું આગળ જતાં તેમને ખૂબ કામ આવવાનું હતું.

    પિતા મૃત્યુ પામ્યા ત્યારે બેંકમાં 86 રુપિયા મૂકીને ગયા હતા. યુવાન ભાર્ગવભાઈને ઘર ચલાવવા વધારે મહેનત કરવી પડે તેમ હતી. કરી. શરીર પાસેથી તેમણે બરાબરનું કામ લીધું. પત્રકાર તરીકેની નોકરી ઉપરાંત તેમણે જુદાં જુદાં સામયિકો માટે અનુવાદો કરી આપ્યા, લેખો લખી આપ્યા. તેમને નામ ન મળે પણ દામ મળે એ રીતે પુસ્તકોના અનુવાદો પણ કર્યા.

    મૂળ વાત એ હતી કે, બે છેડા ભેગા કરવાના હતા.

    વાંચન, લેખન અને ભાષા સજ્જતાના સહારે તેઓ આગળ વધતા ગયા અને વિકસતા પણ રહ્યા.

    ક્યારેક ભૂલો પણ કરી. ક્યારેક ચૂક પણ કરી. જોકે, જે કામ કરે તેને ભૂલ અને ચૂક કરવાનો અધિકાર હોય છે. છેવટે તો બધામાંથી શીખતા જ રહ્યા.

    1986થી 1988 સમભાવમાં ભાવપૂર્વક કામ કર્યું. અહીં તેમનો મજબૂત પાયો નખાયો. એ પછી તેઓ ગુજરાત મિત્રમાં જોડાયા. ગુજરાત મિત્ર સુરતનું છાપું. તેના અમદાવાદ-ગાંધીનગરના પ્રતિનિધિ તરીકે તેમણે ઉત્તમ કામ કર્યું.

    એ પછી 1990માં તેઓ જન્મભૂમિમાં જોડાયા. મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિની અમદાવાદ આવૃત્તિ શરુ થઈ હતી. અહીં તેમના ખભા પર ઘણી વધારે જવાબદારી આવી અને તેમણે એ જવાબદારી સૂપેરે નિભાવી. બે-બે દવે તંત્રીઓના હાથ નીચે અને હૃદય સાથે કામ કર્યું. મુંબઈમાં હરીન્દ્ર દવે મુખ્ય તંત્રી અને અહીં અમદાવાદમાં જયંતીભાઈ દવે તંત્રી. ઉત્તમ કામ થયું. સમાજ સાથે રહીને કામ કરવાની ટેવ વાળા ભાર્ગ‌‌વભાઈ સતત લખતા રહ્યા. કોઈ એક વિષયને બદલે તેમણે ઘણા વિષય પર કલમ ચલાવી. રાજકારણ કે જાહેરજીવનની બીક હોય એટલે તેના વિશે તો લખવું જ પડે, પરંતુ સમાજલક્ષી પણ લખતા રહ્યા.

    તેમને પડકારો ગમે. નવી નવી સ્ટોરી કરવાનું સૂઝે. એના માટે મહેનત કરે. સ્વભાવ મિલનસાર એટલે જોતજોતામાં સંપર્કો ઊભા કરી દે. કોઈ પણ સફળ પત્રકારો માટે તે બહોળા સંપર્કો અનિવાર્ય હોય છે. ભાર્ગવભાઈનો સંપર્ક વિશ્વ અત્યંત વિશાળ છે. તમે કોઈ પણ ક્ષેત્રનું નામ બોલો, ગુજરાતનું કોઈ પણ નગર હોય, ભાર્ગવભાઈના સંપર્કો ચોક્કસ હોય જ. પોતાને જોઈતી વિગત તેઓ મિનિટોમાં મેળવી શકે.

