કેટેગરી ધર્મ-દર્શન

  • ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

    ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે

    ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ

    આજનો દિવસ – પ્રકરણ ૧૧
    ૧૩/૦૯/૨૦૨૬
    વાંચન સમય = પાંચ મિનિટ
    ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત શીખી ના શક્યા પણ તેમની આંઠ વર્ષની દીકરી આ સંગીત શિક્ષક પાસે સંગીતના પાઠ શીખવા લાગી.
    આ દીકરી એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે. આજે તેમની ૯૫ મી જન્મજયંતિ છે. (જન્મ તારીખ = ૧૩/૦૯/૧૯૩૨). તેમણે B.Sc, LLB અને પછી શાસ્ત્રીય સંગીતમાં ‘સરગમ’ના ઉપયોગ પર Phd કર્યું. વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, સંગીત, અભિનય, ગાયકી, લેખન, દસ્તાવેજીકરણ અને સંશોધન એમ નવ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ ભારત સરકારે તેમને ત્રણેય પદ્મ એવોર્ડ – પદ્મશ્રી (૧૯૯૦), પદ્મભૂષણ (૨૦૦૨) અને પદ્મવિભૂષણ (૨૦૨૨) થી સન્માનિત કરી તેમની પ્રતિભાને ઓળખ આપી. ઘણા રાજ્યોએ તેમના સંગીત ક્ષેત્રના સર્વોચ્ચ એવોર્ડ પ્રભાજીને આપ્યા.

    મૂળ કિરાના ઘરાનાની ગાયકી કરી પણ પોતે સંશોધન કરી સંગીત જગતને ૧૭ જેટલા નવા રાગો આપ્યા. કિરાના ગાયકીને આધુનિક આયામ આપ્યો. ૧૯૫૦ થી ૧૯૬૦ દરમ્યાન મરાઠી સંગીત નાટકોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો. તેઓએ પોતાની ૨૦ થી ૮૦ વર્ષ સુધીની ઉંમર દરમ્યાન ૬૦ વર્ષની સંગીત સાધના સાથે ઓલ ઇન્ડિયા રેડિઓમાં, મુબઈની SNDT કોલેજમાં સંગીત વિષયના હેડ તરીકે, મરાઠી નાટકોમાં સંગીત ગાયકી સાથે અભિનય, ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શાસ્ત્રીય સંગીતમાં પ્રખ્યાત સંગીતકારોને તાલીમ આપવી, ઘણી વિદેશી યુનિવર્સીટીમાં લેકચરર તરીકે તેમજ ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી.

    સંગીત વિશ્વમાં ભારતીય શાસ્ત્રીય સંગીત એક સંગીત તરીકે જાણીતું હતું. પ્રભાજીએ સાસ્ત્રીય સંગીત સાથે ગઝલ, ભજન અને નાટ્યસંગીતને ગાયકી સાથે જોડી સંગીત દુનિયાને એક નવો અનુભવ કરાવ્યો. વન ટુ વન તાલીમ આપી ૨૦ જેટલા વિધાર્થીઓને શાસ્ત્રીય સંગીત શીખવ્યું જેઓએ પણ આગળ જતા દેશ-વિદેશમાં પ્રદાન કર્યું. SNDT કોલેજમાં ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ તેમના હાથ નીચે સંગીત શિક્ષણ લીધું.

    તેમણે કહ્યું, ‘સંગીતમાં અમુક રાગો અમુક સમયે જ ગવાય તે વાત ખોટી છે. રાગ ભૈરવ સવારે જ ગવાય અને રાગ યમન રાત્રે જ ગવાય તે માન્યતા ખોટી છે. જો કોઈ કલાકાર સવારના રાગોને સુંદરતા અને સાચા ભાવોથી રાતના સમયે ગાય તો શ્રોતાઓને સવારનો અહેસાસ થશે. સંગીત લાગણીનો વિષય છે. ઘડિયાળના કાંટાઓનો નથી.’ જો કે તેમની આ વાતનો સંગીતના ઘણા ધુરંધરોએ વિરોધ કર્યો હતો.

    ૮૦ માં વર્ષે (૨૦૧૨ માં) લંડનના કવિન એલીથાબેઝ હોલમાં દરબાર ફેસ્ટીવલ વખતે પોતે રચેલ ‘રાગ શ્યામ કલ્યાણ’ રજુ કર્યો તેનાથી દુનિયાભરના સંગીતકારો પ્રભાવિત થયા. ૮૪ માં વર્ષે (૨૦૧૬ માં) દિલ્હી ખાતે એક જ દિવસમાં એક જ મંચ પરથી એક સાથે સંગીતના વિષય પર અંગ્રેજી અને હિન્દીમાં ૧૧ પુસ્તકો લોન્ચ કરી વિશ્વરેકોર્ડ રચ્યો. આ ૧૧ પુસ્તકમાં ‘Enlightening the Listener’ પુસ્તકની ઓડીઓ આવૃત્તિ રજુ કરી. જે સામાન્ય શ્રોતાને શાસ્ત્રીય સંગીતની સમજ આપે છે. આ પુસ્તકને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. શાસ્ત્રીય સંગીતનું તે બાયબલ ગણાય છે.