    ગુજરાત મિત્રમાં તેમને બાયલાઈન જોઈતી હતી. તંત્રી ભગવતીકુમાર શર્માએ પડકાર ભરેલું પ્રોત્સાહન આપ્યું. કહ્યું કે, મને એવી સ્ટોરી આપ કે મારે પહેલાં પાને તારા નામ સાથે છાપવી પડે. યુવા ભાર્ગવે આ પડકાર ઝીલી લીધો. થોડા દિવસોમાં જ, ગુજરાત મિત્રના પહેલાં પાને સ્ટોરી છપાઈઃ સુરતમાં આખા ગુજરાતના સૌથી વધુ એઈડ્સના દર્દીઓ.

    એ પછી તેમને મેગેઝિન પત્રકારત્વમાં પગરણ માંડ્યા. 1992થી તેઓ અભિયાનમાં જોડાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યું. એ પછી ચિત્રલેખામાં જોડાયા. હરકિશન મહેતાની સ્કૂલમાં બરાબર ખીલ્યા. એકથી એક ચડિયાતી અનેક સ્ટોરી કરી. હરકિશનભાઈને ખુશ કરવા અઘરા, પરંતુ ભાર્ગવભાઈની કામગીરી એ કરી શકે. પાછા અભિયાને બોલાવ્યા તો 1997થી 2001 સુધી પુનઃ ત્યાં કામ કર્યું.

    છ વર્ષ દૈનિક વર્તમાનપત્રોમાં અને 10 વર્ષ મેગેઝિન જર્નાલિઝમમાં આપ્યા પછી ભાર્ગવભાઈ ઈલેક્ટ્રોનિક મીડિયા તરફ વળ્યા.

    2001માં તેઓ ઝી ગ્રુપ સાથે જોડાયા. આલ્ફા ગુજરાતી ચેનલ અને મુખ્ય ઝી ચેનલમાં તેમણે કામ કર્યું. તેઓ નેશનલ કક્ષાના આસિસ્ટન્ટ એડિટર પણ હતા.

    17 વર્ષ તેમણે બરાબર, જાતને ઓગાળી દઈને કામ કર્યું.

    2017માં તેમણે ઝી ગ્રુપ છોડ્યું.

    2016માં તેમણે મોઢાનું કેન્સર થયું. તેમના માટે એ ખૂબ જ કપરા દિવસો હતા. અલબત્ત, અંદરની પ્રબળ શક્તિ એટલે કેન્સર સામે લડત આપીને જીત્યા પણ ખરા. દોઢ મહિનામાં તેમણે કેન્સરને હરાવ્યું.

    એ પછી તેઓ હવે બીબીસી ગુજરાતી અને જન્મભૂમિ ગ્રુપ માટે કન્ટેન્ટ પ્રોવાઈડર તરીકે કામ કરે છે. હવે તેઓ કોઈ ગ્રુપ સાથે ફૂલ સમય કામ કરતા નથી.

    ભાર્ગવભાઈએ પ્રિન્ટ મીડિયામાં કામ કર્યું. એમાં દૈનિક વર્તમાનપત્ર અને મેગેઝિન બંનેમાં ફરજ બજાવી. એ પછી ઈલેક્ટ્રોનિક મીડિયામાં દીર્ઘ સમય સુધી કામ કર્યું અને 2016થી તેઓ હવે ડિજિટલ પત્રકારત્વ કરી રહ્યા છે. આમ પત્રકારત્વનાં ત્રણે સ્વરુપોમાં સાતત્ય સાથે, લાંબો સમય અને અસરકારક રીતે તેમણે કામ કર્યું છે.

    રાજકારણ, ક્રાઈમ, હ્યુમન ઈન્ટ્રેસ્ટિંગ સ્ટોરી, એજ્યુકેશન અને લોકઉત્કર્ષ જેવા વિષયો તેમને વધારે ગમે છે. તેમણે કરેલી શ્રેષ્ઠ સ્ટોરીનું લિસ્ટ બનાવીએ તો એકસોથી પણ વધી જાય. તેઓ સતત કામ કરતા જ રહ્યા છે.

    સંશોધનાત્મક પત્રકારત્વમાં પણ તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમની સ્ટોરીઓના પડઘા ગુજરાત વિધાનસભામાં અને સંસદમાં પડ્યા હોય તેવું પણ બન્યું છે.

    સતત સંઘર્ષ કરતા રહ્યા છે. સતત મથતા રહ્યા છે. જોકે, ક્યારેય હાર્યા કે થાક્યા નથી. તેમનો અંદરનો પાવર ખૂબ મજબૂત છે.

    અને એનાથીયે મજબૂત છે જીવનસાથી ઈલાબહેનનો સાથ. તેમને એક શક્તિશાળી, બહાદુર અને પ્રેમાળ જીવનસાથી મળ્યાં છે. તેમણે જીવનની દરેક ક્ષણે ભાર્ગ‌‌વભાઈને સતત સાથ આપ્યો છે. સુખ હોય કે દુઃખ, તડકો હોય કે છાંયડો, ચડાવ હોય કે ઉતાર, આનંદ હોય કે વિષાદ… ઈલાબહેન ભાર્ગવભાઈની શક્તિ બનીને સતત તેમની સાથે હાજરાહાજૂર રહ્યાં છે.

    બીજી શક્તિ મળી, દીકરીની. તેનું નામ કવની. કવન પરથી નામ પાડ્યું કવની. કવનીનો અર્થ થાય છે, આત્માથી લખાયેલી કવિતા. કવનીએ પણ પિતાને ખૂબ સાચવ્યા. ખાસ કરીને નબળા સમયમાં. કોઈ પણ વ્યક્તિ હોય તેના જીવનમાં નાજુક અને નબળો સમય આવતો જ હોય છે. ભાર્ગ‌‌વભાઈ આવા એક નાજુક સમયમાંથી પસાર થતા હતા ત્યારે દીકરી કવનીએ, તેમને પૂછ્યા વિના, તેમના માટે યોગ્ય તેઓ નિર્ણય કર્યો હતો. ભાર્ગવભાઈને નવાઈ પણ લાગી હતી અને સારું પણ લાગ્યું હતું.

    પિતાનું ઘર છોડતી વખતે ધોધમાર આંસુ વહેવડાવતી મોટાભાગની દીકરીઓ પિતાનાં આંસુ લૂછનારી હોય છે એ ભૂલવા જેવું નથી. હવે તો આઈટી એન્જિનિયર કવની પરણીને પતિ સાથે પૂણેમાં સ્થાયી થઈ છે.

    ભાર્ગવભાઈની આંખોમાં તમે જુઓ છો અને તમને વંચાય છે કે, મેં મારાથી થઈ શકે તેવું શ્રેષ્ઠ પત્રકારત્વ કર્યું તેનો મને સંતોષ છે. ભાર્ગવભાઈ, જે બાબત માટે તેમને સંતોષ છે તે બાબત માટે ગુજરાતને આનંદ અને ગૌરવ છે.

    વેલડન ભાર્ગવભાઈ.

    તમારા પિતાએ ગુજરાતી પત્રકારો માટે, ઘણો વ્યક્તિગત ભોગ આપીને કામ કર્યું હતું. પત્રકારોને સારાં પગારધોરણ તેમના પ્રયત્નોથી મળતાં થયાં હતાં. તમારાં માતા સતત આગ્રહ રાખતી હતી કે, ઘરમાં એક પણ અણહક્કનો પૈસો ન આવવો જોઈએ. તમે માતા અને પિતા બંનેને પરમ સંતોષ થાય તે રીતે પત્રકારત્વ કરી દેખાડ્યું છે. આ જ એક મોટો એવોર્ડ છે.

    અને હા, તમને નચિકેત એવોર્ડ મળી રહ્યો છે તેનો અમને બધાને પણ ઘણો આનંદ છે.