    ૧૨ જાન્યુઆરી ૨૦૨૪. મોડી રાતનો સમય. સ્થળ પુના. ૯૧ વર્ષની ઉંમરે પ્ર્ભાજી પોતાના શિષ્યો સાથે બેઠા હતા. બીજા દિવસે એટલે ૧૩ જાન્યુઆરી અને ૧૬ જાન્યુઆરીના દિવસે મુબઈ ખાતે તેમના લાઈવ પ્રોગ્રામ હતા. ક્યા ક્યા રાગ રજુ કરવા તેની ચર્ચા મોડી રાત સુધી ચાલતી રહી. ૧૩/૦૧/૨૦૨૪ ની સવારે ૫.૩૦ વાગ્યે ઊંઘમાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા.

    છેલ્લો બોલ :
    ૧૬ – ૧૭ એપ્રિલ ૨૦૨૬. દિલ્હીનું ‘ઇન્ડિયા હેબિટેટ સેન્ટર’. અહીં તેમના ખાસ શિષ્યોએ તેમના જીવનકાળ દરમ્યાન તેમણે રચેલા અને આધુનિક આયામ આપેલ ૧૭ દુર્લભ રાગો અને સ્વરોને ‘નવરાગ પ્રભા’ નામના સંગીત કાર્યક્રમ દ્વારા એક જ મંચ પર એક સાથે રજુ કરી ગુરુજીને શ્રદ્ધાંજલિ આપી સંગીત દુનિયાને જણાવ્યું કે ડો. પ્રભાજીનો સંગીત વારસો જીવંત છે.


    ડો.આશિષ ચોક્સી

    (drashishchokshi.com)

  • કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

    કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

    નીરવ જોશી, અમદાવાદ (M-9662412621, 9662412621)

    કુમકુમ મંદિરના સંતો દ્વારા ઇંગ્લેન્ડના સૌથી મોટા તળાવ ‘લેક ડિસ્ટ્રિક્ટ’ (વિન્ડરમેર) ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર કરવામાં આવ્યો.

    *જીવનમાં પૈસા જરૂરી છે, પરંતુ તે સાધન છે, જ્યારે પરમેશ્વર સાધ્ય છે. તેથી પૈસા કરતા પરમેશ્વરને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી લેક ડિસ્ટ્રીક્ટ – વિન્ડરમેરની ભૂમિ ઉપર સત્સંગ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ નૌકા વિહાર કરવામાં આવ્યો હતો.

    *આ પ્રસંગે ​કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, “આજના ભાગદોડભર્યા અને તણાવપૂર્ણ યુગમાં, ખાસ કરીને યુવા પેઢીને પ્રકૃતિના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની અને ગુરુની દિવ્યતાનો અનુભવ કરાવવો એ સમયની માંગ છે. જ્યારે મનુષ્ય કુદરતના ખોળામાં બેસીને પરમાત્માનું સ્મરણ કરે છે, ત્યારે તેને સાચી શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.” તેથી આ સ્થળે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે.

    ઇંગ્લેન્ડનું સૌથી મોટું તળાવ ​વિન્ડરમેર છે.

    શ્રી મુક્તજીવન સ્વામીબાપા આ સ્થળ ઉપર ઈસ. 1979 માં પધાર્યા હતા. તેમના ચરણારવિંદથી આ ભૂમિ પાવન થયેલી છે. તેથી આ દિવ્ય ભૂમિના દર્શન કરવા માટે અને ગુરુસ્મૃતિ માટે આપણે એકત્ર થયા છીએ.

    આપણા મહાન સંતો જ્યાં પણ પધાર્યા છે, ત્યાં તેમણે પ્રકૃતિની જતન કરવાની અને પર્યાવરણ પ્રત્યે પ્રેમાળ બનવાની પ્રેરણા આપી છે.

    ગુરુએ આપણને શીખવ્યું છે કે, જીવનમાં સુખી થવું હોય તો, પૈસા જરૂરી છે. પરંતુ પૈસા એ સર્વસ્વ નથી, પૈસા સાધન છે, જ્યારે પરમેશ્વર એ સાધ્ય છે.

    તેથી જીવનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેટલું મહત્વ આપવામાં આવશે તેટલી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.

    આ માનવ જીવન પ્રાપ્ત થયા પછી આપણું જીવન સદાચારમય અને ભક્તિમય હોવું જોઈએ. શીલ, સંતોષ, સંસ્કાર આદિ શુભ ગુણોથી જ જીવન સુખમય બને છે.