    સાચો પત્રકાર એ કહેવાય છે જે સતત લોકોની વચ્ચે રહે છે. તેના પગમાં જે ફોલ્લા પડે તેના વડે જગતનો ઈતિહાસ લખાય છે. તમે એવા જ પત્રકાર છો, જેના પગમાં પડેલા ફોલ્લા અને હાથમાં ઉઠેલા છાલ્લા વડે ગુજરાતના ઈતિહાસનાં ઘણાં પ્રકરણો લખાયાં છે.

    ભગવાન તમને નિરામય દીર્ઘાયુ આપે અને તમે તમારા સપનાં પ્રમાણે, જીવનના ઉત્તરાર્ધમાં, સાબરકાંઠાના કોઈ ગામમાં બેસીને, ગામનું ઉત્થાન કરતાં કરતાં નિરાંતવી જીવન સંધ્યા માણો.

    શ્રી ભાર્ગવ પરીખનો સંપર્ક નંબરઃ 96876 10860 છે.

    (પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્નાઃ 9824034475)

  • સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    સાબરકાંઠામાં એક એન્જિનિયરે શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    નીરવ જોષી, હિંમતનગર

    પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને પ્રશિક્ષિત કરતા સગરામપુરા કંપાના યુવા એન્જીનીયર ખેડૂત

    શિક્ષણ-ટેકનોલોજી અને ખેતીના સમન્વયથી કૃષિની નવી દિશા ચિંધી

    પ્રાકૃતિક ખેતી તમામ સમસ્યાઓનું સમાધાન અને નિરોગી જીવનનો પથ છે.— એન્જિનિયર દીક્ષિતભાઈ પટેલ

    વર્ષોથી રાસાયણીક ખેતી થતી હોય એવા પરિવારના વ્યવસાયે એન્જિનિયર યુવાન ખેડૂતને વિચાર આવે કે, કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ અને અવનવા સંશોધનોના કારણે કૃષિ ઉત્પાદન તો મબલખ મળે પણ સામે ખર્ચનું પ્રમાણ કેટલું મોટું ? આ રીતે ખેડૂત ખેતીમાં કઈ રીતે લાંબા ગાળા સુધી ટકી શકે.  

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સગરામપુરા કંપાના યુવાન એન્જિનીયર  પણ ખેતીમાં વિશેષ રસ ધરાવતા દીક્ષિતભાઈ પટેલ આવું જ વિચારે છે, અને એટલે જ દીક્ષિતભાઈ પોતાનો ધીકતો એન્જીનીયરીંગનો ધંધો છોડી, ગાંધીનગરની પોતાની ઓફીસને ખેડુત તાલીમ કેંદ્રમાં ફેરવી પ્રકૃતિ ખેતી તરફ ખેડૂતો વળે તે માટે સુભાષ પાલેકરજીની સાથે સાથે પોતે પણ ગુજરાતના ગામડાઓ ખુંદી પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવામાં લાગી ગયા છે.

         દીક્ષિતભાઈ કહે છે કે, વ્યવસાયે મારા પિતા ખેડૂત, પરંતુ હું વ્યવસાયે એન્જિનિયર છું એન્જિનિયરિંગ માં ભણ્યા પછી હું એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વ્યવસાયે ગયો, પરંતુ ખેતી મારા બાપ-દાદા નો વ્યવસાય હોવાથી ખેતીમાં પણ મને એટલો જ રસ હતો. હું પણ રાસાયણિક ખેતી જ કરતો પરંતુ તેમાં  ખર્ચ વધુ અને નફો ઓછો મળતો હોવાથી મને એમ થયું કે આપણે બહુ ખોટા રસ્તે છિએ. શોધ કરતા કરતા રાજીવ દીક્ષિતના પ્રવચનો મારા સાંભળવામાં આવ્યા તેમાંથી મને ઘણી પ્રેરણા મળી ત્યારબાદ મને સુભાષ પાલેકરજીનો ઓનલાઈન સંપર્ક થયો. તેમનું કૃષિ સંબંધિત તમામ સાહિત્ય ઓનલાઇન વાંચ્યા પછી વર્ષ ૨૦૧૫માં ત્રણ દિવસની વર્કશોપમાં જોડાયો. ૨૦૧૬થી હું સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું જેના મને ખૂબ જ સુંદર પરિણામો મળ્યા છે.

           આ પરિણામો બાદ ખેતી તરફનો મારો અભિગમ બદલાયો પ્રકૃતિ ખેતીનો વ્યાપ વધારવાના કાર્યમાં હું પોતે પણ લાગી ગયો. આજે મેં મારો એન્જિનિયરીંગનો વ્યવસાય છોડી સંપૂર્ણ ખેડૂત બની ગુજરાતના ખેડૂતો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અમે વર્કશોપ યોજીને તાલિમ આપી રહ્યા છીએ.

          અમારા ખેતરમાં કેળાની દેશી ગાંઠ રૂ ૪/- ની મળે છે તે વાવી છે.  આ ગાંઠ એક વખત  વાવ્યા પછી તે વર્ષો વર્ષ ચાલ્યા જ કરશે. જેથી એક મોટો ખર્ચ બચી જાય છે. અમે માત્ર બે ગાયના ગોબર અને ગૌ-મૂત્ર અને અન્ય પ્રાકૃતિક પદાર્થોમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવીએ છીએ. કોઈપણ જાતના અન્ય ખાતરની જરૂર રહેતી જ નથી જીવામૃત ત્રણ ત્રણ મહિનાની છાંટીએ તો પણ ઉત્તમ પરિણામ મળે છે.

        આજે મારા ખેતરમાં અંદાજે ૩૦થી ૪૦ કિલો સુધીની કેળાની લુમ છોડ પર ઝૂલી રહી છે. હાલ અઢી એકરમાં કેળાની ખેતી કરી છે અને બાકીના અઢી એકરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. કેળાના ખેતરમાં ૩૦૦૦ છોડ છે. ૧૬ કિલોની લૂમ સહેજે મળે છે એ જોતા અંદાજે ૨૦ મેટ્રિકટન કેળાનું ઉત્પાદન થાય  હોલ સેલ બજારમાં રૂ.30ના કિલોના ભાવે વેચાય છે. રિટેલમાં રૂ. ૪૦-૪૫ના ભાવે વેચાય આ ગણતરી કરતાં રૂ. અઢી એકરમાં ૧૨ થી ૧૩ લાખની કેળાની ખેતીની આવક થાય છે.  

        વધુમાં દીક્ષિત ભાઈ જણાવે છે કે બાકી અઢી એકર જમીનમાં અલગ અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરું છું અમે એક સાથે શાકભાજી વાવવાને બદલે અલગ અલગ સમયે જુદી-જુદી શાકભાજી વાવીએ છીએ. જેમાં હાલ હળદર, આદુ, મેથી, લસણ, ડુંગળી વગેરે તેમજ  ફળમાં પપૈયા, તરબૂચ સક્કરટેટી જેવા ફળો કરૂ છે. કેળા -શાકભાજીની ખેતીની વાત કરીએ તો આ ખેતરમાંથી ૧૮થી ૨૦ લાખ મને મળવા જોઈએ એવું મારું લક્ષ્યાંક છે.

             દિક્ષિતભાઇ હાલ ગાંધીનગર ખાતે રહે છે. ખેતી માટે દસેક દિવસે ગામડે આવે છે.પોતાની  જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરે છે. આ ખેતી પ્રકૃતિ, પાણી, આરોગ્ય, પર્યાવરણ તમામ સમસ્યાઓનુ સમાધાન છે.  