    આજના દિવસે આપણે સૌ કોઈએ ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ બતાવેલા સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાના શપથ લેવા જોઈએ.

    ​આ કાર્યક્રમના અંતમાં યુવાનો અને ભક્તોએ ભાવવિભોર બની શ્રી હરિ અને ગુરુના ચરણોમાં વંદન કરી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને તેમના બતાવેલા સત્ય, સેવા અને ભક્તિના માર્ગે ચાલવાના દ્રઢ સંકલ્પો લીધા હતા.

    અંતમાં, સર્વે માટે વિશ્વશાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી.

  • મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ

    મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ

    નીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134  & M-9662412621)

    તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ હાઉસ પાસે જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે…અહીંયા ભગવાન સ્વામિનારાયણનું ખુબ સુંદર મંદિર છે અને સાથે અતિથિગૃહ તેમજ સ્વામિનારાયણ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલય હરિભક્તો માટે  પણ તેમજ ગુજરાતી પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલું છે…

    આ મંદિરના મહંત શ્રી દિવ્ય વિભૂષણ સ્વામી સાથે વાતચીત કરીને તેમણે આપેલી માહિતી પ્રમાણે આ મંદિરની તેમજ આ મંદિરના સ્થાપક અને પ્રેરણામૂર્તિ મુક્તજીવન સ્વામી બાપા અને પુરુષોત્તમપ્રિયદાસજી ના જીવનની આછેરી ઝલક મેળવી હતી. આજથી 83 વર્ષ પહેલા આ સંપ્રદાયના આદ્ય સ્થાપક મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આધ્ય સ્થાપક મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાન અને જીવન પ્રાણ અબજીબાપા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ના સર્વોપરી સિદ્ધાંતો ના વિશ્વમાં વિશ્વમાં પ્રસાર અને પ્રસાર કરવા માટે આ સંસ્થાનું સ્થાપન કર્યું હતું – સ્થાપન કર્યું છે. અબજીબાપા અને મુક્તજીવન સ્વામિનારાયણ બાપા –સંત વિભૂતિ એ શિક્ષણ અને માનવ કલ્યાણના કેવા અદભુત કાર્ય કર્યા હતા ..તે તો આ મંદિરની મુલાકાત લઈએ અને સંતો પાસેથી સાંભળીએ ત્યારે જ ખબર પડે.. આ મંદિરમાં મહંત સ્વામી સાથે કુલ પાંચ સંતો રહે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સમય આપે છે… તેમજ અભ્યાસ માટે તેઓ સંસ્કૃત ભાષામાં વિદ્વાન બની રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરનું 28 તેમજ ત્રણ હોલ ધરાવતું અતિથિગૃહ ખુબ સરસ સગવડ ધરાવે છે અને તેનું ફરીથી નવીનીકરણ થઈ રહ્યું છે..

    આ સંસ્થા અંગે નો એક વિડિયો પણ જોવા જેવો છે, જે આ સંસ્થાની વિગતે વાત કરે છે


    *** મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ અને તેનો આછેરો પરિચય***

    આજથી વર્ષો પહેલા અમદાવાદમાં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મની સાથે માનવતાવાદી અને ચેરિટી કાર્યોની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અદ્ભુત સામાજિક કાર્યો કર્યા છે.

    મંદિરની સાથે શૈક્ષણિક શરૂઆત માટે શ્રી સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી હતી. સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે પણ સંતો ભક્તોને પ્રોત્સાહન આપે છે.

    મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણ તુલા થઈ ત્યારે આવેલા દાનને એ સ્ટેજ ઉપરથી જ તેમણે સ્કૂલ અને કોલેજ માટે આપી દીધું. ઓછી ફીમાં ચલાવવામાં આવતું સ્વામિનારાયણ છાત્રાલય પણ સ્વામીબાપાના શિક્ષણ પ્રેમનું ઉદાહરણ છે. જ્યાં આજે પણ બાળકોને નામ માત્રની ફી લઈને ભણાવવામાં આવે છે. અમદાવાદમાં શાહઆલમ જેવા વિસ્તારમાં ગરીબો અને મધ્યમવર્ગીય બાળકો અભ્યાસ કરી શકે તે માટે સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનો પ્રારંભ કરાવ્યો. ગરીબ અને વંચિત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળાઓ, કોલેજો, છાત્રાલયો અને પુસ્તકાલયો શરૂ કરાવ્યા. આ ઉપરાંત, મહિલાઓ માટે વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓની પણ સ્થાપના કરી છે. પંચમહાલ જેવા વિસ્તારમાં પણ સ્કૂલો અને કોલેજો બનાવી બાળકોને ઉત્તમ ભણતર મળે તેવા પ્રયાસો હાથ ધરાયેલા છે.

    મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ સંત હતા જેમણે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. સંગીત ક્ષેત્રે પણ સંસ્થા દ્વારા ચાલતી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ આગવી ઓળખ બની ચૂકી છે. આજે 7 જેટલા દેશોમાં સ્કોટિશ પાઈપ બેન્ડ પણ ભક્તિના સૂરો રેલાવે છે.

    સમાજના છેવાડાના લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે તેમણે અનેક ક્લિનિક્સ, જનરલ હોસ્પિટલો અને શ્રી મુક્તજીવન સેવાશ્રમ જેવી ભક્તોને રહેવાની ઉત્તમ સુવિધા મળી રહે તેવી સંસ્થાઓની સ્થાપના કરી છે. કચ્છ ભૂજમાં પણ કચ્છી સમાજ દ્વારા ચાલતી હોસ્પિટલોને ઉત્તમ સુવિધાઓ મળે તે હેતુથી 25 કરોડ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું હતું.

    આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કાર્ય માટે માનવતાની સેવા માટે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ફોર્સની સ્થાપના કરી હતી. આ સંસ્થા પૂર કે ધરતીકંપ જેવી આપત્તિઓમાં એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહનો અને બોટ દ્વારા લોકોને મદદ પૂરી પાડે છે.

    મુક્તજીવન સ્વામીબાપાના રાહે જ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ એવા જ સેવા કાર્યો કર્યા છે. મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિમાં તૈયાર થયેલું ગુરુભક્તિનું નૌતમ નજરાણું એટલે ઘોડાસર સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર. સંગેમરમરનું આ સ્મૃતિ મંદિર વિશ્વશાંતિ કેન્દ્ર તરીકે ઓળખાય છે.

    દિલ્હી સિવિલલાન્સ વિસ્તારમાં આવેલ મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરના સંપર્ક નંબર નીચે મુજબ છે.

    દિવ્યવિભૂષણ સ્વામી મહંત – સ્વામીનારાયણ મંદિર (7982539281)

    વસંતભાઈ પંચાલ – મેનેજર સ્વામિનારાયણ મંદિર (9953171701)

    મિતુલભાઈ – સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ (7069832717)

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પીએમ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી

    નીરવ જોશી, દિલ્હી  (M-7838880134 & 9662412621)

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે નવી દિલ્હીમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શુભેચ્છા મુલાકાત કરી

    ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

    રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત લોકભવનના દિશા-નિર્દેશોથી સમગ્ર ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, નગરપાલિકા-મહાનગરપાલિકામાં વીજળી બચતનું અભિયાન મિશન મોડ પર ચાલી રહ્યું છે.

    મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, સંસ્કાર, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા વગેરે માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીશ્રીને આપી હતી. આ ઉપરાંત ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા સકારાત્મક પ્રતિભાવો વિશે પ્રધાનમંત્રીશ્રીને અવગત કર્યા હતા.


    નોંધનીય છે કે ગુજરાતના ગવર્નર ભવનમાં  છેલ્લા છ દિવસથી આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ ના વ્યાસપીઠે રામકથા નું શુભારંભ થયો છે.. અને આજે છઠ્ઠો દિવસ… સમાપન પહેલાનો દિવસ હતો…

    ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનો પાંચમો દિવસ

    આચાર્ય શ્રી કુલદીપજી મહારાજ

    *શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્વ સાસુનું છે*

    જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી

    ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કૈકેયી દ્વારા પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને શ્રીરામના વનવાસની માંગણી, શ્રીરામનો પરિવારના સભ્યો સાથેનો સંવાદ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ઉપસ્થિત ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા.

    કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના કુસંગને કારણે કૈકેયી દ્વારા માંગવામાં આવેલા બે વરદાનથી મહારાજા દશરથની મનોવ્યથાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જ્યારે કૈકેયીએ ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની વાત કરી ત્યારે શ્રીરામની મનોસ્થિતિ એવીજ રહી જ્યારે રામરાજ્યભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આચાર્યશ્રીએ સમાજને સંદેશ આપતા કહ્યું કે, પરિવારમાં ભંગાણ ત્યારે જ આવે છે જ્યારે સાસુ-વહુ એકબીજા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામકથા તો મૈત્રી અને સંસ્કારોનું મિલન શીખવે છે.

    સીતાજી જ્યારે શ્રીરામ સાથે વનવાસમાં જવા માટે જીદ કરે છે, ત્યારે તેમણે આપેલું નિવેદન અત્યંત હૃદયસ્પર્શી હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી. સીતાજીના વનગમન માટે માતા કૌશલ્યાની આજ્ઞા લેવાનો પ્રસ્તાવ એ ભગવાન રામની મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ છે.