        દીક્ષિતભાઈએ અત્યાર સુધીમાં ગુજરાતના ૨૫ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે તેમનુ કૃષિ ઉત્પાદન જોઈ આસપાસના ખેડૂતો પણ આ ખેતી તરફ વળ્યા છે, જે આપણા માટે ખુબ જ સારી વાત છે. પ્રાકૃતિક ખેતી હાલની તમામ સમસ્યાઓનું સમાધાન કરનારી અને નીરોગી તંદુરસ્ત જીવન આપનારી ખેતી બનશે. ખેડૂતોનો ખર્ચ ઘટાડવાથી અને ઉત્પાદન વધવાથી ભવિષ્યમાં ખેડૂતોની આવક બમણી થશે સાથે તમામ લોકોનું જીવન નિરોગી બનશે.  

    (આવી પ્રકારની પ્રેરણાત્મક અને અવનવી ન્યુઝ સ્ટોરી કરવા માટે સંપર્ક કરો: 9106814540 & 9662412621(WhatsApp)

  • સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા

    સૂર્યદેવનું ઉપાસનાનું અનેરું પર્વ છે છઠ પૂજા, હિંમતનગરમાં પણ બિહારી પરિવારો ઉજવે છે છઠ પૂજા

    નીરવ જોષી, હિંમતનગર

    બિહારમાં ઉજવાતું અને સમગ્ર ભારતમાં પણ જાણીતું સૂર્ય ઉપાસનાનું પર્વ એટલે કે છઠપૂજા આજથી શરૂ થઈ હતી. આજનો દિવસ  ખરના તરીકે ઓળખાય છે. આવતીકાલે છઠ પૂજા નો મુખ્ય દિવસ એટલે કે આથમતા સૂર્યને અર્ધ્ય આપવાનો દિવસ છે. આ દિવસના છઠ પૂજાના ઉપવાસી ભક્તો આખો દિવસ માં છઠ્ઠી મૈયા ને યાદ કરી ને ગીતો ગાય છે તેમજ ચૂલા પર લાકડીના બળતણ તરીકે વાપરીને કાંસાના વાસણમાં રસોઈ રાંધે છે. આજે સાંજે ખીર અને રોટલીનો પ્રસાદ બધા ભક્તો એ પ્રેમથી લીધો હતો.

    છઠના દિવસે પૂરેપૂરો નકોરડો ઉપવાસ કરવામાં આવે છે અને છાબડીમાં ફળો અને બીજી બધી જ સામગ્રી લઇ ને સુરજ ને અર્પણ કરવામાં આવે છે.

    આખો દિવસ નકોરડો ઉપવાસ કરે છે સાથે સાથે સાંજે પાણીમાં કમર સુધી ઊભા રહીને ઢળતા સૂર્યને એટલે કે આથમતા સૂર્યને અર્ધ્ય આપી ભગવાન સૂર્યનારાયણનો જીવનમાં મંગલમય પ્રવેશ કૃપા દ્રષ્ટિ થાય તેવું આહવાન કરે છે અને આખી રાત કેટલીકવાર જાગરણ કરે છે.

    ત્યારબાદ બીજા દિવસે સવારના સૂર્યોદયના સમયે ઉગતા સૂરજને કમર સમા પાણીમાં ઉભા રહીને સૂર્યનારાયણ અર્ધ્ય આપીને છઠ પૂજા નું પર્વનું સમાપન કરે છે.

    આજ રોજ છઠ પૂજા ની શરૂઆતમાં હિંમતનગરમાં આવેલા બિહારના વતનીઓ કે જેઓ અહીંયા ઘણા વર્ષોથી વસી રહ્યા છે તેમણે છઠ પૂજા નો ભાવ ભક્તિથી પ્રારંભ કર્યો હતો.

    આશરે ૨૦થી ૨૫ કુટુંબો મહાવીર નગર પાસે આવેલી એક સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ બધા મોટેભાગે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરે છે આ પરિવારોમાં છઠ પૂજાને લઈને અનેરા ઉત્સવનુ વાતાવરણ જોવા મળતું હતું.