    માતા કૌશલ્યા અને સીતાજીના સંવાદ દ્વારા આચાર્યશ્રીએ આજના યુગ માટે શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્ત્વ સાસુનું છે. કૌશલ્યા માતાએ સીતાજીને આશીર્વાદ આપતા કહ્યું કે, વનને પણ તું તારું સાસરૂં સમજીને રહેજે. આ સંવાદમાં જ તે મંત્ર છુપાયેલો છે જેનાથી પરિવારમાં ઊંચા આદર્શો સ્થાપિત કરી શકાય છે. રામકથાના આ પાંચમા દિવસે ભજન અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.

    આ કાર્યક્રમની શરૂઆતમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

  • સવગઢ ગામે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

    સવગઢ ગામે બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    તાજેતરમાં બીજી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં હનુમાન જયંતિ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ હનુમાન ભક્તોએ ભક્તિપૂર્વ હનુમાન દાદાના મંદિર શણગારીને ગામના લોકોને આમંત્રણ આપીને હનુમાન જયંતીની ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. હિંમતનગર તાલુકાના પાણપુર ગામે જે સવગઢ તરીકે પણ ઓળખાય છે, ત્યાં આવેલા બાલા હનુમાન મંદિરે પ્રજાપતિ સમાજ, દરજી સમાજ તેમજ પંચાલ સમાજ અને અન્ય હિન્દુ ભક્તો વડે હનુમાન દાદાની જયંતિ ની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણપુર ગામના મુસ્લિમ બિરાદરો એ પણ હનુમાન દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો

    ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ, દરજી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર હવન ,પૂજન ,મહા આરતી અને મંદિરના શિખરે નવી ધ્વજાને હનુમાન દાદાને અર્પણ કરીને ભક્તિ ભાવપૂર્વક હનુમાન જયંતિ નો લાભ લીધો હતો, તેમજ મહાપ્રસાદ પણ ભક્તોને ભાવપૂર્વક કરાવ્યો હતો.

    સવગઢ ગામમાં અમુક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના હિન્દુઓ હવે બ્રહ્માણી નગરમાં રહે છે, પરંતુ તેમના વતન પાણપુરમાં હનુમાન મંદિરે અચૂક હનુમાન જયંતી ઉજવવા મોટી સંખ્યામાં હાજરી આપે છે અને મિત્રોને પણ સાથે લઈ હનુમાન જયંતિ ને ભવ્ય બનાવે છે. ભક્તોની હાજરીથી હનુમાન મંદિર ખૂબ જ ભક્તિ વાતાવરણ જીવંત બની ગયું હતું. વડીલોની સાથે યુવાનોએ પણ હનુમાન જયંતિ માં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

  • હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું યાદગાર આયોજન અને હિન્દુ અસ્મિતાનો સંકલ્પ

    હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું યાદગાર આયોજન અને હિન્દુ અસ્મિતાનો સંકલ્પ

    સંકલન: નીરવ જોશી, હિંમતનગર M-9106814540

    હિંમતનગરના ગોકુલનગર વસ્તીમાં થયેલ ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન.

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા સંદર્ભે સમગ્ર ગુજરાત અને ભારતમાં અનેક રાજ્યો / વિસ્તારોમાં હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજન

    હિંમતનગરના ગોકુલનગર વિસ્તારનું હિન્દુ સંમેલન શાંતિનગર સોસાયટીના કોમન પ્લોટ માં દબદબાભેર યોજાયું. જેમાં મુખ્ય અતિથિ પદે જયંતીભાઈ જે. પટેલ (નિવૃત્ત જિલ્લા રજીસ્ટ્રારશ્રી) મુખ્ય વક્તા પદે કૈલાશભાઈ ત્રિવેદી (ગુજરાત પ્રાંત કાર્યકારિણી સદસ્ય,આર.એસ.એસ.) માતૃશક્તિ પદે શ્રીમતી ઉર્વશીબેન ત્રિવેદી (ઉપાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા જિલ્લો) તેમજ વિસ્તારના ગણ માન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમની શરૂઆત શંખનાદના મંગલ ધ્વનિ સાથે ભારત માતાની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો.

    સંમેલનના સંયોજક નયનભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચનમાં મહેમાનોને આવકારી સંમેલનની યથાર્થતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગણેશ સ્તોત્ર, નાટીકા તેમજ તલવાર કૌશલ્યના સુંદર પ્રયોગો રજૂ થયા હતા.

    વક્તાઓએ હિંદુ એ સંસ્કૃતિ અને જીવન જીવવાની પદ્ધતિ છે એમ જણાવેલ સાથે મુખ્ય વક્તા દ્વારા સમાજ ને પંચ પરિવર્તન માં સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા અને નાગરિક કર્તવ્ય ની વાત પોતાના વક્તવ્ય માં જણાવી સાથે દેશભક્તિ જાગૃત કરતા પ્રવચનો રજૂ કર્યા હતા .

    કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. અરવિંદ એસ. પટેલ દ્વારા કરવામાં આવ્યું,

    આભાર વિધિ સહસંયોજક પ્રમોદભાઈ જી. પટેલે કરી હતી, કાર્યક્રમ ના અંત માં ભારત માતા ની આરતી કરવામાં આવી હતી, આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ધર્મ પ્રેમી ભાઈ બહેનોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

    આવનારા દિવસોમાં દેશ માટે નક્કર કંઈક કરી છૂટવાની કરી ભાવના સાથે સૌએ કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. સંમેલનને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિ, शांतिनगर societyना युवा वर्ग अन्य कार्यकर्ता અને સૌ બીજી સોસાયટીના હિન્દુ કાર્યકર્તા મિત્રોએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો તેમજ ફરાળી ચેવડા અને ચીકીના પેકેટનું વિતરણ પણ કર્યું હતું.

    આગામી 28 ફેબ્રુઆરીના રોજ હિંમતનગરના મહેતાપૂરા ખાતે પણ ભવ્ય હિન્દુ સંમેલન આયોજિત થનાર છે.

    આ પહેલા 22 ફેબ્રુઆરીના રોજ NG એન્જિ સર્કલ પાસે બ્રહ્માણીનગર વિરાટ હિન્દુ સંમેલન સફળતાપૂર્વક આયોજિત થઈ ગયું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ બાળકો ,ભાઈ ,બહેનો તેમજ વડીલો હાજર રહ્યા હતા.

  • એકલારા ગામમાં મહાકાળી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    એકલારા ગામમાં મહાકાળી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

    નીરવ જોશી,  હિંમતનગર (M-910684540

    આજરોજ મહાકાળી મંદિર એકલારા નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો બીજો દિવસ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને સમાપન થયું હતું. આવતીકાલે એટલે કે 11 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે …જેમાં સવારે 8:30 થી ચાર વાગ્યા સુધી નવ કુંડી પ્રાણ પ્રતિષ્ઠા હવનનું સમર્પણ થશે. માં મહાકાલી નું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને સર્વે ભક્તો મહાપ્રસાદ લઈને છૂટા પડશે.

    એકલારા નવયુવક મંડળ એ આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અને સમગ્ર એકલારા ના મહાકાળી ભક્તોએ ફાળો આપીને પોતાના ગામના મહાકાલી દેવીના મંદિરના પુનઃ નિર્માણ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ જ ભાવભક્તિપૂર્વક સામેલ થયા હતા. થોડા વર્ષો પહેલા આ મંદિર ઘણી ખરાબ હાલતમાં હતું જેથી ભક્તોએ સમગ્ર ગામના મહાકાલી ભક્તોએ ભેગા થઈને આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નિર્ધારિત કર્યું હતું અને તેમાં તેમણે સફળતા મળી હતી..

  • હિંમતનગર: બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વડે શિવાની દીદી પ્રેરિત રાજયોગનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો

    હિંમતનગર: બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વડે શિવાની દીદી પ્રેરિત રાજયોગનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો

    નીરવ જોશી , હિંમતનગર (M-9106814540)

    હિંમતનગર શહેરમાં આધ્યાત્મિક ચેતનાનો અનુભવ કરાવતું એક સરસ રાજયોગ કાર્યક્રમ ગુરૂવારના 15 જાન્યુઆરીના રોજ થઈ ગયો હતો … માઉન્ટ આબુ ના પ્રજાપિતા બ્રહ્માંકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના હિમતનગર સેવા કેન્દ્ર એ ઈશ્વરીય સેવાના ૫૦ વર્ષ માં પ્રવેશ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે બ્રહ્માંકુમારીઝ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા બી.કે.શિવાનીદીદી દ્વારા સદા સ્વથ અને ખુશહાલ જીવન વિષય પર આધ્યાત્મિક પ્રવચન નું આયોજન થયું જેમાં શહેર તથા જીલ્લાના નામાંકિત વ્યક્તિઓએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે મહાવીર નગરમાં વર્ષો પહેલા બ્રહ્માકુમારી સેન્ટર કાર્યરત હતું જે હવે બેરણા રોડ પર ખસેડવામાં આવ્યું છે.

    આ પ્રસંગે શ્રી પ્રફુલભાઈ પટેલ-પૂર્વ ગૃહમંત્રી અને એડમીનીસ્ટ્રેટર દીવ-દમણ, શ્રીમતિ શોભાનાબેન બારૈયા-સાંસદ સભ્ય, શ્રી વી.ડી.ઝાલા-ધારાસભ્ય હિમતનગર, કૌશલ્યા કુંવરબા -ઉપાધ્યક્ષ ભાજપા, શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ-જીલ્લા કલેકટર શ્રી સાં.કાં, શ્રી હર્ષદ.એમ.વોરા-જીલ્લા વિકાસ અધિકારી, શ્રી જે.ડી. પટેલ પૂર્વ પ્રમુખ ભાજપ ડિરેક્ટર શ્રી નાણાપંચ ગુજરાત,શ્રી ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ -પોલીસ અધિકક્ષ શ્રી સાં.કાં, શ્રી કનૈયાલાલ પટેલ-જિલ્લા પ્રમુખશ્રી ભાજપ, શ્રીમતિ ભારતી બેન પટેલ -જીલ્લા પ્રમુખ, શ્રી વિમલભાઈ ઉપાધ્યાય-પ્રમુખ શ્રી નગરપાલિકા, તથા શહેર અને જિલ્લાના મુખ્ય સંત-મહંતશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

    આ પ્રસંગે બ્રહ્માકુમારી જ્યોતિદીદી (સબઝોન ઇન્ચાર્જ બ્રહ્માંકુમારીઝ) એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે ૫૦ વર્ષની જીલ્લાની ઈશ્વરીય સેવાઓ ખુબ વધી છે… એને વિસ્તારવા હાલમાં નવીન ભવન શાંતિ સરોવર નું નિર્માણ પૂરું થવા આવ્યું છે જેનો લાભ લેવા શહેર ની જનતાને અપીલ કરી છે.

    વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો…

    બ્રહ્મકુમાર નરેશભાઈ પટેલ – 9426060972

    વધુમાં તારીખ ૧૭ થી ૧૯ જાન્યુઆરી 3 દિવસ રાજયોગ શિબિર(ડૉ. બી.કે. દામિનીદીદી દ્વારા)નું આયોજન કરેલ છે તેમાં સહભાગી થવા તમામને અનુરોધ કર્યો હતો.


    બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવાશે

    આબુ રોડ, ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦. વિશ્વવ્યાપી આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ભૌતિક સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની ૫૭મી પુણ્યતિથિ આજે ૧૮ જાન્યુઆરીએ વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવશે. વિશ્વભરના હજારો લોકો પ્રાર્થના અને ધ્યાન સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે. બ્રહ્માકુમારીઝ સંસ્થાના શાંતિવનના વિશાળ ડાયમંડ હોલમાં હજારો લોકોની હાજરીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
    ધ્યાન સત્ર સવારે ૩:૩૦ વાગ્યે શરૂ થશે. વિશ્વભરના સંસ્થા સાથે સંકળાયેલા લોકો વિશ્વ શાંતિ કાર્યક્રમમાં ભાગ લેશે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત અને વિદેશમાંથી હજારો લોકો સવારે વિશ્વ શાંતિ માટે શ્રદ્ધાંજલિ અને ધ્યાન કરવા માટે લાઇનમાં ઉભા રહેશે. આ દરમિયાન બ્રહ્મા કુમારીઝ સંસ્થાના અધિક મુખ્ય સંચાલક રાજયોગીની બીકે મુન્ની દીદી, રાજયોગીની બીકે જયંતિ દીદી, સંયુક્ત મુખ્ય સંચાલક રાજયોગીની બીકે સંતોષ દીદી, મહામંત્રી બીકે કરૂણાભાઈ, અધિક મહામંત્રી બીકે મૃત્યુંજયભાઈ સહિત હજારો લોકો ઉપસ્થિત રહેશે.


    ફોટો, 1 બ્રહ્મા બાબા

  • સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સંતાનો ! જે પિતાએ, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા – સાધુ પ્રેમવત્સલદાસજી

    સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ સ્વામિનારાયણ મંદિર( મણીનગર , અમદાવાદ) મો. – ૬૩૫૨૪૬૬૨૪૮ ( 6352466248) 

    કુમકુમ મંદિર દ્વારા સંતાનોને “માતૃપિતૃ ઋણ” સમજાવતું
    “માતાપિતાની સેવા” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

    સંતાનો ! જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો,
    તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતા.- સાધુ પ્રેમવત્સલદાસજી

    સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં “માતૃપિતૃ ઋણ” સમજાવતું સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત “માતાપિતાની સેવા” નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું…

    આ પુસ્તક શ્રી મોતીભાઈ ઠક્કર પરિવાર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું..…

    આ પુસ્તક પ્રકાશન પ્રસંગે *કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.. એ આપણી સંસ્કૃતિ છે. તેથી દરેક સંતાનોની ફરજ બની જાય છે કે,માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે માતાપિતા પેંડા હેંચે છે અને પછી તે મોટા થઈને માતાપિતાને વ્હેંચે છે. એક માતાપિતા ચાર સંતોનોને મોટા કરે છે.પરંતુ ચાર પુત્રો માતાપિતાને રહેવા માટે વારા પાડે છે.

    સંતાનો સંસારની બે મોટી કરુણતા છે, ઘર વિનાની મા અને મા વિનાનું ઘર…તેવું સર્જન ના કરતાં. આજે ઘણા સંતાનો જીવતા મા- બાપને ચૂપ કરે છે અને તે મર્યા પછી તેમને ધૂપ કરે છે.તેનો અર્થ શું છે ? જે પિતાએ જીંદગીભર ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘણપણમાં અંગૂઠો ક્યારેય ના બતાવતા,નહિ તો જીવનમાં કયારેય સુખી નહી થવાય. તમો તમારા માતાપિતાની સેવા કરશો, તો જ તમારાં સંતાનો તમારો આદરભાવ જોઈને તમારી સેવા કરશે.

    સંતાનો યાદ રાખજો કે, તું જન્મ્યો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી.. હવે એટલું ધ્યાન રાખજે, તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય. મા – બાપની આંખોમાં બે વાર આસું આવે છે. દીકરી ઘર છોડે છે ત્યારે અને દિકરો તરછોડે છે, ત્યારે….. જીવનમાં આવી ભૂલ ક્યારેય ના કરતાં.

    અંતમાં સૌ ઉપસ્થિત ભક્તોને આ માતાપિતાની સેવા પુસ્તક સૌને વિનામૂલ્યે ભેટમાં આપ્યું હતું.

    સંકલન : નિરવ જોશી (M-9106814540)

  • ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    ગીતા જયંતી: જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)

    ગીતા જયંતીના જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’ની ઉજવણી ઇડર ટાઉન હોલ ખાતે કરાઇ

    જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન

    ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઇડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતીના અવસરે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ગીતા જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીતામાં આપવામાં આવેલા ઉપદેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ અન્યને પણ મદદ કરીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાત કરે છે કે વિકાસ કરવાનો છે, પણ સાથે વિરાસત પણ જાળવી ને વિકાસ કરવાનો છે. આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે. આ વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે.

    પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા બની રહી છે. સંસ્કૃત એ સંસ્કૃતીની ભાષા છે. વૈદિક ભાષા છે. ભાષાઓની જનની છે. જેને સંસ્કૃત ભાષા શીખી લીધી તે તમામ ભાષા શીખી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે પણ આપણા દેશમાં સંસ્કૃત ભાષાના વિધ્વાનો રહેલા છે. જે આપણી આ સમૃધ્ધ ભાષાને જાણે અને તેને જનજન સુધી પહોંચાડી રહ્યા છે.

    આ પ્રસંગે વક્તા શ્રી પારૂલબેન શુક્લા અને પ્રો. શ્રી અરવિંદભાઇ પટેલે ગીતા જયંતી અને સંસ્કૃત ભાષાના મહત્વ પર સુંદર વક્તવ્ય પાઠવ્યું હતું.

    આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હિમાંશુ નિનામા, ઇડર તા.પં પ્રમુખશ્રી કાંતીભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્યશ્રી મદનસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી પ્રકાશભાઇ પરમાર, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    હિંમતનગર શહેરમાં પણ ગીતા જયંતી પર સ્વાધ્યાય પરિવાર સમગ્ર ગીતાના 18 અધ્યાયનું સામુદાયિક પારાયણ સાંજે 5 થી 9 દરમિયાન તત્વ તીર્થ હોલ શારદા કુંજ સોસાયટી ખાતે કરશે. મહાવીર નગર ચાર રસ્તા પાસે જગન્નાથ ધામ ના ભક્તો ઇસ્કોન સંસ્થા પ્રકાશિત ભગવત ગીતા ગ્રંથનું વિતરણ પણ સમગ્ર દિવસ દરમિયાન કરવાના છે. આ ઉપરાંત શહેરના અન્ય મંદિરોમાં પણ ભગવદ ગીતા જયંતી ઉજવાઈ રહી છે.


     

    હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના કરાટે ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન: ખેલ મહાકુંભ ૨૦૨૫

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત , રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦૦ થી ૫૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    આ સ્પર્ધાનું ટેક્નિકલ સંચાલન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે કરાટે ડો ફેડરેશન ગુજરાત (KDF) અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઈઝર (KIO) નું સભ્ય છે. સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાની અલગ-અલગ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અલગ-અલગ વયજૂથ તથા વજનગૃપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ હવે આગામી રાજ્યકક્ષા ખેલમહાકુંભ કરાટે સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાનું પ્રતિધિત્વ કરશે.

    આ પ્રસંગે રમત ગમત અધિકારી સાબરકાંઠા ત્રિવેણીબેન સરવૈયા, કન્વીનર જુજારસિંહ વાઘેલા, કીર્તિસિંહ વાઘેલા , નટુભાઇ સડાત, નિકુજભાઈ પટેલ, અલ્પેશ રામાણી, તખતસિંહ રાઠોડ સહિત્ના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.